જિંદગીનો ખેલ .

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
જિંદગીનો ખેલ                                                    . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- ભગાડીને પત્ની લાવનારો પણ દુખી અને જેની પત્ની ભાગી ગઈ તે પણ દુખી. વાહ રે કિસ્મત.....વાહ.

પે થાપુરથી નજીક સીતાપુર ગામમાં પરાગ મહેતા અને પાયલ પ્રજાપતિ એક જ શેરીમાં બાજુબાજુમાં રહેતા હતા. સરખી ઉંમરના હોવાથી બંને શાળાથી સાથે જ હતા. બાજુના ગામની કોલેજમાં પણ જવા આવવાનું સાથે જ થતું હોવાથી બંને એકબીજાને ગમવા લાગ્યા, અને છેવટે પ્રેમમાં પડી ગયા. 

ગ્રેજયુએટ થયા પછી પરાગ ઉપર તો કમાવવાની જવાબદારી હોવાથી તે નોકરી માટે ટ્રાય કરવા લાગ્યો. જ્યારે પાયલ ગ્રેજયુએટ થઈ એટલે તરત જ તેના લગ્નની ઘેર વાતો ચાલવા લાગી. 

મહિના બાદ પરાગને અમદાવાદમાં પ્રાઈવેટ કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટરની નોકરી મળી ગઈ. પગાર ઠીક ઠીક હતો, પણ રોજરોજ તેના ગામ સીતાપુરથી અમદાવાદ અપડાઉન શક્ય નહોતું, તેથી પરાગ અમદાવાદમા જ રહેવાનો પ્રબંધ શોધવા લાગ્યો.

અમદાવાદમા નારણપુરામાં ગુજરાતી કુટુંબમાં પેઈંગ ગેસ્ટ તરીકે તેને સરસ રહેવાનુ મળી ગયું. ખાવું પીવું અને રહેવાનુ વ્યાજબી ભાવે ગોઠવાઈ જવાથી પરાગ ખુશ હતો. દર મહિને દશ હજારની બચત થતી હતી. તેને ઘેરથી હજી વધારે ઠરીઠામ થાય પછી જ લગ્નની વાત ચાલે તેમ હતી.

પાયલનાં ઘેર તો છોકરી ત્રેવીસ વર્ષની થઈ ગઈ એટલે માબાપ ચિંતામાં હતા. તેમના પ્રજાપતિ કુટુંબમાં તો આ ઉંમરે છોકરીના લગ્ન થઈ જ ગયા હોય. તેને લાયક છોકરાની વાત બરોડાથી આવી. છોકરો દેખાવમાં સુંદર અને ડોક્ટર થયેલો, તેથી ઘરના બધા જ તેનાથી પ્રભાવિત થઈ ગયેલા.

પરાગ અને પાયલને રોજ રાત્રે મોબાઈલ પર વાતચીત થાય. પરાગ તેને સાંત્વના આપે કે હું મારે ઘેર આપણાં બન્નેના લગ્ન માટે વાત કરું છું. 

રવિવારે પરાગે  ઘેર આવીને પપ્પામમ્મીને અગત્યની વાત કહેવા રજૂઆત કરી. તેણે તેની સામે જ રહેતા પ્રજાપતિ કુટુંબની પાયલ સાથે પ્રેમની અને લગ્નની વાત કરતાં જ તેના પપ્પા ઊભા થઈ ગયા. તેમણે ગુસ્સામાં કહ્યું, 'આપણે ઉચ્ચ વાણિયા કુટુંબના મહેતા અને એ લોકો પ્રજાપતિ છે. એ લોકોના રીતરિવાજો, ખાણીપીણી બધુ જ અલગ પડે. તને આપણી જ્ઞાાતિની સારી, ભણેલી, કન્યા બતાવીશુ, ઉતાવળ ના કર. આ કુટુંબ સાથે હરગિઝ સબંધ ન કરાય.'

'પપ્પા, હું તેને પ્રેમ કરું છું, અને લગ્ન તો તેની સાથે જ કરીશ.' પરાગે પણ સામે ફૂંફાડો માર્યો.

'તો તારે માટે આ ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજજે. અમે આ પાયલને વહુ તરીકે ક્યારેય ના સ્વીકારીએ.' તેના પપ્પા ગુસ્સે ભરાયા. 

પરાગ ઊભો થઈ ઘરની બહાર નીકળી ગયો અને કહેતો ગયો, 'હું લગ્ન કરીશ તો પાયલ સાથે જ, નહિતર આજીવન કુંવારો રહીશ.'

વાત વધી પડી અને છેવટે પરાગે નિરાશ થઈ અમદાવાદ પરત ફરવું પડયું.

રાત્રે પાયલ સાથે વાત કરતાં નિરાશા સાથે કહ્યું, 'પાયલ, આપણાં લગ્ન થાય તેમ નથી. હવે આપણે ભાગી જઈને જ લગ્ન કરવા પડશે.'

પાયલે પણ જવાબ આપતા કહ્યું, 'મારે માટે પણ બરોડાના છોકરાનું ફાઇનલ થઈ રહ્યું છે. અમે કાલે સવારે પેથાપુરથી બરોડા વહેલા છ વાગે નીકળવાના છીએ. સવારે સાત વાગે અમદાવાદ અમારી બસ અર્ધો કલાક ઊભી રહેશે, તેમાં તું આવીને ભગાડી જજે. જો તું નહીં આવે તો હું માનીશ કે તને મારામાં રસ નથી અને હું એકલી અમદાવાદ જેવા શહેરમાં શું કરું ? તું બરાબર સાત વાગે આવી જજે.'

'ના, ના, હું ચોક્કસ આવી જઈશ.' પરાગે કહ્યું.

'આ મારા જીવન મરણનો સવાલ છે, જો તું નહીં આવે તો મારે બરોડાના ડોક્ટર છોકરાં સાથે વિવાહ કરવા પડશે.'

 પાયલે રડમસ અવાજે કહ્યું.

પરાગને સાડાઆઠ નવ વાગે ઉઠવાની ટેવ હતી. સવારે છ વાગે ઉઠવા તેણે મોબાઈલ સેટ કર્યો પણ અંદર એલાર્મના સેટિંગ બગડી ગયા હતા. હવે કરવું શું ?

એકદમ તેને સોસાયટીનો પગી યાદ આવ્યો. બાંકેલાલ તેની યુવાન પત્ની સાથે બાજુની રૂમમાં રહેતો હતો. પરાગે ત્યાં રૂબરૂ જઇ બાંકેલાલને છ વાગે ઉઠાડી દેવાની તાકીદ કરી.

'સાહેબ, તમે ચિંતા ના કરો, હું આપને બરાબર છ વાગે ઉઠાડી દઇશ.' 

'પરાગ નચિંત બનીને શનિવારે રાત્રે સૂઈ ગયો. ચેનલ ઉપર રાતનું હિન્દી પિક્ચરનું સસ્પેન્સ જકડી રાખે તેવું હતું. તેથી સૂતા સૂતા રાતનાં સાડાબાર વાગી ગયા હતા.

રવિવારે સવારે સુરજનો તડકો રૂમમાં આવતા પરાગ ઉઠી ગયો. ઘડિયાળમાં જોયું તો આઠ વાગી ગયા. અરરર.... હવે શું થાય ??

પાયલે રાહ જોઈ હશે, અને તેને ભગાડી લગ્ન કરવાનો પ્રોગ્રામ ફેલ થતાં તે એકદમ નિરાશ થયો. પછી એકદમ પગીની ઉઠાડવાની વાત યાદ આવતા ગુસ્સે ભરાયો, અને દોડયો પગીની રૂમ તરફ. પગીની રૂમ ખુલ્લી હતી. પગી તો જાગે છે, તો મને ઉઠાડયો કેમ નહીં ?

પગી બાંકેલાલ માથે હાથ દઈને રડમસ ચહેરે બેઠો હતો. આવતાવેંત પરાગે બુમ પાડી, 'બાંકેલાલ, સવારે મને કેમ ઉઠાડયો નહીં, મારી જિંદગી બેકાર થઈ ગઈ, સવારે મારી ગર્લફ્રેન્ડને ભગાડીને લગ્ન કરવાના હતા, યાદ નથી ??'

'સાહેબ, હું શું કરું, મારી પત્ની કાલે મોડી રાત્રે તેના ફ્રેન્ડની સાથે ભાગી ગઈ છે. હું એને શોધવાના ચક્કરમાં આખી રાત સૂતો નથી, હજી હાલ જ બસસ્ટેન્ડથી આવ્યો છું, ત્યાં પણ ન હતી. અમારા લગ્નને બે વરસ થઈ ગયા છે, હજી એકેય બાળક નથી, પણ તે અચાનક આવું કરશે તેનો ખ્યાલ જ ન હતો આવ્યો.' પગીએ નિરાશ થઈ કહ્યું.

'હેં ! તારી પત્ની લગ્ન પછી બે વરસે ભાગી ગઈ ? અહી તેને કઈ દુખ હતું ?'

'ના, સાહેબ, તે બધી રીતે સુખી હતી. મારે ત્યાં તેને કોઈ દુખ ન હતું. આ તો તેના સ્કૂલના દોસ્ત સાથે ભાગી ગઈ.' પગીએ રડમસ અવાજે કહ્યું.

પરાગ વિચારમાં પડી ગયો, હું જેના ભરોસે મારી ગર્લફ્રેન્ડને ભગાડી જવાનો હતો, તેની જ પત્નીને એનો બોયફ્રેન્ડ ભગાડી ગયો. ભગવાને કેવું અજબ ચક્કર બનાવ્યું છે. ભાગવા ભગાડવાના આ ચક્કરમાં ભગાડીને પત્ની લાવનારો પણ દુખી અને જેની પત્ની ભાગી ગઈ તે પણ દુખી. વાહ રે કિસ્મત.....વાહ.

લાસ્ટ સ્ટ્રોક : 

જીવનના લગ્ન જેવા અગત્યના કામમાં કોઈના ભરોસે ના રહેવાય. ફક્ત બે કલાકનો ખેલ જિંદગી બદલી શકે છે. પ્રેમમાં અજબ તાકાત છે, પ્રેમીઓએ લગ્ન કરવા માટે ભાગવાનુ અને થયેલા લગ્ન તોડવા માટે પણ ભાગવાનુ !!


Google NewsGoogle News