કાગડા બધે કાળા જ હોય!! .

Updated: May 28th, 2024


Google NewsGoogle News
કાગડા બધે કાળા જ હોય!!                          . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- મુકેશ મનમાં માનુનીના આકર્ષક દેખાવ, ઠસ્સો અને રૂપને બ્રાન્ડેડ દવા સાથે સરખાવતો, જ્યારે માનુની સાવ દેશી સામાન્ય જનરિક દવા જેવી લાગતી.

'મુ કેશ, તમારી ટ્રાન્સફર વિદ્યાનગર, કરમસદ વિભાગમાં કરવામાં આવે છે. તમારો જ વતનનો વિસ્તાર છે, એટલે તમારી ઓળખાણનો લાભ લઇ કંપનીની દવાઓ વધારે વેચાશે એવી ધારણા છે' તેના સાહેબે ઓફિસમાં બોલાવી ટ્રાન્સફર ઓર્ડર મુકેશના હાથમાં પકડાવ્યો.

ન્યુકેર ફાર્મા કંપનીમાં મુકેશ અમદાવાદ ખાતે છેલ્લા ત્રણ વરસથી નોકરી કરતો હતો. ગ્રેજ્યુએટ થઈને તેણે નોકરી માટે બહુ કોશિષો કરી, છેવટે છ મહિના બાદ, તેને મેડીકલ રીપ્રેન્ઝટેટીવ તરીકે નોકરી મળી હતી. આખો દિવસ રઝળપાટ કરી, વિવિધ ડોક્ટરોને મળી તેની, પ્રોડકટનું વેચાણ વધારવા તે બહુ કોશિષો કરતો, પણ તેની દવાની કંપની નવી જ હોવાથી તેના વેચાણ માટેના ગોલ પુરા જ થતા નહોતા. નોકરીની શરૂઆત જ હોવાથી પગાર ટૂંકો હતો, તેના ટાર્ગેટ પુરા થતા ન હોવાથી વધારાનું ઇન્સેન્ટીવ મળતું નહીં.

હજુ છ મહિના પહેલા જ તેના લગ્ન મંજુલા સાથે માબાપની ગોઠવણીથી સંપન્ન થયા હતા. વધતી મોંઘવારી અને જરૂરિયાતોથી મંજુલાની દરરોજની ડીમાન્ડ પૂરી થતી જ નહીં. દરરોજના વાદ વિવાદ અને ઝગડાથી મુકેશ હેરાન થઇ ગયો હતો.

'દર રવિવારે સાંજે તો બહાર ફરવા અને હોટલમાં લઇ જાવ.' મંજુલાએ ગરમ થઇ કહ્યું.

'ડીયર, હજુ મારો પગાર ટૂંકો પડે છે, દર રવિવારે સાંજે હોટલનું ડીનર પોષાય તેમ નથી.'

'તમે દર વખતે એક જ બહાનું કાઢો છો.' કહીને મંજુલા મોં ફેરવીને સુઈ ગઈ. મુકેશનો રોમાન્સ કરવાનો મૂડ જ મરી ગયો.

બીજે દિવસે બન્ને તેના સ્કુટર પર શોપીંગમાં ગયા હતા ને રસ્તામાં સ્કુટર ઉભું રહી ગયું. તડકામાં ધક્કા મારવાના આવતાં મંજુલા તાડૂકી

'હવે તો આ સેકન્ડહેન્ડ ઠાઠીયુ સ્કુટર બદલો.'

'મંજુ, હજુ સગવડ થઇ નથી. ત્રણ ચાર મહિના રાહ જોવી પડશે.' મુકેશ સમજાવતા બોલ્યો.

'બસ, તમારે તો પૈસાની જ કમી બતાવીને છટકી જવાનું.' મંજુલાએ ગુસ્સે થઇ કહ્યું.

'મંજુલા, મોંઘવારી તો જો, ખાવાપીવા અને ભાડામાં જ આખો પગાર વપરાઈ જાય છે. પછી શું કરૂ?' મુકેશ કરગરતા બોલ્યો.

ચાર દિવસ સુધી મંજુલા મોઢું ફૂલાવીને ફરતી રહી. મુકેશના અરમાનો ઠંડા પડી ગયા.

સાહેબે મુકેશને આણંદ ટ્રાન્સફારનો ઓર્ડર આપ્યો, અને મુકેશે વતનના ગામમાં જવા મળશેનાં વિચારે ખુશ થઇ ગયો. તે બાળપણના વિચારોમાં સરી પડયો. વાહ ! કેવા મસ્ત દિવસો હતા! 

તેની પડોશમાં રહેતી માનુની યાદ આવતા તેનું દિલ રોમાંચથી ભરાઈ ગયું. સ્કુલેથી આવતા જતા તે માનુની સામે જોઈ, પ્રેમથી સ્મિત આપવાનું ચૂકતો નહીં. માનુની પણ તેની સામે જોઈ સ્મિત આપવાનું ચૂકતી નહીં.

શાળાકીય અભ્યાસ પૂરો થતા બંને કોલેજમાં આવી ગયા. બન્નેમાં જુવાની ફૂટી રહી હતી. માનુનીના અંગોનો ઉભાર એને ખુબસુરત સ્ત્રી બનાવી રહ્યા હતા. પછી રાત્રે ઊંઘમાં સપનામાં પણ તેને માનુની દેખાવા લાગી. સપનામાં તે માનુનીનો હાથ પકડીને બગીચામાં, દરિયાકીનારે, પહાડો પર ફરતો હોય અને અચાનક ઊંઘ ઉડી જતા તે બેઠો થઇ જતો. સવારે કોલેજ જતાં તે માનુનીનો હાથ પકડીને આઈ લવ યુ કહેશે અને પ્યારનો ઇજહાર કરશે, તેમ વિચારતો, પણ કોણ જાણે કેમ, તે સામે મળતા જ મુકેશ ઠંડો પડી જતો. તેના દિલની ધડકનો તેજ થઇ જતી, અંદરથી ધડધડ અવાજ આવતા, પણ તે માનુનીને કહેવાની હિમત ન જુટાવી શક્યો.

સમયને જતા ક્યાં વાર લાગે છે? મુકેશ ગ્રેજ્યુએટ થઇ જતા, તેણે નોકરીની શોધ ચાલુ કરી. 

પણ એમ ક્યાં નોકરી મળે ? જ્યાં સુધી પોતે કમાતો ન થાય, ત્યાં સુધી માનુનીને શું કહે? પોતે બેકાર છે,એ વાત ખબર પડે તો માનુનીના ઘરમાં તેની શું ઈજ્જત રહે. અંતે તેણે અમદાવાદની ન્યુકેર ફાર્મામાં મેડીકલ રિપ્રેઝન્ટેટીવની નોકરી મળી, અને તેણે અમદાવાદ જવું પડયું.

ત્યાં તો ખબર આવ્યા માનુનીના લગ્ન એન્જીનીયર છોકરા જોડે થઇ ગયા અને તે વિદ્યાનગરની બીવીએમ એન્જીનીયરીંગ કોલેજમાં આસી. પ્રોફેસર છે. 

મુકેશને આ સાંભળી જોરદાર ધકકો લાગ્યો, પણ શું થાય ? નસીબમાં માનુની નહીં હોય, તેમ મન મનાવ્યું, અને તેના લગ્ન પણ બે મહિના પછી મંજુલા સાથે થયા.

બાર ધોરણ પાસ મંજુલા, સામાન્ય દેખાવની પણ મહત્વાકાંક્ષી  મહિલા હતી. તેને તો મનમાં સુંદર બંગલો, ગાડી અને હીરાના દાગીના જ રમતા રહેતા, તેથી આખો દિવસ પતિ મુકેશને ઠપકાર્યા કરીને ઝગડો જ કરતી. મુકેશ મનમાં માનુનીના આકર્ષક દેખાવ, ઠસ્સો અને રૂપને બ્રાન્ડેડ દવા સાથે સરખાવતો, જ્યારે માનુની સાવ દેશી સામાન્ય જનરિક દવા જેવી લાગતી.

મુકેશે તેના મિત્ર પાસેથી માનુનીના ઘરનું વિદ્યાનગરનું એડ્રેસ લઇ લીધું. સાંજ પડી ગઈ હતી, તે શોધતો પહોચી ગયો માનુનીના ઘેર, બારી ખુલ્લી હતી, તે બારી પાસે છુપાઈ માનુની અને તેના પતિ મેહુલની વાતો સાંભળવા લાગ્યો.

'મેહુલ, શું આમ સ્કુટર પર આવે છે ? હવે સરસ ગાડી લઇ લે.' માનુની તેને ઠપકારતા બોલી.

'ડીયર હું તો હજી આસિસ્ટન્ટ પ્રોફેસર છું. પ્રોફેસર તો થવા દે, પછી પગાર વધતા લઈશું ગાડી.' મેહુલ તેને મનાવતા બોલ્યો. 

'શું સાવ રોદણાં રડે છે, મારી બન્ને બહેનપણીઓ તો પરણીને અમેરિકા સેટલ થઇ ગઈ, બન્ને પાસે સુંદર ગાડી અને હાઉસ છે.' માનુની હવે જોરથી બગડી. 

'ડીયર, પણ મને અમેરિકા જવાનો મોકો જ ન મળ્યો, શું કરું ?' મેહુલ કરગર્યો.

બહાર આ બધું સાંભળતો મુકેશ ચકરાઈ ગયો. અરે ! આ માનુની પણ તેના પ્રોફેસર પતિનો પગાર આટલો બધો હોવા છતાં દબડાવે છે ! તે ધીમેથી સરકી ગયો. હવે તેને મંજુલા અને માનુનીમાં કોઈ ફરક જણાતો ન હતો.

ત્યાં તેના મિત્ર અશોકનો મોબાઈલ આવ્યો, 'દોસ્ત મુકેશ કેમ છે ? મજામાં.'

હા, હું મજામાં,મારી ટ્રાન્સફર અમદાવાદથી આણંદ હેડક્વાટરમાં થઇ છે. હું અહી જોઈન થઇ ગયો છું.'

'સાંભળ, તું મેડીકલનો માણસ છે, એટલે પુછુ છું કે આ બ્રાન્ડેડ અને જનરિક દવાઓમાં શું ફેર હોય છે?' અશોકે પુછયું.

'બ્રાન્ડેડ દવાઓ માર્કેટિંગથી એથીકલી વેચાતી હોવાથી મોંઘી પડે છે, જ્યારે જનરિક દવાઓ સીધી વેચાતી હોવાથી ભાવ ઓછો હોય છે. મોંઘી હોવાથી આપણે બ્રાન્ડેડ તરફ લલચાઈએ, પણ આંતરિક ક્વોલીટી અને ગુણધર્મો તો બન્નેના સરખા જ હોય છે. તારે પસંદ નક્કી કરીને કરવાનું.' મુકેશે સમજાવતા જવાબ આપ્યો. મુકેશ સાદી જનરિક મંજુલાની ટીકટીકથી કંટાળી બ્રાન્ડેડ માનુની પાછળ દોડયો, પણ અંદરથી તો બન્નેના સ્ત્રી અને પત્ની તરીકેનાં ગુણધર્મો અને ટીકટીક સરખા જ હતા. તે મનમાં બબડયો, 'કાગડા બધે કાળા જ હોય.'

લાસ્ટ સ્ટ્રોક : જે મળ્યું નથી તે પામવા મન બેચેન બની રઘવાટ કરે, નજીક જતા ખબર પડે કે, જે મળ્યું છે, તે નથી મળ્યું એના કરતા સારું છે, તો પછી નથી મળ્યું એના માટે બેચેની અને રઘવાટ શા માટે ??


Google NewsGoogle News