Get The App

વિશ્વાસ .

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
વિશ્વાસ                                          . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- દુરથી એરપોર્ટ સિક્યુરીટીનો માણસ આવતો દેખાયો. તેણે શાંતાબાને જોઈ પુછયું 'માજી, કેમ એકલા બેસી રહ્યા છો? ઘેર જાવ.'

સા ણંદ તાલુકાનું બદરખા ગામ. શંભુભાઈ અને શાંતાબેનને એક જ દીકરો મનોજ. થોડી જમીનમાં ખેતી કરીને માંડમાંડ ગુજરાન ચલાવતાં. મનોજ ભણવામાં હોંશિયાર, તેથી ધીરે ધીરે ભણીને એન્જીનીયર થયો. અચાનક શંભુકાકાનું સાઈઠ વરસે હાર્ટએટેકમાં અવસાન થતા મનોજ અને શાંતાબેન એકલા પડી ગયા. 

મનોજને કોઈ સારી નોકરી મળતી ન હતી, તેમાં દુબઈની જાહેરાતમાં અરજી કરતા સારી નોકરી મળી ગઈ. ગામડાની જમીન વેચીને દુબઈ જવાનું નક્કી કર્યું. એક નાનું ઘર રહી ગયું હતું, તેમાં શાંતાબા ને રાખી, તેણે દુબઈથી કમાઈને દિરહામનાં રૂપિયા મોકલવાનું નક્કી કર્યું, પણ શાંતાબાનો જીવ ચાલ્યો નહિ, તેમને પણ દુબઈ જવું જ હતું.

'હું અહી એકલી શું કરું ? હું તો તારી સાથે જ આવીશ.' શાંતાબા મક્કમ હતા. 

'મા તને દુબઈના વિઝા ના મળે, અહી જ એકલી રહે, હું ત્રણ ચાર વરસમાં ત્યાં કમાઈને અહી આવી જઈશ.' મનોજે માને બહુ સમજાવ્યા, પણ શાંતાબા માન્યા જ નહિ. હવે તો છુટકારો જ ન હતો. 

અમદાવાદ એરપોર્ટ પર બહાર લોકોનો જમેલો હતો. રાત્રે ત્રણ વાગે અમીરાત ફ્લાઈટની ટીકીટ હતી. મનોજે માને લોનમાં બેસાડી ચા નાસ્તો લઇ આપ્યો.

'મા, તું અહી જ બેસ. હું અંદર જઈ ટીકીટ લઇ અર્ધા જ કલાકમાં આવું છું.'

'પણ બેટા, હું અહી એકલી શું કરીશ ?' શાંતાબા ગભરાતા બોલ્યા. 

'મા, આ ચિઠ્ઠી સાચવીને રાખ. જરૂર પડે કોઈને બતાવીને મને બોલાવી લેજે.' મનોજે ચિઠ્ઠી લખીને આપી. શાંતાબાને વાંચતા ક્યાં આવડતું હતું. તેમને મન કાળા અક્ષર ભેંસ બરાબર.

અડધા કલાકનો એક કલાક થયો, બે કલાક થયા, પણ મનોજ પરત આવ્યો નહિ. શાંતાબા રાહ જોઇને કંટાળીને વિચારે ચડયા, શું થયું હશે મનોજને ? ટીકીટ નહિ મળી હોય ? મારો તો તે એક જ ભરોસાપાત્ર વિશ્વાસ છે. 

ધીમે ધીમે લોકો ફ્લાઈટ જતી રહેતા ઓછા થવા લાગ્યા. ત્રણ કલાક થઇ ગયા. હવે શાંતાબા ગભરાયા, શું થયું હશે મારા મનોજને ? હું એકલી આવડા મોટા અમદાવાદ શહેરમાં શું કરીશ ? હે માતાજી ! મારા મનોજને જલ્દી મોકલ. તેમને એકના એક દીકરા પ્રત્યે વિશ્વાસ ડગી જવા લાગ્યો. પણ ના, મનોજ મને છોડીને જાય જ નહિ ને ! પણ ન આવ્યો તો ? હવે માજી એકલા રહી ગયા. સવારનો ઉજાસ ફેલાવા લાગ્યો હતો. બધી ફલાઈટો ઉપડી ચુકી હતી.

શાંતાબાનું દિલ ધડકવા લાગ્યું. તેમનો વિશ્વાસ ડગી ગયો. ત્યાં તો દુરથી એરપોર્ટ સિક્યુરીટીનો માણસ આવતો દેખાયો. તેણે શાંતાબાને જોઈ પુછયું 'માજી, કેમ એકલા બેસી રહ્યા છો ? ઘેર જાવ.'

'બેટા, મારો દીકરો મનોજ હજુ આવ્યો નથી. હું ક્યા જાઉં ?' કહેતા શાંતાબા રડી પડયા. 

અવાજ સાંભળીને સિક્યુરીટીવાળો ચમક્યો, 'અરે ! તમે બદરખાનાં શાંતાબા તો નહિ ?'

'હા, બેટા, હું એ જ છું.' માજીને ઓળખીતા મળતા તેમના જીવમાં જીવ આવ્યો. 

'મને ના ઓળખ્યો, હું બાજુવાળા નાથુકાકાનો રાજુ. હું અને મનોજ સાથે જ ભણતા અને વાંચતા. તમે અમને ચા બનાવીને ઉઠાડતા. મારી ફી પણ તમે જ આપતા હતા.' રાજુ યાદ કરાવતા બોલ્યો.

'હા, બેટા યાદ આવ્યું.' શાંતાબા બોલ્યા. 'હજુ મનોજ કેમ આવ્યો નહિ ? અમે બંને દુબઈ જવાના હતા.'

'તમને તેણે કાંઇ આપ્યું છે ?' રાજુએ પુછયું.

'હા, બેટા, આ ચિઠ્ઠી આપી છે, મને ક્યાં વાંચતા આવડે છે ? જો ને આમાં તેને તેનો મોબાઈલ નંબર લખેલો છે ?' શાંતાબા ઉત્સાહમાં આવીને બોલ્યા.

ચિઠ્ઠી વાંચતા જ રાજુ સડક થઇ ગયો. કંઈ જવાબ ન આપ્યો.

'બેટા, શું લખ્યું છે, મારા મનોજે ? મને ક્યારે લેવા આવશે ?' હજુ શાંતાબા વિશ્વાસપૂર્વક પોતાના દીકરાના પરત આવવાની રાહમાં ગૂંચવાયેલા હતા. 

'બા, તેણે લખ્યું છે કે આ માજી બહુ જીદ્દી છે, તેમને મારી સાથે દુબઈ આવવું છે, પણ તેને વિઝા કોણ આપે ? તેની થેલીમાં મેં એક હજાર રૂપિયા મુકેલા છે, મહેરબાની કરીને મારી 

માને અમારા ગામ બદરખા પહોંચાડવા વિનંતી. હું નોકરી કરવા દુબઈ જાઉં છું. - મનોજ'

આ વાંચતા રાજુ ચિંતામાં પડી ગયો. શાંતાબા આ સાંભળી એકદમ હબકી ગયા. તેનો એકનો એક વિશ્વાસ, ભરોસો આજે તૂટી ચુક્યો હતો. તેમને ચક્કર આવતા પડી ગયા. હવે શું કરવું ? આવડા મોટા અમદાવાદમાં એકલા જવું ક્યા ?

રાજુ માજીની મુસીબત સમજી ગયો, તેણે માને વિનંતીથી કહ્યું, 'શાંતાબા, તમારો બીજો દીકરો હાજર છે, ચાલો મારે ઘેર જેટલું રોકાવાય એટલું રોકાજો, ના ગમે તો હું તમને તમારે ઘેર મૂકી જઈશ.'

શાંતાબા વિચારે ચડયા, પોતાનો પંડનો દીકરો જેને પાળી પોષીને મોટો કર્યો, તે પોતાના સ્વાર્થ ખાતર પરદેશ જતો રહ્યો અને પારકો જણ્યો માને વિશ્વાસપૂર્વક પોતાને ઘેર બોલાવી રહ્યો છે. વાહ રે કળિયુગ વાહ !

અંતે શાંતાબાનો હાથ પકડી રાજુ ધીમે ધીમે પોતાને ઘેર જવા લઇ ગયો. 

લાસ્ટ સ્ટ્રોક 

જીવનમાં કેટલીક વખત આવું બનતું હોય છે, જેના પર સંપૂર્ણ વિશ્વાસ હોય, આધાર હોય, તે જ નપાવટ નીવડે છે, જ્યારે સાવ અજાણ્યો માણસ એક મિનિટમાં તમારો આધાર બની જાય છે. 


Google NewsGoogle News