Get The App

ગુલાબી ડ્રેસ .

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
ગુલાબી ડ્રેસ                                                                     . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- આ ડ્રેેસ પહેરીને બર્થ ડે કેક કાપતા અચાનક સળગતી મીણબત્તી પડતા ડાબી બાજુનું ગુલાબના ફૂલની ડીઝાઇનમાં કાણું પડી ગયું

કન્સ્ટ્રકશન કંપનીના માલિક આલોક મહેતા, રૂપાળા, દેખાવડા, કુંવારા હતા. તેની ઓફિસમાં વીસ માણસનો સ્ટાફ હતો. આઠ લેડીઝમાં માનસી કાપડિયા નવી જ જોઈન થઇ હતી. ગરીબ ઘરની છોકરી, પણ મા દેખાવડી હોવાથી સુંદર દેખાતી હતી. તેના પપ્પાનું એટેકમાં મોત થયું હોવાથી તેની મમ્મી નાના પરચુરણ કામ કરી ઘર ચલાવતી હતી. માંડ માંડ ગુજરાન ચાલતું, પણ માનસી ભણવામાં હોંશિયાર હોવાથી અભ્યાસ ચાલુ હતો. 

માનસી આર્કિટેક્ટ થતા જ તેને આલોક કન્સ્ટ્રકશનમાં સારા પગારે નોકરી મળી. તેનાથી દશ વરસ મોટા આલોક શેઠ તેના સપનાનાં માલિક હતા. જો આલોક શેઠ જોડે મારું ગોઠવાઈ જાય તો બેડો પાર ! પણ આલોક તેની સામે નજર પણ નાખતો નહિ.

માનસી આલોકને ફસાવવા નખરા કર્યાં કરતી, પણ મેળ જામતો નહિ. દિલ્હી દરવાજા બહારથી જુના કપડાવાળા પાસેથી તેની મમ્મી કપડાં ખરીદતી, માનસી પણ સારો ડ્રેસ ખરીદવા તેની સાથે ગઈ. અચાનક ગુલાબી ડ્રેસ પર સુંદર ડીઝાઇન હોવાથી તે ગમી ગયો, પણ તેની કિંમત સાંભળીને તે ઠરી ગઈ, બારસો રૂપિયા પુરા, જુના ડ્રેસના આટલા બધા રૂપિયા, પણ તેને ડ્રેસ ગમી ગયો હોવાથી બહુ જ રકઝક કરીને લઇ લીધો. તે ખુશ હતી, કદાચ આ ડ્રેસ સાથે તેને આલોક શેઠ પસંદ કરી લે !!

અલોક શેઠ અઠવાડીયાથી મૂડલેસ ફરતા હતા, સ્ટાફના જાણવા મુજબ તેમનાં ઘેર કેન્સરથી મરણ થયું હોવાથી આલોક હતપ્રભ બની મૂડલેસ બની ગયો હતો. 

માનસી મોંઘાભાવનો ખરીદેલો ગુલાબી ડ્રેસ પહેરીને ઓફીસે આવી. બધા લોકો તેને જોઈ રહ્યા. આલોક પણ ઓફિસમાં આવતા માનસીને જોઈ ઉભો રહી ગયો. તેને એકીટશે જોવા લાગ્યો. માનસીની ધડકનો વધી ગઈ. વાહ ! મેં ધાર્યું હતું તે જ બન્યું, આલોક શેઠ મને તાકીને જોઈ રહ્યા છે, વિચારે તે ખુશ થઇ ગઈ.  

રાતના પણ માનસીને આલોકના જ વિચારો આવી રહ્યા હતા. સપનામાં તે આલોક સાથે ફાઈવસ્ટાર હોટલમાં ડીનર લઇ રહી હતી. પછી તો બંને હનીમુનમાં પેરીસ ઉપડી ગયા. એફિલટાવરની ટોચે પહોંચી આલોક તેને બાથમાં લઇ કિસ કરવા જતો હતો, ત્યાં તો માનસીની મમ્મીએ હલબલાવી બુમ પાડી, 'માનસી ઉઠ, ઓફિસે જવાનું મોડું થશે. શેઠ બોલશે.'

'શું મમ્મી, હું અને શેઠ તો પેરીસ ફરવા ગયા હતા, તે મારું આટલું સરસ સપનું બગાડી નાખ્યું.' માનસી ઊંઘમાંથી ઉઠતા બોલી. 

'શું ગાંડાવેડા કરે છે ? આપણે આટલા ગરીબ અને શેઠ મોટી કંપનીના માલિક. બંનેનો મેળ ક્યાં પડે ? ખોટા સપના જોવાના બંધ કર.' મમ્મીએ ચિડાઈને છણકો કર્યો. 

'શું મમ્મી, તને કઈ ખબર તો છે જ નહિ.' કહેતા માનસી તૈયાર થવા જતી રહી. 

'બીજા અઠવાડિયે માનસી ઉત્સાહમાં ફરી નવો ગુલાબી ડ્રેસ પહેરીને ઓફીસ પહોંચી. આલોક પોતાની કેબીનમાં જતા માનસીના ટેબલ આગળ તેને જોઈ ઉભો રહી ગયો. સ્ટાફના તમામ મેમ્બર સળગી ગયા. આ નવી જ આવેલી છોકરી પાછળ શેઠ કેમ લટ્ટુ બની ગયા. 

માનસીની ધડકનો તેજ બની ગઈ. તેને હવે ચોક્કસ લાગતું હતું કે આલોક હવે તેની ઉપર ઓળઘોળ થઇ ગયો છે. આલોક ઓફિસની અંદર જતા જ બાજુના ટેબલવાળી રીટાએ આવી, વધામણી આપી. 

'કોન્ગ્રેટ્સ, માનસી, તારું નસીબ જોર કરી રહ્યું છે, ભવિષ્યમાં તું અમારી શેઠાણી બની જઈશ.'

ત્યાં તો ક્લાર્ક હરીશે હસતા હસતા જોક માર્યો, 'જો જે, માનસી, શેઠ તને ટાઈમપાસ માટે ફેરવીને રખડાવી ના દે.'

માનસી શરમાઈને નીચું જોઈ ગઈ. આટલા બધા સ્ટાફની શેઠાણી થવાના સપના જોવા લાગી. 

બપોરે લંચ પતાવીને સ્ટાફ મેમ્બરો આંટો મારવા ગયા. માનસી તો ખુશીની મારી ભવિષ્યના સપના જોઈ રહી હતી. ભવિષ્યમાં હું આલોક માટે ટીફીન લાવીશ, અને બંને સાથે કેબીનમાં બેસીને જમીશું. 

ત્યાં અચાનક આલોક તેની ઓફિસનો દરવાજો ખોલી ધીમે પગલે માનસી પાસે આવ્યો, આજુબાજુ જોયું કોઈ નહોતું, એટલે સાચવીને માનસીની સામેની ખુરશીમાં બેસી ગયો. 

માનસીની ધડકનો વધી ગઈ, તેનો ચહેરો લાલ થઇ ગયો, આંખો ચકળવકળ થવા લાગી.

'એક વાત કહું, માનસી' આલોકે વાત શરુ કરી. 

માનસીએ હકારમાં માથું હલાવ્યું. તેને હતું કે આજે સાંજે ડીનરમાં જવા આલોક પ્રપોઝલ લઈને આવ્યો લાગે છે. 

'આ ગુલાબી ડ્રેસમાં તું ખુબ સુંદર લાગે છે, ક્યાંથી ખરીદ્યો ?' આલોકે પ્રેમથી પૂછયું. 

માનસી ખુશ થઇ ગઈં. મનમાં વિચાર્યું આ ડ્રેસના બારસો રૂપિયા વસુલ થઇ ગયા. તેને ગપ્પા મારતા કહ્યું, 'આ ડ્રેેસ તો મારા કાકાએ મુંબઈથી મોકલ્યો છે.'

ધ વ્હોટ એ કો-ઇન્સીડન્સ ! મારી નાની બેન કરુણા પાસે પણ આવો જ ડ્રેસ હતો. તેને બ્રેઈન ટયુમર હતું અને આ ડ્રેેસ પહેરીને બર્થ ડે કેક કાપતા અચાનક સળગતી મીણબત્તી પડતા ડાબી બાજુનું ગુલાબના ફૂલની ડીઝાઇનમાં કાણું પડી ગયું. ચાલુ ઉજવણીમાં ડાન્સ કરતા તે ઢળી પડી અને કાયમ માટે આંખ મીંચી દીધી, પછી એ ડ્રેસ મને બહુ યાદ ના આવે એટલે કામવાળીને આપી દીધો. તને આ ડ્રેસમાં જોઇને મને મારી બહેન કરુણા યાદ આવી જાય છે. માનસીના દિલની ધડકનોનો ઉન્માદ શાંત થઇ ગયો. પ્રેમનો નશો એકદમ ઉતરી ગયો. તેને ધીમેથી કહ્યું, 'હા, શા માટે નહિ ?'

હું તો સમજતી હતી કે આલોક મારા આ ડ્રેસને બહાને મારું સૌન્દર્ય પામવા, પ્રેમ પામવા કોશિશો કરી રહ્યો છે, પણ આ તો કઈક જુદું જ નીકળ્યું. તે તો નાની બહેને પહેરેલો ડ્રેસ જોઈ મને નાની બહેન રૂપે જોઈ રહ્યો છે. માનસી મનમાં બબડી, તેના પ્રેમના સપના સળગીને રાખ થઇ ગયા. 

હું શેઠાણી બનવાના સપનાં જોતી હતી, અને આ તો નવું જ નીકળ્યું. ચાલો કઈ નહિ, શેઠની બહેન બનવા તો મળ્યું. 

માનસીએ ઘરે જઈને જોયું તો તેના ડ્રેસની ડાબી બાજુના ગુલાબમાં કાળા કલરનું કાણું સ્પષ્ટ દેખાતું હતું. તેને ખબર પડી ગઈ, તે કામવાળીએ આલોકનો આપેલો ડ્રેસ વાસણની લાલચમાં જુના કપડાવાળાને આપી દીધો હશે. 

લાસ્ટ સ્ટ્રોેક:- કેટલીક વખત કપડાં અને વસ્તુઓ પણ માણસને લાગણીશીલ બનાવી દે છે. પુરતી વાત જાણ્યા વગર ખોટા સપનામાં રાચવું જોઈએ નહિ.


Google NewsGoogle News