ખોટું કામ .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- આંતરમને લપડાક મારી, 'શારદાબેન, આ ઉંમરે ખોટું કામ કરતાં શરમ નથી આવતી, તમારા દીકરાએ પણ ના પાડી છે.'
'મ મ્મી, તું આશ્કાની ડિલીવરી માટે અમેરિકા આવીશને ?' આશિતે ફોનમાં તેના મમ્મી શારદાબેનને કહ્યું.
'હા, બેટા ચોકકસથી આવીશ.' શારદાબેને ખુશ થતાં કહ્યું.
'મમ્મી પંદર દિવસ પછીની ટિકિટ મોકલાવું છું. અમદાવાદથી સીધી ફ્લાઇટ નેવાકર્કની છે. ત્યાંજ હું તને લેવા આવીશ. હવે તબિયતનું ધ્યાન રાખજે. કલોલથી સીધી અમદાવાદ એરપોર્ટ આવી જજે, કાકા મૂકી જશે.' આશિતે સૂચનો આપવા માંડયા.
'ભલે બેટા.' શારદાબેન અંદરથી ખુશ થતાં બોલ્યાં.
વિધવા શારદાબેને પેટે પાટા બાંધીને એકના એક દીકરા આશિતને મોટો કરી ભણાવી ગણાવીને કોમ્પ્યુટર એંજિનિયર બનાવી દીધો હતો. તેને આશા હતી કે દીકરો કમાતો થાય પછી આરામ મળશે, પણ તે આશા ઠગારી નીવડી.
આશિતને અંદરથી અમેરિકા જઇ ડોલર કમાવવાની ઇચ્છા હતી મેરેજ.કોમ વેબસાઇટ પરથી આશ્કા નામની ગ્રીનકાર્ડ હોલ્ડર છોકરી સાથે મેળ પડતાં, તે ખુશખુશાલ બની ગયો. ઘડિયા લગ્ન લેવાયા અને છોકરી ગ્રીનકાર્ડ હોલ્ડર હોવાથી ફાઇલ મૂકાતા વરસમાં તો અમેરિકા જવા ઉપડી ગયો.
અહી કલોલમાં શારદાબેન ફરી એકલા પડી ગયા. તેમની પણ અમેરિકા જવાની બહુ જ ઈચ્છા હતી, પણ મેળ પડવો જોઈએ ને !
અમેરિકાની ટિકિટ બહુજ મોંઘી હોવાથી આશિત અને આશ્કાએ વિચાર્યું કે ડિલીવરી વખતે જ મમ્મીને તેડાવીશું, તેમને અમેરિકા ફરવા પણ મળશે અને ડિલીવરીમાં કામમાં પણ આવશે.
અમેરિકા જઈને દીકરાના સંતાનને રમાડવાના સપના આવતા શારદાબેનનો હરખ સમાતો ન હતો. કેટલા વરસે તેમના સપના સાકાર થવા જઈ રહ્યા હતા, પણ નસીબની બલિહારી તો જુઓ, જવાના બે દિવસ પહેલા જ તેમને શરદી, કફ અને તાવ ચાલુ થયા. ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા. શારદાબેન અને આશિત ચિંતામાં પડયા. અમેરિકા આવતા પ્રવાસીઓએ RT-PCR ટેસ્ટ કરાવવા ફરજિયાત હતા. કરવું શું ?
શારદાબેન વિચારતા હતા, જો કદાચ મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો મારો જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ જાય. ત્યાં ડિલિવરી થઈ જાય પછી મને કોણ બોલાવે ?
શારદાબેને તપાસ કરાવતા ખબર પડી કે રૂપિયા ખર્ચો તો ટેસ્ટ કરાવ્યા વગર નેગેટિવ રિપોર્ટ મળી જાય એમ છે, તેથી તેમણે આશિતને વાત કરી.
'બેટા, અહી ટેસ્ટ વગર નેગેટિવ રિપોર્ટ મળી જાય તેમ છે.'
આશિતને નવાઈ લાગી, પણ પછી તેણે કહ્યું, 'ના મમ્મી, ખોટું કામ નથી કરવું, આવી રીતે નિયમો સાથે કે આરોગ્ય સાથે ચેડાં ના કરાય.'
પણ શારદાબેનના મગજમાં અમેરિકાની લગની લાગી હતી, તેમણે તો ખોટું કામ કરવાનું નક્કી કરી દીધું.
'મુઆ, શરદી કફ તો ચાર પાંચ દિવસમાં મટી જશે.' આવું વિચારીને તે પહોચી ગયા બનાવટી રિપોર્ટ બનાવનાર લેબોરેટરી પાસે.
'મારે અમેરિકા જવું જ છે, તમે મારો નેગેટિવ રિપોર્ટ આપશો.'
'માજી, ૨૦૦૦ રૂ. થશે, પણ પછી વાંધો નહીં આવે.' લેબોરેટરીના મેનેજરે કહ્યું.
શારદાબેન વિચારમાં પડયા, પણ તેમને તો અમેરિકા જવું જ હતું.
તેમણે વિચાર્યું, 'એક જ વખત ખોટું કામ કરવામાં વાંધો શું છે ? ત્યાં પહોચીને આ બધુ મટી જાય તો ચિંતા શું છે. ?'
ત્યાં આંતરમને લપડાક મારી, 'શારદાબેન, આ ઉંમરે ખોટું કામ કરતાં શરમ નથી આવતી, તમારા દીકરાએ પણ ના પાડી છે.'
પણ અંતે અમેરિકા જવાની મહત્વાકાંક્ષાનો વિજય થયો.
શારદાબેને ૨૦૦૦ રૂ. ખર્ચી ટેસ્ટ વગર નેગેટિવ રિપોર્ટ લઈ, ખુશ થઈ ગયા.
અમદાવાદ એરપોર્ટ પર શરદી અને ઉધરસવાળા માજીનો રિપોર્ટ નેગેટિવ હતો એટ્લે જવા દઈ બોર્ડિંગ પાસ આપી દીધા અને માજી પહોચી ગયા નેવાર્ક એરપોર્ટ ઉપર.
નેવાર્ક એરપોર્ટ પર જ તાવ સખત હોવાથી ફરીથી ટેસ્ટ કરતાં
કોરોના પોઝિટિવ ટેસ્ટ આવતા તરત જ બધા સાબદા થઈ ગયા. તેમને હોસ્પીટલમાં દાખલ કરી દીધા કેરોના વોર્ડમાં, અને ઘનિષ્ઠ સારવાર ચાલુ કરી.
આશિત ચિંતામાં પડી ગયો. 'માં, મે ના પાડી હતી, છતાં તે આ શું કર્યું ?'
'બેટા, મને ખબર જ નહીં કે આટલું બધુ વધી જશે.' શારદાબેન રડમસ અવાજે બોલ્યા.
ધીમે ધીમે તેમની હાલત બગાડવા માંડી. શ્વાસ વધી ગયા, બોલવામાં અને ખાવામાં તકલીફ વધી ગઈ.
ત્યાના ડોકટરોએ ચોખ્ખું કહ્યું, જો ત્રણ દિવસ પહેલા નિદાન થઈ સારવાર ચાલુ થઈ ગઈ હોત તો પરિસ્થિતી આટલી બગડત જ નહીં.
આશિત અને આશ્કા પણ મમ્મી પર અકળાયા. ચાર દિવસ પછી આશ્કાની ડિલીવરી પણ થઈ ગઈ. જે કામ માટે શારદાબેન આવ્યા હતા, તેમાં તો તે મદદમાં આવ્યા જ નહીં.
માંડ માંડ સાત દિવસની મહેનત અને ઘનિષ્ઠ સારવારથી શારદાબેન બચી તો ગયા, પણ હોપિટલનું બિલ આવ્યું, નેવું હજાર ડોલર.
આશિત માથે હાથ દઈને રડી રહ્યો છે, આટલું બધુ બિલ ભરવું કઈ રીતે ?
શારદાબેનને રજા આપતા પાછા ઈન્ડિયા મોકલી દેવાયા કારણ કે નવજાત બાળક અને પ્રસૂતા માતા સાથે આવો કેસ રખાય જ નહિ. તે માથું કુટી રહ્યા છે,
લાસ્ટ સ્ટ્રોક : ખોટુ કામ કરવા જેવુ જ નથી, તેમાય આરોગ્ય સાથે તો ચેડાં કરાય જ નહીં. સરકાર આપણાં ભલા માટે જ નિયમો બનાવે છે ને !!!