અજબ પ્રેમ!! .

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
અજબ પ્રેમ!!                                                             . 1 - image


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- તું અપંગ થઇ ગયો એમ વિચારી આ લગ્ન ટાળતો હોય તો હું મારો ડાબો પગ કપાવવા જાઉં છું

'ભા ગ માતંગી, ભાગ'  કહેતા માસુમ બાઈક પર તેની નજીક આવી ગયો.  

'જલ્દી બેસી જા બાઈક પર, આપણે ભાગી છૂટવું પડશે.' કહેતા ચાલુ બાઈકે માસુમે માતંગીને ઊંચકીને પાછલી સીટ પર બેસાડી બાઈક ભગાવી દીધું. માતંગી ગભરાતી માસુમને વળગી ગઈ.

માતંગી અને માસુમ કોલેજકાળથી એકબીજાના પ્રેમમાં પાગલ હતા. કોલેજના ત્રણ વરસ બંને સાથે ને સાથે. લાયબ્રેરી હોય કે કેન્ટીન બંનેનો સાથ છૂટે જ નહિ. બંનેએ જિંદગીભર સાથે રહેવાના કોલ આપી દીધા હતા . 

પણ મુશ્કેેલી બંનેના કુટુંબોને હતી. માતંગી પૈસાદાર વણિક કુટુંબની એકમાત્ર દીકરી હતી, તો માસુમ સામાન્ય કુટુંબનો નબીરો, તેના પપ્પા એ.એમ.ટી.એસ.માં બસ કંડકટર હતા. બંને કુટુંબની આર્થિક અસમાનતા તેમને એક થવા દે તેમ ન હતી. માતંગીના પિતા મુકુંદભાઈએ સમજાવતાં કહ્યું, 'બેટા, છોડી દે, આવા સામાન્ય કુટુંબના માસુમને, તારે માટે તો કરોડપતિ કુટુંબોના સુંદર મુરતીયાઓના માંગા આવી રહ્યા છે. એ તારા એક દિવસના ખર્ચ જેટલું પણ મહીને નોકરી કરીને નહિ કમાય.'

'પપ્પા, અમે ચાર વરસથી એકબીજાને ઓળખીએ છીએ. મને પૈસા નહિ, તેના પ્યાર પર વિશ્વાસ છે. લગ્ન કરીશ તો માસુમ સાથે જ, નહીતર આજીવન કુંવારી રહીશ.' માતંગીએ મક્કમ થઈને જવાબ આપ્યો.

હવે મુકુંદભાઈ શું કરે ? તે વિચારવા લાગ્યા. 'સમય જવા દો, આપમેળે તેની શાન ઠેકાણે આવી જશે.'

માસુમનો પ્યાર તો અકબંધ હતો, તેને ગ્રેજ્યુએટ થઈને બેંકમાં સારી જોબ મળી ગઈ, તેથી બંને ખુશ થઇ ગયા. તેમનું નિયમિત મળવાનું તો ચાલુ જ હતું. લગ્ન કરીને સુંદર ફ્લેટ ક્યા લેવો, સેટેલાઈટમાં કે બોપલના વિકસતાં એરિયામાં, તેનો વિચાર આવતા બંને રવિવારે સાંજે ફ્લેટ જોવા નીકળી પડતા. ભવિષ્યના સપનામાં ખોવાઇને કલાકો સુધી હાથમાં હાથ રાખી બેસી રહેતા. 

માતંગી તેના મમ્મી પપ્પાને મનાવવા પ્રયત્ન કરતી, 'હવે તો માસુમને સારી જોબ પણ મળી ગઈ છે, તો અમને લગ્નની છૂટ આપો.' દર વખતે મુકુંદભાઈ અને માલતીબેન વિચારીશું કહીને વાત ટાળી દેતા. બીજી જ્ઞાતિના માસુમ સાથે લગ્ન કરાવવાની બંનેની જરાપણ ઈચ્છા ન હતી. 

વિકએન્ડ પર બંનેએ બાઈક ઉપર લોંગડ્રાઈવ પર જવાનું નક્કી કર્યું. આખો દિવસ સાથે પસાર કરવા બંને ઉત્સુક હતા. નળસરોવર રોડ પરના સુંદર ફાર્મ હાઉસ પર અંતે તેમણે જવાનું નક્કી કર્યું. 

સાણંદ ચોકડીથી માસુમે નળસરોવરરોડ પર બાઈક વાળી. મોસમ સુંદર હતી, બંને તરફ લીલા ખેતરો લહેરાઈ રહ્યા હતા, બંને રોમાન્સના મુડમાં આગળ વધી રહ્યા હતા. માસુમે એક નાના રસ્તા પર બાઈક વાળી. 

માતંગીએ પુછયું, 'અહી કેમ વાળી ?'

માસુમ રોમેન્ટિક મુડમાં બોલ્યો, 'જો ત્યાં, મોટા ઝાડની વચ્ચે સુંદર તળાવ જેવું છે, ત્યાં બેસીને વાતો કરીએ. 

અંદર ઝાડીમાં બાઈક ઉભું રાખી બન્ને ઉતર્યા અને માતંગીને કુદરતી હાજતે જવાનું થયું.  

તે ગાઢ ઝાડીમાં આગળ વધી, ત્યાં બે મોટા ડાઘીયા કુતરા તેને તાકીને જોઈ રહ્યા હતા. માતંગી ગભરાઈ, તે દોડતી પાછી ફરી, તો ડાઘીયા કુતરા પણ ભસતા તેની પાછળ પડયા. માતંગી ઝડપથી દોડતી માસુમના બાઈક પાસે આવી ગઈ. 

માસુમે આ જોયું અને કહ્યું, જલ્દી દોડીને બાઈક પર બેસી જા.'

માસુમે બાઈક ભગાવ્યું, તેમને હતું કે ડાઘીયા કુતરા પીછો છોડી દેશે, પણ બંને ડાઘીયા કુતરા  ભસતા તેમની પાછળ દોડી રહ્યા હતા. હવે માસુમે સ્પીડ વધારી, પણ રસ્તાનો મોટો ખાડો તેને ના દેખાયો, જોરદાર ધડાકા સાથે બાઈક પડયું ખાડામાં માસુમનાં ડાબા પગની ઉપર. માતંગી દુર ફેંકાતા બચી ગઈ. ડાઘીયા કુતરા ધડાકાથી ગભરાઈને  ભાગી ગયા. 

માસુમના ડાબા પગનો છૂંદો બોલી ગયો. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી માતંગીએ માસુમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધો. ડાબા પગમાં ઘુટણની નીચે એના હાડકા અને માંસનો ડૂચો નીકળી ગયો હતો.

માસુમને બચાવવા તેનો ડાબો પગ ઘુટણથી કાપવો પડયો. માતંગી રડીને બેહાલ થઇ ગઈ. 

એક પગે ઘોડીની મદદથી ચાલતો માસુમ વિચારી રહ્યો હતો, 'હવે હું માતંગીને લાયક રહ્યો જ નથી. મારા જેવા લંગડા જોડે લગ્ન કરી મારે માતંગીની જીંદગી નથી બગાડવી.'

માંસુમે વિચારીને અંતે માતંગીથી દુર એકલા જતા રહેવાનું વિચાર્યું. મારા જેવા એક પગે અપંગ માણસ જોડે પરણીને માતંગીનું જીવન બગડી જશે. લગ્ન જીવન પણ સફળ થશે કે નહી, શરીરસુખ આપવા સક્ષમ નહી થવાય, તો માતંગી દુખી થઇ જશે.

તેણે માતંગીને બહુ સમજાવી, પણ માતંગીનો એક જ જવાબ હતો. 'મારી જિંદગી બચાવવા તું અપંગ થયો, હવે હું તને કઈ રીતે છોડી શકું.?'

માતંગીને ખબર પડી ગઈ કે માસુમ તેને છોડીને ભાગી રહ્યો છે, તેથી તે રડતી રડતી પહોચી ગઈ માસુમ પાસે અને કહ્યું 'માસુમ જો તું અપંગ થઇ ગયો એમ વિચારી આ લગ્ન ટાળતો હોય તો હું મારો ડાબો પગ કપાવવા જાઉં છું. પછીતો આપણે સમદુઃખિયા જ થઈશુને!' આ સાંભળી માસુમ સડક થઇ ગયો, અને તેના મનમાં માતંગી માટે માન થઇ ગયું. 

મુકુંદભાઈ અને માલતીબેને પણ ખુબ સમજાવી. 

'માતંગી, છોડી દે એ લંગડા પ્રેમીને, હવે એ તને લગ્નજીવનનું સુખ પણ ક્યાંથી આપશે ?'

પણ માતંગી એકની બે ન થઇ , અંતે કંટાળીને બંનેના લગ્ન નક્કી થયા. 

એક પગે લંગડા, ઘોડીથી ફેરા ફરતા માસુમ અને માતંગીની જોડી જોઈ, લગ્નમાં હાજર તમામ મોં માં આંગળા નાખી બોલવા લાગ્યા, 'અજબ પ્રેમ, અજબ બલિદાન !!!'

લાસ્ટ સ્ટ્રોક - અપંગતા કે ગંભીર રોગમાં પણ એકમેકનો સાથ ના છોડનાર જ સાચા પ્રેમી, બાકી બધા સ્વાર્થી. 


Google NewsGoogle News