ડીપોઝીટ .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- આ તો પ્રાઈવેટ હોસ્પિટલ છે. તેને ચલાવવાનો ખર્ચ બહુ જ આવે છે
'સાહેબ, જલ્દી આ દર્દીને દાખલ કરી તેની સારવાર ચાલુ કરો. વૃદ્ધ વડીલની હાલત ગંભીર છે. તેમને હાઈવે પર રોડ એક્સીડેન્ટ થતાં અમે તાત્કાલિક અહીંયા લાવ્યા છીએ.' ટેમ્પો ચલાવનાર ગરીબ દંપતી મંગલ અને માધવી આવતાવેંત બુમો પાડીને વિનંતી કરવા લાગ્યા. શેઠ સર્જીકલ હોસ્પીટલના મેનેજર રવિ બહાર આવી ગયા. વૃદ્ધ વડીલ લોહી નીતરતી હાલતમાં બેભાન પડયાં હતાં. તેના કાનમાંથી અને નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. તેણે દંપતિને કહ્યું.
'સારવાર ચાલુ કરતાં પહેલા એક લાખ રૂપિયા ડીપોઝીટ જમા કરાવો. દર્દીની હાલત ગંભીર છે.'
'સાહેબ, અમે આમને ઓળખતાં નથી. રસ્તામાં હાઈવે ઉપર શિવજી મંદિર સામે આ વડીલ એક્સીડેન્ટ હાલતમાં મળેલ છે. ટ્રકે ટક્કર મારીને ડ્રાઈવર આ કાકાને રઝળતાં મૂકીને નાસી ગયેલ છે. અમને આ વડીલની દયા આવી અને તેની ગંભીર હાલત જોઈ અમે માનવતાને નાતે જ અહીં લાવ્યા છીએ.' મંગલે હાથ જોડી વિનંતી કરી.
'જુઓ, અહીંના નિયમ મુજબ દર્દીને દાખલ કરી સારવાર ચાલુ કરતા પહેલા જરૂરી ડીપોઝીટ જમા કરાવવી જરૂરી છે.' રવિએ ખુલાસો કરતાં કહ્યું.
'સાહેબ, અમે તો મજુર માણસો છીએ. આટલા બધા રૂપિયા અમારી પાસે હાજરમાં ક્યાંથી હોય ?' માધવીબેન કરગરી ઉઠયા. 'નિયમ એટલે નિયમ. તમારે ડીપોઝીટ જમા કરાવવી જ પડશે.' રવિ મક્કમ હતો.
'સાહેબ, સારવાર તો ચાલુ કરો. મારી માતાને પણ આવો એક્સીડેન્ટ ગયા વરસે જ થયો હતો, અને તત્કાલ સારવાર ના મળતાં તેનું અવસાન થયું હતું.' મંગલ રડવા જેવો થઇ ગયો. રવિને લાગ્યું આ માણસોના આ વડીલ કંઇક સગા જ લાગે છે, પણ ડિપોઝીટ નથી, એટલે બહાના કાઢે છે. તેણે કહ્યું, 'તેના સગાને બોલાવો, ત્યાં સુધી દાખલ નહીં કરાય.'
'સાહેબ, અમને તેનું કે તેનાં સગાનું નામ કે ફોન નંબર ક્યાંથી ખબર હોય ?' મંગલે કહ્યું.
'તો સારવાર ચાલુ નહીં થાય,' કહીને રવિ અંદર જતો રહ્યો. મંગલ અને માધવી વિચારમાં પડયા. બન્ને હિંમત કરીને ડૉ. નિલય શેઠની ઓફિસમાં ઘુસી ગયા.
'ડોક્ટર સાહેબ, અમે વડીલને બેભાન હાલતમાં હાઇવે પરથી લાવ્યા છીએ, તત્કાલ તેમની સારવાર ચાલુ કરાવો.' માધવી રડમસ ચહેરે બોલી.
'નિયમ મુજબ રૂપિયા જમા કરાવો એટલે તરત સારવાર ચાલુ થઇ જશે.' ડૉ. નિલયે એક જ વાત કરી.
'અમારી પાસે હાલ તો રૂપિયા નથી, પણ આ વડીલનો જીવ બચાવો.' મંગલે હાથ જોડયા.
'એવા તો ઘણાં લુખ્ખા અને મફતિયા આવે છે. અમારે તો નિયમ મુજબ ચાલવું પડે. આ તો પ્રાઈવેટ હોસ્પિટલ છે. તેને ચલાવવાનો ખર્ચ બહુ જ આવે છે.' ડોકટરે કહ્યું.
'સાહેબ, સમય જાય છે, અમે કાઈ વ્યવસ્થા કરીએ છીએ' માધવી બોલી.
'જુઓ, આવું કહીને ગયા મહીને એક ગંભીર દર્દીની સારવાર, દવાઓ, બાટલા વિગેરે ચાલુ કર્યાં. ડિપોઝીટ લાવું છું, લાવું છું, કહી તેનો દિકરો લાવ્યો જ નહીં. બે દિવસ મહેનત કરી, પણ અચાનક દર્દી મરણ પામતા, તે લોકોએ હંગામો કર્યો, અને એક પણ રૂપિયો ફીનો ચૂકવ્યા વગર જતા રહ્યા. પછીથી અમે નક્કી કરીને કડકાઈથી આ નિયમ બનાવેલ છે.' ડોકટરે ફોડ પાડયો.
'સાહેબ, અમને આ વડીલ શિવજી મંદિર પાસે બરોડા હાઈવે પરથી પડેલ બેભાન હાલતમાં મળેલ છે.' મંગલે કહ્યું.
'તમારા શું સગા થાય છે ?' ડોકટરે પુછયું. 'અમે તો તેને ઓળખતાં પણ નથી. ફક્ત માનવતાને નાતે જ લાવ્યા છીએ.' માધવી બોલી. ડૉ. નિલયને તેમની દયા આવી. તેમણે પણ બરોડા હાઈવે પર જ નવો બંગલો બનાવ્યો હતો.
'સારૂ, તમે પચાસ ટકા એટલે કે પચાસ હજાર ડિપોઝીટ જમા કરાવો.' ડોકટરે કહ્યું.
બન્ને વિચારમાં પડયા, અંદર અંદર મસલત કરી અને પાંચ મિનીટમાં આવું, કહી માધવીબેન દોડતાં સામે બજારમાં ગયા. આવીને પચાસ હજાર રોકડાં મૂકી દીધા. 'પૈસા નહોતા ને ક્યાંથી આવ્યા?' સાહેબને નવાઈ લાગી.
'સાહેબ માધવીનું ત્રણ તોલા સોનાનું મંગળસૂત્ર ગિરવે મુક્યું. તે વડીલના જીવ કરતાં મંગળસૂત્રની કિંમત વધારે નથી.' મંગલ રડમસ થઇ ગયો. વાહ ! ડોક્ટરને મનમાં થયું. દર્દીને અંદર લેવાનું કહીને પોતે સ્ક્રપ થઇ ગયા. ઓપરેશન થીયેટરમાં આવતાં, તે દર્દીને જોતાં એકદમ ગભરાઈ ગયા. આ તો તેમના પિતાજી દોલતરાય હતા, તે અહીં ક્યાંથી ? બેભાન પિતાને જોઈ ડોક્ટર રડવા જેવાં થઇ ગયા. તરત જ બાટલા, ઈન્જેકશનો ચાલુ કરી દીધું. બ્લીડીંગ બંધ થતા ધીમેધીમે હાલત સુધારવા લાગી, નાડી નોર્મલ થવા લાગી.
તેણે બહાર આવતાં જ રામુકાકાને ફોન કર્યો. 'સાહેબ, હું તમને જ ક્યારનો ફોન જોડું છું, પણ ઉપાડતા જ નથી. હું વોશરૂમ ગયો હતો, ત્યારે મોટા શેઠ મંદિરે દર્શન કરીને આવું છું, કહીને એકલા ગયા, પછી પરત આવેલ નથી. મેં જાતે ત્યાં જઈ તપાસ કરી તો એક ટ્રકવાળો તેમને પછાડી નાસી ગયો છે અને એક ટેમ્પાવાળા બેભાન પિતાજીને તત્કાલ સારવાર માટે લઇ ગયા છે. અમે અહીં ચિતામાં વ્યાકુળ છીએ, શેઠાણી મને લડે છે, પણ સાહેબ, હું વોશરૂમમાં હતો, અને દાદા મને કહ્યાં વગર દર્શન કરવા નીકળી ગયા, એટલે હું પણ શું કરું ?' રામુકાકા રડમસ અવાજે બોલ્યા.
'તમે બધા અહીં આવી જાવ. પપ્પાને ટેમ્પાવાળા અહીં જ લાવ્યા છે. હવે તેમને સારું છે.' ડોક્ટર બોલ્યા.
ડોક્ટર નિલય શેઠ બહાર આવીને મજુર દંપતી આગળ રડમસ અવાજે પગે લાગતા બોલ્યાં. 'તમે મારા પિતાજીને બચાવી લીધા છે. અડધો કલાક મોડું થયું હોત તો મારા પિતાજી ખલાસ થઇ જાત.'
મજુર દંપતી નવાઈ પામ્યા 'સાહેબ, અમે તો ફક્ત માનવતાના નાતે અમારી ફરજ બજાવી છે.'
'રવિ, તેમના પચાસ હજાર ડિપોઝીટના પરત કર.' ડોક્ટર શેઠે ઓર્ડર કર્યો.
તેમને માનપૂર્વક કેબીનમાં લઇ જઈ ચા-નાસ્તો કરાવ્યા અને ઇનામ પેટે બે લાખ રૂપિયા રોકડાં ઓફર કર્યાં.
'સાહેબ, અમે રૂપિયા માટે આ કામ કરેલ જ નથી. વડીલનો જીવ બચી જાય એ જ અમારી કામના હતી.' કહીને મંગલે અને માધવીએ સવિનય પરત કર્યાં. બહુ રકઝક ચાલી. અંતે એવું નક્કી થયું કે તે રકમ અહીં જ ડીપોઝીટ પેટે રાખવી, અને જરૂરીયાતમંદ તત્કાલ કેસના જીવ બચાવવા વાપરવી. બન્ને ઉભાં થયા. સાહેબ, અમે માધવીનું મંગલસૂત્ર છોડાવી અમારી મજુરીના કામે જઈએ. ના કોઈ લાલચ ના કોઈ અપેક્ષા! ડોક્ટર આ ફક્કડ, અલગારી દંપતિને જતાં જોઈ મનોમન વંદી રહયા.
લાસ્ટ સ્ટ્રોક : માનવીએ સમજવું જોઈએ કે માનવીનાં જીવ કરતાં આ દુનિયામાં બીજું કાંઈ કિંમતી નથી. ડીપોઝીટ, પૈસા, મિલ્કત વિગેરેનો વિચાર કર્યા વગર જીવ બચાવવાને પ્રાથમિકતા આપવી જોઈએ.