જાગૃત નાગરિક .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- શિવાંગી રડવા જેવી થઈ ગઈ. વિચારમાં પડી ગઈ. આસિતે લગ્નનો વિચાર માંડી વાળ્યો હશે કે શું ?
શિ યાળાની ઠંડી રાત શરૂ થઈ ગઈ હતી. આસિત લગ્ન માટેની ખરીદી કરીને અનમોલ મોલમાંથી બહાર નીકળી રહ્યો હતો. ઠંડી વધારે હોવાથી રોડ પર ટ્રાફિક નહિવત હતો. રાહદારીઓ પણ દેખાતા ન હતા. ત્યાં સામેથી તેના મિત્ર સુનિલના પપ્પા કેશુકાકા ધીમે ધીમે જઈ રહ્યા હતા. આસિતે તેમની સામે જોઈ સ્મિત કર્યું, અને પૂછયુ 'કેમ છો કેશુકાકા ?'
'મઝામાં, બેટા, તારા લગ્નની તૈયારી કેવી ચાલે છે ?' કેશુકાકાએ સામેથી પુછયું.
'સરસ ચાલે છે, કાકા'. આસિતે જવાબ આપ્યો.
સામેથી ફૂલસ્પીડમાં આવતી હોન્ડા અમેઝ ગાડીમાં ડ્રાઇવર પીધેલો લાગતો હતો. એકદમ સ્પીડમાં તે નશામાં હોવાથી કેશુકાકાને જોરથી ટક્કર મારી. તેના ડાબા ગાલ પર મોટો તલ હતો. આંખેથી ચૂંચરો હતો.
ધડામ અવાજ સાથે કાકા પછડાયા અને તરફડીને શાંત થઈ ગયા. ગાડીવાળો ચૂંચરો માણસ આ જોઈ ગાડી ઊભી રાખવાને બદલે ભાગ્યો, અને થોડી સેકન્ડમાં ગુમ. આ બધી બબાલમાં આસિતને તે ગાડીનો નંબર જોવાનો ટાઈમ જ ન રહ્યો.
હીટ એન્ડ રન કેસમાં પોલીસે તપાસ ચાલુ કરી. સ્થળ ઉપરનો એક જ ચશ્મદીહ સાક્ષી હતો આસિત.
ઘેર પહોંચીને આસિતે બધાને વાત કરી. તેના મમ્મી પપ્પા અને મોટાભાઇ આ સાંભળી ચિંતામાં પડી ગયા. જો આસિત ગુનેગારને ઓળખવા બયાન આપશે, તો દરરોજના પોલીસ અને કોર્ટના ચક્કરમાં તારા લગ્ન રખડી પડશે. માંડમાંડ સુંદર કન્યા શિવાંગી સાથે તેના ત્રણ દિવસ પછી જ લગ્ન હતા. બધાએ તેને ધમકાવીને કહ્યું 'તારે બયાનમાં એવું જ કહેવાનું છે કે મે કઈ જોયું જ નથી, ગુનેગારને હું જોઈ શક્યો જ નથી'.
'પણ એ મારા મિત્ર સુનિલના પપ્પા હતા, મે ગુનેગારને જોયો છે, પછી ના કઈ રીતે પાડું ?' આસિત અકળાયો.
'બહુ ડાહ્યો ન થા, અમે કહીએ તેમ જ કર, આ બધા જમેલામાં પાડવા જેવુ નથી, નહીં તો તારા લગ્ન રઝળી પડશે.' તેના પપ્પાએ ગુસ્સે થઈને કહ્યું. આસિત સમસમીને શાંત થઈ ગયો. તેના ઘરના બધા વડીલો આગળ તો તે શું બોલી શકે ? તે મનમાં કોચવાતો હતો.
બીજે દિવસે સુનિલ રડતો રડતો તેના ઘેર આવ્યો. 'આસિત, તે તો ગાડી ડ્રાઇવ કરનારને જોયો જ હશે. મારા પપ્પા જતાં રહેતા અમે બધા નિરાધાર થઈ ગયા.'
'ના ના, અંધારું હતું અને મારૂ ધ્યાન તારા પપ્પા તરફ હતું જ નહીં.' આસીત ખોટું બોલતા નીચું જોઈ ગયો. સુનિલને ખબર પડી ગઈ કે આસિત કાંઈક છુપાવી રહ્યો છે. બે દિવસ આસિત મનમાં ગૂંચવાતો રહ્યો, હું કંઈ ખોટું તો નથી કરતો ને, મારે આવું ના કરવું જોઈએ.
લગ્નના દિવસે સવારે જાન તૈયાર થઈ ગઈ હતી. આસિત કીમતી શેરવાની, સાફો અને મોજડી પહેરી ઘોડા પર સવાર થઈ ગયો. બધે ઉત્સાહનો માહોલ હતો. જાન ધીમે ધીમે નાચતા ગાતા પાર્ટી પ્લોટ તરફ આગળ વધી રહી હતી.
ત્યાં જ અચાનક આસિતે પેલા ચૂંચરા માણસને સામેથી આવતો જોયો, તેના ડાબા ગાલ ઉપર મોટો તલ હતો અરે ! આ તો તે જ લાગે છે. 'પકડો, તેને પકડો' આસિતે ઘોડા પરથી મોટેથી બુમ પાડી, તેના પપ્પા અને બધા જાનૈયાઓએ કહ્યું, 'શાંત રહે, હવે પ્લોટ નજીકમાં જ છે.' કોઈએ પ્રતિસાદ ના આપ્યો.
હવે આસિતથી ના રહેવાયું. આવો બેદરકાર ગુનેગાર ખુલ્લેઆમ ફરતો રહે અને આપણે કંઈ જ ના કરી શકીએ.
તે ઘોડા પરથી કૂદકો મારી પકડો પકડો કહેતો દોડયો. ચૂંચરો માણસ પણ તેને જોઈને ભાગ્યો. તેના પપ્પા જોરથી લડતા બોલ્યા 'આસિત, તારા લગ્ન છે, આમ ક્યાં દોડે છે ?'
'પપ્પા આ એ જ બેદરકાર પીધેલો ડ્રાઇવર છે, તેણે જ કેશુકાકાને કચડી નાખ્યા છે.' આસિત દોડતા દોડતા જવાબ આપતો ગયો.
'બેટા, રહેવા દે, આ જમેલામાં ના પડ, તારા લગ્ન રખડી પડશે.' પપ્પા અને કાકા તેને પકડવા દોડયા. 'ના, પપ્પા મારા લગ્ન તો પછી યે થશે, પણ હું ગુનેગારને નહીં છોડું.' આસિત મક્કમ હતો.
આસિતની પાઘડી ઉછળી ગઈ, શેરવાની ફાટી ગઈ, મોજડી તૂટી ગઈ, પણ આસિતે દોડવાનું ચાલુ રાખ્યું. અંતે તેણે ગુનેગારને પકડી પાડયો. તરત જ પોલીસને ફોન કરી તેને પકડાવી દીધો. આસિતને નવાં કપડાં પહેરવા તાત્કાલિક પાછા ઘેર
જવું પડયું. આ બધામાં બે-ત્રણ કલાક નીકળી ગયા.
કન્યાપક્ષવાળા પાર્ટીપ્લોટમાં રાહ જોઈ કંટાળી ગયા. કન્યાના પપ્પાએ વેવાઈને ફોન જોડયો. 'કેમ મોડુ થયું ? અહીં બધા રાહ જુએ છે.'
આસીતના પપ્પાએ તેનું પરાક્રમ છુપાવતાં કહ્યું 'આસિત તૈયાર થઈ રહ્યો છે, થોડીવાર લાગશે, પછી આવીએ.'
શિવાંગીના બધા સગાઓ ચિંતામાં પડી ગુસ્સે થઈ ગયા. હસ્તમેળાપનું મુહૂર્ત નીકળી ગયું. લગ્ન કેન્સલ કરવા કે શું ? તેનો વિચાર કરવા ભેગા થયા. મુહૂર્ત જતું રહે પણ જાન ન આવે, તેવા બેદરકાર માણસોને વેવાઈ ના બનાવાય. શિવાંગી રડવા જેવી થઈ ગઈ. વિચારમાં પડી ગઈ. આસિતે લગ્નનો વિચાર માંડી વાળ્યો હશે કે શું ? એક વખત મન નકારાત્મક વિચારે પછી તેના જ વિચાર આવ્યા કરે છે.
ત્યાં આસિતે તેની ફિયાન્સી શિવાંગીને મોબાઈલ જોડી સઘળી હકીકતથી વાકેફ કરી. તેના મિત્રના પપ્પાને અકસ્માત કરી ભાગી જનાર ગુનેગારને પકડી પડયો તેની જાણ કરી. શિવાંગી ખુશ થઈ ગઈ. 'વાહ રે, આસિત ! લગ્નના મુહૂર્તને બદલે તે સમાજને દાખલો બેસે તેવું સુંદર કામ કર્યું, સરસ !'
તે પહોંચી સીધી તેના પપ્પા અને સગાવહાલાં પાસે અને મક્કમતાથી કહ્યું, 'લગ્નનું મુહૂર્ત તો પછીનું કાઢી લગ્ન થશે પણ આસિતે આજે ખરેખર એક બહાદુરીપૂર્વકનું કામ કરી નાગરિકધર્મ અદા કરી દાખલો બેસાડયો છે. હું લગ્ન કરીશ તો તેની સાથે જ.'
ત્રણ કલાક પછી નવાં મુહૂર્તમાં આવેલી જાનનું સ્વાગત કરી લગ્ન સંપન્ન થયા.
લાસ્ટ સ્ટ્રોક : દરેક જાગૃત નાગરિકની ફરજ છે કે, તેણે કોર્ટ કે પોલીસના લફરાંની બીક વગર અપરાધીને પકડવા મદદ કરવી, પછી ભલે ગમે તે અગત્યનો પ્રસંગ પાછો ઠેલાય.