Get The App

બદનસીબ નિરાલી .

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
બદનસીબ નિરાલી                                        . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- બિચારી ત્રણ વરસની કમલીને શું ખબર તેના બાપા શા માટે અહી લાવ્યા છે.?

'અ રે ! આ તો મારી બદનસીબ દીકરી જ છે.' કહેતો બહારથી ગંદો બેહાલ ભિખારી અશોક દોડયો સ્ટેજ તરફ અને તેણે નિરાલીનો હાથ પકડી લીધો. બધા આશ્ચર્યથી તેને જોવા લાગ્યા. કોણ હતો આ અશોક ?

અશોકભાઈ અને સવિતાબેન છૂટક મજુરી કરવા કડીયાનાકા ઉભા રહેતા, મજુરી મળે તો ઘરે ખાવાનું બને, નહીતર નકોરડા ઉપવાસ. ઘરે હાંલા કુસ્તી કરતા. તેમના દામ્પત્યજીવનથી બાબાના આગમન પછી આવકમાં વધારો થવા લાગ્યો. બંનેને નિયમિત મજુરી મળતા ખુશ થયા. બાબાને નસીબદાર માની નામ પાડયું સુરેશ.

બે વરસ પછી બીજી પ્રસુતિમાં બેબી આવ્યા પછી સરીતાબેનને સેપ્ટિક થતા અવસાન થયું. અશોકભાઈ શોકમાં ગરકાવ થઇ ગયા. દારૂના રવાડે ચડવાથી મજુરી મળવી ઓછી થવા લાગી. તેને લાગ્યુ આ બેબી જ બુન્દીયાળ અને કમનસીબ છે. નામ પાડયું કમલી, કંઈપણ વાંક ગુના વગર તેને મારવા, ડામ દેવાનું સામાન્ય થઇ ગયું. બધા સગાવહાલા અને પાડોશીની સલાહ પડી કે આ કમલી છે, ત્યાં સુધી તારા ઘરની બદનસીબી દુર નહિ થાય. 

બહુ વિચારીને ભારે હૈયે અશોકભાઈએ કમલીનો નિકાલ કરવાનું નક્કી કર્યું. તેણે ઓળખ માટે કમલીને લીલા રંગની ટોપી અને લાલ રંગનું ફ્રોક પહેરાવી રાત્રે દુર દુર અનુપચંદ અનાથાશ્રમનાં દરવાજે મૂકી દીધી. બિચારી ત્રણ વરસની કમલીને શું ખબર તેના બાપા શા માટે અહી લાવ્યા છે. ?

'હમણાં આવું છું' કહી અશોકભાઈ કમલીને ત્યાં બેસાડી છુ થઇ ગયા. કલાક સુધી પપ્પાને ન જોતા કમલીએ ભેંકડો તાણ્યો. અનાથાશ્રમમાંથી બધા બહાર દોડી આવ્યા. મુખ્યકર્તા તારાબેને નાની છોકરીને એકલી જોતા આશ્રમમાં રાખી, નામ પાડયું નિરાલી. 

નિરાલી નાનપણથી જ ખુબ ચતુર અને બુદ્ધિશાળી હતી. તે ભણવામાં ખુબ હોશિયાર હતી. વરસોને જતા ક્યાં વાર લાગે છે?

નિરાળી બારમું પાસ કરી ઓનલાઈન એક્ઝામ આપતા ેંજીછની જાણીતી યુનિવર્સિટીમાં સ્કોલરશીપ સાથે ફ્રી એડમીશન મળી ગયું. ફક્ત મોકલવાનો ખર્ચો એક શ્રેીએ આપતા નિરાલી પહોંચી અમેરિકામાં. ત્યાં દિલ દઈને ગ્રેજ્યુએશન અને ટોપ રેન્કમાં પોસ્ટગ્રેજ્યુએશન પૂરું કરતા તેને સામેથી ગૂગલમાં વરસે ચાર લાખ ડોલરની જોબ મળી ગઈ.

અનાથાશ્રમમાં આનંદ છવાઈ ગયો, અને તારાબેને આનંદ સાથે નિરાલીનો બહુમાન કાર્યક્રમ ગોઠવી દીધો.

અશોકભાઈને કામ અને કમાણી ના હોવાથી સુરેશ ભણવાને બદલે ધીમેધીમે દારૂજુગારના રવાડે ચડી ગયો. દારુ અને જુગાર બદલ તે અનેક વખત જેલમાં જઈ આવ્યો.

એક વખત રાત્રે ચોરી કરતા માલિકે પ્રતિકાર કર્યો, સુરેશે ઝપાઝપીમાં તેને છરી મારતા માલિકનું મોત થઇ ગયું. ખુનનો કેસ લાંબો ચાલ્યો. સંજોગો અને પરિસ્થિતિએ નસીબદાર સુરેશને બદનસીબ બનાવી દીધો. તેને આજીવન કેદની સજા થઇ.

અશોકભાઈ એકલા થઈ જતા વધારે ડીપ્રેશનમાં સરી પડયા. તે વિચારવા લાગ્યા, 'મેં જાણી જોઇને મારી બદનસીબ કમલી બેટીને તરછોડી દીધી, તે ક્યાં હશે? શું કરતી હશે? પણ હવે પસ્તાવાથી શું ફાયદો? બાળકના જન્મ પછી જોગાનુજોગ કોઈ ખરાબ પ્રસંગ બને અને આપણે તે બાળકને બદનસીબ, બેકાર, બુન્દીયાળ ઠરાવી દઈએ, પણ  નિર્દોષ બાળકનો શું વાંક?

અશોક્ભાઈનું ઝુંપડું અને ઘરવખરી વેચાઈ જતા રોડ પર આવી ગયા. બહાર ફૂટપાથ પર જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જતા, અને બે ટાઈમ ભીખ માંગીને પેટ ભરતા અશોકભાઈ પોતાની બેટી કમલીને યાદ કરી પસ્તાઈ રહ્યા હતા. સમયને જતા ક્યાં વાર લાગે છે.??

શનિવારની સાંજે અનાથાશ્રમમાં લાઈટની ઝાકઝમાળ જોઈ અશોકભાઈ કંઇક ખાવાનું મળશે તે લાલચે ઉભા રહી ગયા. સ્ટેજ પર અનાથાશ્રમના ટ્રસ્ટીઓ, તારાબેન અને સુંદર યુવતી નિરાલી બેઠા હતા. નિરાલીનું બહુમાન કરી તારાબેન બોલવા ઉભા થયા. 

'આજે આપણી જ વિદ્યાર્થી નિરાલીનું બહુમાન કરવા ભેગા થયા છીએ. આપણા માટે ગૌરવની વાત એ છે કે નિરાલીને અમેરિકામાં વરસે ચાર લાખ ડોલર એટલે કે ત્રણ કરોડ વીસ લાખ રૂપિયાની જોબ મળી છે. તેણે આપણા અનાથાશ્રમને દર વરસે બે લાખ ડોલર એટલે કે એક કરોડ સાઈઠ લાખ રૂપિયા ડોનેશનરૂપે આપવાનું નક્કી કરેલ છે.' ચારે તરફ તાલીઓના ગડગડાટ વચ્ચે સહુ આશ્ચર્યમાં પડી ગયા. આશ્રમની નિરાધાર છોકરીનું નસીબ જોરદાર છે.

તારાબેને આગળ બોલતા કહ્યું, 'કોને ખબર આજથી એકવીસ વરસ પહેલા લીલી ટોપી અને લાલ ફ્રોક પહેરેલી આ બેહાલ છોકરી, આટલી બધી હોંશિયાર હશે.'

બહાર ઉભેલ અશોક આ સાંભળી ચમકી ગયો. અરે ! આ તો મારી બદનસીબ બેટી કમલી જ છે.' તે દોડયા સ્ટેજ તરફ, કમલી બેટીની બુમો પડતા અને સ્ટેજ ઉપર ચડી જઈ નીરાલીનો હાથ પકડી લીધો. બધા ગુસ્સે થઇ ગયા. ખોટે ખોટો લાભ લેવા બાપ થઇને આવ્યો છે. 

'તે તારી દીકરીને તરછોડી કેમ દીધી.?' કહી બધા તેને પછાડી મારવા લાગ્યા. તારાબેને તરત જ સવાલ કર્યો, 'તેની સાબિતી શું છે ?'

'તેની પીઠ પર ડામના બે ડાઘ છે.' કહેતા અશોકભાઈ રડી પડયા. વાત સાચી હતી. 

નિરાલીએ વિચારીને બુમ પાડી, 'સબુર, બધા એને છોડી દો, ભલે તેણે મને ડામ દીધા, તરછોડી, પણ આખરે તો તે મારો બાપ છે, હું જ તેનું ભરણપોષણ કરીશ.' 

સહુએ અશોકભાઈને છોડી દીધા. અશોકભાઈ મનોમન નિરાલીની પ્રશંસા કરવા લાગ્યા. 

લાસ્ટ સ્ટ્રોક  : 

અશોકભાઈની આંખમાંથી અશ્રુની ધાર છૂટી. તેને સમજાઈ ગયું, ભાગ્યથી કોઈ બુન્દીયાળ કે બદનસીબ હોતું નથી, પરંતુ સૌભાગ્ય સારા કર્મોથી જ થાય છે. સદનસીબ કે બદનસીબ જેવું કાઈ હોતું જ નથી. નિષ્કામ અને નિઃસ્વાર્થ કર્મથી જ માનવ મહાન બને છે, નસીબદાર બને છે. 


Google NewsGoogle News