માનવતાનું ઈનામ .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- પોતાના જ અંગત સગાં જ્યારે મુશ્કેલીમાં આવે ત્યારે લોકહીત અને ચેરિટીની વાતો પણ કેટલી પાંગળી બની જાય છે?
આ શ્રમ રોડ ઉપર આવેલી 'જનસંસ્કૃતિ' એન. જી. ઓ.ની ઓફિસમાં સોશ્યલ વર્કર માટેના ઇન્ટરવ્યુ ચાલી રહયા હતા. એક જ જ્ગ્યા માટે કુલ દશ ઉમેદવારોનું લીસ્ટ હતું. એક પછી એક ઉમેદવારના નામ ચપરાશી બોલે એટ્લે ઉમેદવાર અંદર જતા. દશથી પંદર મિનિટ ઇન્ટરવ્યુ ચાલે પછી બીજા ઉમેદવારનો વારો આવે. મુખ્ય ટ્રસ્ટી મહેતા સાહેબ અને બીજા ત્રણ ટ્રસ્ટી સાહેબો ઇન્ટરવ્યુ લઈ રહયા હતા. પહેલા ત્રણ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પતી ગયા પછી ચોથા ઉમેદવારનું નામ ચપરાશી બે વખત મોટા અવાજે બોલ્યો, 'આશાબેન પ્રજાપતિ' પણ તેમનો ક્યાય પત્તો ન હતો.
અંદરથી મહેતા સાહેબ ચિડાયા.'ચાલો,તેના પછીના ઉમેદવારને મોકલો.'
એક પછી એક ઉમેદવારોના ઇન્ટરવ્યુ પૂરા થયા ત્યારે સવારના સવા દશે ચાલુ થયેલ ઇન્ટરવ્યુ ના સાડા બાર વાગી ગયા હતા, ચારે ટ્રસ્ટીઓ હવે ફાઇનલ પસંદગી કરવા બેસી રહયા હતા.
ત્યાં તો આશાબેન દોડતાં દોડતાં આવીને ચપરાશીને વિનંતી કરી 'સાહેબને કહોને, મારે આવતા મોડું થઈ ગયું છે, પણ મારે જોબની ખુબજ જરૂર છે, મારૂ નામ આશા પ્રજાપતિ છે.
આશાની વિનંતીથી ચપરાશીને દયા આવી, અંદર જઈ તેણે વાત કરી.
આશા ગૂજરાત વિદ્યાપીઠમાંથી સારા રેન્ક સાથે એમ.એસ.ડબલ્યુ. થયેલી હતી. તેના માબાપનું એક જ સંતાન.તેના પિતા ખરેખર પ્રજાપતિનું જ કામ કરીને, માટીમાંથી કુંડા, માટલું વિગેરે બનાવી ગુજરાન ચલાવતા. તેની મમ્મી ઘરરખ્ખુ પત્ની હતી,પણ હમણાંથી તેને આંખે મોતિયો વળવાથી ઓછું દેખાતું હતું. તેના પિતાને મહિના પહેલા જ લકવાનો હુમલો થયો હતો અને ડાબું અંગ ખોટું પડી ગયું હતુ. તેમને પથારીમાં જ સંપૂર્ણ આરામ કરવાનો હોવાથી, કામકાજ બંધ થવાથી, ઘરની આવક બંધ થઈ ગઈ હતી. સારવારના ખર્ચા તો ચાલુ જ હતા, પણ આવક કાઈં જ નહિ,તેથી ઘરમાં હાલ્લા કુસ્તી કરતાં. ખાવાપીવાના પણ સાંસાં પડવા લાગ્યા હતા. આશાનું છેલ્લું વરસ પુરૂ થતાં જ કુટુંબની આવકની આશા ફક્ત આશા જ હતી. તેને આ જોબની બહુ જ જરૂર હતી.
પ્રથમ જોબ માટે આશા તેના હાંસોલના ઘેરથી સ્કૂટી ઉપર સવારના સાડા નવે જ નીકળી ગઈ હતી. પંદર હજારની આ નોકરી ઉપર તેનો મુખ્ય મદાર હતો. તૈયાર થઈને ગુલાબી સાડી અને ગુલાબી પર્સ સાથે તે સુંદર દેખાતી હતી. તેને જોબ મળવાની આશા અને ઉત્કંઠા હતી, પણ અફસોસ !
તે પહોંચી ત્યારે સાડાબારે ઇન્ટરવ્યુ પતી ગયા હતા. તેણે અંદર જઈને મેનેજિંગ ટ્રસ્ટી મહેતા સાહેબને વિનંતી કરી 'સાહેબ,મારા પિતાને લકવો મારી ગયો છે. અને માતાને દેખાતુ નથી, બીજું ઘરમાં કમાનાર કોઈ નથી. મારે ખરેખર જોબની ખૂબ જરૂર છે.' મહેતા સાહેબ બગડયા 'તો ઇન્ટરવ્યુમાં મોડા કેમ આવો છે?'
આશા રડમસ અવાજે બોલી, 'સાહેબ, ઘરેથી તો હું સમયસર નીકળી હતી, પણ રસ્તામાં માનવતાનું કામ કરવામાં સમય જતો રહયો.' 'રસ્તામાં માનવતાનું શું કામ હતું વળી?' મહેતા સાહેબને રસ પડયો. 'સાહેબ, મારા રસ્તામાં કેમ્પના હનુમાનના મંદિર આગળ એક માજીને ગાડીએ ટક્કર મારતાં લોહીલુહાણ થઈને પડી ગયા હતા. રસ્તામાં બે ત્રણ વાહનો અને રાહદારીઓ પસાર થયા પણ કોઈએ પોલીસના અને કોર્ટના લફરાથી બચવા ઊભા રહીને મદદ ન કરી, મને માજીની દયા આવી, મે ઊભા રહી તરત જ મોબાઈલ કરી, ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી. મારા સ્કૂટીમાંથી પ્રાથમિક સારવારની કીટ કાઢી માજીના ઘા ઉપર ડેટોલ સ્વાબ દબાવી, લોહી વહેતું બંધ કરી દીધુ. મારી વોટરબેગમાંથી પાણી પીવડાવ્યુ એકસો આઠની એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી ત્યાં જ ઊભી રહી, અન્યથા માજીની હાલત ગંભીર બની જાત. એમ્બ્યુલન્સ આવી તેની સારવાર ચાલુ કરી, હોસ્પીટલમાં પછીની
સારવાર માટે લઈ ગઈ, પછી જ હું ત્યાંથી હટી છું.' કહેતાં કહેતાં તેનું ગળું ભીનું થઈ ગયું,પણ ઇન્ટરવ્યૂમાં મોડા પડયાનો ગમ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.
'વાહ, વાહ, તમે ઇન્ટરવ્યૂમાં તમારા જોબ માટે આવેલ, પણ આમાં તમને શું મળ્યુ?' મહેતા સાહેબ પણ ગડમથલમાં હતા. 'સાહેબ, બધા આવો વિચાર કરશે,તો સમાજમાં માનવતા રહેશે ક્યાંથી?' આશાએ નમ્ર ભાવે જવાબ આપ્યો.
બીજા ટ્રસ્ટી જાની સાહેબ પણ બગડયા.'તમે તમારા ઇન્ટરવ્યુ સમયે પણ સમયની અગત્યતા સમજતા નથી,તો આપણી સંસ્થાના ચેરિટીના કામ સમયસર કેવી રીતે કરશો ??'
'સાહેબ આ એક જિંદગી બચાવવાનો કટોકટીનો સમય હતો, જો મે સમયસર માજીને મદદ કરવા એમ્બ્યુલન્સ ના બોલાવી હોત તો માજી આ દુનિયામાં ન હોત.' આશાએ નમ્ર ભાવે જવાબ આપ્યો
'એક મિનિટ મને પણ થયુ કે મારે નોકરીની બહુ જ જરૂર છે, તે માટે મારે ઇન્ટરવ્યુમાં પહોંચવુ જરૂરી છે, તેથી ભાગવા દે. પરંતુ બીજી જ સેકન્ડે માજીની હાલત જોઈને વિચાર્યું, નોકરી તો બીજી મળશે પણ જીવ ગયો, પછી નહીં આવે, અને તરતજ મે સ્કૂટી થોભાવી દીધુ' આશાએ નમ્રતા પૂર્વક પોતાની મોડા પડવાની કહાની રજૂ કરી.
મહેતા સાહેબ અને બધા ટ્રસ્ટીઓ વિચારમાં પડી ગયા, આને બેજવાબદારી કહેવી કે માનવતા?
'સારૂ, ચાલો તેનો ઇન્ટરવ્યુ તો લઈએ.' મહેતા સાહેબે આમ કહીને ઇન્ટરવ્યુ ચાલુ કર્યા. તેની મેરીટ, જવાબો, નોલેજ, પરફોર્મન્સ વિગેરે, બહુ જ સરસ હતું. ગુલાબી સાડી અને પર્સમાં તે ખરેખર શોભતી હતી.
તેને બહાર બેસાડી બધા ટ્રસ્ટીઓ નામ ફાઇનલ કરવા બેઠા. આશાને હતું કે પોતે લેઈટ હોવાથી સિલેક્ટ થશે કે નહી, જો કે તેનો ઇન્ટરવ્યુ ખૂબ સરસ ગયો હતો.
બધા ટ્રસ્ટીઓ આ સમયસર હાજર ન રહેનારી ને પસંદ કરવી કે નહી. તેની ગડમથલ માં હતા ત્યાં મહેતા સાહેબનો મોબાઈલ રણકી ઉઠયો. તેમના પિતાજી નો ફોન હતો 'બેટા,જલ્દી એપોલો હોસ્પીટલમાં રૂમ નંબર વીસમાં પહોચી જા, તારી મમ્મીને કેમ્પના હનુમાન આગળ અકસ્માત થયો છે.'
'એમ કેવી રીતે ?' મહેતા સાહેબ ચિંતામાં ઊભા થઈ ગયા'બેટા તે દર્શન કરીને એકલી આવતી હતી,ત્યારે પાછળથી ગાડી વાળો અથડાવીને ભાગી ગયો.તેની હાલત ગંભીર હતી,પણ એક સ્કૂટીવાળી છોકરીએ મદદ કરી એટલેજ તારી મમ્મી બચી ગઈ છે.' તેના પિતાએ ફોનમાં જવાબ આપ્યો.
'એમ શું નામ હતું છોકરીનું?' હવે મહેતા સાહેબ ખુશ થઈ ભાવવિભોર બની ગયા.
'એતો તારી મમ્મી નામ પૂછતાં ભૂલી ગઈ છે,પણ તેણે ગુલાબી સાડી અને ગુલાબી પર્સ હાથમાં હતું.' પિતાએ જવાબ આપ્યો.મહેતા સાહેબને લાઇટ થઈ ગઈ, ચેરિટીના લોકહીતના કાર્યો કરતી સંસ્થાનો ચેરમેન પોતાની જ મમ્મીને કોઈપણ આશા વગર મદદ કરનાર પર ઑળઘોળ થઈ ગયો.
પોતાના જ અંગત સગાં જ્યારે મુશ્કેલીમાં આવે ત્યારે લોકહીત અને ચેરિટીની વાતો પણ કેટલી પાંગળી બની જાય છે? મહેતા સાહેબ તરત જ આશાને પસંદ ઉમેદવાર જાહેર કરી, બીજા દિવસે હાજર થવાનો ઓર્ડર કરી. તરત મમ્મી આગળ જવા રવાના થઈ ગયા.
બધા ઉમેદવારો નવાઈ પામી ગયા. બે કલાક મોડી ઉમેદવારને કઈ રીતે પસંદ કરી, એ જ કોઈને સમજાતું ન હતુ.
બીજા દિવસે આશાએ મહેતા સાહેબને મળતા ભીની આંખે કહયુ 'થેંક્યુ સર, મને તો મોડી પડી તેથી આશા જ ન હતી. મને તક આપીને તમે મારા અપંગ માબાપને સહારો આપી દીો છે.'
'આશા, તે તારી શોશ્યલ વર્કરની પોસ્ટને અને ડિગ્રીને ઉજાળે એવું કામ કરેલ,એટલેજ પસંદ થયેલ છે.' મહેતા સાહેબ ખુશ થતાં કહયુ.
આશાને પણ તેના માનવતાભર્યા. કામને બિરદાવનાર બોસ મળ્યાનો આનંદ થયો. તેને ક્યાં ખબર હતી કે, બોસના માતાજીનો જીવ તેણે જ બચાવ્યો છે !