Get The App

ગ્રીન કાર્ડ .

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
ગ્રીન કાર્ડ                                                    . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- નયનાને નમનના મનમાં શું ચાલી રહ્યું છે તેની જરાપણ ખબર ના હતી. 

'ન મન, તું એક જ આપણા ગ્રુપમાં ગ્રેજ્યુએટ થઈને બાકી રહી ગયો છે. બાકી બધાનું ચોકઠું ગોઠવાઈ ગયું છે.' એમ.બી.આર્ટસ કોલેજના અશોકે વાત કરતા કહ્યું, બધા મિત્રો બી.એ. થઇ લગ્ન  કરીને ઘર વસાવી કામ ધંધે લાગી ગયા હતા. નમન બી.એ. થયો પણ તેની ઈચ્છા અમેરિકા જઈને ડોલર કમાવવાની હતી. તેના સગાઓ અને મિત્રો પાસેથી અમેરિકાની સમૃદ્ધિ, ભૌતિકસુખ, અને ગાડી બંગલાની વાતો સાંભળી તે અભિભૂત થઈને કોઈ પણ હિસાબે અમેરિકા પહોંચવાની પેરવીમાં હતો. 

શાનાયા તેની ઊપરના ફ્લેટમાં રહેતી સુંદર દેખાવડી યુવતી હતી. નમન તેની સાથે દોસ્તી કરવાની તક શોધી રહ્યો હતો. તેનાથી એક વરસ ભણવામાં પાછળ શનાયા તેને બહુ ભાવ આપતી નહી. તેણે દિવાળી પર મોંઘી ગીફ્ટ લાવી અને શનાયાને ખુશ કરવા કોશિશ કરી, પણ શનાયાએ તે સ્વીકારી જ નહીં.

ઉત્તરાયણે ધાબે શનાયા એકલી  જ આવી. તેના માબાપ વ્યવહારિક પ્રસંગે વડોદરા ગયા હતા. શનાયાને પતંગનો ખુબ શોખ, પણ તેની મદદમાં કે ફીરકી પકડવામાં કોઈ નહિ. નમને આ તક ઝડપી લીધી. 

'લાવ શનાયા, હું ફીરકી પકડીને તને પતંગ ચડાવી આપી દઈશ.' કહેતા નમને શનાયાની ફીરકી પકડી લીધી. શનાયા ખુશ થઇ ગઈ. તે પતંગની છૂટ અપાવે, ઠુમકા મારીને ઉપર કરીને શાનાયાને ચગાવા આપી દે. પછી પોતે ફિરકી પકડી લે. પેચ જામે તેમાં પણ તે શનાયાને ખેંચીને કાપવામાં મદદ કરે. એક પછી એક કુલ અગિયાર પતંગ ચડાવ્યા, તેમાં નમન જ શનાયાને મદદ કરતો રહ્યો. શનાયાને હવે ધીમે ધીમે નમન ગમવા લાગ્યો.

પરીક્ષામાં બન્ને સાથે કોલેજ લાઈબ્રેરીમાં વાંચે, પછી તો શનાયાને ઘેર સાથે વાંચવા નમન જવા લાગ્યો. બન્ને વચ્ચેનું ખેચાણ અંતે પ્રેમમાં પરિણમ્યું. બન્ને હવે એકબીજા વગર રહી શકે તેમ નહોતા. બન્નેએ એકબીજાને લગ્ન કરવાનું વચન આપી દીધું. વડીલોને ધીમે ધીમેં મનાવી લઈશું, એમ વિચારી ભવિષ્યના સોનેરી સપનામાં બન્ને રાચવા લાગ્યા. 

અચાનક શનાયાના મોટા ભાઈએ કરેલી અરજીના લીધે અમેરિકાનો વિઝા કોલ આવ્યો. શનાયાને તેના માબાપ સાથે ઈમિગ્રેશન વિઝા મળી ગયા.

છેલ્લી મુલાકાતમાં શનાયાએ નમનને બોલાવી કહ્યું 'હું અમેરિકા પહોચીને તારો ઇન્તઝાર કરીશ, તું કોઇપણ યુક્તિ વિચાર.'

'પણ આપણે તો લગ્ન કરવાના કોલ આપેલા ને!' કહેતા નમન રડવા જેવો થઇ ગયો.

'જો હું તારી સાથે લગ્ન કરીશ તો મારાથી અમેરિકા નહી જવાય. આપણે બન્ને અમેરિકા લગ્ન કરીને ખુબ ડોલર કમાઈશું.' કહેતા શનાયા પણ કોઈ આઈડિયા શોધવા લાગી.

અચાનક એક દિવસ નમને કાળી કુબડી અમેરિકાની નયના સાથે કોર્ટ મેરેજ કરી લીધા.

અશોક, સુરેશ અને પંકજ નવાઈમાં ડૂબી ગયા. નમને આ કેવી કુબડી છોકરી પસંદ કરી? 

'નમન, તેં આ છોકરીમાં શું જોઇને લગ્ન કર્યા?' જાડા ચશ્માં, બરછટ વાળ, ઠીંગણું શરીર અને કાળો વાન, આવી નયનાને નમનની પત્નીરૂપે નિહાળી પંકજે પૂછી લીધું,

'જો મેં તેનું ગ્રીનકાર્ડ બરાબર ચકાસીને જોઈ લીધું છે, મારી તો અમેરિકામાં સેટલ થવાની ઈચ્છા છે.' નમને જવાબ આપ્યો. બધા મિત્રો નવાઈ પામ્યા.

ફક્ત લગ્ન માટે આવેલી નયનાને માંડ ત્રણ વીકની રજા મળી હતી. લગ્ન રજીસ્ટર કરી, તરત જ મુંબઈ જઈ તેમણે નમનની ઈમિગ્રેશન ફાઈલ કરી દીધી. 

હનીમૂનમાં નમને ચોખ્ખી વાત કરી 'જો નયના, મેં દામ્પત્યસુખ માણવાનું અમેરિકા જઈ જોબ મેળવીને પછી જ નક્કી કરેલ છે.'

હનીમૂનમાં સબંધ કેમ ના બાંધ્યો, તે બાબતે નયનાને નવાઈ લાગી.  અમેરિકામાં તો યુવક યુવતીઓ લગ્ન 

પહેલા જ ડેટિંગમાં સબંધ બાંધી આનંદ કરતા હોય છે, પણ નમન આવું કેમ કરે છે??

તેણે વિચાર્યું, 'નમને માતાજીની માનતા માની છે, એટલે શું થાય ? પછી અમેરિકામાં તો આનંદ કરવાનો જ છે ને !' નયનાને નમનના મનમાં શું ચાલી રહ્યું છે તેની જરાપણ ખબર ના હતી. તેણે તેને કહ્યું, 'સારું'. નમન ત્યારે તો નયના સાથે સારો વ્યવહાર કરતો રહ્યો. નયના પણ આવા સારા મુરતિયાને પામીને ખુશ હતી. 

ત્રણ અઠવાડિયા પુરા થતા નયનાની રજા પૂરી થતા અમેરિકા પરત ફરી. 

નમન હવે વીઝાની રાહ જોતો શનાયાના કોન્ટેકટમાં જ હતો. નયના તેના વિઝાની રાહ જોતી દિવસો ગણી રહી હતી.

નવ માસ પુરા થતા નમનના હાથમાં વીઝા આવી ગયા. તેની ફ્લાઈટની ટીકીટ નયનાએ ડોલરમાં અમદાવાદથી નેવાર્કની મોકલી આપી. 

બપોરે ત્રણ વાગે નેવાર્ક એરપોર્ટ પર નમન બહાર નીકળી શનાયાને ભેટી પડયો. બંને હાથમાં હાથ નાખી બહાર નીકળવા લાગ્યા. નયના બન્નેને જોતી રહી ગઈ. તેના માતાપિતા પણ નવાઈ પામ્યા. આપણો જમાઈ આ કઈ છોકરી સાથે પ્રેમ કરી રહ્યો છે? 

નયના રડી પડી, 'નમન, આ કોણ છે ? તું તેની સાથે ક્યાં જાય છે?'

નમને કુટિલતાથી કહ્યું, 'ગુડબાય નયના આ મારી ગર્લફ્રેન્ડ શનાયા છે. હું તેની સાથે જ રહેવાનો છું. અહીં આવવા માટે જ મેં તારી સાથે લગ્નનું નાટક કર્યું હતું.' 

નમનના પાસપોર્ટ પર ગ્રીનકાર્ડનો સિક્કો લાગી ગયો હતો. તેણે ફોર્મમાં ઓનલાઇન એડ્રેસ પણ શનાયાનું લખાવી દીધું હતું. હવે નયના કરી પણ શું શકે ?

હવે નયનાને ખ્યાલ આવી રહ્યો હતો કે નમને હનીમુન ઉજવવાની કેમ ના પાડી. 

લાસ્ટ સ્ટ્રોક : લગ્ન જેવી જિંદગીની અગત્યની મુલ્યવાન બાબતમાં ઊંડાણપૂર્વકની તપાસ અને ચોકસાઈ જરૂરી છે, અન્યથા લાલચુ માણસ તમને ઉલ્લુ બનાવી જિંદગીભર પસ્તાતા કરી દે છે.


Google NewsGoogle News