વીરુ જલ્લાદ .

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
વીરુ જલ્લાદ                                                 . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- આ દુનિયા ફક્ત પૈસાદારોની જ છે અને કાયદો અને ન્યાય પૈસાના જોરે જ ચાલે છે. 

'સા હેબ, મેં ખૂન નથી કર્યું, મને ફસાવી દેવામાં આવ્યો છે.' કેતન ફરીફરીને કહી રહ્યો હતો, પણ કોર્ટમાં તેને સાંભળે કોણ? કેતન ઉપર તેની ઓફિસમાં કામ કરતી કામિની પર બળાત્કાર કરી તેનું ખૂન કરવાનો આરોપ હતો.

સામસામે બે વકીલો કેસ લડી રહ્યા હતા. કોર્ટને તો પુરાવા જોઈએ છે, દલીલો નહિ.

યુવાન વિમલશેઠની નજર કામિની પર બગડેલી જ હતી. ગુરુવારની સાંજે ઓફિસમાં કેતન અને કામિની જ હતા. વિમલશેઠે કાળું કૃત્ય કરી કેતનને આમાં ફસાવી દીધો. પોલીસને ચિક્કાર પૈસા ખવડાવ્યા હોવાથી પોલીસે કેસ નોંધતી વખતે જ તમામ પુરાવા કરોડપતિ વિમલશેઠને બદલે કેતન તરફ જ નિર્દેશ કરતા ગોઠવી કાઢયા હતા. કેતન તેમને ત્યાં માત્ર કામ કરતો કર્મચારી હતો.

વિમલે કામિનીને પોતાની ઓફિસમાં બોલાવી જબરજસ્તી કરી બળાત્કાર કર્યો, પણ કામિનીનો વિરોધ હોવાથી અંતે તેનું ગળું દબાવી ખૂન કરી, ઓફીસ બહારથી લોક કરી તરત જ પોલીસને ફોન કરી બોલાવી, તેમાં અંદર કામ કરતો કેતન ફસાઈ ગયો.

છેવટે કોર્ટના મેજીસ્ટ્રેટ સાહેબે ઓર્ડર કર્યો કે દરેક આરોપી પોતાને નિર્દોષ જ કહે છે, પરંતુ તમામ પુરાવાને આધારે સાબિત થાય છે કે આરોપી કેતન મહેતાએ ખુબ જ બેરહેમીથી બળાત્કાર કરી કામિનીનું ખૂન કરેલ છે. તેથી તેને તહોમતદાર ઠરાવી સમાજમાં દાખલો બેસે એટલે કલમ ૩૦૨ અન્વયે ફાંસીની સંજા ફરમાવે છે. હેંગ ટીલ ડેથ.' એમ કરીને જજ સાહેબે ઇન્કપેનની નિબ તોડી નાખી. કેતન આ ઓર્ડર સાંભળી રડી પડયો.

કેતને બહુ જ વિનંતીઓ કરી, કાલાવાલા કર્યાં, ઉપલીકોર્ટોમાં અપીલ કરી, પણ વ્યર્થ. છેવટે દયાની અરજી પણ રાષ્ટ્રપતિએ નકારી કાઢી એટલે હવે તો મહિના પછી ફાંસી નક્કી જ હતી. તેને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો.

સાબરમતી જેલમાં કેતન બધા કેદીઓ સાથે ખુબ હળીમળી ગયો હતો, બધા સાથે તે ખુબ જ વિનય અને સહિષ્ણુતાથી વર્તતો હતો. જેલર ચુડાસમા સાહેબ પણ કેતનના આવા સહિષ્ણુતાભર્યા વર્તનથી વિચારતા થઇ ગયા કે આવો માણસ એક માસુમ કન્યાને બળાત્કાર કરી ખૂન કરી જ ના શકે.

કોર્ટમાં કેસ સાબિત થઇ ચુક્યો હતો, એટલે શું થાય ?

કોર્ટના ઓર્ડરની તામિલ તો કરવી જ પડે ને. ઓર્ડર એટલે ઓર્ડર. કેતનને હવે આ ફાની દુનિયામાં જીવતા રહેવાની જિજીવિષા જ મરી પરવારી હતી.

અંતે એ ગોઝારો શુક્રવાર, ફાંસીનો દિવસ નજીક આવી ગયો. જેલના તમામ આગલા દિવસથી કેતનના નામની પૂજાપાઠ અને પ્રાર્થના કરી રહ્યા હતા. ગુરુવારની રાત્રે કેતનને પણ ખ્યાલ આવી ગયો કે આવતી કાલે સવારે સાડા પાંચ વાગે તો મારી ફાંસી નક્કી જ છે. તેને આખી રાત ઊંઘ ક્યાંથી આવે ? તેનું મગજ સુન્ન પડી ગયું. 

શુક્રવારે સવારે વહેલા ચાર વાગે તેને નવડાવી, નવા ખમીસ અને લેંઘો પહેરાવવામાં આવ્યા. બહારનું જગત ગાઢ નિંદ્રામાં ઊંઘનો આસ્વાદ માણી રહ્યું હતું. કેતનને હવે આ દગાબાજ દુનિયામાંથી છુટકારો મેળવવો હતો. 'મને જલ્દી છુટકારા' આપોનાં નારા સાથે તે ચાલી રહ્યો હતો.

વીરુ જલ્લાદે છેલ્લા કેટલાય વખતથી ફાંસી આપી નહોતી, મફતમાં સરકારનો પગાર ખાઈ રહ્યો હતો. આજે કેટલા બધા વખત પછી વહેલી સવારના એક કેદીને ફાંસીનો ઓર્ડર આવતા તે વહેલો ચાર વાગે ઉઠી ગયો હતો, પણ તેની બુઢી માને એકદમ તાવ અને પેટનો દુખાવો ઉપાડતા આખી રાત જાગી હતી. તેણે બુમ પાડી, બેટા, મારી તબિયત સારી નથી, આજે રજા લઇ લે. અહી મારી પાસે કોઈ નથી. તારી પત્ની અને બાબો પણ તેને પિયર બહારગામ ગયા છે, મને કઈ થઇ જશે તો શું થશે?'

'ના, માં આજે તો કેટલા વખતે મારે ફરજ બજાવવાની આવી છે, 

હું તરત કામ પતાવીને પરત આવું છું.' વીરુએ માને જવાબ આપીને જેલ જવા નીકળી ગયો. તે વિચારતો હતો, જલ્દીથી ફાંસીનું કામ પતાવી મારે માને મોટા દાકતર પાસે હોસ્પિટલ લઇ જવી પડશે.

 એકદમ આ રાત્રે તેને શું થઇ ગયું ? ચિંતામાં તે જલ્દી કઈરીતે આવવું તે વિચારતો રહ્યો.

ફાંસીના માંચડે ડોક્ટર, સુપરીન્ટેન્ડન્ટ, પંડિત વગેરે હાજર હતા. જલ્લાદ વીરુએ જઈ માંચડો ચેક કરી લીધો. ડોકટરે તપાસ કરી અને સુપરીન્ટેન્ડન્ટે ઓર્ડર વાંચી કેતનને ફરી સંભળાવવાનો ચાલુ કર્યો. કેતન બરાડયો. 'બંધ કરો, જલ્દીથી મને ફાંસી આપી મુક્ત કરો.' પંડિતજી ગીતા પાઠ વાંચવા ગયા, એ પણ તેણે બંધ કરાવ્યા. 'કોઈનું ભલું થાજો, મને પંદર મિનીટ વહેલી તો વહેલી ફાંસી આપી દો. મારે હવે આ બનાવટી દુનિયામાં જીવવું જ નથી. આ દુનિયા ફક્ત પૈસાદારોની જ છે અને કાયદો અને ન્યાય પૈસાના જોરે જ ચાલે છે. મારા જેવા ગરીબને અહી રહેવા જેવું જ નથી.'

જેલર સાહેબે આને કેદીની અંતિમ ઈચ્છા સમજી હાથ ઉંચો કર્યો. જલ્લાદ વીરુ વિચારે ચડયો. 'આ પંદર મીનીટમાં કોનું ભલું થવાનું છે ?' તેને પણ બુઢી માંની ચિંતા હતી. અચાનક તે બહુ જ બીમાર કઈ રીતે પડી ગઈ, તે સમજાતું નહોતું. પણ જેલરનો ઓર્ડર થતા તેને પંદર મિનીટ વહેલા કેદીનો ચહેરો કાળા બુરખાથી ઢાંકી લીવર ખેંચી લીધું. કેતન તરફડીને શાંત થઇ ગયો. તેની આંખોના ડોળા અને જીભ બહાર નીકળી ગયા. 

વીરુ વિચારમાં પડી ગયો, મેં આ કેદીની જિંદગીની પંદર મિનીટ છીનવી લીધી કે શું ? પણ તેણે જ કહ્યું હતું, 'કોઈનું ભલું થાય તો મને પંદર મિનીટ વહેલી ખલાસ કરી નાખો, પણ આ પંદર મીનીટમાં કોનું ભલું થઈ જશે? વિરુનું કામ પંદર મિનીટ વહેલું પૂરું થતા તેને માં યાદ આવતા તે ઘર તરફ દોડયો. માં તો બેભાન પડી હતી, ઘરમાં કોઈ નહિ, તેણે બે ત્રણ બુમો પાડી 'માં, શું થાય છે તને ?' પણ કોઈ જવાબ નહિ, વીરુ ગભરાયો, મારી ગેરહાજરીમાં માને આ શું થઇ ગયું. તેને ઉપાડી જલ્દી પહોંચ્યો હોસ્પિટલે. 

પેટનો દુ:ખાવો, તાવ અને ઉલ્ટીઓ એટલે નિદાન સ્પષ્ટ હતું, 'એક્યુટ એપેન્ડીસાઈટીસ'. ડોકટરે જલ્દીથી દર્દીને ઓપરેશન ટેબલ પર લઇ ઓપરેશન ચાલુ કરી દીધું. વીરુ ચિંતામાં આંટા મારી રહ્યો હતો. 

કલાક પછી ચિંતાતુર ડોકટરે કહ્યું, 'પરુ અંદર ફેલાઈ ગયું હતું, તાત્કાલિક ઓપરેશન કરી બધું પરુ ખેંચી લીધું છે, અંદર સેપ્ટિક થઇ જાત તો શરીરના બધા અંગો ખોટા પડી જાત. જો તમે પંદર મિનીટ મોડા આવ્યા હોત તો માજીનો કેસ ખલાસ થઇ જાત.'

જલ્લાદ વીરુ ચમકી ગયો. અચાનક તેને ફાંસી આપેલો કેતનનો માસુમ ચહેરો યાદ આવી ગયો. 'મારા પંદર મિનીટ વહેલા મરવાથી કોઈનું ભલું થાજો' એ વાત મારી માં માટે જ સાચી પડી અને એની આંખમાંથી કેતનને ફાંસી બદલ અશ્રુઓ નીકળી પડયા. હું એ વિચારતો હતો તેને પંદર મિનીટ વહેલો મારવાથી કોને ફાયદો થવાનો ? પણ તે સાચો પડયો, ખરેખર તે કહેતો હતો કે હું નિર્દોષ છું તે વાત સાચી છે. અરેરે ! માતાજી, મારા હાથે એક નિર્દોષ માનવીનું મોત થઇ ગયું. પશ્ચાતાપના વલોપાતમાં તે બેચેન બની ગયો અને બે વરસ વહેલું વોલ્યુન્ટરી રીટાયરમેન્ટ લઇ સમાજ સેવાના કામમાં લાગી ગયો. આજે તે નિર્દોષ આપઘાત કરતા લોકોને સમજાવી રહ્યો છે, જિંદગીની એકેક મીનીટ કિંમતી છે તેને વેડફો નહિ. 


Google NewsGoogle News