Get The App

વિસ્મયની મૂંઝવણ .

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
વિસ્મયની મૂંઝવણ                                   . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- વિસ્મય ખુશ થઇ કાવ્યાને મોબાઈલ જોડયો, પણ આ શું ? કોઈ જવાબ જ નહિ, કેટલા કોલ, કેટલી તપાસ પછી પણ કાવ્યાનો કોઈ અતોપતો જ નહિ

'આ વરરાજા સાવ મૂડ વગર કેમ ફેરા ફરી રહ્યા છે? લગ્નમાં બધાને નવાઈ લાગતી હતી. વિસ્મય જાણે મન વગર જ ફેરા ફરી રહ્યો હતો. નવોઢા વંદના પણ વિચારતી હતી કે, વિસ્મયને થયું છે શું ? તબિયત ખરાબ હશે કે પછી કાંઈ બીજું કારણ હશે ?

ભપકાદાર રિસેપ્શનમાંથી રાત્રે સાડા અગિયાર વાગ્યે બધા થાકીને લોથપોથ થઈ ગયા હતા. ઘરે મહેમાનોની ભીડ હોવાથી સુહાગરાત માટે હોટલ રેડ ડાયમંડનો એ.સી. રૂમ શણગારેલ હતો, પલંગ પર પડતાવેંત તે પડખું ફરી સુઈ ગયો. તેના મનમાંથી હજી કાવ્યાનો પ્રેમ અને મસ્તી ભુલાતા ન હતા. અને તેને વરસ પહેલાની કોલેજલાઈફ યાદ આવી ગઈ. આખા ક્લાસમાં સૌથી સુંદર યુવતીની સ્પર્ધા રાખવામાં આવે તો કાવ્યા પાટીલ પ્રથમ નંબરે જ આવે, તેમાં કોઈ શંકાને સ્થાન જ નહિ. સુંદર મોટી આંખો, ગોળ આકર્ષક ચહેરો, લાંબા વાળ અને ગોરો રંગ તેને આધુનિક કામિની બનાવી દેતા હતા. વર્ગના દરેક છોકરા તેને પામવા પ્રયત્ન કરતા, પણ તે કોઈને દાદ આપતી નહિ. 

વિસ્મય કાપડિયા કરોડપતિ બાપનો એકનો એક દીકરો હતો. તેની અલગ જ કાર હસુભાઈએ તેને ફાળવી હતી. વેલેન્ટાઇન ડે પર વિસ્મયે સુંદર આધુનિક મોડલનો મોબાઈલ ખરીદી કાવ્યાને ભેટ આપ્યો અને તેના પ્રેમનો એકરાર કરી દીધો. મધ્યમવર્ગની કાવ્યા ખુશ થઇ તેના તરફ ખેંચાઈ ગઈ અને બંને પ્રેમમાં પાગલ થઇ ગયા. 

ફેબુ્રઆરીના અંતમાં કોલેજની ચાર દિવસની માઉન્ટઆબુની ટુરમાં આ બે પ્રેમીઓને મજા પડી ગઈ. કાવ્યાના ખર્ચના બધા રૂપિયા વિસ્મયે ભરી દીધા. સનસેટ પોઈન્ટ પર બધા પરત હોટલ તરફ ગયા પછી અંધારામાં વિસ્મય અને કાવ્યાને મોકળું મેદાન મળી ગયું. પછી તો હોટલ હિલટોપની આજુબાજુની રૂમમાં બંને જુવાનીનો આનંદ લુંટવા લાગ્યા. વિસ્મય તેના મિત્રોને ઈંગ્લીશ શરાબની કિંમતી બોટલો આપી રૂમનો કબજો મેળવીને કાવ્યને બોલાવી બંને આનંદ લુંટવા લાગ્યા. રૂમ સર્વિસના રહીમચાચાને પાંચસો રૂપિયાની નોટ આપી રૂમમાં કોઈ ડીસ્ટર્બ ના કરે તેની જોગવાઈ કરી લીધી. રહીમચાચાને ખ્યાલ આવી ગયો, આ પ્રેમીઓની લીલા પર ચૂપ રહેવાના રૂપિયા મળી રહ્યા છે. ચાર દિવસ ભરપુર આનંદ કરી વિસ્મય અને કાવ્યા અમદાવાદ આવ્યા ત્યારે પરસ્પર લગ્ન કરવાના સોગંદ અને કોલ અપાઈ ગયાં. અમદાવાદની ફાઈવસ્ટાર હોટલોમાં પણ વિસ્મય અને કાવ્યા જુવાનીનો આનંદ માણતા રહ્યા. વિસ્મયને ખર્ચની ક્યાં પરવા હતી ?

ગ્રેજ્યુએટ થઇ ગયા પછી વિસ્મયે ગભરાતા ગભરાતા પોતાના માતાપિતાને કાવ્યાની વાત કરી. મરાઠી છોકરીને વહુ તરીકે સ્વીકારવા બંને તૈયાર ન થયા. પણ વિસ્મયે હઠ પકડી. બે મહિના પછી તેના માંબાપે મન મનાવ્યું, 'ચાલો કઈનહિ, બોલાવી લે, કાવ્યા પાટીલના માતાપિતાને.'

વિસ્મય ખુશ થઇ કાવ્યાને મોબાઈલ જોડયો, પણ આ શું ? કોઈ જવાબ જ નહિ, કેટલા કોલ, કેટલી તપાસ પછી પણ કાવ્યાનો કોઈ અતોપતો જ નહિ, વિસ્મય ઢીલો પડી ગયો. અંતે તેણે વંદના સાથે લગ્નની હા પાડી, વંદના ઠરેલ, રૂપાળી અને સરળ સ્વભાવની છોકરી હતી. 

સુહાગરાત પર જાણે કે વિસ્મય ઠરેલ બરફની પાટ બની ગયો. તેના મનમાંથી કાવ્યાનો પ્રેમ મસ્તી, શરીરસુખ હજી ખસતા જ ન હતા,.વંદનાની આશા, અરમાન, ભવિષ્ય ભુક્કો બની ગયું. વિસ્મય પલંગ પર પડતાવેંત ઘોરવા લાગ્યો. ઘરનાને લાગ્યું કે કંઇક અજુગતું બની રહ્યું છે, પણ શું ? બધાને તેમની અંગત લાઈફનો ખ્યાલ ક્યાંથી આવે?

વિસ્મયને ઓફિસમાં બહુ જ લોડ હોવાથી યુરોપની ટુર મહિના પછી ગોઠવી હતી. પણ ત્રણ દિવસની રજા આવતા વિસ્મયના માંબાપે બંનેની માઉન્ટઆબુની હિલટોપ હોટલનો લક્ઝરી સ્યુટ બુક કરાવી પરાણે મોકલી આપ્યા. વિસ્મય આબુના કાવ્યા સાથેના સંસ્મરણોમાં જ રાચતો હતો, તેણે હજુ સુધી વંદના સાથે શરીરસુખ માણ્યું જ નહોતું, એ જ સનસેટ પોઈન્ટની સાંજ, કાવ્યાની મધુર યાદોમાં તે વધારે ઢીલો પડી ગયો. હોટલની રૂમમાં પહોંચતા જ રહીમચાચાને રૂમ સર્વિસમાં જોઈ ખાસિયાણો પડી ગયો. તેણે ઈશારો કરી રહીમચાચાને ચુપ રહેવા 

પાંચસોની નોટ પકડાવી. પરિસ્થિતિ પામતા રહીમચાચા સમજી ગયા. વંદનાની માંગમાં સિંદુર અને ગાળામાં મંગળસૂત્ર જોઈ રહીમચાચાને બધો ખ્યાલ આવી ગયો. 

વંદના નહાવા ગઈ ત્યારે રહીમચાચાએ વિસ્મયને બહાર બોલાવી ધીમેથી કહ્યું, 'બેટા, તું આટલી સુંદર પત્ની પામીને સુખી થઇ ગયો.'

'ના, ચાચા કાવ્યા હજુ મનમાંથી ખસતી જ નથી.' વિસ્મયે નિરાશવદને જવાબ આપ્યો. 

'બેટા, એ છોકરીને તું યાદ ના કર, તે તારા લાયક હતી જ નહિ, ગયા મહીને જ તે તેના અમેરિકાના પતિને લઈને હનીમુન માટે આવી હતી. મને મોં બંધ રાખવાના પચાસ ડોલર તે આપી ગઈ છે.' રહીમચાચાએ ફોડ પાડયો. 

'હેં ! તેના લગ્ન થઇ ગયા અને મને જણાવ્યું પણ નહી.' કહેતા વિસ્મય બેસી પડયો. 

રાત્રે વંદના નિરાશાથી સુવા જતી હતી, ત્યાં ગરમાગરમ વિસ્મય તેને ભેટી પડયો, 'મને માફ કરી દે, વંદના.' કહેતા તે ખરેખર હનીમુન ઉજવી રહ્યો હતો.

વંદનાને ખબર ન પડી કે વિસ્મય શેના માટે સોરી કહે છે, પણ હવે તે પણ ગરમાગરમ બની ગઈ.


Google NewsGoogle News