જીવતા ગંગાબા કોડીના, મુઆ પછી સવા ચાર લાખના

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
જીવતા ગંગાબા કોડીના, મુઆ પછી સવા ચાર લાખના 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- કળિયુગ ચાલે છે. દીકરાને મન માની કિંમત કોડીની હતી.

સાં જ ઢળવા લાગી હતી, એસ.જી.હાઈવે પર ટ્રાફિક વધતો જતો હતો. અમર અને અમિતા ગાંધીનગરથી કામ પતાવીને આવી રહ્યા હતા, ત્યાં રસ્તામાં વૃદ્ધ માજી હાથમાં પોટલું દબાવીને બેઠેલા જોયા. માજીનું મોં બેસી ગયેલું, બોખું, આછા પાતળા વાળ, જાડા ડાબલા જેવા ચશ્માં અને રોતલ ચહેરો જોઇ અમરને દયા આવી, ગાડી ઉભી રાખીને માજીને પુછયું, 'માજી, કેમ એકલા બેઠા છો ? ક્યાંથી આવો છો ?' માજી રડી પડયા, 'સાહેબ, બે દિવસથી કાઈ ખાધું નથી. મારું નામ ગંગાબેન પ્રજાપતિ, અમને ગામડે ઘર અને ખેતર બધું છે, પણ મારા દીકરા અને વહુએ બધુ પચાવી પાડયું છે, મને ખાવાનું પણ નથી આપતા, અને રૂમમાં પૂરી રાખે છે. હું ઘરેથી ભાગીને ટ્રકમાં અહી સુધી આવી ગઈ છું.'

અમર અને અમિતાને દયા આવી ગઈ. તેમણે માજીને ગાડીમાં બેસાડયા અને બાજુના ચાનાં ગલ્લે લઇ જઈ, ચા અને બિસ્કીટનો નાસ્તો કરાવ્યો. ગંગામાંએ પેટ ભરીને નાસ્તો કરી લીધો. બે દિવસના ભૂખ્યા હોવાથી બાર પંદર બિસ્કીટ ખાઈ ગયા. અમર અને અમિતા જોતા રહી ગયા. 'ગંગામાં, તમને ક્યા ઉતારું ?' અમરે માજીને દયાભાવથી પુછયું. 'બેટા, ઘરેથી ભાગીને આવી છું, અહી અમદાવાદમાં મારું કોઈ નથી. ક્યા જવું તે  ખબર નથી. મને કોઈ કામ અપાવી દો, હું કંઈપણ નાનું મોટું કામ કરવા તૈયાર છું. મને બીજું કંઈ જોઈતું નથી, ફક્ત બે ટાઈમ રોટલા અને રહેવાનું છાપરું મળી જાય એટલે બસ.' માજી એકીશ્વાસે રડમસ અવાજે બોલ્યા. અમર અને અમિતા બંને નોકરી કરતા હતા. તેમને દશ વર્ષનો એક દીકરો આશુલ હતો, તેને તૈયાર કરી સવારે દશ વાગે સ્કુલે મોકલવો, પાંચ વાગે આવે તે પહેલા ઘર ખોલી દેવું, આ બધા કામ અમિતા માટે મુશ્કેલ હતા. એ લોકો ચોવીસ કલાક ઘરે રહી કામ કરે તેવું માણસ શોધતા હતા, પણ કંઈ મેળ પડતો ન હતો. બંનેને વિચાર કરતા ગંગામાં તેને માટે એકદમ યોગ્ય લાગ્યા.

'ગંગામાં, તમને અમારે ઘેર રહી કામ કરવું ફાવશે ? અમે તમને બે ટાઈમ જમવા, ચા પાણી, અને રહેવા રૂમ આપીશું.' અમરે કહ્યું.

'હા, હા, બેટા કેમ નહિ. મને કચરાંપોતા, વાસણ, સાફસફાઈ વિગેરે બધા કામ આવડે છે.' કહેતા માજી ખુશ થઇ ગયા. ગંગામાને તેમના ઘરનો સર્વન્ટ રૂમ રહેવા આપી દીધો. ઘરના બધા નાનામોટા કામ ગંગામાં કુનેહપૂર્વક કરવા લાગ્યા. આશુલને પણ ગંગામાં સાથે ફાવી ગયું. અમર અને અમિતા વિચારતા કે ગંગામાંને કોઈ શોધતું કેમ આવતું નથી.?

છ મહિના વીતી ગયા, એંસી વરસના ગંગામાં ચોમાસામાં સખત તાવમાં ફસાયા. બાને બહુ પુછપરછ કરી, તેનું એડ્રેસ કે તેના દીકરાનો કોઈ મોબાઈલ નંબર ક્યાંય લખેલો હોય તો આપે. અંતે ગંગાબાએ ધ્રુજતાં હાથે એક ચીઠી આપી તેમાં તેના દીકરાનું નામ અનીલ પ્રજાપતિ અને તેનો મોબાઈલ નંબર લખેલા હતા.  અમરભાઈએ સવારના નવ વાગે અનિલને ફોન લગાડયો. 'હેલ્લો, કોણ ?' 

'હું અનીલ પ્રજાપતિ, ધોળકા પાસેના વાલથેરા ગામથી બોલું છું, તમે કોણ? શું કામ છે ? બોલો.' અનિલે કહ્યું. 'અનિલભાઈ, તમારી માં ગંગાબા અમારે ઘેર છે, તેમને સખત તાવ અને નબળાઈ છે, તમે આવીને તમારે ઘેર લઇ જાઓ.' અમિતભાઈએ સમજાવતા કહ્યું, 'હું અહી અમદાવાદથી બોલું છું અને મારું એડ્રેસ મોકલાવું છું.'

'જુઓ, અમરભાઈ, ગંગાડોશી અમારા બંને સાથે ઝગડો કરીને ઘર છોડીને ભાગી ગયા છે, જેમ ફાવે તેમ બોલીને ઝગડા કરે છે.' અનિલે ગુસ્સે થઈને જવાબ આપતા કહ્યું.

'જો અત્યારે તેમને બહુ તાવ છે, તેની સેવા કરવી તમારી ફરજ છે. તમે લોકોએ તેનું ઘર અને જમીન પણ પડાવી લીધા છે.'

 અમિત હવે ગુસ્સે ભરાયો.

'શું વાત કરો છો ? એ ડોશી જુઠ્ઠું બોલે છે, અમે તેનું કંઈ લીધું નથી. આ બધું બાપા મારા નામે કરી ગયા છે, ડોશીની કિંમત એક પૈસાની પણ નથી.' અનીલે પણ સામે ગુસ્સે થઇ ફોન કાપી નાખ્યો.

અમર અને અમિતા આ સંવાદથી દુઃખી થઇ ગયા. જન્મ આપીને સુખેદુઃખે ઉછેરનાર માં ની કિંમત કોડીની કરી નાખી ? શું થાય ? કળિયુગ ચાલે છે. દીકરાને મન માની કિંમત કોડીની હતી.

ગંગામાંથી ઉંમર, બીમારી અને નબળાઈને લીધે કોઈ કામ થતું ન હતું. છતાં પણ અમિતભાઈ અને અમીતાબેને તેમની દિલ દઈને સેવા કરી. અંતે એક દિવસ આ દુનિયાને છોડી વિદાય થયા. હવે તો તેમના દીકરા અને વહુને બોલાવવા જ પડે. અમરભાઈએ ફોન કર્યો કે તરત જ ત્રણ કલાકમાં તો અનિલભાઈ અને તેની પત્ની ઈલા આવી પહોંચ્યા, માજીનું ડેથ સર્ટિફિકેટ ડૉ.ભટ્ટ સાહેબે આપી દીધા, પછી અંતિમ સંસ્કાર પણ થઇ ગયા. અનીલ અને ઈલાનું બદલાયેલું વલણ બંનેને ન સમજાયું. જીવતા માજીને લઇ જવાનો ઇનકાર કરનાર દીકરા વહુ મરણમાં આટલા શોક સાથે એકદમ કેમ આવી ગયા ? ચાલો, કઈ નહી અંતે તો દીકરાને માં પ્રત્યે ભાવ જાગ્યોને, વિચારી તેનું પોટલું અને ડેથ સર્ટિફિકેટ લઇ બંને પરત ફર્યા. વાત મહિનામાં ભુલાઈ ગઈ. 

મહિના પછી અચાનક અમર ઉપર લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, ધોળકા બ્રાંચનાં મેનેજરનો ફોન આવ્યો, 'હેલ્લો, કોણ અમરભાઈ શાહ ? હું એલ.આઈ.સી., ધોળકા બ્રાંચ મેનેજર બોલું છું.'

'હા, બોલો શું કામ છે ?' અમરને નવાઈ લાગી. 'ગંગાબા તમારે ત્યાં મૃત્યુ પામ્યા હતા ? તે કુદરતી મૃત્યુ હતું ને !' મેનેજરે પુછપરછ કરતા કહ્યું. 

'હા, હા, કેમ ? તેનું અત્યારે શું છે ?' અમરે જવાબ આપતા કહ્યું.

'અમારે ઈન્કવાયરી કરવી પડે. તેમનું મોત કુદરતી હોય તો જ તેના પતિએ લીધેલ વીમાનાં ચાર લાખ અને બોનસનાં પચીસ હજાર સાથે સવા ચાર લાખ આપી શકીએ, તેના વારસદાર દીકરા અનિલે કલેઈમ મુકેલો છે.' મેનેજરે ફોડ પડતા કહ્યું. 

'ઓહ ! એમ વાત છે. પણ તમને મારો નંબર કોણે આપ્યો ?' અમરે આશ્ચર્ય સાથે પુછયું.

'ગંગાબાનું ડેથ સર્ટિફિકેટ ડૉ. ભટ્ટ સાહેબે આપેલું ને, તેમણે તમારો મોબાઈલ નંબર આપેલ છે. જો ગંગાબાનું મૃત્યુ કુદરતી હોય તો અમે તેમના વીમાના સવા ચાર લાખ પાસ કરી દઈએ.'

'જરૂરથી સાહેબ' અમરે ફોન મુકીને અમિતાને વાત કરતા તેના દીકરા વહુનું બદલાયેલ વલણનો તાગ મળી ગયો.

લાસ્ટ સ્ટ્રોક 

ઘરડા માબાપની સેવા કરવાને બદલે કાઢી મુકનાર સંતાનોને અંતે તો ફાયદો કરાવતા જ જાય છે, તો પછી અવગણવાને બદલે સેવા કરો ને !


Google NewsGoogle News