Get The App

મોનાનો પસ્તાવો .

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
મોનાનો પસ્તાવો                                 . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- ગાઢ અંધકારમાં અચાનક બાઈક પર બે પીધેલા છાકટા યુવકો આવી ચડયા, અને મોનાને આંતરી, માનસી જોરથી દોડતાં ભાગી છૂટી...

મો ના અને માનસી બહુજ વખણાયેલ મુવી 'પ્યારકે લિયે' જોવા ક્યાંય ટીકીટ ન મળતા છેવટે એસ. જી. હાઇવેનાં છેવાડે આવેલા થિયેટરમાં સાંજના સાડાસાતના શોમાં ઘુસી ગયા.

મુવીનો હીરો હમીદખાન અને હિરોઈન અચલાકપૂર એક જ કોલેજમાં એક જ ક્લાસમાં ત્રણ વર્ષથી સાથે ભણતા હતા. હીરોને હિરોઈન ખુબ જ ગમતી હતી. તેને પામવા હીરો બધા જ પ્રકારના દાવ અને કોશિષ કરે છે પણ હિરોઇન મચક આપતી નથી. છેવટે હીરો વિચારે છે કે પ્યાર કે લિયે કઇ પણ લાજમી છે. તે બે રોડસાઈડ લબાડ રોમિયોનો પરિચય કેળવી, હિરોઈનને હેરાન કરવાનો દાવ અજમાવે છે. તેને બચાવી હિરોઈનનો પ્રેમ જીતવાનું નાટક કરે છે.

રાતના અંધારામાં હિરોઈન ઘરે જતી હોય છે, ત્યારે બે લબાડ તેનો પીછો કરી રસ્તો આંતરી છેડછાડ કરે છે, એક તો હિરોઈનનો હાથ પકડી આગળ વધવા જાય છે, ત્યાં અચાનક હીરો આવી જાય છે અને પોતાની મર્દાના તાકાત બતાવી ગુંડાઓને ભગાવી દે છે, હિરોઈન તેનાથી આકર્ષાઈને પ્રેમમાં પડી જાય છે. બંને ભાગીને પ્રેમલગ્ન કરે છે, પણ હિરોઈન હનીમુનની રાત્રે જ પેલા બે લબાડોની સાથે મકાનની પાછળ હીરોને રૂપિયા આપતો જોઈ જાય છે અને તેને આ નાટકની ખબર પડી જાય છે, પણ હવે શું થાય ? લગ્ન તો થઇ ગયા. પછી તો છેક સુધી હીરો તેને દુ:ખી કર્યાં જ કરે છે.

પિક્ચર પૂરું થતા રાતના સવાદસ વાગી ગયા હતા. એસ. જી. હાઇવે પર અંધારું અને ઠંડી વધારે હતા. કોઈપણ રિક્ષા તેના ઘેર આવવા તૈયાર ન હતી. અંતે મોના અને માનસી અંધારામાં એકલા રિક્ષા લેવા આગળ વધવા લાગી, ઘોર અંધકારમાં કોઈ માણસોની અવરજવર નહિ, બંનેને ડર લાગવા માંડયો.

'અલી, તારા ઉપર મલય ક્યારનો મરી રહ્યો છે, તને પામવા તેણે કેટલી બધી કોશિશો કરી.' માનસીએ કહ્યું.

અને મોનાને તેનું ઉપર મરતો મલય યાદ આવી ગયો. કોઈને કોઈ બહાને તે મોનાને મદદ કરી તેનો પ્રેમ પામવા પ્રયત્ન કરી રહ્યો હતો, પણ મોના તેને જરાય મચક આપતી ન હતી. જ્યારે કોઈ સામેથી પ્રેમ કરવા, મદદ કરવા આવે ત્યારે આપણું મન, ઈગો જાણે કે ના ના કરવા માંડે છે, એ માનવ સહજ મનની ખાસિયત છે. છેલ્લે તો મલયે વેલેન્ટાઇન ડે પર મોંઘા ભાવનો મોબાઈલ ગીફ્ટ કર્યો, પણ મોનાએ તે ઠુકરાવી દીધો. મોના હસતી હતી, 'આવાને આવા લબાડો શું પ્રેમ મેળવવા મરતાં હશે ?' પણ અંદરથી તે પોતાની ઉપર ફિદા કરી મલયને યાદ કરી પોતાના સૌન્દર્ય પર ગરુર કરી રહી હતી.

ગાઢ અંધકારમાં અચાનક બાઈક પર બે પીધેલા છાકટા યુવકો આવી ચડયા, અને મોનાને આંતરી, માનસી જોરથી દોડતાં ભાગી છૂટી, એક ગુંડો મોનાનો સોનાનો ચેઈન લુંટવા જતા હતા, ત્યાં સામેથી મલય બાઈક પર આવતો દેખાયો. તે પોતાના સગાની ખબર કાઢીને ઘેર જતો હતો. મોનાને એકલી જોતા તેણે બ્રેક મારી બાઈક થોભાવી દીધું. સામે બે ગુંડા હોવા છતાં તે હિંમતભેર મોનાને બચાવવા દોડયો. બીજો ગુંડો તેના કપડા કાઢી ઈજ્જત લુંટવા મથી રહ્યો હતો.

મલય એક જ હતો, ત્યારે સામે બે પીધેલા ગુંડા ! પણ મલય બુમો પાડતો દોડી આવ્યો.

તેના મસ્ક્યુલર સિક્સ પેક બોડીના એક ધક્કાથી બંને ગબડી પડયા. બંનેને ફેંટો મારીને ભગાવી દીધા, તે વિચારતો હતો, આટલી હિંમત અને તાકાત મારામાં આવી ક્યાંથી ? પછી તેને ખ્યાલ આવ્યો કે મોનાના પ્રેમની તાકાતથી તેનામાં હિંમત અને શક્તિ આવી ગયા હતા.

ખરેખર તેની હિંમત અને જોશ દાદ માંગી લે તેવા હતા. માણસ પોતાના પ્રેમને પામવા કેટલા સાહસ કરતા હોય છે ?

મોના ગુંડાનાં હાથમાંથી બચી ગઈ, તેનાં આનંદ સાથે તે મોનાને મળવા ગયો. મોનાને મનમાં મુવીનો વિચાર આવતા સમજી કે, આ બધું મલયનું નાટક જ છે, તેણે પૈસા આપીને ગુંડા રોકેલા છે, જેથી તેને મારો પ્રેમ અને આવકાર મળે. તેણે કહ્યું, 'વાહ, મલય, વાહ, સરસ નાટક કર્યું. એમ હું તારા નાટકમાં ફસાઉં તેવી નથી. કેટલા રૂપિયા આપ્યા આ ગુંડાઓને?'

મલય નવાઈ પામ્યો. 'મોના હું તો આ બે ગુંડાઓને ઓળખતો જ નથી.' 

મોના તો હસતી હસતી તાળીઓ પાડતી નીકળી ગઈ.

કોલેજ આવીને મોના આ ફરિયાદ કોલેજના પ્રિન્સિપાલને મલય આવે પછી આપવા માંગતી હતી. બે દિવસ, ચાર દિવસ, છ દિવસ થઇ ગયા, પણ મલયનો કોઈ પત્તો જ નહિ. તે વિચારમાં પડી ગઈ. 'મેં તેને નાટક કરતા પકડી લીધો, એટલે તે ભાગી ગયો કે શું ?' મારે તેને સીધો કરવો પડશે. 

આઠ દિવસ પછી તેના મિત્રોને કેન્ટીનમાં વાત કરતા સાંભળી મોના ચમકી, 'આજે કોલેજ છુટે પછી મલયની ખબર કાઢવા જવું છે.' પ્રમોદે કહ્યું.

મોનાને નવાઈ લાગી, તેણે પ્રમોદને પૂછયું, 'શું થયું છે મલયને ?'

'તને ખબર નથી, અઠવાડિયા પહેલા તે એસ. જી. હાઈવે પર એક છોકરીની ઈજ્જત લુંટાતી બચાવવા ગયો, તેમાં ફસાઈ ગયો. બે ગુંડાઓને તો ભગાડી છોકરીને તો બચાવી લીધી, પછીથી તે ગુંડાઓ તેનાં બે સાગરીતોને લાકડી અને લોખંડના સળિયા લઈને આવ્યા અને મલયને અધમૂઓ કરી નાખ્યો. તેના પગના અને હાથના હાડકામાં ફ્રેકચર થઇ ગયા. પેલી છોકરી પણ મદદરૂપ થવાને બદલે ભાગી ગઈ. પંદર મિનિટ પછી એક ભલા માણસે તેની આ હાલત જોઈ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી. પછી ૧૦૮ એમ્બ્યુલન્સ આવીને તેને દાખલ કરાવી દીધો. જો સમયસર દાખલ થઇ સારવાર ન મળી હોત તો મલય ઉપર પહોંચી જાત. સદનસીબે હજુ તે પ્લાસ્ટરમાં પડયો છે.' કહેતા પ્રમોદની આંખો ભરાઈ ગઈ.

'જમાનો ભલાઈનો છે જ નહિ, પેલી છોકરીએ તો મદદ કરવી જોઈએ ને.' મલયના બીજા મિત્ર તનયે કહ્યું.

મોના અને માનસી ચમકી ગયા, આપણે જેને નાટક સમજતા હતા, તે તો વાસ્તવિક નીકળ્યું. મોના પસ્તાવાથી રડમસ થઇ ગઈ. બંને તાત્કાલિક બુકે અને ફ્રુટ લઈને રિક્ષા કરી હોસ્પિટલ પહોંચ્યા. પ્લાસ્ટરમાં પડેલા મલયને જોઇને મોના છોભીલી પડી ગઈ.

'મને માફ કરી દે, મલય, મને એમ કે તું નાટક કરે છે,' કહેતા મોના રડી પડી. મલયે આંખો ઢાળી તેના પશ્ચાતાપ સ્વીકારી માફ કરી દીધી.

મહિના પછી સૌંદર્યવાન મોનાના લગ્ન એક પગે લંગડાતા મલય સાથે થતા જોઇને કોલેજના વિદ્યાર્થીઓ, મિત્રો અને સગાવહાલાં નવાઈ પામ્યા. 'આવા લંગડાતા છોકરાને શું જોઇને પસંદ કર્યો ? બધા વિચારતા હતા. કેટલાક સબંધો ક્યા બધાને ખબર પડે છે ??


Google NewsGoogle News