વોચમેન ભીમજી .

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
વોચમેન ભીમજી                                   . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- રડમસ ચહેરે બહાર નીકળતા ભીમજીએ કુટિલ હસતી સુંદરીને જોઈ, પણ હવે શું થાય?

'તું અહી ભણવા આવે છે, કે આ બધું કરવા ?' આર્ટસ કોલેજના વોચમેને સુંદરીને સલાહ આપી.

'તું તારું કામ કરને ! મોટોના જોયો હોય સલાહ આપનારો.' કહીને સુંદરીએ ભીમજીને તુચ્છકારી કાઢયો.

'હું પ્રિન્સીપાલ ને જાણ કરીશ'  ભીમજીએ સુંદરીનું ભવિષ્ય ન બગડે એટલે ચીમકી આપી..

ફાઈનલ યરમાં ભણતી સુંદરી આવારાગર્દી અને પ્રેમના લફરામાં પડી ગઈ હતી. કોલેજમાં ચાલુ પીરીયડે બંક મારી પોતાના પ્રેમી સાથે ભાગીને ફરવા જવું તેની માટે સામાન્ય થઇ ગયું હતું.

કોલેજનો વોચમેન ભીમજી પણ હજુ પાંત્રીસ વરસનો, સંસ્કારી યુવાન હતો. તેને આ બધું જરાપણ ગમતું નહિ. સુંદરી સારા અને ચરિત્રવાન કુટુંબની બેટી હતી, અને તેની નાની બહેન જેવી જ દેખાતી, અટેલે ભીમજીને લાગી આવ્યું, અને તેણે સુંદરીને ઠપકો આપ્યો. તેને લાગ્યું આ નિર્દોષ છોકરીનું ભવિષ્ય રખડવામાં બગડી જશે, એટલે વડીલ તરીકે સમજાવવા ઠપકો આપ્યો, પણ પ્રિન્સીપાલને કહેવા સુધીનો કઠોર ઠપકો કહેવા જેવો ન હતો, પણ ઉતાવળમાં બોલાઈ ગયું.

સુંદરી આ સાંભળીને ચિંતામાં પડી ગઈ. જો વોચમેન પ્રિન્સીપાલને જાણ કરશો તો મારા ઘરે ખબર પડી જશે. પપ્પા કેટલા કડક અને શીસ્તાપાલનનાં આગ્રહી છે, એ યાદ આવતા તે વિચારમાં પડી ગઈ. પપ્પા મારી કોલેજ બંધ કરી દેશે, તો આ રખડવાનું અને મજા ક્યાંથી કરીશ ?

મારે આ વોચમેન ભીમજીનું કાઈક કરવું પડશે. શું કરવું ?કાંઈ સૂઝતું નહોતું. અંતે તેના મનમાં તેના વિરુધ્ધ ખોટી કમ્પ્લેન કરવાનો કુવિચાર સુઝયો.

પ્રિન્સીપાલ ત્રિવેદી સાહેબની ઓફીસમાં સુંદરી બનાવટી આંસુ સાથે અંદર આવી. તેનો રોતલ ચહેરો જોઈ ત્રિવેદી સાહેબ ચિંતામાં પડયા. 'શું થયું મિસ સુંદરી ગણાત્રા.'

'સર, આ વોચમેન ભીમજી મને દરરોજ આવતાં જતાં બુરી નજરે જુએ છે.' સુંદરીએ ફરિયાદ કરી.

'હોય નહિ. ભીમજી યુવાન છે, પણ ચરિત્રવાન છે, એ આવું કરે જ નહી.'ત્રિવેદી સાહેબ વિચારમાં પડયા.

'તો શું હું ખોટું કહું છું ? સર, એક દિવસતો મોડી સાંજે તે પીછો કરતો મારાં ઘર સુધી આવી ગયો હતો.' કહેતા સુંદરી બનાવટી રડી પડી.

'હોય નહિ,' કહેતા ત્રિવેદી ઉભા થઇ ગયા. તરત જ તેણે બેલ મારી વોચમેન ભીમજીને બોલાવી ખખડાવતાં સુંદરીની ફરિયાદ દોહરાવી.

'આ સાચી વાત છે, ભીમજી, તું મિસ સુંદરીને બુરી નજરથી જુએ છે.' ત્રિવેદી સાહેબ ગુસ્સે થતાં બોલ્યા.

બાજુમાં જ રોતેલ ચહેરાવાળી સુંદરીને  જોતા જ ભીમજી સમજી ગયો, મેં તેને ઠપકો આપ્યો તેનું વેર વાળ્યું લાગે છે. તેણે બચાવમાં બહુ કાલાવાલા કર્યાં, પણ કોલેજનું નામ ના બગડે એટલે ત્રિવેદી સાહેબે ભીમજીને તાત્કાલિક મેમો આપી છૂટો કરી દીધો.

ભીમજી બહુ કરગર્યો, પણ તેનું કોઈએ ના સાંભળ્યું. રડમસ ચહેરે બહાર નીકળતા ભીમજીએ કુટિલ હસતી સુંદરીને જોઈ, પણ હવે શું થાય ? આખી કોલેજમાં અને ગામમાં વાત ફેલાઈ ગઈ કે ભીમજીએ કોલેજની છોકરી પર બુરી નજર નાખી ઘર સુધી પીછો કર્યો. એક અઠવાડિયા સુધી આખા ગામમાં આજ ચર્ચા ચાલી.

ભીમજી એક પછી એક કોલેજ સંસ્થા, ઓફીસમાં નોકરી માટે ફરતો રહ્યો પણ બુરી નજરવાળા, ચરિત્રહીન, માણસને નોકરી કોણ આપે ? બિચારો ગરીબ માણસ છેક બિહારથી નોકરી માટે જ અહી આવ્યો હતો. તેને એક ચાર વરસની પુત્રી રાધા અને પત્ની ગોરીનું પેટ કઈ રીતે ભરવું તે સવાલ થઇ ગયો.

તેને થયું કોલેજની યુવાન છોકરીને સલાહ આપી ભૂલ કરી છે, તેથી સામે પગલે કોલેજમાં મિસ સુંદરીની માફી માંગવા ગયો, પણ આ અલ્લડ છોકરીએ તેનું કાંઈ સાંભળ્યું જ નહીં. ઉપરથી હાંસી ઉડાવી તિરસ્કૃત કરી કાઢી મુક્યો.

મહિના વિતતા ગયા. ત્રણ મહિના થઇ ગયા. રખડું સુંદરીને વાંચવાનો અને પરીક્ષાની તૈયારી કરવાનો ટાઈમ જ ક્યા હતો? ફાઈનલ પરીક્ષામાં તે ફેઈલ થઇ, એટલે તેના બોયફ્રેન્ડે તેને છોડી દીધી અને નોકરી મળતાં મુંબઈ જતો રહ્યો.

સુંદરીના પ્રમાણિક ચરિત્રવાન મને ઠપકો આપ્યો, 'મને ભીમજીએ ચેતવી ત્યારે જ આ બધું છોડી તૈયારી કરી હોતતો, હું પાસ થઇ ગ્રેેજ્યુએટ થઇ જાત.' રાંડયા પછીનું ડહાપણ શા કામનું ?

તેને થયું લાવ ભીમજી શું કરે છે, એ જોવા તેને ઘેર જવા દે.

સાંજના સાત વાગે ચાર વરસની રાધા ભૂખથી રડી રહી હતી. ભીમજીની પત્ની ગોરી બધા વાસણો ફંફોળતી હતી, કાંઈ નીકળેતો દીકરીને ખાવા આપુ. અફસોસ ! બધું જ ખાલી ! ત્રણ મહિનાથી બેકાર ભીમજી રોતલ, સુનમુન ચહેરે ખાટલા પર બેઠો હતો. માસુમ રાધાની રડી રડીને આંખો અંદર ઉતરી ગઈ હતી, ફાટી ગયેલા કપડાં તેની ગરીબીની ચાડી ખાતા હતા.

તેની પત્ની ગોરી રડતાં રડતાં બોલી, 'તમે પેલી છોકરીને ખોટો ઠપકો આપ્યો, તમારે તેને સલાહ આપવાની જરૂર શું હતી ?આપણી દીકરીના હાલ જુઓ. ત્રણ દિવસથી તે ભૂખી છે, રડીરડીને તેના આંસુ પણ સુકાઈ ગયા છે. હવે ભીખ માંગ્ય સિવાય કોઈ રસ્તો જ નથી.'

બહાર બારીમાંથી સાંભળી રહેલી સુંદરી આ સાંભળી કાંપી ઉઠી. 'અરેરે ! મારે લીધે આખા કુટુંબ પર મોટી આફત આવી પડી. મેં તો ખોટી, વેર વાળવા કરેલ ફરિયાદ કેટલી ખતરનાક બની ગઈ!!'

ભીમજી રડતાં રડતાં બોલ્યો, 'જો મેં તો તેના સારા ભવિષ્ય માટે સલાહ આપી હતી. મને તે મારી નાની બહેન અંજુ જેવી લાગતી હતી. તેથી જાણે મેં મારી નાની બહેનને જ ઠપકો આપ્યો હોય તેમ લાગતું હતું. મને શું ખબર આવું ખોટું બોલશે એ છોકરી!!'

આ સાંભળી સુંદરી પણ રડી પડી. 'એ અંદર આવી ભીમજીને પગે પડી. 'મને માફ કરીદો, મને નાની બહેન ગણીને ઠપકો આપ્યો, પણ મેં ઘમંડ અને તોખીમાં તમારી સામે ખોટી ફરિયાદ કરી લીધી.'

ભીમજી અને ગોરીએ તેના ખરા દિલના પસ્તાવાને સમજી માફ કરી દીધી. સુંદરી પોતાના પૈસાથી આખા કુટુંબ માટે ખાવાનું લાવી, પણ જે બની ગયું તેનું શું ? હવે અહી તો ભીમજીને નોકરી મળે તેમ હતું જ નહીં.

અંતે ભીમજી તેના કુટુંબ સાથે પોતાનાં ગામ ખેતી કરવા જતો રહ્યો. 

લાસ્ટ સ્ટ્રોક

ક્યારેય ભાવનાના આવેશમાં આવી જઈ સામેથી યુવાનીયાઓને સલાહ કે ઠપકો આપવો નહીં. જુવાનીના જોશમાં તે કાંઈ સાંભળશે નહીં, અને લેવાના દેવા પડી જશે. 


Google NewsGoogle News