નાની અમથી ભૂલ .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- એક તબક્કે તેણે સન્યાસ લેવાનો વિચાર કર્યો, પણ હવે મહિનો જ છે તો સંન્યાસી થવાનો પણ શું અર્થ?
'અ રે ! તમારો લોહીનો રિપોર્ટ તો બહુ જ ખરાબ છે. ભઘ૪ કાઉન્ટ સાવ ઘટી ગયો છે અને વાઇરસ લોડ ખૂબ વધારે છે. તમારા લોહીનો લ્લૈંફ ટેસ્ટ પણ પોઝિટિવ હોવાથી મને હવે આશા ઓછી લાગે છે.' ફિઝિશિયન ડોક્ટર આટલું બોલતા ગંભીર બની ગયા. ચંદ્રકાન્તભાઈ પણ આ સાંભળીને રડવા જેવા થઈ ગયા. તેમણે હતાશ થઈને પુછયું, 'આશા ઓછી એટલે શું ?'
'મારા અનુભવ પ્રમાણે તો વધુમાં વધુ મહિનો ખેંચી શકાય.' ડોક્ટરે ધીમા અવાજે કહ્યું.
પાંત્રીસ વરસના યુવાન ચંદ્રકાન્ત પરમારને છેલ્લા નવ મહિનાથી વારંવાર તાવ, કફ અને ઝાડા થઈ જતાં હતાં, ડોક્ટર સાથેની વાતચીતમા, તેમણે લગ્ન પહેલા જ્યારે જ્યારે મુંબઈ જાય ત્યારે ફોકલેન્ડ રોડ ઉપર આનંદ કરવા જતાં હોવાનું કબૂલ્યું હતું. તેથી ડોક્ટરે તેમના લ્લૈંફ ટેસ્ટ અને ભઘ૪ કાઉન્ટ તથા વાઇરસ લોડના રિપોર્ટ કરાવવાનું બીજા બધા ટેસ્ટ સાથે સૂચિત કરેલ હતું.
ચંદ્રકાન્ત જ્યારે ડોક્ટરની ઓફિસની બહાર આવ્યો, ત્યારે તેમની પત્ની અને ફક્ત છ વરસની બેબીને આ વાત કહેવી કે નહિ. તેની ગડમથલમાં લથડતે પગે ઘરે આવ્યો. હવે મહિના પછી તો તે રહેવાનો જ નથી એ વિચારીને તેણે બોલવાનું બંધ કરી દીધુ. બધા અહીં રહી જશે અને પોતે ઉપર પહોંચી જશે. પછી મિત્રો, સગાસંબંધીઓને મળવાનો શો અર્થ ? તે ઘેર એકલો શૂન્યમનસ્ક બેઠો હતો. તેની પત્ની અને પુત્રી પણ તેની આ હાલત જોઈ ચિંતામાં ડૂબી ગયા.
'શું કહ્યું ડોક્ટર સાહેબે ?'તેમનાં પત્ની ચાંદનીબહેને પુછયું.
'ડોક્ટરે ગંભીર બીમારી જણાવી છે અને માહિનામાં અંત નક્કી કહ્યો છે.' ચંદ્રકાન્તે રડમસ ચહેરે જવાબ આપ્યો.
'એવી કઈ બીમારી છે ?' વિચારીને ચાંદનીબહેને ફિઝિશિયન ડોક્ટરને પૂછપરછ કરી. ચંદ્રકાન્તે રોગ ગુપ્ત રાખવાનું જણાવ્યું હોવાથી ડોક્ટરે રોગનું નામ ના કહ્યું. પણ ગંભીર વાઇરસનો ચેપ લાગેલ છે, અને તેને લીધે હવે માંડ મહિનો ખેંચે તેવું લાગે છે,' એમ જણાવ્યું.
ચાંદનીબહેને અને તેની બેબી આ સાંભળી રડવા લાગ્યાં. ચારે તરફ રોકકળ થઈ ગઈ.
ચંદ્રકાન્તભાઈને હવે ખરેખર જિંદગી બોજ લાગવા લાગી હતી. ઘડિયાળનો કાંટો ઝડપથી ફરતો જતો હતો. કેલેન્ડરના પાનાં એક પછી એક ફાટતાં જતાં હતા. તે સૂનમૂન બની બેસી રહેતા.
ચંદ્રકાન્તભાઇનું મન બહેલાવવા તેના પાડોશી કહેવા આવ્યા, તમારે ત્રણ મહિના પછી મારા દીકરાના લગ્નમાં બહુ જ મહાલવાનું છે. બધા જ પ્રસંગોમાં હાજર રહી ભોજન લેવાનું છે ખાઓ, પીઓ અને મોજ કરો.
ચંદ્રકાન્તે વિચાર્યું, પણ અહી મહિના પછી હું હોઈશ જ નહિ પછી શું લગ્નમાં મોજ કરવાની ? તેણે કોઈ જવાબ ના આપ્યો. રોતલ સુરત બનાવી રાખી.
બીજા દિવસે તેમનાં સાળા તેમને આગ્રહ કરવા આવ્યા. 'ચંદ્રકાન્તકુમાર આ વરસે તો તમારે અમારે ઘેર જ દિવાળી કરવા આવવાનું છે હોં કે !'
હજુ દિવાળીને તો ચાર મહિનાની વાર છે, ત્યાં સુધી હું તો હોઈશ જ નહિ ને ! વિચારીને ચંદ્રકાન્તે કોઈ જવાબ ના આપ્યો. તેના સાળા નવાઈ પામ્યા, આને થયું છે શું ?
બધાને મહિના પછી આવનારા અંતની વાત તો કરાય જ નહી ને !
ચંદ્રકાન્તે વિચાર્યું, હવે નોકરીનો શું અર્થ ? બીજા દિવસે તેણે કંપનીના ક્લાર્ક પદેથી રાજીનામું આપ્યું. બધાયે ખૂબ સમજાવ્યા. પણ હવે જીવન છે જ નહિ, પછી નોકરીનો શો અર્થ ?
મોટર, સ્કૂટર, સોનાના દાગીના વગેરે મોજશોખનાં સાધનો વેચી નાખ્યાં. હવે આ બધાનો શું અર્ર્થ ? દરરોજ મંદિર અને ભગવાનના આંટાફેરા વધી ગયા. જિંદગીથી કંટાળી એક તબક્કે તેણે સન્યાસ લેવાનો વિચાર કર્યો, પણ હવે મહિનો જ છે તો સંન્યાસી થવાનો પણ શું અર્થ ?
પોતાના ઘર આગળથી પસાર થતી નનામીને જોઈ તે પોતાને નનામીની અંદર કલ્પવા લાગ્યો. બે વખત તો તે વિચારમાં ને વિચારમાં સ્મશાન પહોંચી ગયો. ત્યાં વિચાર આવ્યો, 'મારો પણ ટૂંક સમયમાં આજ અંત છે ને!
મારા કપડાં, ઘડિયાળ ગાદલું વગેરે બધું બીજાને આપી દેશે, ઘર ઉપરથી મારું બોર્ડ ઉતારી લેશે, બહુ બહુ તો ઘરમાં એક ફોટો લટકાવી દેશે, બસ !'
ધીમે ધીમે મરવાના વિચારોથી તે સૂનમૂન થઈ ગયો. ખાવાનું પણ ભાવે નહિ. ઊંઘ પણ આવે નહિ, ડાચાં સાવ બેસી ગયા, શરીર સાવ હાડપિંજર બની ગયું, હવે જાણે કે જીવવાની તેની ઈચ્છા જ મરી પરવારી હતી.
બરાબર મહિનો પૂરો થયો ને તે ખાંધા પીધાં વગર સૂનમૂન થઈને બેસી ગયો. હવે મોત ક્યારે આવશે તેની રાહ જોતો ચિત્તભ્રમ અવસ્થામાં તે સૂઈ રહ્યો હતો. ત્યાં સમી સાંજે તેમની લેબોરેટરીમાંથી ફોન આવ્યો.
'માફ કરજો, આપ ચંદ્રકાન્ત પરમારના ઘેરથી બોલો છો, એક નાનકડી ભૂલ થઈ છે.'
'હા, હું તેમની પત્ની બોલું છું, શું કામ છે ?'
'અમારાથી રિપોર્ટ આપવામાં ભૂલ થઈ છે. અમારા ચુનીલાલ કાંતિલાલ પરમાર (સી.કે.પરમાર) નામના પેશન્ટનો રિપોર્ટ ભૂલમાં તમને અપાઈ ગયો છે બન્નેનું નામ સી.કે.પરમાર અને રહેઠાણ રાયખડમાં હોવાથી નાની ભૂલ થઈ છે.' લેબોરેટરીનાં બહેન માફી માગતાં બોલ્યાં.
'તો હવે છેક મહિના પછી જણાવો છો ?' ચંદ્રકાન્તભાઈનાં પત્ની બગડયા.
'બહેન, એ દર્દી ગઈ કાલે ગુજરી ગયા છે, પણ તેનો રિપોર્ટ લેવા તેના ઘેરથી હજુ સુધી કોઈ આવ્યું જ નહિ, કારણ કે તે દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી. અને પછી તેના દીકરા રિપોર્ટ લેવા આવ્યા ત્યારે ખબર પડી.' લેબોરેટરીનાં બહેને ધીમા અવાજે બધો ફોડ પાડતાં કહ્યું.
'શું વાત કરો છો ? તો અમારો રિપોર્ટ ક્યાં છે?' હવે તો ચાંદની બહેન ગુસ્સામાં ગર્જી પડયાં.
'તે ભૂલમાં અહી પડી રહ્યો હતો તેમાં ફક્ત જૂના ઇન્ફેકશનના ફેરફારો સિવાય કઈ નથી. બીજા બધા કાઉન્ટ અને રિપોર્ટ નોર્મલ છે.' લેબમાંથી જવાબ આપ્યો.
'આવું તે ચાલતું હશે ? આવી ભૂલ કઈ રીતે ચલાવી લેવાય ?' હવે ખરેખર ચંદ્રકાન્તભાઈનાં પત્ની ગર્જી ઊઠયાં.
'રિસેપ્શન ઉપર બેસતા બહેન બીમાર હોવાથી નવા બહેન બેસાડેલાં. સરખું નામ અને એડ્રેસ હોવાથી ઉતાવળમાં શરતચુકમાં તેમનાથી રિપોર્ટની અદલાબદલી થઈ ગઈ છે. અમારી નાની અમથી ભૂલ માફ કરશોજી. અમે એ બદલ દિલગીર છીએ.' આટલું કહી લેબોરેટરીમાંથી ફોન કટ થઈ ગયો.
જે લોહીના રિપોર્ટ ઉપરથી ફક્ત એક મહિનો જિંદગી ચાલશે, તે રિપોર્ટ જ બીજાનો હોવાથી હવે મોતનો ડર નથી, વિચારી ચાંદનીબહેન અને બેબી ખુશીથી ઉછળી પડયાં.
પણ ચંદ્રકાન્તભાઈની હાલત ગંભીર બની ગઈ હતી. જીવવાની જાણે કે હવે ઇચ્છા જિજીવિષા જ મારી પરવારી હતી. તેનું ચિત્તભ્રમ થઈ ગયું હતું.
હવે તેમની પાસે નોકરી ન હતી, ઘડિયાળ ન હતી, સ્કૂટર ન હતું. હતી ફક્ત સ્મશાનની યાદો અને મરવાની વાતો. બસ હવે જીવવું જ નથી એની રટ લગાવીને બેસી ગયા હતા.
મોતનું ભૂત ગયું અને જીવવું જ નથી એનું પલિત માથે ચડી ગયું. બધા સગાવહાલા, મિત્રો વગેરેએ ખૂબ સમજાવ્યા પણ વ્યર્થ !
હવે મારે મરી જ જવું છે એની રટ લગાવીને બેસી ગયા. રાત્રે બધા સૂતા હતા,ત્યારે બધાની નજર ચૂકવીને ભાગ્યા, નહેરુબ્રિજ ઉપરથી કૂદકો મારી જીવનનો અંત આણ્યો.
બીજા દિવસે સવારે છાપામાં સમાચાર હતા, 'સાબરમતીમાંથી મળેલી પાંત્રીસ વરસના અજાણ્યા પુરુષની લાશ.'
લાસ્ટ સ્ટ્રોક
નાની અમથી ભૂલ પણ કેટલો અનર્થ કરી જાય છે.