આલોકનો ત્યાગ .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- એક ધડાકા સાથે વિમાન આગની લપેટમાં આવી તૂટી પડયું
થા કી ગયેલો આલોક ઓફિસેથી ઘેર આવી સોફા પર ફસડાઈ પડયો. છેલ્લા મહિનાથી તે થાક અને નબળાઈથી પરેશાન હતો. હજુ તો પાંત્રીસ વરસની જુવાન ઉંમરે આટલી નબળાઈ કેમ લાગતી હશે, તે વિચારી રહ્યો.
'ઓહ ! તમે આવી ગયા, તમારે માટે મસ્ત મસાલાવાળી ચ્હા બનાવી લાવું, સાથે વેફર્સ અને પૂરીનો નાસ્તો પણ લાવું છું.' તેની યુવાન પત્ની લિપિએ દીવાનખંડમાં લોથપોથ થઈ પડેલા આલોકને જોઈને કહ્યું.
મલ્ટીનેશનલ કોર્પોરેટ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો આલોક તરવરિયો અને મહત્વાકાંક્ષી યુવાન હતો. ફક્ત સાત જ વરસમાં પોતાની કુનેહભરી કામગીરીથી તે કંપનીની અમદાવાદ ઓફિસનો મેનેજર બની ગયો હતો. લિપિ સાથેના પાંચ વરસના લગ્નજીવન બાદ એક પુત્ર રત્નનો જન્મ થયો હતો. ધીમે ધીમે કરતાં બે વરસનો અવિ ઘરમાં અહી-તહી દોડતો થઈ જતાં આલોક અને લિપિ ખુશ હતા. અવિને આવતા વરસે કઈ સ્કૂલમાં મૂકવો, તેની ગોઠવણ પણ બંને કરવા માંડયા હતા. સારી ઇંગ્લિશ મીડિયમની બે ત્રણ સ્કૂલોની મુલાકાત લઈ, મનમાં નક્કી પણ કરી રાખ્યું હતું. અવિની દરેક જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખી રહ્યા હતા.
મસાલાવાળી ચ્હા પીતા આલોકે રાતના જમવાનું શું છે, તેની પૂછપરછ કરી, ધીમે ધીમે આલોકની નબળાઈ વધતી જતી હતી. થાક પણ વધારે લાગતો હતો. શરીરમાં ફિકકાસ જણાવા લાગી હતી. હોઠ, જીભ અને નખ સાવ સફેદ રૂની પૂણી જેવા થઈ ગયા હતા.
હવે તો આલોકને શરીરમાં જીરણ તાવ રહેવા લાગ્યો હતો. વજન જાણે રોજ ઘટતું જતું હતું. તેને ચિંતા થવા લાગી, મને આ થયું છે શું ? કાઇ ખબર જ પડતી નથી.
'તમારી તપાસ કરાવવી પડે એમ લાગે છે.' લિપિએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
'હા, મે આપણાં ફેમિલી ડોક્ટર જોશીની એપોઈન્ટમેન્ટ લઈ લીધી છે.' આલોકે કહ્યું.
ડૉ. જોશીને આલોકને તપાસતા જ કોઈ મોટી બીમારીનો સંદેહ આવી ગયો હતો. તમારી લોહી, પેશાબ અને એક્સ-રેની તપાસ કરાવી લઈએ. પછી યોગ્ય નિદાન થઈ શકશે.
લોહીના રિપોર્ટ જોઈ ડૉ. જોશી ચિંતામાં પડી ગયા. બ્લડ કેન્સરનું નિદાન કહેતા તેમની જીભ અચકાઇ ગઈ. તેમણે સૂચન કર્યું, 'તમે કન્સલ્ટિંગ ફિઝિશિયન પટેલ સાહેબને બતાવો તો સારું.'
'સાહેબ, રિપોર્ટમાં શું લાગે છે ?' લિપિએ ચિંતાતુર સ્વરે પુછયું.
'તમને એ જ નિદાન કહેશે. ત્યાંની એપોઈન્ટમેન્ટ લઈ લો.' જોશી સાહેબે નિરાશાજનક અવાજમાં કહ્યું.
આલોક અને લિપિને કશુક ખરાબ નિદાનનો અંદેશો આવી ગયો હતો. ભારે હૃદયે બંને બહાર નીકળ્યા.
ડૉ. પટેલ જેમ જેમ તપાસ કરીને બ્લડનો રિપોર્ટ જોતાં ગયાં તેમ તેમ ચિંતા અને નિરાશાના ભાવ તેમના ચહેરા પર દેખાવા લાગ્યા.
'ડોક્ટર સાહેબ શું લાગે છે ?' આલોકે ચિંતા વ્યક્ત કરતાં પુછયું.
'છેલ્લા સ્ટેજનું બ્લડ કેન્સર છે, બચવાનો કોઈ ચાંસ નથી. તમને કેન્સર હોસ્પિટલની ચિઠ્ઠી લખી આપું છું. આશા બહુ જ ઓછી છે.' પટેલ સાહેબે સ્પષ્ટ વાત કરી ફોડ પાડયો.
શહેરની તમામ પ્રાઈવેટ અને કેન્સર હોસ્પીટલમાં બંને બતાવી ચૂક્યા હતા.
બધેથી એક જ જવાબ, 'બચવાના ચાંસ બહુ જ ઓછા છે. છેલ્લા ત્રણથી ચાર મહિના જ બાકી છે. હવે તો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે પણ સમય રહ્યો નથી લાગતો. અમેરીકામાં કોઈ લેટેસ્ટ ટ્રીટમેન્ટ આવેલ હોય તો બતાવી શકો છો.
આલોક અને લિપિ સાવ નિરાશ થઈ ગયાં. છેલ્લી આશારૂપે ન્યુયોર્કના કેન્સર સ્પેશિયાલિસ્ટની એપોઈન્ટમેન્ટ મેળવી ઉપડયા અમેરિકાની ફ્લાઈટમાં.
પ્લેન મુંબઈથી નેવાર્કની ઉડાન ભરી ચૂક્યું હતું. નિરાશ આલોક અને લિપિ ઇકોનોમી ક્લાસમાં બેઠા બેઠા ખરાબ ભવિષ્યનો વિચાર કરી રહ્યા હતા.
પણ પેલી કહેવત છે ને , 'ના જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું છે.'
બે કલાક થયા હશે અને પ્લેનની ડાબી પાંખમાથી ધુમાડાની વાસ આવવા લાગી. કમનસીબે પ્લેનની ડાબી પાંખમાં આગ લાગી હતી. બધા મુસાફરો ગભરાઈ ગયાં.
હવે શું થશે? ના વિચારમાં ધ્રૂજવા લાગ્યા. માઈકમાંથી જાહેરાત થવા લાગી, ક્રૂ મેમ્બરો દોડાદોડી કરી બધાને લાઈફ જેકેટ પહેરાવવા લાગ્યા.
હાય રે નસીબ ! આલોક અને લીપીના ખાનામાં ભૂલમાં એક જ જેકેટ હતું. એર હોસ્ટેસે આવીને ઉતાવળમાં આલોકને પહેરાવી દીધું. લીપીના ભાગે જેકેટ હતું જ નહીં. કરવું શું ?
એક પછી એક લોકો ઈમરજન્સી એક્ઝિટમાથી કૂદીને જીવ બચાવવા લાગ્યા. આલોકની પણ જીજીવિષા એ જ વખતે પ્રબળ બની ગઈ, જીવ બચાવવો કોને ના ગમે ? છેક સુધી પહોચીને તે પરત આવ્યો.
બધા જોઈ રહ્યા. એર હોસ્ટેસે પણ કુદતા પહેલા છેલ્લી ચેતવણી અપી, 'મિસ્ટર, કૂદી પડો જલ્દી, સમય ઓછો છે.'
પણ આલોકને તરત જ ડોક્ટરના શબ્દો યાદ આવી ગયા એને અંતરજ્ઞાાન થયું કે હું જીવીને શું કરીશ, મારી પાસે તો આમ પણ બે ચાર મહિનાનો જ સમય છે. હું અવિને ઉછેરી નહીં શકું અને તેનું જીવન ધૂળધાણી થઈ જશે, એ વિચારી તે તરત જ લિપિ પાસે પરત આવ્યો અને લિપિને આગ્રહપૂર્વક જેકેટ આપી દીધું.
આલોકે પોતાનું જેકેટ કાઢીને લિપિને પહેરાવી દીધું. લિપિ ના ના કરતી રહી, આલોકે સૂચના આપતા કહ્યું, 'લિપિ કૂદી જા, આપણાં અવિનો ઉછેર અને ઘડતર સારું કરજે, મારે તો આમેય ત્રણ મહિના પછી મરવાનું જ છે.'
હવામાં જેકેટ ખૂલતાં જ લિપિએ ઉપર જોયું, એક ધડાકા સાથે વિમાન આગની લપેટમાં આવી તૂટી પડયું. સળગી ગયેલા આલોકની લાશના ટુકડા નીચે દરિયામાં પડતાં જોઈ લિપિ રડી ઉઠી. અવિ અને તેના માટે આલોકે કરેલો ત્યાગ અમર બની ગયો.
લિપિએ પૂરી મહેનત અને ખંતથી અવિનો ઉછેર અને ઘડતર કર્યા.
ડૉ. અવિના લગ્નપ્રસંગે પહેલા લિપિએ આલોકના ફોટાના દર્શન કરી આગળ વધવા સૂચન કર્યું.
આલોકના હસતાં ચહેરાવાળા ફોટામાથી તેનો ત્યાગ યાદ આવતા લિપિની આંખમાથી અશ્રુબિંદુ નીકળી ગયા.