Get The App

હિપ્નોટીઝમ .

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
હિપ્નોટીઝમ                                                      . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- સભાન અવસ્થામાં આરતી તમારા પપ્પાના નામથી ચમકે છે. ખૂલીને વાત કરતી નથી.'

ગ ણેશોત્સવ પૂરો થઈને ગણપતિ વિસર્જનના બીજા દિવસથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ રહયો હતો; દરેક કુટુંબમાં પૂર્વજોના શ્રાધ માટેની તૈયારી ચાલુ થવા લાગી હતી. ભાદરવાના તડકા પણ ચાલુ થતાં, દિવસે  ગરમી વધી ગઈ હતી. આલોકના પપ્પા હેમંતભાઈ પણ ત્રણ વર્ષ પહેલા પાંચમમાં અચાનક માસિવ એટેકથી મૃત્યુ પામ્યા હતા, તેથી તેના પાંચમમાં શ્રાદ્ધ માટેની તૈયારી ચાલુ થતા જ આરતીની તબિયત બગડવા લાગી.

છેલ્લા ત્રણ વરસથી દર વખતે હેમંતભાઈના શ્રાદ્ધના દિવસે જ આરતી બીમાર થઈ જતી હતી. સવારથી જ મોમાંથી ફીણ નીકળી આંખો અકળવકળ થતી અને ખેંચ ચાલુ થઈ જતી. ઘરના બધા જ નવાઈ પામતાં, અચાનક દર વખતે ભાદરવાની પાંચમે જ કેમ આવું થાય છે ? તેના સસરા હેમંતભાઈનો ફોટો કબાટમાંથી પૂજા માટે બહાર કાઢે અને તરત જ આરતીની મગજની નસ ખેંચાવા લાગતી.

શહેરના નામાંકિત મગજના ડોક્ટર ન્યૂરોલોજિસ્ટ ડો.અમુલ દેસાઇ પાસે આરતીને લઈ જઈ તમામ તપાસ કરાવી. મગજના સિટીસ્કેન, ઈઈજી, એકસરે બીજી બધી તપાસ, વિગેરે નોર્મલ આવતા ડો દેસાઇએ કહ્યું કે કારણ માનસિક છે. માટે માનસિક રોગોના ડોક્ટર ઠક્કર સાહેબની એપોઇન્ટમેન્ટ લઈ લીધી.

ઠક્કર સાહેબે આરતીની વિગતો પૂછીને માહિતી  મેળવી કે ફક્ત તેના સસરાની તિથિએ જ આરતીને માનસિક તકલીફ થાય છે. અને હિસ્ટીરિયાના એટેક આવે છે, તેથી તેમણે તેના પતિ આલોકને પૂછયુ.

'તમારા પત્નીને સસરા સાથે કોઈ અણબનાવ કે ઝગડો થયેલો ?' આલોકે વિશ્વાસ પૂર્વક કહ્યું. 'ના, ના એ બન્નેના સંબંધો તો સારા હતા. આરતી મારા પપ્પાનું ખુબ જ ધ્યાન રાખતી.'

'તો પછી તેની તિથિ વખતે જ આવું કેમ થાય છે? સમજ પડતી નથી.' ડોક્ટરને નવાઈ લાગી.

'સાહેબ તેને બેસાડીને જે ડિટેઇલ હિસ્ટ્રી લેવી હોય તે લો, પણ તેની આ બીમારી દૂર કરો' આલોકે  વિનંતી કરતાં કહ્યું. ડોક્ટરે બધી જ માનસિક હિસ્ટ્રી લંબાણપૂર્વક લીધી. કાઇં જ વાંધાજનક ના લાગ્યું. પણ જેવી હેમંતભાઈની વાત આવે એટલે આરતી એકદમ ગભરાઈને તેની અકળવકળ આંખો થવા લાગતી. પણ એણે હેમંતભાઈ સાથે કોઈ જ ઝગડાની વાત ના કરી.

ડોક્ટરે તેના પતિ આલોકને બોલાવી કહ્યું 'હાલ તો કાંઇ જ વાંધાજનક મળતુ નથી.' સભાન અવસ્થામાં આરતી તમારા પપ્પાના નામથી ચમકે છે. ખૂલીને વાત કરતી નથી.'

'તો શું કરવું જોઈએ?' આલોકે ગભરાઈને કહ્યું 'મારા પપ્પા તો ભગવાનના માણસ હતા. ત્રણ વર્ષ પહેલા ફસ્ટ એટેકના હુમલામાં ફક્ત પંચાવન વરસે મૃત્યુ પામ્યા. મારા મમ્મી તો દશ વર્ષ પહેલા રોડ અકસ્માતમાં મરી ગયા હતા. પછી પપ્પા તો એકલા જ ભગવાનની સેવાપૂજામાં જીવન વ્યતીત કરતાં હતા. અમારી દુકાનની જવાબદારી મે સંભાળી લીધી છે, એટલે પપ્પા ઘરે જ વાંચન અને પૂજા કર્યા કરતાં. આરતી તેમના જમવાની અને ચા નાસ્તાની બરાબર તકેદારી રાખતી, તેથી તેને વઢયા હોય કે ગરમ થયાં હોય તે પણ મને યાદ નથી.

'તેને હિપ્નોટાઇઝ કરવી પડશે, અચેતન અવસ્થામાં જ તેના અચેતન મનમાંથી જે જવાબો આવશે તે જ  આ તકલીફનું કારણ અને તારણ બનશે.' ડોક્ટર ઠક્કરે વિશ્વાસથી કહ્યું.

બીજે દિવસે સવારે દશ વાગે આરતીને અલગ રૂમમાં બેસાડી ડોક્ટરે આલોકને પણ સાથે રાખ્યો. પંદર મિનિટમાં આરતી ધીમે ધીમે ટ્રાન્સમાં જતી રહી, હવે તેના ચેતન મનને બદલે અચેતન મનમાંથી જવાબો આવી રહ્યાં હતાં.

'તમારૂ નામ ?' ડોક્ટરનો  પ્રશ્ન 'આરતીબેન આલોક દામાણી' 

જવાબ સાથે બીજી બધી જ સાચી વાતો કરીને ડોક્ટરે સીધુ જ પુછયું 'તમારા સસરા હેમંતભાઈ સાથે કાઇ તકલીફ?'

'સાહેબ જવા દો, છેલ્લા છ મહિનાથી તેમની નજર બગડી હતી.' આરતીના અચેતન મને ગુસ્સામાં જવાબ આપ્યો.

'શું વાત કરો છો આરતીબેન ?' ડોક્ટરે આશ્ચર્યથી કહ્યું.

'ડોક્ટર, મને પોતાના રૂમમાં બોલાવી છેડછાડનો એકેય મોકો જવા દેતા ન હતા.'

'મને ખાસ એકાંતમાં તેમના ઓરડામાં ચા આપવા બોલાવતા અને પલંગ પર પરાણે બેસાડતા. ચાનો કપ લેતા, જાણીજોઈને મારા હાથને સ્પર્શ કરી લેતા. તેમની આંખોમાં રહેલી વાસના અને કામુકતા મને સ્પષ્ટ જણાઈ આવતી. હું તરત જ હાથ છોડાવીને ભાગી છૂટતી. 

'તો તમે કેમ કોઈને વાત ના કરી ?' ડોકટરે પુછયું.

'આપણા વડીલની આવી બાબતની ફરીયાદ કરવાનો શું ફાયદો? પહેલા મને થયું આલોકને આ વાત કરું, પણ પછી થયું આલોક મારી વાત માનશે નહિ, કારણકે તેને બાપુજી પ્રત્યે ખુબ જ આદર અને વિશ્વાસ હતો. જો કદાચ મારી વાત માને તો પણ બન્ને વચ્ચે ઝગડો થઇ જાય. બાપ દીકરાના ઝગડાનું કારણ હું બનું તો બધે મારી જ બદનામી થાય.' આરતીનું અવચેતન મન ગુસ્સામાં જવાબ આપી રહ્યું હતું.

અહી જ આરતીબેન ધોખો ખાઈ ગયા. આવી ફરીયાદ શરૂઆતથી જ કરવી જોઈએ. અન્યથા ગુનેગારને છૂટોદોર મળી જાય છે.

'પછી શું થયુ ?' ડોકટરે પુછયું. 

આ સંભાળીને આલોક અને ડૉક્ટર ઠક્કર હબક ખાઈ ગયા.

'સાહેબ, છેલ્લા દિવસે તો હદ થઈ ગઈ. મારા સસરાએ તેના રૂમમાં બોલાવી મને બાથ ભરી લીધી, તેમનો  ઇરાદો બહુ જ ખરાબ હતો. હું જોર કરીને બાથમાંથી ભાગી. રૂમનો દરવાજો ખોલી બહાર આવી ગઈ. મે એજ દિવસે રાત્રે આલોકને બધી વાત કરવાનું નક્કી કર્યું હતું. પણ સાંજે જ તેમને એટેક આવતા ગુજરી ગયા.' કહેતા કહેતા આરતીના હોઠ ભીડાઈ ગયા. મો લાલ થઈ ગયું. આલોક આ સાંભળીને ગમ ખાઈ ગયો, 'મારા પપ્પા આવા લંપટ ! પોતાની દીકરી જેવી વહુને આવી જાતીય સતામણી ??'

ડો. ઠક્કરે તેની અચેતન અવસ્થામાં જ ઓર્ડર આપ્યા, કે હવે તો હેમંતભાઇ જીવતા છે જ નહિ. અને આલોકને બનાવની જાણ થઈ ગઈ છે. હેમંતભાઈ પણ વાસનાના આવેગમાં થઈ ગયેલ કર્મથી છોભીલા પડી ગયા હશે, અને આલોક મારા વિષે આ જાણશે, તો શું વિચારશે, એના ઉધ્વેગમાં શોકમાં જતા રહ્યા હશે, અને તેજ દિવસે સાંજે તેમને માસીવ એટેક આવતાં ગુજરી ગયા.

આરતીના આંતરિક મનમાં શાંતિ થઈ. તેને ટ્રાન્સમાંથી બહાર લાવી પણ તેને શું કહ્યું તે કંઈ જ યાદ ન હતુ. પછીથી કોઈ વખત તેને હિસ્ટેરીયાના હુમલા થયા નથી. આરતીબેનના અચેતન મનને સંતોષ થયો કે હવે સસરા છે જ નહિ, અને આલોકને બધી વાત ખબર પડી ગઈ છે. તેથી તેના અચેતન મનમાં થતી ઉથલપાથલ શાંત થઇ ગઈ.

પોતાના જ ઘરમાં વડીલ દ્વારા જાતિય સતામણી થવા માંડે તો મહિલાના મનમાં કેટલી બધી તકલીફો થવા લાગે છે, ના કોઈ ને કહી શકે, ના પોતે સહી શકે, અંતે આરતીએ મન મક્કમ કરીને આ વાત પોતાના પતિને રાત્રે ઘરે આવે ત્યારે કહેવાનું નક્કી કરી લીધું હતું, પણ તે પેહેલા જ ખોટું કામ થઇ ગયા ના  માનસિક ઉધ્વેગમાં હેમંતભાઈ ને માસીવ એટેક આવી ગયો અને તે ગુજરી ગયા. પછી આ વાત આરતી તેના પતિને કહી જ ના શકી, અને તે વાતનો અંજપો તેના મનમાં રહી ગયો. અને તેનું મન હેમંતભાઈની વાત આવતા કે ફોટો જોતા જ હિસ્ટીરિયાના  હુમલા કરવા લાગ્યું.

લાસ્ટ સ્ટ્રોક 

 જાગૃત મનમાં અનેક ઘટનાઓ, બાબતો દબાવતો માનવી અચેતન અવસ્થામાં કેવો ખુલ્લો થઈ જાય છે ? ખરેખર હિપ્નોટીઝમથી ઘણાં માનસિક રોગો દૂર થઈ શકે છે. પરંતુ તેનો ઉપયોગ સારા અને ઉપયોગી કાર્યો માટે જ થવો જોઈએ, અન્યથા તેના દુરુપયોગથી અનેક ખોટા કાર્યો થવાની સંભાવના રહેલી છે. 


Google NewsGoogle News