Get The App

મેરા ભારત મહાન .

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
મેરા ભારત મહાન                                 . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- અમારી મિતા માટે મુરતિયો શોધીએ છીએ તેને તો બસ અમેરિકા જ જવું છે

'ના, પપ્પા મારે તો અમેરિકાના મુરતિયા જોડે લગ્ન કરીને અમેરિકા જ  સેટલ થવું છે.' મિતાએ મક્કમતાથી તેના પિતા ચતુરભાઈને પોતાનો નિર્ણય જણાવ્યો.  

'બેટા, આપણે કોશિશ તો કરીએ છીએ, પણ અહીંના સારા ઘરના, સારૂ કમાતા છોકરાં જોવામાં વાંધો શું છે?' ચતુરભાઈએ ફરી સમજાવતા પોતાની દિકરી મિતાને કહ્યું. 

'જો પપ્પા, અહીં ઇન્ડિયામાં ગરીબી, ગંદકી, ગીચતા અને ભવાડા સિવાય છે શું ? ત્યાં અમેરિકામાં ડીસીપ્લીન, સ્વચ્છતા, જાહોજલાલી આપે તેવી વૈભવી કારો, મોલ, અહીં કરતાં કેટલા સરસ છે. હું તો સેટલ થઈશ તો અમેરિકામાં જ.' મિતા હવે વધારે મક્કમ થઇ.

વસો ગામમાં ચતુરભાઈ પટેલનું સારૂ કહી શકાય તેવું ઘર હતું. ઘરના ખેતીવાડી, સારી આવક, દુધાળા ઢોર વિગેરે બધું હોવા છતાં મિતાનું મન અમેરિકા તરફ દોડી રહ્યું હતું. તેની બે મિત્રો લગ્ન કરીને અમેરિકામાં સેટલ થઈ હતી, તેમના હાઉસના, કારના અને વૈભવી જીવનશૈલીના ફોટાઓ  જોઈ મિતાના મનમાં અમેરિકા જ ઠસી ગયું હતું. અમેરિકાના બે ત્રણ મુરતિયા શિયાળામાં આવ્યાં, તે જોયા પણ એકેયમાં જોડી જામી નહીં. બે કેસમાં છોકરાએ ના પાડી તો એકમાં મિતાને છોકરો જરાપણ ન ગમ્યો.

એમને એમ મિતાની ઉમર પાંત્રીસ વરસની થઇ ગઈ. તેના માતાપિતા ચિંતામાં પડયા. આનો મેળ પાડવો કઈ રીતે ? ચતુરભાઈને વરસો પહેલા અમેરિકા ગયેલો તેનો મિત્ર અમથો યાદ આવ્યો, તેણે ત્યાં ફોન લગાવ્યો, 'હેલો, અમથાઈ કેમ છો ? ભાભી મજામાં?'

'ઓહો, ચતુરભાઈ, બહુ વરસે યાદ કર્યો, બોલો શું કામ છે?' અમથાભાઈએ સીધો સવાલ કર્યો.

'તમે તો જાણો છો ને અમારી મિતા માટે મુરતિયો શોધીએ છીએ તેને તો બસ અમેરિકા જ જવું છે, એમને એમ તે પાંત્રીસની થઇ ગઈ. તમારી મદદની જરૂર છે.' ચતુરભાઈએ ફોડ પાડતાં કહ્યું.

'સારૃં, હું અહીં કોશિષ કરૂ છું, પણ મિતાની ઉમર વધારે થઇ ગઈ છે, તેથી થોડી બાંધછોડ કરવી પડશે.'

'વાંધો નહીં, એક વાર મિતા પરણીને અમેરિકા પહોંચી જાય એટલે બસ.' ચતુરભાઈએ કહ્યું.

અચાનક મહિના પછી અમથાભાઈનો ફોન આવ્યો, 'જો ચતુરભાઈ, તું મારો જુનો મિત્ર છે, એટલે મદદ કરવા કહું છું. મારો દિકરો ગેરી એટલે કે ગિરીશ સાડત્રીસ વરસનો થયો. તેના પત્નીનું અચાનક કાર અકરસ્માતમાં મોત થતાં ગેરી એકલો પડી ગયો છે. તેને જો કે અમેરિકન છોકરી જ જોઈએ છે, પણ તે મહિના માટે ઇન્ડિયા વરસો પછી આવે છે, ત્યારે તેના મિતા સાથે ખાલી પેપર મેરેજ કરાવી, અહીં આવી જાય એટલે છૂટાછેડા કરવાનું નક્કી એ શરતે મોકલું ?' ચતુરભાઈએ મિતા અને તેની મમ્મી સાથે વાત કરી. મિતાને તો અમેરિકા જવું જ હતું. તેણે હા પાડી દીધી. ચતુરભાઈએ અમેરિકા કોલ જોડયો, 'અમથાભાઈ, તમારી શરત મંજુર છે, આપણે ફક્ત કોર્ટ મેરેજ કરીને મિતાને ગ્રીનકાર્ડ મળી જાય એટલે છુટા થવાનું.'

'સારૃં, ગિરીશ મહિના માટે જ ઇન્ડિયા આવે છે, તમારે ત્યાં જ રહેશે, એનું ધ્યાન રાખજો અને બધે ફેરવજો.' કહીને અમથાભાઈ એ કોલ મુક્યો.

ગિરીશ તો છ વરસનો હતો ત્યારથી જ તેઓ અમેરિકા સેટ થઇ ગયો હતો. તેણે નામ પણ ગેરી કરી નાખ્યું હતું. ચાલુ દિવસોમાં સવારથી રાત સુધી તેના માબાપ મોટેલમાં મજુરી કરતાં રહેતા. શનિ રવિની રજામાં ઘરના તમામ કામ, સાફસફાઈ, વોશિંગ ક્લીનીંગ અને ગ્રોસરી લેવા જવામાંથી કોઈ ટાઇમ જ રહેતો નહીં. તે જર્સીના નાના ગામની હાઇવેની મોટલ બાજુમાં રહેતા. ત્યાં કોઈ ગુજરાતી કુટુંબ નહીં. બે ત્રણ સાઉથ ઇન્ડિયન કુટુંબ ખરા, પણ કોઈ સાથે ઉઠેબેઠે વહેવાર નહીં. ત્યાંના ગોરા કે ચાઇનીઝ સાથે હાય, હેલો કરતાં વધારે સંબંધ નહીં. ગિરીશ એકનો એક, ઘરમાં એકલતા, કંટાળો અને નિરાશાથી તે ઘેરાઈ ગયેલો. તેમાં લગ્ન પછી છ મહિનામાં જ તેની પત્નીનું અકસ્માતે મોત થતાં તે હતાશામાં સરી પડયો. વરસો પછી ઇન્ડિયામાં પોતાને ગામનાં હવાપાણી ફેર માટે મહિનો રહેવાનું નક્કી કરી તે વસો ગામે આવી પહોચ્યો.

તરત જ મિતા સાથે કોર્ટ મેરેજ કરીને તેની ફાઈલ ચાલુ કરી દીધી. તેને આવી દેશી ઇન્ડિયન છોકરીમાં કોઈ રસ નહોતો, શરત મુજબ લગ્ન કર્યાં, પણ સંબંધ કાઈ નહીં. 

ગીરીશકુમારનો તો ગામમાં વટ હતો. બધા તેને કુમાર કહી બોલાવે, માન આપે, ખવડાવે, ગિરીશ તો અહીની મિલનસાર પ્રજા, સોશ્યલ લાઈફ અને ધબકતી જીંદગીથી 

અભિભૂત થઇ ગયો. બધા કામ પણ હળીમળીને કરે, સાવ ઓછા ખર્ચે મજુરીના કામ કરનાર પણ મળી રહે, અમેરિકામાં તો બધું જાતે જ કરવાનું ! પછી નિરાંતનો ટાઇમ ક્યાંથી મળે ? ગીરીશને તો ઇન્ડિયા જ ગમી ગયું. મિતા તેને તાજમહાલ, કુતુબમિનાર વિગેરે જોવા લઇ ગઈ, વાહ તાજ ! ગિરીશ ખુશ, ઇન્ડિયામાં તો હેરીટેજ સંસ્કૃતિનો ખજાનો છે. મહિનો પૂરો થવા આવ્યો, મિતાએ પુછયું, 'અમેરિકા પરત ક્યારે જવાનું છે ?'

'મેં તો હવે ઇન્ડિયા જ સેટલ થવાનું નક્કી કરી દીધું છે.' ગેરી બોલ્યો. 'પણ ત્યાની વૈભવી મોટી કાર, મોલ, હાઈવે વિગેરે અહીં કશું જ નથી.' મિતાએ કહ્યું.

'એને કરવાનું શું ? હવે તો અહીંયા પણ મોલ અને હાઇવે સુંદર થવા લાગ્યા છે. ગંદકી અને ગરીબી ઘટવા લાગી છે. ત્યાંના જેવી લેટેસ્ટ આઈટમો હવે અહીં પણ છુટથી મળે છે. અહીંની સોશ્યલ  લાઈફ, સંસ્કૃતિ, તહેવારની ઉજવણી વિગેરે ત્યાં ક્યાં છે. ત્યાં કોઈને ઘેર જવું હોય તો પણ ફોન પર એપોઇન્ટમેન્ટ લેવી પડે. વાતચીત કરવાવાળું કોઈ નહીં. ફક્ત દોડાદોડી, કામ અને ડોલર! ગેરીને હવે ભારતનો રંગ લાગવા લાગ્યો હતો. 

મિતા ચિંતામાં પડી, આ મને અમેરિકા લઇ જવા આવ્યો હતો તેને બદલે પોતે જ અહીં સેટલ થવા વિચારે છે. 'પણ જીવનનિર્વાહ માટેનાં રૂપિયાનું શું ? એ ક્યાંથી લાવશો ?' મિતાએ ચિંતા જગાવી.

'જો, મેં ત્યાં પંદર વરસ જોબ કરી છે, એના પેન્સનના ડોલરના અહીં અધધ જીવનભર રૂપિયા મળતાં રહેશે. વધારેની જરૂર શું છે ? શાંતિથી પ્રભુભક્તિ કરતાં, પોતાના શોખ મુજબ આનંદ કરતા અહીં જ રહેવું શું ખોટું છે?' ગિરીશે ફોડ પાડયો.

વાહ ! મિતાના મનમાં પણ સાચી વાત સમજાઈ. ગિરીશની બધી વાતો વાસ્તવિક અને સાચી હતી. તેણે પ્રેમથી ગિરીશનો હાથ પકડી લીધો. ગિરીશને પણ એની ઇન્ડોઅમેરિકન ગર્લફ્રેન્ડ કરતાં વિવેકી સંસ્કારી, દેખાવડી મિતા વધારે પસંદ પડી. તેને પણ મિતાનો હાથ દબાવી પોતાની નજીક ખેચી. આજે રાત્રે પહેલી વખત કાગળ ઉપરના દંપતિ ગિરીશ અને મિતા ખરેખરા પતિપત્ની બની ગયા. બીજે દિવસે સવારે અમથાલાલનો અમેરિકાથી કોલ આવ્યો, 'બેટા અહીં અમેરિકા પેલી છોકરી મિતાને લઇ ક્યારે આવો છો?' 'ના, પપ્પા, હવે મેં ઇન્ડિયામાં જ સેટલ થવાનો નિર્ણય કરી લીધો છે. અહીની સોશ્યલ  લાઈફ, સંસ્કારિતા, મેલજોલ મને વધારે પસંદ પડી ગયા છે. અમે હવે સાચે જ મેરેજ કરીને અહીં ઇન્ડીયામાં જ સેટલ થવા વિચારીએ છીએ.'

'ઓતારીની ! ઈન્ડિયાથી અમેરિકાને બદલે આ તો અમેરિકાથી ઇન્ડિયા તરફ અવળો પ્રવાહ વહેવા લાગ્યો. અમથાભાઈ ને પણ પોતાના દિકરા ગેરીની વાતો હવે સાચી લાગવા લાગી હતી. અમારે પણ નિવૃત્તિ પછી વિકસી રહેલા શાંત અને સંસ્કૃત ઇન્ડિયામાં જ સેટલ થવું પડશે, અહીં કરતાં શાંતિથી ઈશ્વરને યાદ કરતાં નિવૃત્ત જીવન તો ઇન્ડિયામાં જ સારુ.'

તેણે મનમાં વિચાર્યું, 'મેરા ભારત મહાન !!'


Google NewsGoogle News