Get The App

સ્વાર્થી મન .

Updated: Apr 25th, 2023


Google NewsGoogle News
સ્વાર્થી મન                                            . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

'ધી મંતરાય, તમારી સો એકર બંઝર જમીનના કરોડો રૂપિયા ઉપજી શકે એમ છે, જો તેની આજુબાજુની જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડીકલેર કરી, પ્લોટ પાડીને શેડ બનાવવામાં આવે તો કામ થઇ જાય.' ધીમંતરાયનાં સોલિસીટર પટેલ સાહેબ તેમને સમજાવી રહ્યા હતા. 

સુરેન્દ્રનગર જીલ્લાની આ જમીન વર્ષોથી નકામી પડી હતી. તેમાં શું કરવું તેનો વિચાર કરવા જ ધીમંતરાયે પટેલ સાહેબને બોલાવ્યા હતા. 

'પણ કરવું કેવી રીતે ?' તેમને સમજ ના પડી. 

'જુઓ, મહેસુલમંત્રી આ સ્કીમ પાસ કરે તો તમારી જમીનના કરોડો રૂપિયા મળી જાય તેમ છે.' પટેલ સાહેબે ઉકેલ આપ્યો. 

અચાનક ધીમંતરાયને યાદ આવ્યું, તેનો દીકરો પરિમલ અને મહેસુલમંત્રી પ્રમોદભાઈ જોશીની દીકરી પારૂલ કોલેજમાં સાથે જ હતા અને એકબીજાના ેપ્રેમમાં પાગલ હતા. તરત તેમણે પરિમલને બોલાવી વાત કરી. 

'જો પારૂલને તારા પ્રેમમાં ફસાવી લવમેરેજ કર, તો આપણે કરોડપતિ બની જઈશું, પછી તો તેના પપ્પાએ આ સ્કીમમાં સહી કરવી જ પડશે.' ધીમંતરાયે દાણા નાખ્યા. 

'પણ પપ્પા, મારે મેરેજની કોઈ ઈચ્છા જ નથી. હું તો ખાલી આનંદ માટે ટાઈમપાસ કરું છું.' પરિમલે નન્નો ભણ્યો. 

'જો બેટા, કામ પતી જાય પછી તેને છોડી દેજે.' પપ્પાનો આઈડિયા પરિમલને ગમી ગયો. 

તેણે કોલેજમાં પારૂલ સાથે દોસ્તી જમાવી, પ્રેમમાં આગળ વધતો ગયો. પારૂલ બિચારી તેને જ સાચો જીવનસાથી સમજી આગળ વધવા લાગી. બંનેએ સમાજની મર્યાદા વટાવી દીધી. 

પારૂલે તેના પપ્પા પ્રમોદભાઈને રાત્રે જમીને શાંતિથી પરિમલ સાથેના પ્રેમની અને લગ્નની વાત કરી. 

'જો બેટા, મેં તારા માટે આપણી જ જ્ઞાાતિનો પુનીત ત્રિવેદી પસંદ કરી રાખ્યો છે, તેના પપ્પા હોમસેક્રેટરી છે અને સુખી સંસ્કારી કુટુંબ છે. આ રવિવારે તમારી સગાઇ મેં શુકન પાર્ટી પ્લોટમાં ગોઠવી છે.' પ્રમોદભાઈએ પારૂલને સમજાવતા કહ્યું. 

'ના, પપ્પા, હું લગ્ન કરીશ તો પરિમલ સાથે જ, નહીતર નહિ.' પારૂલ પણ મક્કમ બની ગઈ. 

અંતે શનિવારની રાત્રે પારૂલ અને પરિમલે ભાગી જઈ મુંબઈ રજીસ્ટર મેરેજ કરવાનું નક્કી કર્યું. 

પારૂલ પ્રમોદભાઈની એકની એક લાડકી દીકરી હતી. બીજે દિવસે સવારે ખબર પડતા પ્રમોદભાઈ શોકમાં ડૂબી ગયા. તેમને પસીના છુટી ગયા, ચક્કર ખાઈને પડયા નીચે. 'મને કહ્યા વગર ભાગી જઈને લગ્ન કર્ર્યા.' આ વિચારે તેમને જાનલેવા એટેક આવી ગયો. મંત્રીના બંગલામાં દોડાદોડ થઇ ગઈ. મંત્રીશ્રીને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પીટલમાં ICU માં દાખલ કરી દીધા.

પારૂલ અને પરિમલ બોમ્બે સેન્ટ્રલ ઉતર્યા, ત્યારે ટીવી પર ન્યુઝ ચાલુ હતા, ગુજરાતના મહેસુલમંત્રી પ્રમોદભાઈને જાનલેવા હાર્ટએટેક, હોસ્પીટલમાં નાજુક તબિયત, તેમની એકની એક પુત્રી સગાઇ પહેલા નાસી જતા મંત્રી શોકમાં એટેકગ્રસ્ત થઇ ગયા. 

પારૂલ આ સંભાળીને, પપ્પાની નાજુક તબિયત ટીવીમાં બતાવ્યા મુજબ જોઇને રડી પડી, હવે કરવું શું?

તરત તેણે પરિમલને પાછા ગાંધીનગર પહોચવા આગ્રહ કર્યો, પણ પરિમલે ચોખ્ખી ના પાડી, બધા આપણી ઉપર તૂટી પડશે અને હજી આપણા લગ્ન થયાં નથી એટલે તને પાછી ઘેર બેસાડી દેશે.

પારૂલ પસ્તાઈ રહી હતી, તેનાથી હવે પાછા ઘરે પણ જવાય તેમ ન હતું. 

પરિમલે સમજાવી, બધું ઠેકાણે પડે પછી આપણે તારા પપ્પાના આશીર્વાદ લેવા ઘેર જઈશું. તેના મનમાં મંત્રીપદની પોસ્ટનો લાભ લેવા અને સ્કીમમાં સહી કરાવવાની ગણતરી હતી. તેણે વિચાર્યું, 'પછીતો સહી કરશે જ ને, વ્હાલી દીકરીના આગ્રહથી, હા હા હા...' મન એક વખત પોતાના સ્વાર્થનો જ વિચાર કરે ત્યારે, લગ્ન જેવા પવિત્ર બંધનને પણ ગણકાર્યા વગર ખોટી રીતે વિચારે છે. 

પારૂલ મનમાં ગભરાતી હતી, ભાગી જઈને મેં ખોટું તો નથી કર્યું ને! પણ હવે શું થાય ?

તેણે વિચાર્યું, 'કઈ નહિ, આવા વફાદાર પ્રેમી જોડે લગ્ન કરવા તો મળશે ને !'

ત્યાં તો બપોરે હોટેલના હોટેલના રૂમનાં ટીવીમાં ન્યુઝ ચાલુ થયાં, ગુજરાતના મહેસુલમંત્રી પ્રમોદભાઈ જોશીનું દુ:ખદ નિધન. છેલ્લે પોતાની લાડકી દીકરી પારૂલને યાદ કરતા તેમણે દમ તોડયો. ગુજરાતના મુખ્યમંત્રીએ શોક ઠરાવ પસાર કર્યોે. 

પારૂલ આ સંભાળી એકદમ સ્તબ્ધ થઇ ગઈ. તેની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. પરિમલ આ સાંભળી અવાક થઇ ગયો. હવે આની સાથે લગ્ન કરવાનો શું મતલબ ? તેના પપ્પા તો રહ્યા નહિ, હવે સહી કોણ કરશે ? સ્વાર્થી મન ફક્ત પોતાના ફાયદાનો જ વિચાર કરે છે, તેની પ્રેમિકાનાં શું હાલ થયા હશે તેનો વિચાર જ ક્યાંથી આવે ?

રડતા રડતા પારૂલની આંખ મળી ગઈ. તેને સુતી જોઈ પરિમલે બાથરૂમમાં જઈ ધીમે રહી પપ્પાને ફોન જોડયો. 

'પપ્પા, ગજબ થઇ ગયું, મહેસુલમંત્રી તો હવે રહ્યા નહિ, હવે આ લફરાંનું કરવું શું ?'

પારૂલને ઊંઘ આવે ક્યાંથી ? તેને બાથરૂમમાં અવાજ આવતા જાગી, બાથરૂમ બાજુમાં ઉભી રહી વાત સાંભળી. 

પરિમલના પપ્પાએ કહ્યું, 'તારે જે કરવું હોય તે કર.'

'જો પપ્પા, તમે કહ્યું એટલે મેં પારૂલને ફસાવી ભગાવી હતી, હવે હું તેને છોડીને ભાગી જવા વિચારી રહ્યો છું, મારે તેની સાથે લગ્ન કરવા નથી. હવે આપણી જમીનની આજુબાજુનો વિકાસ થશે નહિ, તેથી કરોડો રૂપિયા ભૂલી જાવ.' પરિમલે ગુસ્સામાં કહ્યું. 

આ સાંભળી પારૂલ ફસડાઈ પડી, મારી સાથે લગ્ન કરી મારા પપ્પાનાં હોદ્દાનો લાભ લેવો હતો, પ્રેમ તો એક નાટક જ હતું કે શું આ વિચારતા જ તે ઢળી પડી. બેભાન પારૂલને મુકીને પોતાની બેગ ભરી પરિમલ રફુચક્કર થઇ ગયો. 

બે કલાક પછી પારૂલ ભાનમાં આવી. પોતાનો ફક્ત રૂપિયા બનાવવા ઉપયોગ કરનાર પ્રેમી પરિમલ પ્રત્યે ભારોભાર નફરત થઇ ગઈ. 

વિજાતીય આકર્ષણથી જુવાનીના જોશમાં લીધેલા ઉતાવળિયા નિર્ણયથી આજે પણ પારૂલ પસ્તાઈ રહી છે. અત્યારે તે સમાજસેવિકા બની જુવાનીયાઓને વિજાતીય આકર્ષણથી ખોટા ઉતાવળિયા નિર્ણયો ન લેવા બધે સમજાવી રહી છે. 


Google NewsGoogle News