ભૂલ કોની? .

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
ભૂલ કોની?                                               . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- પોતે ચાર માસની સગર્ભા છે પણ નિલયનું નામ તો અપાય તેમ હતું જ નહિ, તો તો તેની ભૂલ પણ બહાર આવે ને!!

ડો. મયંક પ્રજાપતિ સ્મ્મ્જી થઈ ગયા પછી આગળ ભણવાને બદલે પોતાના વતન સાબરકાંઠા જિલ્લાના બિંડવા ગામે દવાખાનું ચાલુ કરી દીધું. વ્યાજબી ચાર્જીસ, સેવાની ભાવના અને નિયમિત સેવાઓથી પાંચ વરસમાં તો તેમનું નામ સેવાભાવી  ડોક્ટર તરીકે આખા ગામમાં પ્રખ્યાત થઈ ગયું.

ગામ નાનું હતું અને તેમાં બારમા ધોરણ સુધી છોકરા અને છોકરીઓની ભેગી કોએજ્યુકેશન વાળી એક સ્કૂલ હતી. અગિયારમાં ધોરણમાં ભણતી સત્તર વરસની નિધિને તેના જ ક્લાસના નિલય સાથે દોસ્તી થઈ ગઈ હતી.

બંનેના ઘર એક જ મહોલ્લામાં પાસે પાસે અને બંનેના કુટુંબજનો પણ એકબીજાને ઓળખે, એટલે  એકબીજા પર વિશ્વાસ પૂરતો હતો. બંનેની દોસ્તી સ્વચ્છ અને નિર્મળ હતી. 

ઓગસ્ટના અંતમાં પહેલી ત્રિમાસિક પરીક્ષાની તૈયારી ચાલતી હતી. નિધિને કેમિસ્ટ્રીના સમીકરણો આવડતા જ ન હતાં. પણ નિલય એ વિષયમાં હોશિયાર હતો. રાત્રે જમીને નિધિ તો આવી નિલયના ઘરે કેમિસ્ટ્રી શીખવા માટે.

મસ્ત કુદરતી વાતાવરણ, મંદ મંદ વરસાદી માહોલ, રાત્રીનું એકાંત બે વિજાતીય યુવાન હૈયા, જરૂર હતી ફક્ત ઉત્તેજિત સંજોગની.

મોડી રાત્રે નિલયે તેના મોબાઈલ ઉપર એડલ્ટ સાઇટ ચાલુ કરી પછી જોઈએ શું ? બંને જોતાં જોતાં ઉત્તેજિત થઈ ગયાં. એકબીજાને સ્પર્શ કરતાં મર્યાદા ઓળંગી ગયાં. આવેશમાં અને આવેશમાં ન બનવાનું બની ગયું.

આગળ શું પરિણામ આવશે તેની તો બંનેને ખબર નહોતી, પણ બંને ચિંતામાં પડી ગયાં.

પરીક્ષાઓ પૂરી થઈ. બંનેના પેપરો સારા ગયાં હતાં. નિધિને દર મહિને નિયમિત માસિક આવતું હતું, પણ આ મહિને પંદર દિવસ ચડી ગયા તેથી તેનાં માબાપ ચિંતામાં પડી ગયાં.

તેનાં મમ્મીએ તેનાં પપ્પાને કહ્યું, 'સાંભળો છો, આપણી નિધિને માસિક ચડી ગયું છે, ડોક્ટર પાસે તપાસ કરાવીને દવા લઈ આવીએ.'

તેનાં માબાપ ગામના જ ડોક્ટર મયંક પ્રજાપતિ પાસે લઈ ગયાં. રાત્રિના નવ વાગી ગયાં હતાં, ડોક્ટરના સ્ટાફ સિસ્ટર પાંચ મિનિટ પહેલા જ ઘેર કામ હોવાથી નીકળી ગયાં હતાં અને ડોક્ટર પણ ક્લિનિક બંધ કરી રહ્યા હતા.

નિધિના પપ્પાએ તેમને રોકીને વિનંતી કરી : 'ડોક્ટર અમારી દીકરીના તપાસ કરાવવા આવ્યા છીએ, તેને માસિક ચડી ગયેલ છે.'

'હમણાં નહિ, મારી સ્ટાફ સિસ્ટર પણ ઘરે ગયેલ છે. કાલે સવારે આવજોને.' ડોક્ટરે કહ્યું.

'ડોક્ટર અમને બહુ ચિંતા થાય છે. જોઈ આપોને....' નિધિના પપ્પા કરગર્યા.

'સારું' ડોક્ટર પીગળી ગયા. નિધિને અંદર તપાસરૂમમાં લઈ ગયા. કોઈ પણ મહિલાની તપાસ કરતી વખતે ડોક્ટરે તેનાં મહિલા સ્ટાફને હાજર રાખવો જરૂરી છે. નિધિને શરમ આવતી હોવાથી તેનાં મમ્મી પણ અંદર ના ગયાં. ડોક્ટર અને નિધી એકલાં અંદર ગયાં, ડોકટરથી આ એક મોટી ભૂલ થઈ ગઈ.

અંદર સાધનો ફરી ગોઠવવામાં અને ગ્લોવ્સ પહેરીને બધી તપાસ કરવામાં પાંચથી દશ મિનિટ થઈ ગઈ. તપાસ કરીને ડોક્ટર આવીને બોલ્યા, 'ચિંતા જેવુ કઈ નથી. હજી પંદર જ દિવસ ચડયા છે ને ! હું ગોળીઓ આપી દઉં છું. તેનાથી માસિક નિયમિત થઈ જશે.' કુંવારી સત્તર વરસની તરુણીમાં ડોક્ટર બીજું તો શું વિચારે ?

સમય પસાર થતો ગયો નિધિએ દવાઓનો કોર્સ પૂરી કરી દીધો પણ પરિણામ શૂન્ય ! હજી માસિક આવ્યું નહિ.

નિધિના પેટનો નીચેનો ભાગ બહાર આવવા લાગ્યો. માબાપ ગભરાયાં. 

ડોક્ટર પણ જોઈને આશ્ચર્ય પામ્યા. તરત જ પ્રેગ્નેન્સી ટેસ્ટ કર્યા તો ટેસ્ટ પોઝિટિવ !!

નિધિને તેની ભૂલનો ખ્યાલ આવી ગયો હતો, પોતે ચાર માસની સગર્ભા છે પણ નિલયનું નામ તો અપાય તેમ હતું જ નહિ, તો તો તેની ભૂલ પણ બહાર આવે ને !!

નિધિના મમ્મી પપ્પા દોડયા પેલા ડોક્ટર પાસે, અકળાઇને બોલ્યા : 'ડોક્ટર તમને ખબર ના પડી ? કેવી તપાસ કરી ?'

નિધિને ત્યાં ને ત્યાં તતડાવી નાખી. 'કોનું પાપ પેટમાં લઈને ફરે છે ?'

નિધિને શું જવાબ આપવો તે સૂઝતું ન હતું.

અંધેરી નગરી ને ગંડુરાજાની વાર્તામાં ફાંસીને માંચડે ચડાવવા ગુનેગાર પાતળો પડતો હતો, એટલે ગંડુરાજાએ હૂકમ કર્યો, કોઈ જાડિયાને માંચડે ચડાવી દો.

નિધિને યાદ આવી ગયું. પહેલી વખત ડોક્ટરે તપાસમાં દશ મિનિટ લગાડેલી અને અંદર બંને એકલાં જ હતા. એટલે રડતાં રડતાં તે બોલી:  'પપ્પા, આ બધુ ડોક્ટર મયંકે જ કર્યું છે, મને તપાસ માટે સુવડાવીને તેણે જ આ કુકર્મ  કરેલું છે.'

ડોક્ટર ચોંકી ગયાં. નિધિના માબાપ પણ ચકરાઈ ગયાં.

આખા ગામમાં હોહા થઈ ગઈ. ડોકટરની પત્નીએ કહ્યું, 'મારા પતિ આવું કામ કરે જ નહિ. હું ડોક્ટરની સાથે જ છું.'

બાજુના પોલીસ સ્ટેશને નિધિના માબાપે ફરિયાદ કરી. ફક્ત સત્તર વર્ષની નાબાલિક તરૂણી સાથે ડોક્ટરે કુકર્મ કરેલ છે. આવી ફરિયાદ ઈન્સ્પેકટર પઠાણ સાહેબે લઈ, FIR દાખલ કરી.

તરુણીનું બયાન અને તપાસ વખતે ડોકટર પક્ષે કોઈ સાક્ષી હજાર ન હોવાથી ડોક્ટરને હાથકડી પહેડાવી કસ્ટડીમાં નાખી દીધા. કાયદો તો પુરાવા માંગે છે ને !

નિધિના ભવિષ્યની ચિંતા કરીને કોર્ટે ગર્ભપાતનો હૂકુમ કરી દીધો. નિધિ અને નિલય પોતાના કુકર્મને છુપાવીને ડોક્ટરને માંચડે ચડાવી દીધાનો આનંદ મનાવતાં હતા, ત્યાં ભૂ્રણના DNA ટેસ્ટનો રિપોર્ટ આવ્યો, તેના બાયોલોજિકલ પિતા ડોક્ટર નથી. ડોક્ટર નિર્દોષ સાબિત થયા. હવે પોલીસ ખરા આરોપીને શોધી રહી છે.

ઈન્સ્પેકટર પઠાણ સાહેબ અને નિધિના માબાપ નવાઈ પામ્યા. બાળકનો બાપ છે કોણ ? નિધિ   મગનું નામ મરી પાડતીજ  ન હતી. અંતે પઠાણ સાહેબે નિધિને કસ્ટડીમાં લઈ, લેડી જમાદારને હૂકમ કર્યો 'સાચું નામ ના આપે ત્યાં સુધી મારવાનું ચાલુ રાખો.'

અંતે નિધિ તૂટી ગઈ, અને તેણે નિલય સાથેનો સહવાસનો પ્રસંગ રડતાં રડતાં જણાવી દીધો. સત્યની આખરે જીત થઈ.  


Google NewsGoogle News