થપ્પડ .

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
થપ્પડ                                                     . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- 'નિરજ, અમારા બેની પ્રેમ કહાનીમાં તું વચ્ચે ના પડ.'

'પ પ્પા, મને ફીઝીક્સનો વિષય અઘરો પડે છે. તેના સમીકરણો અને દાખલા મને સમજાતા નથી. તમારા સ્કુલ મિત્ર મહેતા સરને કહીને મને એક બે મહિના પર્સનલ ટયુશન માટે વિનંતી કરો ને ! તમને નાં નહીં પાડે.' હાયર સેકન્ડરી બારમાં ધોરણમાં ભણતાં નિરજ તેના પપ્પાને વિનંતી કરી રહ્યો હતો. મહેતા સરના મહેતા કલાસીસનું આખા ગુજરાતમાં પ્રથમ નામ હતું. તેના ક્લાસ વરસ શરૂ થતા પહેલા જ હાઉસફુલ થઇ જતા. નિરજના પપ્પા વિચારમાં પડી ગયા. ખાસ મિત્ર ખરો, પણ પર્સનલ ટયુશન માટે કહેવાય કઈ રીતે ?

છતાં પણ તેમણે હિમત કરીને ફોન જોડયો. 'હાય, અજય, કેમ છે?, મજામાં. 'બહુ લાંબા સમયે યાદ કર્યો, હસમુખ મને, કઈ કામ છે ?' અજય મહેતા વ્યસ્ત હતા, છતાં બચપનના મિત્ર હસમુખ દેસાઈનો નંબર જોઈ વાત કરી. 

'વાત એમ છે કે મારો દીકરો અત્યારે બારમાં ધોરણમાં છે, તેને કોમ્પ્યુટરમાં માસ્ટર કરવું છે, પણ ફીઝીક્સમાં તેને ઓછી સમજણ પડે છે. તારી પાસે બે મહિના પર્સનલ ટયુશન માટે મોકલું ? ફીની ચિંતા ના કરતો.' હસમુખ દેસાઈએ ફોડ પડતાં કહ્યું. 

'જુઓ, આમ તો મારે જરાપણ ટાઈમ નથી, પણ તારા દીકરા માટે હું સવારે નવથી દશ મારે બંગલે પર્સનલ ટયુશન આપી શકું' અજય મહેતાએ કહ્યું. 

'સારું કાલે જ સવારે નવ વાગે નિરજને તમારે ઘેર મોકલું છું. તમારા ઘરનું લોકેશન મોકલો.' દેસાઈ બોલ્યા.

પોણા નવ નિરજે મેમનગરના મહેતા સરને ઘેર પહોચી બેલ માર્યો. એક સુંદર રૂપાળી યુવતીએ દરવાજો ખોલતાં નિરજ તેને જોતાજ રહી ગયો. આહા ! શું સૌંદર્યવાન 

યુવતી છે.

'કોણ છો ? કોનું કામ છે ?' યુવતિએ પુછયું. 

'મહેતાસરના પર્સનલ ટયુશન માટે આવેલ છું. મારું નામ નિરજ દેસાઈ.' 'નિયતિ, કોણ છે બેટા ?' અંદરથી મહેતા સરે પુછયું. 'પપ્પા નિરજ નામ છે, તમારા પર્સનલ ટયુશન માટે આવેલ છે.' 'હા, હા, તેને મારા સ્ટડી રૂમમાં મોકલ.'

એક કલાક ટયુશનમાં નિરજ સર પાસેથી શીખતાં નિયતિ વિષે જ વિચારતો રહ્યો. બે અઠવાડિયાથી આજ ક્રમ ચાલતો રહ્યો. શનિવારની સવારે નિરજ પોણા નવે આવ્યો, ત્યારે મહેતા સર અને તેમના પત્ની પુષ્પાબેન સામાજીક કામે બહાર ગયા હતા. નોકરે તેને સ્ટડી રૂમમાં બેસાડી રાહ જોવા કહ્યું. બારીમાંથી બહાર નજર જતાં નિરજને નિયતિ અને ડ્રાઈવર રાહુલ એકબીજાના બાહુપાશમાં કઢંગી હાલતમાં દેખાયા.

'નિયતિ, ડ્રાઈવર સાથે આ શું કરે છે ? હું પપ્પાને વાત કરીશ.' નિરજ ગુસ્સે થતા બારીમાંથી બોલ્યો. 'નિરજ, અમારા બેની પ્રેમ કહાનીમાં તું વચ્ચે ના પડ.' નિયતિ બગડી.

'અરે ! આ ડ્રાયવર તો પરણેલો છે, તેમાં તું ક્યાં ફસાઈ ગઈ.' નિરજ બરાડયો. 

'સારૂ હું તને જોઈ લઈશ.' નિયતીએ પણ ગરમ થતાં કહ્યું.

મહેતાસર આવતાવેત નિયતિ તેમને વળગીને રડવા લાગી. 'શું થયું બેટા, કેમ રડે છે ?'

'પપ્પા આ નિરજ દરરોજ મને ઘૂર્યા કરતો હતો, પણ આજે તો તેણે નિર્લજ બનીને મને બાથ ભરી લીધી.'

'શું વાત કરે છે ?' મહેતા સર સ્ત્રીચરિત્રની જાળમાં આવી ગયા.

'બદમાશ બહાર નીકળ' કહીને તેણે નિરજને જોરદાર થપ્પડ મારી.

'સર, મારી વાત તો સાંભળો આ નિયતિ'... પણ તેને બોલતો અટકાવી મહેતા સરે તેને ધક્કા મારી ઘરની બહાર કાઢયો.

'પણ તે શું કહે છે, એ સાંભળો તો ખરા.' પુષ્પાબેન તેના પતિને વિનવતા બોલ્યા.

'ના મારે આવા લંપટ, લબાડ છોકરાનું કાંઈ જ સાંભળવું નથી.' પુત્રીપ્રેમી મહેતાસરના માથે ગુસ્સો સવાર હતો.

નિરજ અપમાન સહન કરી ધક્કા ખાતો ઘરની બહાર નીકળતાં રડી પડયો. દુર ઉભા નિયતિ અને ડ્રાઈવર રાહુલ મૂછમાં હસી રહ્યા હતા.

વરસોને વિતતા ક્યાં વાર લાગે છે ? દસ વરસ પછી 'નિરજ કોમ્પ્યુટર સવસીસ' નાં માલિક નિરજ દેસાઈની ઓડી ગાડી ડ્રાઈવઇન રોડ પર દોડી રહી હતી. અચાનક ગાલ પરની થપ્પડ યાદ આવતાં નિરજે ઓર્ડર કર્યો 'મેમનગર તરફ ગાડી લે લો.' જુના જર્જરિત બંગલા આગળ ગાડી ઉભી રહી.

 ટાઈસુટમાં નિરજે દરવાજે બેલ માર્યો. ફાટેલા સાડલાવાળા આધેડબેને દરવાજો ખોલ્યો. 

'કોનું કામ છે ભાઈ ?' બહેને પુછયું. 'પુષ્પા આંટી, મને ના ઓળખ્યો, હું નિરજ દેસાઈ, મહેતાસર આગળ ફીઝીક્સ ભણવા આવતો હતો, યાદ આવ્યું.' નિરજે યાદ કરાવ્યું. 

'હા,હા, બેટા બેસ, હવે મને યાદ આવ્યું.' આંટી બોલ્યા.

'શું થયું હતું ? સર કેમ દેખાતા નથી ?' નિરજને નવાઈ લાગી.

'બેટા, તને થપ્પડ મારીને કાઢયા એ દિવસથી જ અમારી કરમની કઠણાઈ ચાલુ થઇ. એ સાંજે જ અમારી એકની એક દીકરી નિયતિ અમારા ડ્રાઈવર રાહુલ સાથે નાસી ગઈ.  મહેતા સરને આ સાંભળી અચાનક છાતીમાં દુઃખાવો ચાલુ થયો, અને પાંચ મિનિટમાં એટેકમાં તેમનો જીવ નીકળી ગયો. પણ તે તો પરણેલો હતો. મહિનામાં તેની પત્નીએ નિયતિને ધક્કા મારી તગેડી મૂકી. નિયતિ એકલી રડતી રડતી ઘેર પરત આવી.'

'હું, એ જ કહેવા માંગતો હતો, આંટી, મેં એ સવારે જ બન્નેને બંગલામાં પાછળ કઢંગી હાલતમાં જોઈ લીધા હતા.' નિરજ પણ દુઃખી થતાં બોલ્યો. એ વખતે જો એમણે તને સાંભળ્યો હોત તો આવું ના બનત.' પુષ્પાબેન રડવા જેવા થઇ ગયા.

'બેટા પછી અમારી હાલત બગડતી ગઈ. કમાનાર મુખ્ય વ્યક્તિ જતાં રહેતા અમારા ખાવાપીવાના ફાંફાં પડી ગયા. શું કરીએ બેટા, હવે તો આ બંગલો વેચવા કાઢયો છે. નિયતિ બેટા, સાહેબ માટે પાણી લાવ.' પુષ્પાબેને બુમ પાડી. ફાટેલા જુના કપડાં પહેરેલી અકાળે વૃધ્ધ નિયતિને જોતા નિરજ દુઃખી થઇ ગયો. નિયતિ તેને જોતાંવેત ઓળખી ગઈ, અને માફી માંગતા બોલી, 'મને માફ કરી દો, નિરજ, મેં તેમને ખોટું બોલીને પપ્પા પાસેથી થપ્પડ ખવડાવી.' તે રડી પડી.

'ના, ના, હું તો આભાર માનવા આવ્યો છું. સરની એ થપ્પડે જ મને મહેનતુ અને લક્ષ પ્રાપ્તિ માટે લડતો યુવાન બનાવી દીધો. કાલથી મારી ઓફીસ આવી જજે, તારી કોમ્પ્યુટર ઓપરેટરની જોબ નક્કી. નિરજ ગાલ પંપાળતો સરની થપ્પડને યાદ કરતાં બહાર નીકળ્યો, ત્યારે માતા અને પુત્રીની આંખોમાંથી શ્રાવણ ભાદરવા વરસી રહયાં હતા.

લાસ્ટ સ્ટ્રોક : 

ગમે તેટલો ગુસ્સો આવે, પણ સામેવાળાની રજુઆત સાંભળીને જ નિર્ણય કરવો.


Google NewsGoogle News