પ્યુન પપ્પા .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- 'શેઠ, મારા ભણતર માટે લીધેલી તમામ લોન મારા પગારમાંથી જ ભરીશ. મારા પપ્પાએ ચાલીસ વરસ નોકરી કરેલ છે, હવે તેમને આરામની જરૂર છે.'
'બે ટા, ચા લઇ આવું, ચાર કલાકથી કામ કરે છે.' ગુણવતભાઈએ ગૌરાંગને પ્રેમથી કહ્યું. 'જો પપ્પા, આ ઓફીસ છે. અહીં તમારે મને સર કહેવાનું, બેટા બેટા નહીં, સમજી ગયા ને!' ગૌરાંગે બગડેલા મુડમાં કહ્યું.
'સારુ બેટા, તને ગમે તે ખરું.' કહેતાં ગુણવંતભાઈ રડવા જેવા થઇ ગયા.
'ફરી બેટા કહ્યું, આટલી મોટી ઓફીસના સો માણસના સ્ટાફનો હું જનરલ મેનેજર તરીકે ઇન્ટરવ્યુંમાં સિલેક્ટ થઈને આવ્યો છું, અને તમારા જેવા પટાવાળા મને બેટા બેટા કહે તો મારી શું ઈજ્જત રહે. તમારી ઔકાત ભૂલવાની નહીં' ગૌરાંગ અભિમાનથી તોછડાઈ પર આવી ગયો હતો.
ગુણવંતભાઈ રડમસ ચહેરે બહાર જઈ આંસુ લુછતાં હતા, ત્યારે બહાર ધનસુખભાઈ શેઠને જોતા શરમાઈ ગયા. ધનસુખભાઈ શેઠે આ તમામ વાતો સાંભળી લીધી હતી.આટલું બધું ભણાવીને દિકરાને MBA ફર્સ્ટક્લાસથી પાસ કરાવી, આ બધું સાંભળવાનું?
ગુણવંતભાઈ ચાલીસ વરસથી શેઠ ધનસુખલાલની પેઢીમાં પટાવાળાનું કામ કરતાં હતા. તેમની નિયમિતતા, વફાદારી અને કાર્યનિષ્ઠાથી શેઠ ખુશ હતાં. એક્સપોર્ટ, ઈમ્પોર્ટનો મોટો વેપાર હતો. તેમને એક જ દિકરો ગૌરાંગ ભણવામાં હોશિયાર નીકળ્યો. શાળામાં અવ્વલ નંબરે પાસ થતાં તેને સ્મ્છમાં એડમીશન મળી ગયું. પણ ફીના રૂપિયા લાવવા ક્યાંથી?
'શેઠ સાહેબ, મારો ગૌરાંગ આગળ ભણવા માગે છે, મદદ કરશો?' ગુણવંતભાઈએ નમ્રતાથી રજૂઆત કરી. 'કેટલી મદદ જોઈએ છે ?' શેઠે પુછયું.
'દર વરસે લાખ રૂપિયા, પાંચ વરસ સુધી. ફીના અને ચોપડાના સાહેબ.'
'લોન પરત કઈ રીતે કરશો?' શેઠને હજી વિશ્વાસ નહોતો પડતો.
'શેઠ, મારો ગૌરાંગ ભણવામાં ખુબ હોંશિયાર છે. સ્મ્છ થઇ જાય પછી આપને ત્યાં જ નોકરીએ રાખીને લોન ભરપાઈ કરી લેજો.'
'સારૂ' ગુણવંતભાઈની નિષ્ઠા અને નિયત ઉપર વિશ્વાસ કરી શેઠે પાંચ લાખની વગર વ્યાજની લોન ગૌરાંગને માટે આપી. જનરલ મેનેજરના ઇન્ટરવ્યુંમાં પોતાની હોંશિયારીથી ગૌરાંગ ખરેખર સિલેક્ટ થઇ ગયો. હજુ અઠવાડિયા પહેલા જ જોઈન થઇ ગયો. શેઠ કે ગુણવંતભાઈએ કોઈને જણાવ્યું નહીં, કે તે પટાવાળાનો જ છોકરો છે.
આસીસ્ટન્ટ મનેજર નિનાદ અને રોહિત અદેખાઈથી જલવા લાગ્યા. તે બેમાંથી કોઈ એકને મેનેજરનું પદ મળવાનું હતું. પણ આ તો લબરમૂછિયો છોકરો તેમનો સાહેબ થઈ ગયો. શેઠની નજરમાંથી તેને ઉતારી પાડવા અંગત બાબતોની ખણખોદ પણ ચાલુ કરી દીધી. બધાને ખબર પડી જાય કે ગૌરાંગ ઓફીસના પટાવાળાનો દિકરો છે, તો કેટલી બધી ફજેતી થાય?
ગૌરાંગ આ જ વાતનું ધ્યાન રાખતો તેની ઓફિસમાં પપ્પાથી દૂરી બનાવી રાખતો. ઘરેથી પણ બન્ને જુદા આવતાં, કંપનીની ગાડી ગૌરાંગને લેવા આવતી, પણ ગુણવંતભાઈ તો પોતાની સાઈકલ પર જ આવતાં. બન્નેના ટીફીન અને ખાવાના પણ અલગ, કોઈને જરાપણ શંકા ના જાય, એટલે નાની બાબતોમાં તે પટાવાળાને ખખડાવી નાખતો. ગુણવંતભાઈ શું બોલે? પોતાનો જ દિકરો, અભિમાનથી છકી જઈ બાપને બાપ કહેતા શરમાતો હોય તો કરવું શું? શેઠ ધનસુખભાઈને આ બધી ખબર પડતાં દુ:ખી થઇ ગયા. તેમણે ગૌરાંગને પોતાની ઓફિસમાં બોલાવી કહ્યું 'તારે તારા પિતાની પાંચ લાખની લોન ભરપાઈ કરવાની છે.'
'હું શા માટે ભરપાઈ કરું?' ગૌરાંગે પુછયું. 'તારા પપ્પાએ તારા ભણવા માટે લોન લીધી'તી.'
શેઠે ફોડ પડતાં કહ્યું. 'એ તો દરેક માબાપની ફરજ છે કે પોતાના સંતાનોને ભણાવવા.' હવે ગૌરાંગ નફફટ બની ગયો.
ગુણવંતભાઈ આ સાંભળી રડી પડયા. હું એકલે હાથે આટલી મોટી રકમ ભરીશ કઈ રીતે?
રોહિત અને નિનાદ કોઇપણ રીતે ગૌરાંગને ફસાવવાની ફિરાકમાં હતા. છ લાખની રોકડ પેમેન્ટરૂપે મેનેજર ગૌરાંગની પાસે આવી. તરત જ નિનાદે ફોનથી મવાલીને જાણ કરી દીધી. દશ મિનિટમાં બબન બાંડો હાથમાં રામપુરી ચક્કું લઇ ઓફિસમાં ઘસી આવ્યો. 'મેનેજર પેલી રોકડની બેગ સોપી દે, નહીતર આ છરી તારી સગી નહીં થાય.' તે બરાડયો.
ઓફિસનો સ્ટાફ છક્કડ ખાઈ ગયો. નિનાદ નીચું જોઈ ખંધુ હસી રહ્યો હતો. ગૌરાંગે બધા સામે જોયું. સામેથી મોતને ગળે લગાડવા કોણ તૈયાર થાય ?
બબન ખુલ્લી છરી સાથે ગૌરાંગની ઓફીસ તરફ ઘસી ગયો. ગુણવંતભાઈએ આ જોયું તેનાથી ઝાલ્યા રહેવાય? મેનેજરની ઓફીસ તરફ દોડયો અને ગુંડાને પાછળથી પકડી લીધો. છરીની ધાર ગુણવંતભાઈના હાથને ઘસરકો કરતાં છરી નીચે પડી. હવે ગૌરાંગ દોડયો, અને છરી ઉપાડી લીધી. હથિયાર વગરના બબનને ભાગ્યા સિવાય છુટકારો જ ન હતો.
ગુણવંતભાઈના હાથમાંથી લોહીની ધાર છૂટી અને તે પડયા. 'પપ્પા, તમે મારો જીવ બચાવવા આ શું કર્યું? કહી તેણે પોતાનો રૂમાલ તેમના હાથે બાંધી લોહી બંધ કરી દીધું. હૈ પપ્પા? આખી ઓફિસનો સ્ટાફ મેનેજરના પપ્પા તેમનો જુનો પટાવાળો જ છે, જાણી છક્કડ ખાઈ ગયો. નિનાદ અને રોહિત તાલી દેતા સ્ટાફ સામે જોઈ બોલ્યાં, 'જોયું આપણા મેનેજર તો પટાવાળાનો દિકરો છે, હા,હા,હા...' 'હા છે, તે મારા પપ્પા જ છે. બોલો શું કરવું છે?' સ્ટાફ સામે પટાવાળા પપ્પાને પપ્પા કહેતા શરમાતાં અભિમાની દિકરાની આંખો ઉઘડી ગઈ. સઘળો ખેલ જોઈ રહેલા શેઠ ધનસુખભાઈ પોતાની ઓફિસમાંથી બહાર આવ્યા.
'પટાવાળાનો છોકરો પોતાની અક્કલ, મહેનત અને યોગ્યતાથી મેનેજર થઇ શકે. માણસ પોતાના કર્મ અને યોગ્યતાથી જ ઉપર ઉઠે છે, તે કોનો દિકરો છે કે જાતિનો છે, તેની સાથે શું નિસ્બત છે?'
આખો સ્ટાફ આ સાંભળીને ચુપ થઇ ગયો. રોહિત અને નિનાદ નીચી મૂંડીએ ઓફિસમાંથી ભાગી ગયા. ગૌરાંગ રડમસ ચહેરે શેઠની ઓફિસમાં આવી બોલ્યો, 'શેઠ, મારા ભણતર માટે લીધેલી તમામ લોન મારા પગારમાંથી જ ભરીશ. મારા પપ્પાએ ચાલીસ વરસ નોકરી કરેલ છે, હવે તેમને આરામની જરૂર છે.'
બહાર ઉભેલ પટાવાળા ગુણવંતની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી રહયા હતા.