મનગમતું કામ .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- આહા! કોલેજ જીવનની યાદો પણ કેટલી મીઠી લાગે છે!
લ ગ્નના સાત વરસે માલતી અમદાવાદ આવી રહી હતી. મુંબઈથી વહેલી સવારે ગુજરાત મેલમાં ઉતરી પોતાની બહેનપણી રક્ષાને ઘેર પહોચી. સવારના નિત્યક્રમ પરવારી. અને બપોરના અમદાવાદના વર્ષો જુના સંબંધો તાજા કરવા નીકળી પડી. તેણે રક્ષાને જોડે આવવા ખુબ આગ્રહ કર્યો, પણ તેની નોકરીમાં યર એન્ડીંગ હોવાથી એકપણ રજા બચી ન હતી, તેથી એકલી રીક્ષા કરવા નીકળી પડી.
મોબાઈલથી ઉબેર રિક્ષા કરવા વિચાર્યું, પણ તેનો રૂટ ક્યાં નક્કી હતો, તેણે ક્યાં ફરવું છે એ પણ નક્કી ન હતું. તેની ઈચ્છા તેની આશ્રમરોડની કોમર્સ કોલેજ, આશ્રમરોડના થિયેટરો, ગુજરાત યુનિવર્સીટી લાઈબ્રેરી, વિજય ચારરસ્તાની કોફી શોપ, લો ગાર્ડનની ખાણીપીણી બજાર, વિગેરે કેટલી બધી જગ્યાએ ફરવું હતું.
પાલડીના રક્ષાના ફલેટમાંથી નીકળી ત્યાંજ સામે એક ચાચાની રીક્ષા નીકળી. તેણે હાથ કરી ઉભી રાખી, 'ચાચા, મેરે કો અમદાવાદ ઘુમના હૈ, ચલોગે.'
'હા,હા કયું નહીં, હમારાતો યહીં કામ હૈ, મીટર ચાલુ કર દેતા હું, જો મીટરસે હો, વો પૈસે દે દેના.'
'ઠીક હૈ, ચાલુ કરો.' માલતી રીક્ષામાં બેસતા બોલી.
'પહેલે આશ્રમરોડ એસજી કોમર્સ કોલેજ લે લો.' માલતીએ કહ્યું.
રિક્ષા ચાલુ થઇ ગઈ. આખું શહેર સાત સાલમાં જાણે બદલાઈ ગયું હતું. નાના ત્રણ માળના ફ્લેટને બદલે દશ દશ માળના ઊંચા ઊંચા ફ્લેટ જોઈ માલતીને મુંબઈની યાદ આવી ગઈ. અન્ડરબ્રીજ આવતા તેને નવાઈ લાગી.
'ચાચા, યહાં તો રેલ્વે ક્રોસિંગ થા ને' શારદાક્રોસિંગની જગ્યાએ અંડરબ્રીજ જોઈ માલતીએ પુછયું.
'બેટા, વો તો કબકા અન્ડરબ્રીજ હો ગયા.' ચાચાએ કહ્યું.
આહા કેટલું બધું બદલાઈ ગયું છે! રેલ્વે લાઈનની ઉપર પણ ઊંચા ઊંચા થાંભલા પર રેલ્વે દોડતી જોઈ, તે ખુશ થઇ ગઈ.
ત્યાં તો ગુજરાત કોલેજ થઇ આશ્રમ રોડ આવી ગયો. તેની આર્ટસ અને કોમર્સ કોલેજના જુવાન રંગીલા કોલેજીયનોને જોઈ તેને કોલેજના દિવસો યાદ આવી ગયા.
તેની આંખ સામેથી દશ વરસ ખરી પડયા. જુવાન ફેશનેબલ માલતી કોલેજમાંથી નીકળતી હતી ને એક હેન્ડસમ યુવાન અથડાયો.
'હાય, જોઇને ચલાતું નથી' માલતી બગડી
'સોરી, મારૂ ધ્યાન ન હતું. લાવો તમારા ચોપડા અને પર્સ સાફ કરી દઉ.' તે યુવાને નમ્રતાથી કહ્યું.
માલતીને તેની રીતભાત અને બોલવાની સ્ટાઈલ પસંદ પડી. તે મજાકમાં બોલી.
'એમ, ચોપડા સાફ કરવાથી નહીં ચાલે, કોફી આઈસ્ક્રીમ ખવડાવો પડશે.'
'ચોક્કસ, ચાલો સામેની રેસ્ટોરન્ટમાં. મારું નામ મેહુલ ચોકસી.' કહી યુવાને હાથ લંબાવ્યો.
'મારું નામ માલતી ભટ્ટ' કહી હાથ મિલાવતા માલતી ઝણઝણી ઉઠી.
ધીમે ધીમે મેહુલ અને માલતીની મુલાકાતો વધવા લાગી. યુનિવર્સીટીની લાઈબ્રેરી, લોગાર્ડનની પાણીપુરી બજાર અને છેવટે લોગાર્ડનના છેલ્લા બાંકડે રોજ સાંજે સાતથી સાડાસાત હાથમાં હાથ પરોવી બેસી રહેતા. કોલેજના છેલ્લા દિવસે માલતીએ મેહુલને કહ્યું. 'સારી નોકરી શોધી કાઢ, પછી આપણે લગ્ન કરીશું.'
'નહીં, હું તો બીઝનેસ કરવામાં માનું છું.' મેહુલે કહ્યું. તેને બીઝનેસ કરવો ખુબ ગમતો. તેનું આખું કુટુંબ સોનાચાંદીના વેપારમાં જ કાર્યરત હતું.
'મને બીઝનેસમેન જરાપણ ના ગમે, આખો દિવસ ધંધા માટે ઘરની બહારને બહાર, તેની કરતાં નોકરીયાત વર સારો. ટેન્સન વગર આખો પગાર મળી જાય.' માલતી બોલી, તેનું આખું કુટુંબ નોકરીયાત હતું.
'નાં હું કોઈ નોકરી તો નહીં જ કરું.' કહેતા કહેતા મેહુલ અને માલતીના મતભેદ વકરી ગયા. બન્નેએ વટમાં ને વટમાં થોડા સમય મળવાનું પણ બંધ કરી દીધું. એ જ સમયે માલતીના પપ્પાની મુંબઈ ટ્રાન્સફર થતાં તેને જવું પડયું, ત્યાંની પેઢીમાં નોકરી કરતા મુકેશ જાની સાથે લગ્ન પણ વડીલોની ગોઠવણથી થઇ ગયા. પ્રાઈવેટ પેઢીના ટુંકા પગારમાં મુકેશ હજુ બે બીએચકે નો ફ્લેટ પણ ન ખરીદી શક્યો, એ લોકો ઘાટકોપરની ચાલીમાં જ રહેતા હતા. મેહુલનું શું થયું એ માલતીને ખબર જ ન પડી.
'લો બેટા યુનિવર્સીટી લાયબ્રેરી આ ગઈ , અબ કહા લુ.' અહમદ ચાચાએ પુછયું. સાંજ ઢળવા લાગી હતી. 'લો ગાર્ડન લે લો.'
માલતી બોલી.
પુોા લોગાર્ડનની ભાજીપાઉંની લારી આગળ ઉભી રહી ગઈ. એ જ લારીવાળો લોકોને તમતમતાં ભાજીપાઉં પીરસી રહ્યો હતો. તેને મેહુલ સાથે ખાધેલું ભાજીપાઉં યાદ આવી ગયું. તેને તીખી ભાજી બિલકુલ માફક નહોતી.
આગળ જતાં પાણીપુરીની લારીએ યાદ આવ્યું, મેહુલ તેને આગ્રહ કરી છેલ્લે મફત મસાલાપુરી ખવડાવતો હતો. આહા! કોલેજ જીવનની યાદો પણ કેટલી મીઠી લાગે છે !
લો ગાર્ડનની અંદર માલતી ચાલતા છેલ્લા બાંકડે જવા લાગી. દુરથી તેણે એક યુવાનને ગુમસુમ બેઠેલો જોયો. અરે ! આતો મેહુલ જ લાગે છે, એજ બાકડાં પર !
તેણે માળીને પુછયું 'આ કોણ છે ?'
'બહેન, એ કરોડપતિ શેઠ મેહુલ ચોકસી છે. તેની સોનાનાં દાગીનાની દુકાન સી.જી. રોડ પર ધમધોકાર ચાલે છે. પણ રોજ સાંજે સાતથી સાડાસાત એકલા આવીને સુનમુન થઇ બબડયા કરે છે. 'માલતી, હું બીઝનેસ કરું છું, પણ નોકરી તો નહીં જ કરું. હજુ સુધી એકલા જ છે.'
માલતી આ સાંભળીને ચકરાઈ ગઈ. 'અરેરે ! મેં સાવ કેવી બાબતમાં મેહુલને તરછોડી દીધો. અફસોસ! હવે શું થાય? મારા નસીબમાં તો ઘાટકોપરની ચાલી જ લખાયેલી હશે.'
લાસ્ટ સ્ટ્રોક : ફાસ્ટ જમાનાના વહેતા જીવનમાં કોઈ પણ કામ દિલને ગમે તેવું હોય, તો તેમાં સફળતા મળે જ છે. લગ્ન પહેલા શું કરવું અને શું નહીં તેની ચર્ચા નિરર્થક છે.