ધબકતો પ્રેમ .

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
ધબકતો પ્રેમ                                         . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- રાત્રે અચલને ઘરે પ્રવેશતા જ આડે હાથ લીધો. 'અચલ આજે સાંજે કોની સાથે ભાજીપાઉ ખાતો હતો?'

'અ ચલ, કાલે સાંજે તારી પાછળ બાઈકમાં કોણ ચિપકીને બેઠી હતી ?' અભિનવભાઈ ગુસ્સામાં બરાડયા. 

'પપ્પા, ક્યાંની વાત કરો છો ?' અચલ ગભરાયો, તેના પપ્પા અમીને તેની પાછળ બેઠેલી જોઈ ગયા લાગે છે કે શું ?

'કાલે સાંજે હું ઓફિસના કામે સિંધુભવન રોડ પરથી જતો હતો, ત્યારે મે તને બાઇક પર જોયો હતો, પાછળ કોણ બેઠી હતી ?' અભિનવભાઈ ગુસ્સામાં જ બોલતા હતા. 

અચલ ગભરાયો, કાલે સાંજે અમે સિંધુભવન રોડ પરના ફૂડકોર્ટમાં ખાવા ગયા, એ પપ્પા જોઈ ગયા લાગે છે. તેણે ગભરાતા જવાબ આપ્યો, 'પપ્પા, એ અમી હતી, મારી જોડે જ કોલેજમાં ભણે છે.'

'હું તને કોલેજ ભણવા મોકલું છું કે લવના લફરાં કરવા ? તારું કેરિયર મજબૂત કર, ભણવામાં દિલ લગાડ. જો મે ભણીગણીને કેટલી મોટી સોફ્ટવેર કંપની ઊભી કરી દીધી છે. આ મોટો બંગલો, ચાર લકઝરિયસ ગાડીઓ, રુઆબદાર વૈભવી રહેણીકરણી વિગેરે બધું મારી મહેનત અને ભણતરને લીધે જ છે. આવું રખડીને પ્રેમના લફરાં કરતો રહીશ તો ભણવાનું અને કેરિયર બંને બગડી જશે.' અભિનવભાઈએ પોતાના એકના એક જુવાન દીકરાને સમજાવતાં કહ્યું. 

'પપ્પા, મારું ભણવાનું તો રેગ્યુલર ચાલે જ છે. અમી જોડે મને બે વરસથી ેપ્રેમ થઈ ગયો છે. તે ગરીબ ઘરની છે, પણ બહુ જ સમજુ અને પ્રેમાળ છે. અમે એકબીજાને લગ્ન કરવાના કોલ આપેલ છે.' અચલે ગભરાતાં ગભરાતાં પોતાના પ્રેમની કબૂલાત કરી. 

'તેની જ્ઞાાતિ કઈ છે ? તેના પપ્પા શું કરે છે ?'

'પપ્પા તેનું નામ અમી ભટ્ટ છે. તેના પપ્પા એક કંપનીમાં નોકરી કરે છે.'અચલે કહ્યું. 

'જો તે બ્રાહ્મણ અને આપણે જૈન વાણિયા, બન્નેની જ્ઞાાતિ સાવ અલગ પડે છે. મેં પણ તારી જેમ જ કોલેજમાં પ્રેમ કર્યો હતો. બે વરસ જોડે ફર્યો, પછી મને કેરિયરનો ખ્યાલ આવ્યો અને મારી પ્રેેમિકાને છોડી દીધી. એ પણ સામાન્ય કુટુંબની બ્રાહ્મણ છોકરી હતી.' કહેતા અભિનવભાઈ ભાવુક બની ગયા. 

'પપ્પા, હું અમીને ભૂલી શકું તેમ જ નથી.' અચલે પોતાનો પ્રેમ મજબૂતાઈથી રજૂ કર્યો. 

જો મે ભણીગણીને કેરિયર બનાવીને આપણી જ જ્ઞાાતિની અનુપમાને, એટલે કે તારી મમ્મીને વડીલોની મંજુરીથી જ પસંદ કરી અને લગ્ન કર્યા, અને આજે આટલો મોટો ઉદ્યોગપતિ બની ગયો. 

થોડો વખત તો અચલ અને અમીએ બહાર ફરવાનું, ખાવાપીવાનું, પીકચર જોવાનું બંધ કરી દીધું. બન્નેએ ભણવામાં ધ્યાન પરોવ્યું અને પરિણામ સારું આવ્યું. અચલના પપ્પા- મમ્મી ખુશ થયા, ચાલો સારું થયું, અચલ હવે ભણવામાં મન લગાડીને કેરિયર બનાવશે ખરો, તેની ગર્લફ્રેન્ડને ભૂલી ગયો લાગે છે. 

બન્ને કોલેજના છેલ્લા વરસમાં આવી ગયા. વરસાદી રાતે પાલડી ચાર રસ્તા પર ગરમ ભાજી પાઉની લારી જોતાં અમીને તે ખાવાનું મન થયું. 

'અચલ, ચાલ ગરમ ભાજીપાઉ ખાઈએ.'

'ના,ના, આ રસ્તેથી ઘણી વખત મારા પપ્પા નીકળે છે.' પણ અમી માને તો ને ! તે હાથ પકડીને અચલને લારી પર લઈ ગઈ. બરાબર તે જ વખતે અભિનવભાઈ ગાડીમાંથી પસાર થતાં બન્નેને જોઈ ગયા. અચલ હજી તેની ગર્લફ્રેન્ડને ભૂલ્યો નથી કે શું ? તે મનમાં અકળાયા. 

રાત્રે અચલને ઘરે પ્રવેશતા જ આડે હાથ લીધો. 'અચલ આજે સાંજે કોની સાથે ભાજીપાઉ ખાતો હતો?'

'પપ્પા, મારી ગર્લફ્રેન્ડ અમી હતી.'

'હજુ તું તેને ભૂલ્યો નથી?' અભિનવભાઈ થોડા નરમ પડયા. 

'પપ્પા, તમે તમારી ફ્રેન્ડની જોડે બે વરસ ફરી, તેને ભૂલી ગયા હતા?' અચલે તેની દુખતી નસ દબાવી. 

અભિનવભાઈ ભૂતકાળમાં સરી પડયા. તે યુવાન કોલેજીયન બની ગયા. અપરાનો હાથ પકડીને પહેલા વરસાદમાં ગરમ દાળવડાં ખાવા ગયા હતા, તે યાદ આવી ગયું. 

'બેટા, મેં પણ કેરિયર બનાવવા તેને ભૂલી જવા બહુ મહેનત કરી, પણ હજુ મને આવા વરસાદી વાતાવરણમાં યાદ આવી જાય છે.' અભિનવભાઈ તેની યાદ આવતાં ભાવુક બની ગયા. 'તો તમે તેને લગ્ન પછી મળવા ગયા કે નહીં ?' અચલે પપ્પાની ભાવુકતાનો લાભ લેતા પુછયું. 

ધએક વખત તેની યાદ સતાવતાં બહું મહેનત કરી તેના વરનું નામ અને સરનામું મેળવી માંડ માંડ શોધતો શોધતો તેના ઘરે ગયો હતો. 

ભગવાનદાસના ટેકરે માંડ એક બીએચકેનો જુનો ફ્લેટ હતો. તેની બેબી કોલેજ ગઈ હતી, પણ તેનો બાબો અને વર ઘરે જ હતા. સાવ સામાન્ય ઘર, જુનું રાચરચીલું મને ચા-નાસ્તાનો આગ્રહ કર્યો, પણ હું ભાગી છૂટયો. મારી ગર્લફ્રેન્ડનો પણ સાવ ફિક્કો ચહેરો, ઊંડી આંખો જોતા હું દુ:ખી થઇ ગયો.' અભિનવભાઈએ કહયું.

'શું વાત કરો છો ? મારી અમી પણ ત્યાંજ રહે છે, શું નામ છે તમારી ગર્લફ્રેડનું ? અચલે નવાઈ પામતા પુછયું. 

'તેનું નામ તો અપરા જોષી હતું, પણ હવે અપરા ભટ્ટ થઇ ગઈ.' અભિનવએ કહ્યું. 

'અરે ! એ તો અમી ભટ્ટની મમ્મી જ છે, પપ્પા.!!' અચલ ઉભો થઇ ડાન્સ કરવા લાગ્યો. 

'હે !!, અભિનવ વિચારમાં પડી ગયો. પોતાની જૂની પ્રેમિકા, જેને તે ભૂલી નહોતો શકતો, એજ તેની વેવાણ બની શકે તેમ છે, વિચારતા તે રોમાંચિત થઇ ગયો.

ખરેખર આંતર મનમાં પહેલો દિલથી કરેલો પ્રેમ હમેશા સચવાયેલો રહે છે. તેને ભૂલવા કરેલો  દંભ અંતે બહાર આવી જાય છે.  

'સારું, સારું, અમીને તેના મમ્મી પપ્પા સાથે એકવાર મળવા તો લઇ આવજે. જોજે, તારી મમ્મીને આ વાત ખબર ન પડે તેનું ધ્યાન રાખજે.' અભિનવભાઈ પણ ભૂતકાળના યુવાન પ્રેમી બની ગયા. 

'હા, હા, સમજી ગયો., અચલ તેની પ્રેમિકાને પામવા મળશે ના ખ્યાલે ઝૂમી ઉઠયો. અભિનવ તેની પ્રેમિકાને વેવાણ રૂપે મળવા અને વાતો કરવા તો મળશે, વિચારી ખુશ હતા. 

'તને છોડી દીધી, પણ તારી દીકરીને તો અપનાવી લીધીને !' વિચારતાં તે અપરાના ખ્યાલમાં ખોવાઈ ગયા.  

લાસ્ટ સ્ટ્રોક 

ખરેખર થયેલો સાચો પહેલો પ્રેમ ભલે કેરિયર માટે કે લક્ષપ્રાપ્તિ માટે છોડવાનો ડોળ કરીએ, પણ મનના ઊંડાળમાંતો તે ધબકતો જ રહે છે.


Google NewsGoogle News