Get The App

પહેલી લુંટ .

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
પહેલી લુંટ                                              . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- હરામનો પૈસો અમને ના ખપે, ભલે ભૂખ્યા મરીશું પણ હરામનો, પાપનો પૈસા ના જોઈએ.' 

રા તના નવને દશ થતા રોડ સુમસામ બની ગયો. મહાસુખભાઈ શાંતિથી પોતાની દુકાન બંધ કરવા રોકડ ગણી રહયા હતા. કોઈ વટેમાર્ગુ પણ દેખાતો નહોતો. અચાનક એક બુકાનીધારી યુવકે આવી રામપુરી ચાકુ તેના પેટ સામે ધરીને બુમ પાડી. 

'જે હોય તે આપી દો શેઠ, નહીતર જાનથી મારી નાખીશ.'

મહાસુખભાઈ આધેડ ઉમરના દુકાનદાર હતા. તે એકદમ દયાળુ અને ધાર્મિક સ્વભાવના હતા.  છેલ્લા વીસ વરસથી પરચુરણ વસ્તુઓ અને નાસ્તાની દુકાન ચાલવતા. કમાણી બહુ ન હતી, પણ નાના ગામમાં ગુજરાન ચલાવવા પુરતું મળી રહેતું. હમણાં બે વરસથી લોટરીની ટીકીટો પણ વેચવાનું શરૂ કરેલ હતું. સિક્કિમ સ્ટેટની છેલ્લી લોટરીનું બમ્પર ઇનામ રૂપિયા ચાર કરોડ બધાને આકર્ષિત કરતુ, લોટરીની ટીકીટનો ભાવ પણ સો રૂપિયા હતો. મહાસુખભાઈ ત્રીસ ટીકીટની એક ચોપડી લાવ્યા હતા, તેમાં છેલ્લી બે ટીકીટ વધી હતી. 

મહાસુખભાઈ ગભરાઈને વિચારે ચડયા. આ યુવાન જો રામપુરી ચાકુ પેટમાં ઘુસાડી દેશે, તો કાયમ માટે રામ રમી જશે. આજુબાજુની દુકાનો બંધ થઇ ગઈ હતી, અને કોઈ માણસ દેખાતું ન હતું. તેમણે ડરતાં ડરતાં બે હજાર બસોનો વકરો યુવકના હાથમાં મૂકી દીધો. 

'બસ આટલો જ વકરો છે, આખા દિવસનો?' લુંટારા યુવકને ગુસ્સા સાથે નવાઈ લાગી. 

'જુઓ, મારી પરચૂરણની નાની દુકાન છે, પણ લો, આ બે સિક્કિમની બમ્પર લોટરીની ટીકીટ પણ લેતા જાવ.' મહાસુખભાઈએ જીવ બચાવવા દિલથી કહ્યું. 

'સારૃં લાવો.' કહી બધું લઈ લુંટારો મેહુલ ભાગી ગયો. 

મેહુલ ગ્રેજ્યુએટ થયાને બે વરસ થઈ ગયા હતા, બહું મહેનત કરવા છતાં  હજી તેને નોકરી મળી ન હતી. તેની પત્ની માધવી અને બે વરસની મુન્ની હતા, તેના માતાપિતા, પ્રમોદભાઈ અને પુષ્પાબેન પણ તેને આશ્રિત હતા. ઘરમાં બીજી કોઈ આવક નહોતી. બે વરસમાં તો પ્રમોદભાઈની બધી બચત ખલાસ થઈ ગઈ. ઘરમાં ખાવા પીવાનાય ફાંફાં પડી ગયા. હાલ્લા કુસ્તી કરતાં હતા. મુન્ની સવારથી ભૂખી થઈને બૂમો પાડતી હતી. હવે માધવીનો મગજ પરનો કાબૂ ગયો. 

'શું તમે ય મેહુલ, આખો દિવસ ઘરે બેસીને અરજીઓ કર્યા કરો છો ? મુન્ની ભૂખની મારી પેટ દબાવીને રડી રહી છે. કઈંકતો કમાવીને લાવો.' 'શું કરું ? આટલી બધી અરજીઓ કરી પણ નોકરી મળતી જ નથી. પૈસા ક્યાંથી લાવું ?' મેહુલ પણ રડમસ થઈ ગયો. 

'કઈ પણ કરો, દેવું કરો, ચોરી કરો કે લૂંટ કરો, નહિતર મુન્નીનો જીવ ભૂખે ઊડી જશે.' માધવીએ ગરમ થઈ કહ્યું. 

શું કરવું, શું ના કરવું ના વિચારે અંતે બેકાર મેહુલે લૂંટ કરવા વિચાર્યું. પહેલી લૂંટમાં જ ચાકુની અણીએ રૂપિયા લઈ ખુશ થતાં ઘેર આવ્યો. 

'લે માધવી બે હજાર બસો રૂપિયા, મુન્ની માટે ખાવાનું લઈ આવ.' મેહુલે કહ્યું. 

'આટલા બધાં રૂપિયા એકદમ ક્યાંથી આવ્યા ?' બધાને શંકા પડી, મેહુલ ખોટું કરીને જ આવ્યો લાગે છે. 

'આ ક્યાંથી લાવ્યો ?' પ્રમોદભાઈ અને પુષ્પાબેન બગડયા,

'પપ્પા ના છૂટકે ચપ્પુની અણીએ લૂંટ કરવી પડી.' મેહુલનો જવાબ. 

'ના, ના, આવો હરામનો પૈસો અમને ના ખપે, ભલે ભૂખ્યા મરીશું પણ હરામનો, પાપનો પૈસા ના જોઈએ.' ત્રણે જણાનો એક જ અભિપ્રાય પડયો. 

'તમારા માટે તો લાવ્યો છું. મારા બુરાકર્મના પાપમાં તમે ભાગીદાર નહીં?' મેહુલ નિરાશ થઈ ગયો. 

'ના, હરગીઝ નહીં, અમે તારા પાપકર્મના ભાગીદાર ન બનીએ.' પુષ્પાબેન બોલ્યા. 

મેહુલ નિરાશ થઈ ભૂખ્યો સૂઈ ગયો સવારે તે લૂંટનો માલ લઈ પરત કરવા નીકળી ગયો. તેણે ઘરને છોડી દેવાનો નિર્ણય કરી દીધો. 

રસ્તામાં આશ્રમ આવતા તે પ્રવચન સાંભળવા ઊભો રહ્યો. 'જો પાપની કમાઈથી મન અશાંત થઈ જાય ગ્લાનિ અનુભવે તો તે પરત કરી મન શાંત અને શુધ્ધ કરી દેવાથી, 

આત્માનો ઉદય થશે.' ગુરુજી પોતાના ભક્તજનો અને શિષ્યોને સમજાવી રહયા હતા.

આ સાંભળતા જ તે પહોંચી ગયો, મહાસુખભાઈની દુકાને, હજી તો તે દુકાન ખોલી જ રહ્યા હતા. 

'લો, શેઠ આ તમારા બે હજાર બસો રૂપિયા અને લોટરીની ટિકિટ, મને પાપમાંથી મુક્ત કરો.' તે નીચું જોઇને ગમગીન થતાં બોલ્યા. 

ના, ના, મે તો જીવ બચાવવા મનથી તમને રૂપિયા અને લોટરીની ટિકિટ આપી દીધા હતા, હવે મારાથી પાછા ન લેવાય. મહાસુખભાઈને લૂંટનો માલ પરત કરનાર યુવકને જોઈ નવાઈ લાગી. 

'ના, ના, તમારે પરત લઈ મને પાપ મુક્ત કરવો જ પડશે.' મેહુલ મક્કમ હતો. એક વખત મન શુધ્ધ થઇ જાય, પછી તે જુના કર્યો ખપાવવા જ મથામણ કરે છે.  

'ના, મારાથી હવે ન લેવાય' મહાસુખભાઈ પણ ટસના મસ ના થયા. તે એટલા ધામક હતા, કે એક વખત આપેલ માલ પાછો ન જ લેવાય, તેમ માનતા.

કરવું શું ? બન્ને વચ્ચે મીઠો ઝગડો ચાલતો હતો, ત્યાં મહાસુખભાઈને મોબાઈલ આવ્યો.  'અભિનંદન, તમારી છેલ્લી લોટરીની ટિકિટને ચાર કરોડનું બમ્પર ઈનામ લાગેલ છે.' સાંભળીને બન્ને ઉછળી પડયા. પણ તે ટિકિટ રાખવા બન્ને તૈયાર નહીં. હવે આ ઇનામનું માલિક કોણ ? બન્ને આ રૂપિયામાંથી કાંઈ સારું કામ કરી મહિલા અને બાળકોના ઉત્થાન માટે ર્કોજેકટ વિચારવા લાગ્યા. 

અંતે તેમણે ચાર કરોડ રૂપિયાનું મહિલા ઉત્થાન કેન્દ્ર ચાલુ કરી. પાપડ, અથાણાં અને નાસ્તાનું ઉત્પાદન ચાલુ કર્યું. ચોખ્ખી દાનત અને શુધ્ધ માલથી એક વરસમાં તો તેમનું કેન્દ્ર ધમધોકાર ચાલવા લાગ્યું. અનેક વિધવા નિરાધાર વિધવાઓને રોજીરોટી મળતા તેમના સત્કર્મોની સુવાસ તેના ગામ સીતાપુર સુધી પહોંચી. 

મેહુલના માબાપ, માધવી અને મુન્ની ખુશ થતાં આવીને અનુમોદનાનો વરસાદ વરસાવ્યો. મેહુલ વિચારમાં પડયો, 'વાહ મારા બુરા કર્મોની બધેથી જાકારો, અને સત્કર્મોની સુવાસની ચારે તરફથી અનુમોદના ! વાહ ! મારી પહેલી લૂંટ તો રંગ લાવી.

લાસ્ટ સ્ટ્રોક : 

જીવનમાં બુરા કર્મોને કુટુંબીજનો પણ સાથ નહીં આપે, તો સત્કર્મો જ કરતાં રહોને, સુવાસ ફેલાવતા રહો !!


Google NewsGoogle News