'સલામ છે, નિ:સ્વાર્થ સેવા અને માવજત ને'

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
'સલામ છે, નિ:સ્વાર્થ સેવા અને માવજત ને' 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- મનુ બદલો લેવાની આગમાં અમિતાનો પીછો કરતો ઘુમવા લાગ્યો અને એક દિવસ....

'સિ સ્ટર મારે તો હોસ્પિટલના નિયમ મુજબ અને મહાનગરપાલિકાનાં કાયદા અનુસાર કાર્યવાહી કરવી જ પડે, હવે અહી અમિતાને દાખલ કર્યે ત્રણ માસથી વધારે સમય થઈ ગયો છે, પણ કોમામાં કોઈ જ પરિણામ નથી. તેથી તેને અહીથી ડિસ્ચાર્જ કરીને ધર્માદા હોસ્પીટલમાં શિફ્ટ કરી દઈએ' ડિન સાહેબે મૅટ્રન સિસ્ટરને બોલાવી વાત કરી.

'નહીં, નહીં, ડિન સાહેબ, અમિતાએ અહીં જ નર્સિંગનો અભ્યાસ કરેલ છે, અહી જ એના દાખલ વોર્ડમાં જ ડયૂટી કરેલ છે, અહીથી જ તે કોમામાં જતી રહી છે, તેથી આવી બેભાન અવસ્થામાં તેને રજા આપવા નહીં દઈએ. અમે બધી સિસ્ટરો તેની અંગત કાળજી અને સંભાળ રાખીશું' મેટ્રન વિરોધ કરતાં બોલ્યા.

ડિન સાહેબ વિચારમાં પડી ગયા. વાત તો સાચી હતી. આ હોસ્પીટલમાં જ અમિતા સિસ્ટરને હુમલાથી કોમામાં સારી જવું પડયું હતું, પણ હોસ્પિટલના નિયમનુ શું ?

'નહીં નહીં, મેટ્રન, મારે તો નિયમ અનુસાર તેને રજા આપીને શિફ્ટ કરવી જ પડશે.' ડિન સાહેબે તેમનો નિર્ણય જણાવી દીધો. 

કોણ છે આ અમિતા સિસ્ટર ? જુવાનીમાં ચાલુ ફરજે તે કઈ રીતે બેભાન થઈ ગયાં ?

મુંબઈ મહાનગરપાલિકાની જાણીતી હોસ્પીટલમાં ફક્ત અઢાર વર્ષની છોકરી કર્ણાટકના ગામડેથી ભાગીને આવી હતી. તેનો એક જ મકસદ હતો, ભણીગણીને સિસ્ટર બનીને દર્દીઓની સેવા કરવી. અવ્વલ નંબરે પાસ થવાથી એ જ હોસ્પીટલમાં તેને નર્સની નોકરી પણ મળી ગઈ.

દેખાવડી અમિતાને તેના જ વોર્ડનાં એક રેસિડેન્ટ ડોક્ટર સાથે પ્રેમ થઈ ગયો. અને ટૂંક સમયમાં તેમના લગ્ન પણ થવાનાં હતા. તેના સુખી ભવિષ્યના શમણાં જોતી વોર્ડમાં ડયૂટી બજાવતી રહેતી. પણ... કુદરતને કઇંક અલગ જ મંજૂર હતું, તેની આ ખુશી લાંબી ન ટકી. હોસ્પિટલના વોર્ડબોય મનુને તેણે વોર્ડમાથી દવાની અને ખોરાકની ચોરી કરતાં રંગે હાથે પકડી પડયો, ભવિષ્યમાં આવું કરશે તો તેની ફરિયાદ કરી બરતરફ કરવી નાખવાની ધમકી પણ આપી. મનુ બદલો લેવાની આગમાં અમિતાનો પીછો કરતો ઘુમવા લાગ્યો અને એક દિવસ....

મનુને એ લાગ મળી ગયો. અમિતા સાંજે ડયૂટી પુરી કરી બેઝમેન્ટમાં ચેન્જ રૂમમાં કપડાં બદલવા ગઈ, ત્યારે એકાંતનો લાભ લઈ મનુએ પાશવી બળાત્કાર ગુજાર્યો, અમિતાએ ખુબજ વિરોધ કર્યો, પણ એક અબળાનુ કેટલું ચાલે ? મનુનાં મગજમાં ખુન્નસ સવાર હતું. અમિતા કોઈને ફરિયાદ ન કરી શકે તે માટે તેણે લોખંડની ચેઇન વડે તેનું ગળું દબાવી દીધું. ગળાની નસ જોરથી દબાવાથી તેનાં મગજનો લોહીનો પુરવઠો બંધ થઈ ગયો. કમનસીબે તે મરી નહીં, પણ બેભાન થઈને ઢળી પડી. 

સવાર સુધી બેભાન અમિતા અંતે ડીપ કોમામાં સરી પડી. તેનાં ગળાની ચેઇન અને હાથની બંગડી બંને મનુએ ચોરી લીધા હતા. 

અમિતાની દ્રષ્ટિ અને વાચા બંને જતાં રહ્યા હતા. હવે બેભાન અમિતા કોઇને ફરિયાદ કરી શકે તેમ ન હતી. બધી સ્ટાફ નર્ર્સોએ ભેગા થઈ તેને તરત વોર્ડમાં દાખલ કરી સારવાર ચાલુ કરી. 

વોચમેને સાંજે મનુને ત્યાથી નાસી છુટતા જોઈ લીધો હતો. તેથી પોલીસે મનુને ગામડેથી પકડી પાડયો, તેની પાસેથી અમિતાની ચેઇન અને બંગડી બરામત થયા. કોર્ટમાં હીચકારો હુમલો અને ચોરીનો કેસ ચાલી ગયા. અમિતા તો કોમામાં સરી પડી હતી

તેનું હૃદય અને શ્વસન ચાલુ હતા, મગજ ડેમેજ થયું હોઈ ડીપ કોમામાં હતી. આંખો પટપટાવે પણ દ્રષ્ટિ બિલકુલ નહીં. કાનથી સાંભળી શકે પણ વાચા બિલકુલ નહીં.  

દિવસો, મહિના અને વરસો વીતવા લાગ્યા. 

અંતે હોસ્પિટલના વહીવટે તેને નિયમ મુજબ બીજે ખસેડવાનો નિર્ણય કર્યો, પણ આ નિર્ણય સામે હોસ્પિટલની તમામ નર્સો એક થઈ હડતાળ પર ઉતરી ગઈ, તમામ કામકાજ ઠપ્પ થઈ ગયું. કોઈ નર્સ તેની સગી કે સબંધી ન હતી.

અંતે પ્રેમ અને માનવતાની જીત થઈ. હોસ્પિટલના વહિવટદારોએ નિયમો તોડીને અમિતાને જ્યાં સુધી સારવાર ચાલે, જ્યાં સુધી જીવે ત્યાં સુધી રહેવાની છૂટ  !  ના કોઈ સબંધી ના કોઈ કુટુંબી છતાં કોમામાં રહેલ દર્દીની સંપૂર્ણ સેવા અને માવજત કરવાનો અભિગમ ! વાહ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ વાહ !

અમિતાની તબિયત ન બગડે કે ન સુધારો દર્શાવે. આમને આમ મહિનાઓ વીતવા લાગ્યા. તેનો ડોક્ટર આશિક પણ બહુ રાહ જોઈને, છેલ્લી ઉમ્મીદો છોડીને વિદેશ જતો રહી ત્યાં જ સ્થાયી થઈ ગયો. તેની સગી બહેન પણ કંટાળીને તેને છોડીને ચાલી ગઈ. પણ નર્ર્સોની સેવા અને અંગત માવજત અવિરત ચાલુ જ હતા.  અમિતાને ભાવતી  ડિશ કરી, આફુસ કેરી વિગેરે નર્સો પોતાના આપ્તજનો માટે લાવતા હોય તેમ ઘેરથી લાવી અમિતાને ખવડાવે તો અમિતા મંદમંદ હસીને તેનો પ્રતિભાવ પણ આપતી. સમય ગુજરતો ગયો. મહિનાઓ પછી વર્ષો વિતતા ગયા, પણ તેની કોમાની અવસ્થા જેમ હતી તેમની તેમ !

સાત વરસના વ્હાણાં વહી ગયા. તેના પર અધમ કૃત્ય કરનાર મનુ પણ ગુનાની સજા પૂરી કરીને જેલની બહાર આવી ગયો.

તેણે જેલમાથી છૂટીને અમિતાના વોર્ડમાં જઇ ખુન્નસથી તેણે પછાડવાનો પ્રયત્ન કર્યો, પણ વોર્ડમાં રહેલી સિસ્ટરોએ તેણે બચાવી લીધી. ત્યાર પછી કોઈ પણ પુરુષના અવાજ માત્રથી અમિતા બુમાબુમ કરી મૂકતી. હજી પણ તેના ઘાયલ મગજના કોષોમાં તેના પર થયેલ પાશવી બળાત્કારની યાદ તાજી થઈ જતી હતી. આ પ્રસંગ પછી અમિતાને જનરલ વોર્ડમાં અલગ રૂમ ફાળવાયો.

વર્ષો વિતતા ગયા, બેભાન અમિતાને બદલાતા સમયની ક્યાં ખબર હતી ? નર્સો બદલાતી ગઈ, પણ અમિતા પ્રત્યેની લાગણી હજી એવીને એવી જ હતી. હજુ પણ તેમને આશા હતી કે આટલી સારવાર અને માવજત પછી કદાચ અમિતા કોમામાંથી બહાર આવે, બેઠી થાય અને વાતો કરતી થાય. આ આશામાં તેના મળમૂત્ર સાફ કરવા, નખ કાપવા, વાળ ઓળવા, ચાંદા કે ભાઠા ન પડી જાય તેની અંગત કાળજી લેવી વિગેરે કામો સગી બહેન કે કોઈપણ કુટુંબી ન કરે તે સઘળું કામ નર્સો હસતાં મોઢે કરતી રહી.

વર્ષો પછી દયાજનક સ્થિતિમાં રહેલી અમિતાનો કોઈ જ અંત ન આવતા તેના શાંતિપૂર્વકના દયા મૃત્યુ કે ઈચ્છામૃત્યુ માટે અરજી કરવામાં આવી. વાત છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી. આટલી બધી કાળજીપૂર્વકની સારવાર ચાલુ હોવાથી ઈચ્છામૃત્યુનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો. તમામ નર્સો અને સ્ટાફે આ દિવસ ખુશાલી વ્યક્ત કરી કેક કાપી. અમિતાને પણ ગળ્યું મોં કરાવવા ટયુબ વડે આપતા પ્રવાહીમાં ગ્લુકોઝ ઉમેરાયો, પણ તેને તો ક્યાં સ્વાદની કોઈ ખબર પડતી હતી ?

વર્ષો વિતતા ગયા, પેઢી બદલાતી ગઈ, સ્ટાફ બદલાતો ગયો, જમાનો બદલાઈ ગયો. બેંતાલીસ વર્ષના વહાણા વાઇ ગયા, છેવટે છવ્વીસ વરસે કોમામાં સારી પડેલી અમિતા અડસઠ વરસે આ ફાની દુનિયા છોડીને અલવિદા કરી દીધી. કદાચ બેંતાલીસ વરસ સુધી કોમામાં રહી જિંદગી અને મોત સાથે હરીફાઈ કરતી અમિતા રેકોર્ડ રૂપ મિશાલ બની ગઈ. બેંતાલીસ વરસની સ્ટાફ નર્સોની નિષ્કામ સેવા, નિસ્વાર્થ ભાવના દુનિયામાં ઉદાહરણરૂપ બની ગઈ. સલામ છે આ હોસ્પિટલની નર્ર્સોને, સ્ટાફના માણસોને !!!

જ્યાં શિક્ષણ લીધું, જ્યાં કાર્ય કર્યું, જ્યાં જીવન વિતાવ્યું, ત્યાં જ વર્ષો સુધી કોમામાં રહીને મોતને વહાલું કર્યું.


Google NewsGoogle News