ચોર કોટવાલને દંડે .

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
ચોર કોટવાલને દંડે                                          . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- ફક્ત પૈસા જોઈને સગાઈ, લગ્ન જેવા નિર્ણયો ના લેવાય. સામા માણસની સમજણ અને પ્રેમ પણ જોવા જ જોઈએ.

'ચા લને અવની, આપણે ક્યાંક દૂર દૂર લોંગડ્રાઈવ પર જઈએ, આટલામાં ફરીફરીને બોર થઈ ગયા.' આશિકે પોતાની વાગ્દત્તા અવનીને પ્રેમથી કહ્યું.

'દૂર એટલે ક્યાં જવું છે, આપણે દરરોજ તો સગાઈ થયા પછી ફરવા જઈએ જ છીએ ને, એસ.જી. હાઇવે પર લોંગ ડ્રાઈવ, સિંધુભવન રોડ પર ડિનર એમ રોજ રોજ બહાર જ ફરીએ છીએ ને !' અવનીએ પોતાના ફિયાન્સ આશિકને જવાબ આપતા કહ્યું.

'ના બેબી, મારો વિચાર તો સાણંદ હાઇવે પર નળસરોવર પાસે ફાર્મ હાઉસમાં જવાનો છે. ત્યાં એકાંત અને કુદરત બંનેનો લાભ લેવો છે.' આશિકે મનમાં થોડા આગળ વધવાની ગણતરીથી સમજાવતા કહ્યું. 

'ઓહ ! એટલે દૂર તો જતાં આવતા પાંચ છ કલાક થઈ જશે, વળી ત્યાં એકાંતમાં કંઈ થઈ જાય તો?' અવનીએ ગભરાતા ગભરાતા કહ્યું.

'કઈં ના થાય બેબી, હું સાથે છું ને.' આશિક સમજાવતા હસી પડયો.

અવની અને આશિકના એંગેજમેંટ દશ દિવસ પહેલા જ થયા હતા. બંનેના કુટુંબ પૈસાદાર ખમતીધર પાર્ટી હતા અને વડીલોની ગોઠવણથી એંગેજમેંટ હતા, તેથી બંને સાંજે સાથે ફરવા નીકળી પડતાં.

અવની કોલેજના છેલ્લા વર્ષમાં હતી, ત્યારે તેની સાથે જ ક્લાસના અશોક સાથે સારું બનતું. બંને સાથે જ લાઈબ્રેરીમાં વાંચતાં, કોલેજમાં પણ સાથે ને સાથે. અશોક દેખાવમાં પણ ઊંચો માચોમેન જેવો સુંદર યુવાન હતો, તેથી અવની ધીમે ધીમે તેનાથી આકર્ષાતી ગઈ. અશોકના ઘરની સ્થિતિ સામાન્ય હતી. તેના પિતાને એક નાની કરિયાણાની દુકાન હતી, જેની આવકમાંથી માંડ માંડ ઘરનું પૂરું થતું.

કોલેજના છેલ્લા દિવસોમાં બંનેએ કાયમી સાથે રહીને લગ્ન કરવાનું નક્કી કર્યું. અવનીએ તેના પિતા આગળ ડરતા ડરતા વાત મૂકી.

'પપ્પા, હું મારી સાથે ભણતાં અશોકને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માગું છું.'

'તેના પપ્પા શું કરે છે ?' સીધો સવાલ ધનસુખભાઈએ પૂછયો.

'તેને નાની કરિયાણાની દુકાન છે, પણ અશોક ભણવામાં હોંશિયાર છે.' અવનીએ અશોકના વખાણ કરતાં કહ્યું.

'બેટા, આવા સામાન્ય માણસને ઘેર તને નહીં ફાવે, મે તારી સગાઈ મોટા બિલ્ડરના પુત્ર આશીક સાથે આવતા મહિને ગોઠવી છે.' ધનસુખભાઈના મનમાં બસ પૈસાદાર કુટુંબ જ સુખ આપશે તેમ હતું.

અંતે હા ના કરતાં અવની માની ગઈ. તેની અને આશીંકની સગાઈ ધામધૂમથી થઈ.

બીજે દિવસે આશીક અને અવની ગાડીમાં ખૂબ દૂર નીકળી ગયા. છેવટે એક વળાંક આગળ આશીકે જંગલમાં અંદર તરફ ગાડી લીધી.

'બસ અંદર જ મારા મિત્રનું ફાર્મ હાઉસ છે, હમણાં જ પહોંચી જઈશું.' આશીકના મનમાં એકાંતમાં વધારે આનંદ કરવાના વિચારો ચાલુ હતા.

'આવા એકાંતમાં મને ડર લાગે છે.' અવની ગભરાઈ ગઈ. 

અને..... તેનો ડર સાચો પડયો. અચાનક બે ગુંડા જેવા માણસોએ રસ્તો રોકી લીધો. આશીક તો તેમને જોઈ ગભરાઈને ગાડીમાથી ઉતરી જંગલમાં ભાગી ગયો, પણ અવની ફસાઈ ગઈ. તેને દોરડાથી બાંધી બને ગુંડા બાજુમાં તેના ઝૂપડામાં લઈ આવ્યા. તેની સાથે આનંદ કરવા મળશે, વિચારતા બને નાહવા ઉપડયા.

અવનીએ જોરથી તરફડિયાં મારતા દોરડાની ગાંઠ ખૂલી ગઈ. તે ઊભી થઈ સીધી ઝૂપડીની બહાર,

 અને તે તાકાત એકઠી કરીને હાઇવે તરફ દોડવા લાગી. સાંજ ઢળી ગઈ હતી, રાતનું અંધારું ફેલાઈ રહ્યું હતું. હાંફતી હાંફતી તે હાઇવે પર પહોંચી ત્યારે થાકીને લોથપોથ થઈ ગઈ હતી. અનાયાસે એક સજ્જન આધેડ માણસે તેને હેલ્પ માંગતી જોઈ, ગાડી રોકી તેને લિફ્ટ આપી. સાણંદ ચોકડી ઉતારી.

અવનીનાં પર્સ અને મોબાઈલ ગુંડાની ઝૂપડીમાં રહી ગયા હતા. રાતના સાડાબાર વાગી રહ્યા હતા. સાણંદ બસ સ્ટેન્ડ પર આખી રાત ગુજારી, માંડ માંડ બસભાડાંનાં પૈસા ભેગા કરી તે અમદાવાદ તેના બંગલે પહોંચી, ત્યારે સવારના આઠ વાગી ગયા હતા.

આશીક તો રાત્રે જ ઘેર પહોચી ગયો હતો અને તેણે અવનીને ઘેર મીઠું મરચું નાખીને વાર્તા બનાવી, પોતે બહુ મહેનત કરી, પણ ગુંડાઓ તો અવનીને ઉપાડી જ ગયા. 

આઠ વાગ્યે અવનીને ચીંથરેહાલ લથડિયાં ખાતી ઘેર જોઈ તેના માંબાપ ચિંતામાં પડી ગયા. આરામ કરીને તેણે આખી વાત કરી અને આશીક કેવી રીતે તેણે છોડી ભાગી ગયો વિગેરે વાત કરતાં કરતાં તે રડી પડી.

પણ નસીબ સારું કે તેની પર કોઈ દુષ્કર્મ નહોતું થયું. બીજે જ દિવસે સગાઈનું શ્રીફળ અને સવા રૂપિયો આશીકના ઘેરથી પરત આવ્યા. આશીકે મોબાઇલમાં કહ્યું, 'આખી રાત ગુંડાની ઝૂપડીમાં રહેલી છોકરીનો વિનયભંગ થયો જ હશે, માનીને તેની સાથેની સગાઈ હું તોડું છું. મને તો અનેક સુંદર છોકરીઓ મળી રહેશે.'

'હેં ! અવની આશ્ચર્ય સાથે ચોંકી ગઈ. આવા બાયલા નામર્દ પુરુષ સાથે હું જ સગાઈ તોડવાનું વિચારતી હતી. એમાં આશીક તો સાવ ખોટા આક્ષેપ સાથે સગાઈ તોડી રહ્યો છે, હું તેના કહેવાથી તો આટલે દૂર જંગલમાં એકાંતમાં ગઇ હતી, અને હવે તે જ બાયલાની જેમ આક્ષેપ કરી સગાઈ તોડી રહ્યો છે. મને બચાવવાને બદલે મારી ઉપર વિનયભંગનો આક્ષેપ કરી રહ્યો છે. આ તો ચોર કોટવાલને દંડે જેવી વાત થઈ, અને તે રડવા માંડી. તેના માતાપિતાએ તેને સધિયારો આપી શાંત પાડી.

વાત બધે ફેલાતા વાર ના લાગી તેનો જૂનો મિત્ર અશોકનો ફોન આવ્યો, 'અવની, હું તને અપનાવવા તૈયાર છું. ગુંડાઓ તને ઉપાડી ગયા એમાં તારો કોઈ વાંક જ નથી. તારી સાથે જે થયું હોય તે, પણ આપણો પ્રેમ તો અકબંધ છે.' અવનીની આંખોમાથી ખુશીનાં આંસુ નીકળી ગયા.

લાસ્ટ સ્ટ્રોક 

તેની ધામધુમથી સગાઈ થઈ, તેના પિતા શેઠ ધનીરામને સમજાઈ ગયું કે ફક્ત પૈસા જોઈને સગાઈ, લગ્ન જેવા નિર્ણયો ના લેવાય. સામા માણસની સમજણ અને પ્રેમ પણ જોવા જ જોઈએ.


Google NewsGoogle News