Get The App

પ્રેમી પંખીડા .

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
પ્રેમી પંખીડા                                                      . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- 'તને તો બસ પ્રેમ જ દેખાય છે. આપણી પરંપરા અને રીવાજ મુજબ જ્ઞાતિ અને ધર્મ તો  મેળવવા જ પડે ને!'

શે ઠ મોતીલાલનો બંગલો અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે એસ. જી. હાઇવેથી થોડે અંદર એકાંતમાં હતો. જુવાનીમાં એક્સપોર્ટ, ઇમ્પોર્ટનાં ધંધામાં ખૂબ કમાયા પછી, હવે શાંતિથી રહેવા મોતીલાલે આલીશાન પાંચ બેડરૂમનો બંગલો બનાવ્યો હતો. એકની એક દીકરી મોનિકાને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું ભણવા જયપુર આઈ.ટી.આઈ કોલેજમાં મૂકી હતી, તે પણ હવે ફાઇનલ યરમાં આવી ગઈ હતી. 

અષાઢી મેઘલી રાત હતી. સાંજથી જ ઘનધોર વાદળો અને વાવાઝોડાથી મોતીલાલ અને માધવી શેઠાણી સમજી ગયા હતા કે, આજે વરસાદ ધૂમ મચાવવાનો જ છે. બન્ને રાત્રીનું ભોજન પતાવી ટીવી જોવા બેઠા અને દીકરી મોનિકાનો મોબાઈલ રણકી ઉઠયો. 

'બોલો, પપ્પા, કેમ છો ? મારી પરીક્ષા આવતા સોમવારથી ચાલુ થવાની છે. વાંચવાનું બરોબર ચાલે છે.' તે ખુશ જણાતી હતી. 

'હા, બેટા, સારું રિઝલ્ટ લાવજે, તો તને માસ્ટર્સ કરવા યુ.એસ.એ. મોકલવાનો વિચાર છે.' મોતીલાલ પણ ખુશ હતા.

'પપ્પા, તમને એક ખાસ વાત કરવા જ ફોન કર્યો છે.' મોનિકાએ ગભરાતા કહ્યું.

'બોલ શું વાત છે ? બેટા' શેઠને એમ કે અમેરિકાની યુનિવર્સિટી તેણે પસંદ કરી લાગે છે.

'પપ્પા, મારી સાથે ભણતો મેહુલ યાદવ બહુ સારો છોકરો છે, મને ભણવામાં પણ મદદ કરે છે.'

'તો એનું શું છે ?' મોતીલાલે પૂછયું. 

'પપ્પા, અમારા જીવ મળી ગયા છે, જો તમે હા પાડો તો હું તેને મળવા અમદાવાદ લઈ આવું.'

'શું વાત કરે છે ?' મોતીલાલ ચમક્યા. 'ક્યાંનો છે ? તેની જ્ઞાતિ શું છે ?'

'પપ્પા બિહારનો છે, અને યાદવ છે.' મોનિકાએ ગભરાતા કહ્યું. 

'આપણે ગુજરાતી વાણીયા, અને એ બિહારનો યાદવ, આપણા બેનો મેળ ન પડે. એ લોકોના રીતી રીવાજ, ખોરાક અને ધર્મ બધું જ જુદું પડે. અમે તારા માટે આપણી જ્ઞાતિનો જ છોકરો શોધી કાઢીશું.' મોતીલાલ બગડયા.

'પપ્પા હું લગ્ન કરીશ તો મેહુલ સાથે જ નહીતર, હું ભાગીને પણ લગ્ન કરીશ. આ જ્ઞાતિજાતિના ભેદ ક્યાં સુધી ચાલુ રાખવા ?' મોનિકાએ પણ મક્કમ થઇ જવાબ આપ્યો.

'ખબરદાર, જો તું ભાગીને લગ્ન કરીશ તો આપણા સંબંધો પુરા. પછી તું મારું મોં નહીં જુએ, અહીં આવતી જ નહીં.' હવે મોતીલાલ બહુ જ ગુસ્સે ભરાયા. 

માધવીબેન આ સાંભળી સહેમી ગયા. 'તમે એક વાર છોકરો જોઈ તો લો. બન્ને એકબીજાને દિલથી પ્રેમ કરતા હોય તો ખોટું શું છે ? આ જ્ઞાતિજાતિ વિગેરેને વળગી રહેવાનો શો અર્થ?'

'તને કંઈ સમજ પડે નહીં ને બોલ્યાં કરે છે. કોઈપણ જાતિ, ધર્મનો છોકરો ના ચાલે, એટલે ના ચાલે.' જાણે કે હિટલરનો હુકમ થયો, અને માધવીબેન ચુપ!

રાતનાં સાડાબાર વાગી ગયા હતા. બહાર કડાકાભડાકા સાથે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. બારણે બેલ વાગતા મોતીલાલ ચમકી ગયા. 'અત્યારે કોણ આવ્યું ?' કહેતા ઊંઘમાં બારણું ખોલતા સામે પલળીને ધ્રુજતાં યુવાન અને યુવતીને જોઈ સહેમી ગયા.

'અંકલ, અમને આજની રાત આશરો આપશો ? આટલા વરસાદમાં બાઈક ઉપર કાંઈ જ દેખાતું નથી.' છોકરાએ વિનંતી કરતા કહ્યું.

'પણ આટલી વરસાદી રાતે ?' મોતીલાલને નવાઈ લાગી.

'અંકલ, હું મનન મકવાણા અને આ માલતી ભટ્ટ. અમે એક જ કોલેજમાં પ્રેમમાં હતા, પણ જ્ઞાતિ અલગ હોવાથી માબાપે ના પાડતા અમે અમદાવાદથી ભાગીને લગ્ન કરવાના છીએ, ત્યાં આ જોરદાર વરસાદ...' કહેતા મનન અચકાયો.  

'આવો, હું મારા પત્નીને વાત કરીને વ્યવસ્થા કરું છું.' કહી તેમને બહાર બેસાડી મોતીલાલ અંદર ગયા. માધવીબેન આ સાંભળી વિનંતી કરતા બોલ્યા, 'બિચારાને આજની રાત રહેવા દો ને.'

'તને તો કંઈ સમજ પડતી જ નથી. આ છોકરીને જાળમાં ફસાવી લાગે છે. મારે કાંઈ કરવું પડશે. ' મોતીલાલ બોલ્યા. તેમણે ધીમેથી પોતાનો મોબાઈલ કાઢી પોલીસને ફોન લગાવ્યો. મનનને શંકા જતા તેણે બારણે કાન લગાવી સાંભળ્યું. 

'હેલો, પોલીસ, અહીં મારા બંગલામાં બે ભાગેડુ પ્રેમી આવ્યા છે. છોકરાએ બહેકાવીને છોકરી ભગાડી હોય તેમ લાગે છે. જલ્દીથી આવી પકડીને તેમના માબાપને હવાલે કરો.'

મનને ચમકીને તરત જ માલતીને વાત કરી. 'કરવું શું? આતો ફસાઈ ગયા.'

મોતીલાલે બન્નેને બાજુના ગેસ્ટ રૂમમાં બેસાડયા. 'અહીં બેસો, હું તમારી સુવાની વ્યવસ્થા કરું છું.' કહીને મોતીલાલ પોલીસની રાહ જોવા બહાર ડ્રોઈંગરૂમમાં ગયા.

મનન અને માલતી ભાગવાનો રસ્તો શોધવા લાગ્યા. અનાયાસે મોટી બારીમાં સળિયા નહોતા. બારી ખોલી પહેલા કુદકો મારી મનન બહાર નીકળી ગયો, અને મનને ટેકો કરી માલતીને પણ બહાર ખેચી લીધી. વીસ મીનીટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચૌહાણ જમાદાર સાથે આવી પહોચ્યા. 'લાવો, ક્યા છે ભાગેડું પ્રેમીપંખીડા.' 

'આવો, તેને મેં ગેસ્ટ રૂમમાં પૂરી દીધા છે.' શેઠે તેમને અંદર દોડતાં કહ્યું. રૂમ ખોલતા અંદર કોઈ નહીં. અને બારી ખુલ્લી ફટાક ! 

'અરેરે ! આટલા વરસાદમાં બન્ને ક્યાં ભાગી ગયા?' ચૌહાણ સાહેબે કહ્યું. 'હવે અમારે એમને શોધવા હાઈવે ઉપર આગળ જવું પડશે.' કહી પોલીસમેન નીકળી ગયા.

'હાશ ! મેં તો મારી ફરજ બજાવી, બિચારી અસમજ છોકરીને બચાવવા બધી કોશિશ કરી, પણ તે ભાગી ગયા, શું થાય?' મોતીલાલે પત્નીને કહ્યું.

'શું તમેય હજુ સુધી પ્રેમીપંખીડાને જ્ઞાતિજાતિમાં વિભાજીત કરી મદદ કરવાને બદલે હેરાન કરી રહ્યા છો. આટલા ધોધમાર વરસાદમાં બન્ને ક્યાં ભટકતા હશે?' માધવીબેન બોલ્યા.

'તને તો બસ પ્રેમ જ દેખાય છે. આપણી પરંપરા અને રીવાજ મુજબ જ્ઞાતિ અને ધર્મ તો  મેળવવા જ પડે ને !' મોતીલાલ હજુ તેના વિચારોને જ સાચા ઠેરવતા હતા.

'હવે તો જમાનો કેટલો આગળ વધી ગયો છે. બન્નેને આપસમાં પ્રેમ હોય તો આ બધું તો આપમેળે ગોઠવાઈ જાય છે. પ્રેમ વગરના જોડા અંતે કજોડા બની છૂટાછેડામાં જ પરિણમે છે. હવે તો આ જ્ઞાતિજાતિ છોડો.' માધવીબેને નવા જમાનાના વિચારો રજુ કર્યાં. મોતીલાલ કંઈ બોલ્યા નહીં. સુવા જતા રહ્યા.

સવારના આઠવાગે ફરીબેલ વાગતાં સફાળા જાગીને દરવાજો ખોલતાં પોલીસમેનને જોઈ ગભરાઈ ગયા. 'શું થયું ? બન્ને પકડાઈ ગયા.'

'તે છોકરાએ બ્લુ શર્ટ અને છોકરીએ ગુલાબી ડ્રેસ પહેર્યો હતો ?' ચૌહાણ સાહેબે પુછયું 

'હા, હા એ જ.'

'અહીંથી દશ કી.મી. દુર ટ્રક સાથે મોટરસાયકલ એક્સીડેન્ટમાં બન્ને કચડાઈને મરણ પામેલ છે. આટલા વરસાદમાં દેખાય શું ? ટ્રકવાળો લાપતા છે.' ચૌહાણે રીપોર્ટ આપ્યો.

'હાય, રામ !' કહેતા મોતીલાલ અને માધવીબેન સોફા પર બેસી પડયા.

મોતીલાલે તરત મોનિકાને મોબાઈલ જોડયો. 'બેટા, તારા ફ્રેન્ડ મેહુલને મળવા લેતી આવજે. બન્નેને પ્રેમ હોય તો અમને બીજો કોઈ વાંધો નથી.' માધવી શેઠાણી છલકાતી આંખે મોતીલાલને જોઈ રહ્યા.

લાસ્ટ સ્ટ્રોક : પ્રેમીપંખીડામાં સાચો પ્રેમ અને સમજણ હોય તો, આ નવા જમાનામાં જ્ઞાતિ, જાતિ અને ધર્મ બાધારૂપ બનતાં નથી.


Google NewsGoogle News