Get The App

સમસ્યાઓથી ડરીને ભાગવાથી સુખ મળે નહીં

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
સમસ્યાઓથી ડરીને ભાગવાથી સુખ મળે નહીં 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- મેં ભાગી જઈને ભૂલ કરી, પણ તને દુ:ખ નહીં પડવા દઉં.'

'સા રિકા, હવે આપણે લગ્ન માટે વિચારવું જોઈએ, આપણું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયેલ છે.' રૂપકે પ્રેમથી સારિકાને કહ્યું.

રૂપક ઊંચો, હેન્ડસમ, કસરતીયલ શરીરવાળો સુંદર યુવક હતો. તેના પિતા અશ્વિનભાઈ બેન્ક ઓફ બરોડામાં બેન્ક મેનેજર હતા. ખાધે પીધે સુખી કુટુંબ હતું. કોલેજની ઘણી યુવતીઓ રૂપકનો પ્રેમ પામવા મથી રહી હતી, પણ રૂપકને આવી ઉછાછળી ચાલુ યુવતીઓમાં કોઈ રસ ન હતો, તેને તો સમજુ, શાંત અને ઠરેલ યુવતીની શોધ હતી.

સારિકા સામાન્ય ગરીબ ઘરની ભણવામાં રસ ધરાવતી છોકરી હતી. તેના પિતા હતા જ નહીં. માતા શિવાનીબેન લોકોના નાનામોટા ઘરકામ અને સીવણકામ કરીને બે પૈસા કમાઈ લેતા, બચત કઈ નહીં. તેના પતિ સુખદેવ શર્મા બાર વર્ષ પહેલા સારિકા દસ વર્ષની હતી, ત્યારે ઘર છોડી રાત્રે ભાગી ગયેલા, તેની બહુ શોધખોળ કરી, પણ પત્તો ના લાગ્યો.

સુખદેવ શર્મા નાની કંપનીમાં ક્લાર્કની નોકરી કરતાં હતા, પણ મોટી ખોટ જવાથી કંપનીમાથી તેમને છૂટા કરી દેવામાં આવ્યા. નોકરી જતી રહેવાથી બેકાર સુખદેવભાઈ હતાશ થઈ ગયા. ઘર ચલાવવા દેવું કરતાં જ ગયા, પણ છેવટે લેણદારોના દબાણ અને ઘોંસથી સુખદેવ કંટાળીને રાત્રે તેની પત્ની અને નાની બેટીને ઊંઘતા મૂકી ઘરેથી ભાગી ગયા હતા.

'મારી મમ્મીને મે વાત કરી છે, તેની તો હા જ છે, હવે તારા મમ્મીપપ્પાને વાત કર.' સારિકાએ રૂપકને જવાબ આપ્યો.

રૂપકે ઘેર વાત કરતાં, તેના પપ્પાએ સારિકા અને શિવાનીબેનને ઘેર બોલાવ્યા. બંનેને સારિકા સમજુ અને ઠરેલ લાગી. પણ કુટુંબની હિસ્ટ્રીમાં પપ્પા બાર વરસથી ભાગી ગયા છે, જાણી બંનેએ નન્નો ભણ્યો.

અશ્વિનભાઈએ રૂપકને સમજાવતા કહ્યું, 'બેટા, બીજી બધી વાત ઠીક છે, ગરીબ છે તેનો વાંધો નહીં પણ બાપ ભાગી ગયો છે. એ પણ ગુનો કરીને જેલમાં છે કે બીજા લગ્ન કરેલા છે, એ ખબર પડતી નથી. આવા ખાનદાન સાથે સબંધ ના બંધાય. સમાજમાં શું જવાબ દેવો ?'

આખી વાત સારિકાને ખબર પડતાં તે દુ:ખી થઈ બોલી, 'મારો બાપ ભાગી ગયો એમાં મારો શું વાંક?'

બંને દુ:ખી થઈ વિચારવા લાગ્યા હવે કરવું શું ? ત્યાં રૂપકને વાત મળી, અંબાજી પાસેના જંગલોમાં મઢૂલી કરી રહેતા, સુખાનંદબાબા લોકોના દુ:ખ દૂર કરી આપે છે. બંને ઉપડયા અંબાજી પાસેના જંગલમાં, મહેનત કરી સુખાનંદબાબાની મઢૂલી શોધી કાઢી.

બાબા, પલાઠી મારી ધ્યાનમાં બેઠા હતા. 'ક્યું આયે હો ?' બાબાએ બંનેને જોઈને પૂછયું.  રૂપકે બાબા પાસે તેમની દુ:ખભરી વાત સંભળાવી. સુખાનંદબાબાએ કહ્યું 'આમ સમસ્યાથી ભાગવાથી સુખ મળશે નહીં, તેનો મક્કમતાથી સામનો કરવો જોઈએ.'

સારિકા અવાજ સાંભળી ચમકી ગઈ, તેને અવાજ જાણીતો લાગ્યો. તેને પપ્પાના ડાબા ગાલ પર તલ હતો, તે યાદ આવતા જ ઉછળી પડી, 'તમે જ સુખદેવ શર્મા છો ને ?'

બાબા પોતાનું સાચું નામ સાંભળી એકદમ ચોંકી ગયા. આશ્ચર્ય સાથે પુછયું, 'બેટા, તને મારા અસલી નામની ક્યાંથી ખબર પડી ?'

બાબાને તેમનો ભૂતકાળ યાદ આવી ગયો, પ્રેમાળ પત્ની અને પ્યારી બેટી યાદ આવતા તે રડમસ થઈ ગયા. પોતે જ દેવાઓ અને બેકારીથી કંટાળી પોતાની પત્ની અને પ્યારી બેટીને છોડી ભાગી ગયા હતા. તે યાદ આવ્યું.

'બાબા, હું જ તમારી પ્યારી બેટી છું, મારા પિતાજી હયાત હોવા છતાં મારી શાદી અટકી છે, તમે ઘરે પરત આવો અને રૂપકના માતપિતાને મળો.' આટલું કહેતા સારિકા રડી પડી.

પોતાની વ્હાલસોયી દીકરીને રડતાં જોઈ બાબા ઊભા થઈ ગયા અને સારિકાને ગળે લગાવી ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. રૂપક બાપબેટીનું મિલન જોઈ રહ્યો.

'પપ્પા, તમે ઘરે આવો છો ને, મારી શાદી કરાવવા.' સારિકા રડતાં રડતાં બોલી.

'બેટા, મે તો બાર વરસ પહેલા સંસાર છોડી સન્યાસ લીધો છે. હવે મને વિચારવાનો સમય આપ. કાલે તમે સવારે અહી આવો.' બાબાએ વિચારીને જવાબ આપ્યો.

સુખાનંદબાબા હવે એક પ્રેમાળ પિતા બની ગયા હતા, છતાં પણ તેનો બાબા ઇગો હજુ અવઢવમાં હતો. ત્યાં જ તેના આંતરમને એક લપડાક મારી.

'મૂરખ, સમસ્યાઓથી ભાગી તું બાબા બની ગયો, જવાબદારીઓથી છટકવા તું બાબા બની ગયો, પણ તારું મન ક્યાં સ્થિર થયું છે. તારું મન નથી ધ્યાનમાં કે નથી સંસારમાં, આમાં તને શું મળ્યું ? આવી પ્યારી બેટી અને પત્નીને દુ:ખી કરતાં તને શરમ નથી આવતી. જા અને તારી પ્યારી બેટીની શાદી કરાવ, બેટીનું કન્યાદાન કરવું, એ સૌથી મોટું પુણ્યનું કામ છે.' વિચારતા બાબા રડમસ અને ગમગીન બની ગયા.

બીજા દિવસે સવારે સારિકા, રૂપક અને શિવાનીબેન મઢૂલી પર આવ્યા, ત્યારે તે ખાલી હતી, ત્યાં બાબાનો ડ્રેસ, તુંબડી અને ચીપિયો પડેલા હતા. દૂરથી આવતાં આધેડ માણસને જોઈ સારિકા તેને 'પપ્પા, પપ્પા' કહી વળગી પડી. બાર વરસે શિવાનીબેન પણ ખોવાયેલ પતિ પરત આવતા ભાવવિભોર બની ગયા.

'ચાલ બેટી, તારો બાપ હાજર છે, તારા લગ્ન કરાવવા ઘરે આવું છુ. મેં ભાગી જઈને ભૂલ કરી, પણ તને દુ:ખ નહીં પડવા દઉં.' સુખદેવભાઈ દીકરીનો હાથ પકડી બોલ્યા.

રૂપક અને સારિકાના ધામધુમથી લગ્ન સંપન્ન થયા.

લાસ્ટ સ્ટ્રોક : 

સુખદેવ શર્મા હવે બરોબર સમજી ગયા હતા, 'સમસ્યાઓના ડરથી ભાગવાને બદલે તેનો મક્કમતાથી સામનો કરવો જોઈએ, જીત તમારી નક્કી છે.'


Google NewsGoogle News