બેકાબુ ટોળું .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- ટોળામાંથી લોકો 'શું થયું, શું થયું' એવી બૂમો પાડવા લાગ્યા. દરેક પોતપોતાના અભિપ્રાય દર્શાવવા લાગ્યા
'ડો ક્ટર સાહેબને જલ્દી બોલાવો, મારી મમ્મીને આંચકા આવીને બેભાન થઈ ગઈ છે.' શિલાબેને મોટેથી બૂમ પાડી સિસ્ટરને બોલાવ્યા.
છ કલાક પહેલા જ સાઈઠ વર્ષના હીરાબેનનું એપેન્ડિક્ષનું ઓપરેશન જશોદાબેન હાસ્પિટલમાં ડૉ. યશ રાવલે કરેલ હતું. આખા શહેરમાં જશોદાબેન હોસ્પિટલનું નામ હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ હોસ્પિટલ સાથે મ્યુનિસિપલ મેડિકલ કોલેજ સંલગ્ન હતી. તેથી અહી સ્ટાફ અને રેસિડન્ટ ડોક્ટરની કોઈ કમી ન હતી. ડૉ. યશ રાવલ શહેરના નામાંકિત સર્જન હતા, જે અહી માનદ પ્રોફેસર ઓફ સર્જરી તરીકે આવતા હતા. તેમનું નામ સાંભળીને જ હીરબાનું આ હૉસ્પિટલમાં ઓપરેશન ગોઠવેલ હતું.
સીસ્ટરે દર્દીની હાલત જોઈ તરત જ રેસિડન્ટ ડોક્ટરને કોલ કરી બોલાવી લીધા. અચાનક આવું કઈ રીતે થયું તે રેસિડન્ટ ડોક્ટર્સ જયેશ અને ઇરફાનને ખબર જ ના પડી, બન્ને એ આવીને હીરાબાને બરાબર ચેક કર્યા. નાડી, બીપી, ટેમ્પેરેચર વિગેરે બધું નોર્મલ હતું. ઓપરેશન થયેલ જગ્યાએ પણ ચેક કરી લીધું. બધું જ નોર્મલ હતું, તો આ શું થયું?
બંને રેસિડન્ટ ડોકટરોએ તેમના પ્રોફેસર ડો.રાવલને મોબાઇલ કરી જાણ કરી. ડૉ.રાવલને પણ વાત સાંભળી નવાઈ લાગી, અને તેમણે કહ્યું 'હું તરત જ આવું છું.' હીરાબેનની લથડતી તબિયતના સમાચાર આગની જેમ તેમની પોળ અને વિસ્તારમાં ફેલાઈ ગયા. હિરાબાનું ઘર હોસ્પિટલ સામે પાંચ મિનિટના અંતરે જ હતું. તેથી પોળના લોકો હિરબાની ખબર કાઢવા આવવા માંડયા અને જોતજોતામાં તો ચાલીસથી પચાસ માણસોનું ટોળું ભેગું થઈ ગયું.
માજીની તબિયત ધીમે ધીમે વધારે લથડવા લાગી. હજુ છ કલાક પહેલા તો ઓપરેશન પૂરું થયું પછી માજીને બહાર લાવ્યા ત્યારે તો ભાનમાં આવી ગયા હતા. ઓપરેશન પણ ડૉ.રાવલે ફક્ત વીસ મિનિટમાં પૂરું કરેલ હતું. ઓપરેશન દરમ્યાન બ્લિડીંગ પણ થયું ન હતું, બધું જ સાજુસમુ હતું તો પછી આ એકદમ શું થઈ ગયું?
ટોળામાંથી લોકો 'શું થયું, શું થયું' એવી બૂમો પાડવા લાગ્યા. દરેક પોતપોતાના અભિપ્રાય દર્શાવવા લાગ્યા.
મગનકાકા બોલ્યા 'રાવલ સાહેબની સર્જરી તો વખણાય છે, તો આમ કેમ થયું? કઇંક લોચો છે.'
તો વળી આંચલાલ બોલ્યા 'આજકાલના ડોકટરો ઓપરેશન કરવામાં વેઠ જ વાળે છે હો'
અને નવિનભાઇએ કહ્યું 'આવા ડોક્ટરોને તો મારીમારીને સીધા કરી નાખવા જોઈએ, આવું સાવ કઈ રીતે ચલાવી લેવાય?'
ગઇકાલે જ બાજુના ખાટલાવાળા વિનુભાઈના પત્નીનું પેટનું ઓપરેશન થયું હતું. તેમના ટોળાબંધ સગાઓ ખબર કાઢવા આવ્યા હતા. દર્દીઓના સગાને મળવાનો સમય સાંજના સાત વાગ્યાનો પૂરો થઈ ગયો હતો, પણ કોઈ બહાર જતું જ નહોતું. સિસ્ટરોએ બે-ત્રણ વખત વિનંતી કરી પણ નિષ્ફળતા જ સાપડી હતી. છેવટે સિસ્ટરે કોલ કરી વોર્ડના ડોક્ટરો જયેશ અને ડો.ઇરફાનને બોલાવી લીધા હતા. તેમણે પણ વિનંતી કરી પણ સગાઓ તો માને જ નહીને! તેમના ખાટલાની ભીડને લીધે આખો વોર્ડ પરેશાન થઈ ગયો હતો. છેવટે બંને ડોક્ટરોએ બધા સગાઓને હાથ પકડીને પરાણે બહાર કાઢયા હતા, તેમાં વિનુભાઈને બંને ડોકટરો જોડે બોલાચાલી થઈ ગઈ હતી. વિનુભાઈએ બંને ડોક્ટરોને સીધા કરવાની ધમકી આપી હતી.
ટોળાને ગરમ જોઈ વિનુભાઈએ આગલા દિવસનો બદલો લેવા ઉશ્કેરાટથી કહ્યું 'મારો ડોક્ટરોને મારો.'
પાંચ મિનિટમાં તો હીરાબેનના શ્વાસ થંભી ગયા, નાડી બંધ થઈ ગઈ અને કાયમ માટે વિદાય લઈ લીધી.
ટોળું બેકાબૂ બની ગયું. ઉશ્કેરાટ વધતો ગયો, એમાં કેટલાક ચૌદશીયા લોકોએ બળતણમાં ઘી પૂરવાનું ચાલુ કર્યું. બંને રેસિડન્ટ ડોક્ટરોને ઘેરીને ગડદાપાટુ મારવાનું ચાલુ કર્યું. તેમના પ્રોફેસર ડો, રાવલ સાહેબ બહારથી વોર્ડમાં આવતાં હતા પણ ત્યાં ટોળાનો ગુસ્સો જોઈ, લાગ જોઇ, ધીમેથી બહાર સરકી ગયા.
વિનુભાઈએ મોબાઈલ કરી કેટલાક લુખ્ખાઓને લાકડી અને સળિયા લઈ બોલાવી લીધા.
લાઠીઓના મારથી ડો. જયેશને ખોપરીમાં ફ્રેેકચર થયું અને ડા.ઇરફાનને હાથમાં ફ્રેકચર થયું. બંને લોહી નીગળતી હાલતમાં નીચે પડયા. સિસ્ટરોએ તરત જ પોલીસ બોલાવતા મામલો શાંત પડયો. બંને ડોક્ટરને તેજ હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવા પડયા.
આખી જશોદાબેન હાસ્પિટલમાં સોંપો પડી ગયો. સિસ્ટરો, આયા, મેતરાણી, વોર્ડબોય અને રેસિડન્ટ ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી ગયા. જ્યાં સુધી સુરક્ષા નહીં, ત્યાં સુધી કામકાજ નહીં. આખી હોસ્પિટલ ખાલી કરવી પડી.
સુપ્રિટેન્ડન્ટ ડા.જોષી સાહેબે તરત જ તપાસ સમિતિની રચના કરી અહેવાલ મંગાવ્યો.
હીરાબેનનું બીજા દિવસે પોસ્ટમોર્ટમ કરતાં અંદર કઇંક જુદું જ નીકળી પડયું. તેમના મગજની ધમની પહોળી (એન્યુરિઝમ) થઈ પાતળી પડી ગઈ હતી. ઓપરેશન પછી છ કલાકમાં તે ફાટતાં અંદર મગજમાં બ્રેન હેમરેજ થયું, તેને લીધે આચંકા આવ્યાં, અને થોડાં સમય પછી મગજમાં દબાણ વધતા તેમનું અવસાન થયું. આ બાબતને એપેન્ડીક્ષના ઓપરેશન સાથે કાઇ જ લેવાદેવા ન હતી. ફકત સમયનો જ સંજોગવશ યોગાનુયોગ હતો. સાજા સમા હીરાબેનને પણ આ તકલીફ થાય તો મૃત્યુ નક્કી હતું. પણ ટોળાના ઉશ્કેરાટને અને ગુસ્સાને કોણ પામી શકે છે?
માનવ શરીર ઉપરવાળાએ અનેક અદભૂત સ્પેર પાર્ટસનું બનાવેલ છે, જેમાં એકી વખતે એક રિપેર કરીએ પણ બીજું બગડે તો શું ડોક્ટરોનો વાંક ગણાય? એમાં આટલો ગુસ્સો અને ઉશ્કેરાટ?? આ તો રેડીએટર રિપેર કરનાર કારીગરને એન્જિન ફેઇલ જાય તો મારવા લઈએ એવો ઘાટ થયોને!!!
બીજા દિવસે હીરાબેનના સગાઓ અને તેમના પડોશીઓને સુપ્રિટેન્ડેન્ટ જોષી સાહેબે પોતાની ઓફિસમાં બોલાવી ઉપરની હકીકતો સમજાવી તો સહુ નીચું જોઈ ગયા.
પોલીસે ટોળાની પૂછપરછ કરી ઉશ્કેરણી કરનાર વિનુભાઈને પકડી સારો એવો મેથીપાક આપી કસ્ટડીમાં બંધ કરી દીધા.
ઓર્થોપેડિક વોર્ડમાં ડોક્ટર જયેશ અને ડૉ.ઈરફાન ફ્રેકચરના દર્દથી કણસી રહ્યા હતા. બધા તેમની પાસે આવી માફી માગવા લાગ્યા. માંડમાંડ સમજાવટથી હડતાલનો અંત આવ્યો, અને દર્દીઓની સારવારનું કામ રાબેતા મુજબ ચાલુ થયું.