ખોટું કામ, અંતે પસ્તાવો .

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
ખોટું કામ, અંતે પસ્તાવો                              . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- એક વખત મન પૈસાની લાલચમાં ચડી જાય, પછી તેને સારા નરસાનું ભાન રહેતું નથી

મયંક બહુ જ મહત્વાકાંક્ષી  વકીલ હતો. એલએલબી  પાસ કરી તેણે વકીલાત કરવાનાં સનદ લીધા. તેને ક્રિમીનલ કેસો લડવાનો બહુ જ શોખ હતો. શરૂઆતની વકીલાતમાં તે હમેશા સાચું કામ કરનાર અસીલનો કેસ જ હાથમાં લેતા. પણ આવક વધારે થતી નહીં. બીજા બધા વકીલનો ઠાઠમાઠ અને લક્ઝરી જોઈ તેને જલન થતી. મને કેમ આવક થતી નથી ?

તેના પત્ની માલતીબેન સીધા, સાદા અને સંતોષી હતા. તેમને મયંકની ઓછી પણ સાચી કમાણીથી સંતોષ હતો. તે મયંકને પુછતાં રહેતા, સાચા કેસ જ લો છો ને, ગુનેગારોના કેસમાં મદદ તો નથી કરતો ને ! મયંક તેને હા જ પાડતો, પણ ટુંકી આવકમાં તે લોકો ઘરનું ઘર કે લક્ઝુરીયસ કાર ખરીદી શકે તેમ જ ન હોતા.

મયંક તેના મિત્ર રૂચિર પટેલને મળવા ગયો ! 'મારી આટલી મહેનત અને દોડાદોડી હોવા છતાં કમાણી કેમ થતી નથી.' પટેલ શહેરના જાણીતા ક્રિમીનલ વકીલ હતા. તેમણે સમજાવ્યું.

'તમે બધા સાચા જ કેસો લડા છો, એમાં આવડત કે દલીલબાજી છે જ નહીં, તેના પૈસા પણ અસીલો ઓછા આપે છે. મારી જેમ ગુનેગારોના કેસ લો. લાખ્ખોમાં કમાણી થશે.'

મયંક વિચારમાં પડી ગયો. મારામાં આવડત હોવા છતાં કમાણી ન થવાનું કારણ આ જ છે. અને તેણે ગુનેગારોને છોડાવવાના કેસ લેવા માંડયા. અસીલોને પણ ખબર પડી ગઈ, કે ગુનેગારોને નિર્ર્દોષ સાબીત કરનાર વકીલ તો વસાવડા જ છે. અને ખરેખર ગુનેગારોની લાઈન લાગી. ખૂન, બળાત્કાર, વિગેરે કેસોના લાખ્ખો રૂપિયા મયંકે લેવાના ચાલુ કરી દીધા. જોતજોતામાં તો એ લાખોપતિ બની ગયો, સેટેલાઈટમાં બંગલો અને ઓફીસ લીધા.

તેની પત્ની માલતીબેનને આ વાત ખબર પડતા ગરમ થઇ ગયા. 'મયંક, તું ગુનેગારોના કેસ લઇ તેને નિર્દોષ છોડાવે છે?'

'હા, માલતી, આ ઝાકઝમાળ તેની જ છે.' મયંકે વટથી કહ્યું.

'છોડીદે, મયંક, નહીતર હું તને છોડી દઈશ.' વિવાદ વકરી ગયો. અને છેવટે માલતી તેને છોડીને પરત પિયરમાં મુંબઈ આવી, ત્યારે ગર્ભવતી હતી.

કરોડપતિ વકીલ મયંકને તો તરત જ બીજી કન્યા મળી ગઈ. વર્ષો વિતતા ક્યાં વાર લાગે છે. હવે મયંક અબજોપતિ બની ગયો હતો, પણ તેની નવી પત્નીનું અચાનક કોરોનાથી અવસાન થતા તે પાછો એકલો થઇ ગયો. હવે તેને માલતીની યાદ સતાવવા લાગી. તે ગઈ ત્યારે ગર્ભવતી હતી, હવે તો મારો પુત્ર પણ વીસ વરસનો થઇ ગયો હશે, વિચારતાં તેનું મન ઉદ્વેગમય બની ગયું. માલતીની વરસો સુધી  તેણે બહુ શોધખોળ કરી, પણ તેનો કોઈ પત્તો જ ન લાગ્યો. તેના પિયરીયા ઘર બદલીને શિફટ થઇ ગયા હતા. 'સાહેબ, મને આ કેસમાંથી બચાવી લો. હું તમને મોં માંગી રકમ આપીશ,' મુંબઈનો ગુડો હમીદખાન કરગરી રહ્યો હતો. 

'તે શું ગુનો કર્યો છે?' મયંકે પુછયું.

'સાહેબ, મેં મારી સામે થનાર છોકરા ને ટપકાવી દીધો છે. તે મને પાક્ડાવી દેવા કોર્ટમાં જુબાની  આપવાનો હતો.' હમીદખાને જવાબ આપ્યો.

'હું ત્રીસ લાખ રોકડા લઈશ.' મયંક હવે પૈસા પાછળ ગાંડો થયો હતો. મયંકના સદાચારી આત્માએ ઠપકાર્યો, એક નિર્દોષ યુવાનના ખૂનીને બચાવીને, આ તું શું કરી રહ્યો છે? પણ તેના લાલચુ મને વિચાર્યું, ત્રીસ લાખ મળતાં હોય તો શું વાંધો છે? 

એક વખત મન પૈસાની લાલચમાં ચડી જાય, પછી તેને સારા નરસાનું ભાન રહેતું નથી. 

'સાહેબ, તમારે મુંબઈ કોર્ટમાં આવવું પડશે. ત્યાં મારો કેસ કોઈ વકીલ લેતો નથી. બધાને મારી હરકત ખબર છે.' હમીદખાને ચોખ્ખી વાત કરી.

મયંકે કેસ હાથમાં લઇ એવું સાબીત કરી દીધું, કે એ વખતે હમીદખાન મુંબઈમાં હતો જ નહીં, પણ દિલ્હીમાં હતો. પછી તેણે ખૂન કર્યાનો સવાલ જ નથી. મયંકે હમીદખાનની હાજરી દિલ્હીની તાજ પેલેસમાં હતી,તેના પુરાવા અને સાક્ષી ઉભા કરી દીધા, બધા ચોંકી ગયા. પણ ન્યાયની દેવી તો પુરાવા માંગે છે. અંતે હમીદખાન બાઈજ્જત બરી થયા.

વકીલ મયંક વસાવડાએ ખુશ થતા ત્રીસ લાખની સુટકેસ હાથમાં પકડી, ત્યાં જ સામેથી માલતીને જોઈ ઓઝપાઈ ગયા.

'અરે માલતી ! તું વીસ વરસે મળી , તબિયત કેમ છે ?' કહેતા મયંક વસાવડા ભાવુક થઇ ગયા. 'આ શું કર્યું મયંક, તેં આ શું કર્યું ? આપણો એકનો એક દીકરો મિહિર હજુ વીસ વરસનો છે, પણ તે ખૂની હમીદખાનની નજરે જોયેલા ગુનાની જુબાની આપવા જવાનો હતો, ને તે ગુંડાએ તેને રસ્તામાંજ બધાની હાજરીમાં છરી મારી ટપકાવી દીધો. તેને તમે બાઈજજત બરી કરાવી દીધો. આપણા મિહિરને ન્યાય આપવાને બદલે ખૂનીને મદદ કરી.' કહેતા માલતી ફસડાઈ પડી. 'પણ કેસ ચાલ્યો ત્યારે કેમ ન આવી?' મયંકે સવાલ કર્યો.

'હું મિહિરના મોતથી હતપ્રત થઇ પડી ગઈ, તેમાં પગે થાપાનું ફ્રેકચર થઇ ગયું, અને હું હોસ્પીટલમાં દાખલ હતી. આજે જ રજા મળતાં કોર્ટમાં દોડી આવી.' માલતીએ રડતાં રડતાં કહ્યું.

પોતાના જ દીકરાને ન્યાય ન મળતાં મયંક પણ હતપ્રભ થઇ બેસી પડયો. મેં જ મારા દીકરાના ખૂનીને બચાવી મોટી ભૂલ કરી દીધી, વિચારતાં તેની આંખોમાંથી આંસુઓના વરસાદ વરસી રહ્યો.

ત્રીસ લાખ રૂપિયા ભરેલી સુટકેસ હતાશ મયંક વસાવડા સામે હસીને કહી રહી હતી, 'ખોટું કામ અંતે પસ્તાવો.'

લાસ્ટ સ્ટ્રોક - ખોટું, અનીતિનું કામ કરવાથી પૈસાતો મળે છે, પણ મનની શાંતિ હણાઈ જાય છે.


Google NewsGoogle News