આમાં મારું શું ભલું થયું? .
- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- લાલચમાં લપટાયેલું મન પછી ખરાખોટાનું વિચારવાનું જ ભૂલી જાય છે.
'ગીતા દેસાઈનું ઘર ક્યાં છે ?' ઇડર તાલુકાના સાવ નાના ગામ ભાનપૂરમાં ડૉ.આશિષ પટેલ પોતાની ગાડીમાં ડ્રાઈવર હરિભાઈ સાથે ચારે તરફ ફરીને પૂછી રહ્યા હતા. ગામના લોકો વિચારમાં પડયા આ ગીતા દેસાઈ કોણ હશે ? બપોરનો સમય હતો, ગામમાં નીરવ શાંતિ હતી. છેક અમદાવાદથી રીટાયર્ડ ડૉ. આશિષ અહીં ગામડામાં કેમ આવ્યા હતા.
બાસંઠ વરસના ડૉ. આશિષ પટેલ સિવિલ હોસ્પિટલ અને બી.જે.મેડીકલ કોલેજમાંથી પ્રોફેસર ઓફ સર્જરી તરીકે રીટાયર્ડ થયા ત્યારે પગાર બે લાખ ઉપર હતો. સંતાનમાં એક પુત્ર વરૂણ જ હતો, એ પણ સારું કમાતો હતો. આશિષ રીટાયર્ડ થયા પછી બે મહીને તેમનું પેન્શન થયું એક લાખ વીસ હજાર રૂપિયા. ડૉ. આશિષ સિવિલમાં જ ભણ્યા, અને સર્જન બની બી.જે. મેડીકલ કોલેજમાંથી જ પ્રોફેસર તરીકે રીટાયર્ડ થયા. તેમનો અંતરાત્મા તેમણે જુવાનીમાં કરેલ ભૂલ અને ધોખા બદલ તેને ધિક્કારી રહ્યો હતો. હવે રીટાયર્ડ થયા પછી તે ભૂલ સુધારવા એકલા ડ્રાઈવરને લઈને ગાડીમાં પોતાને ગામ જવા નીકળી પડયા.
ગામમાં પહોંચતા જ ચોરા સામે તેમનું જુનું જર્જરિત ઘર જોતા તેની આંખ સામેથી પચાસ વરસ જુનો ભૂતકાળ તરવરવા લાગ્યો. બાર વરસનો સ્કૂલનો વિદ્યાર્થી આશિષ ભણવામાં હોશિયાર હતો. તેની સામેના જ ઘરમાં ભગવાનદાસ દેસાઈ, તેમની પત્ની અને અગ્યાર વરસની દીકરી ગીતા રહેતા હતા. બન્ને કુટુંબો વચ્ચે સારો ઘરોબો અને અવરજવર હતી. આશિષ અને ગીતા સાથે જ રમતા, સ્કુલ પણ સાથે જ જતાં અને સાંજે લેશન કરવા પણ સાથે ને સાથે. ગીતા તેનાથી એક ધોરણ પાછળ હતી. તેને કાંઈપણ ન આવડે તો આશિષ તેને સમજાવતો. કેટલા નિર્દોષ અને આનંદદાયક હતા એ બાળપણના દિવસો ! બહુ મજા કરતા. પણ કરમની કઠણાઈ તો જુઓ ! એક દિવસ ખેતરમાં કામ કરતાં આશિષના બાપાને ઝેરી સાપ કરડયો, અને પાંચ મિનિટમાં મોત ભરખી ગયું.
આશિષ અને તેની માતા ઉપર આભ તૂટી પડયું. આશિષને ભણવાનું છોડી કમાવું પડે તેવી નોબત આવી પડી. સામેના ઘરના ભગવાનદાસ ને ખબર પડતાં, તે મદદ માટે દોડી આવ્યા. આશિષનું ભણવાનું ચાલુ રાખો, તેનો ચોપડાનો અને ફીનો ખર્ચ હું ઉપાડીશ.
આશિષની માં ખેતરે કામે ગઈ હોય ત્યારે ચા-પાણી જમવાનું વિગેરે આશિષના બધા કામ ગીતા જ હોંશેહોંશે કરી આપતી. જુવાની ફુટતાં બન્ને એકબીજા પ્રત્યે આકર્ષાયા, અને પ્રેમમાં પડયા. ગીતાએ તો નક્કી જ કરી લીધું કે હું લગ્ન કરીશ તો આશિષ સાથે જ, નહીતર આજીવન કુંવારી રહીશ. આશિષે પણ લગ્ન કરવાનું વચન આપી દીધું.
આશિષને સારા ટકા આવતાં બી. જે. મેડીકલમાં એડમીશન મળી ગયું. તેના તમામ ખર્ચ ભગવાનદાસ ભોગવતાં રહ્યા. વચ્ચે વચ્ચે આશિષ વેકેશનમાં ઘરે આવે ત્યારે ગીતા સાથે તેનો પ્રેમ પાંગરતો રહ્યો, પણ બન્નેએ ક્યારેય લક્ષ્મણ રેખા ઓળંગી નહીં. ગીતાના માબાપે બન્નેની સગાઇ માટે આશિષની માં ને વાત કરી, પણ હજુ આગળ આશિષને સર્જરીમાં માસ્ટર્સ કરી સર્જન બનવું હતું.
રેસીડેન્ટ ડોક્ટર આશિષ દરેક દર્દીની સેવા અને સારવાર દિલથી કરતાં હતા. સ્પેશ્યલ રૂમમાં કરોડપતિ લક્ષ્મીચંદભાઈની એકની એક દિકરી સંધ્યા એપેન્ડીક્સનો દુખાવો થવાથી દાખલ થઇ હતી, તે હેન્ડસમ આશિષની સેવા અને સારવારથી આકર્ષાઈ અને એક તરફી પ્રેમમાં પડી. લક્ષ્મીચંદ શેઠે ત્રણ બીએચકેનો ફ્લેટ અને લક્ઝરી ગાડી આપવાની લાલચ આપતાં આશિષ લપટાઈ ગયો. ગીતા સાથેના નાનપણનો પ્રેમ અને લાગણી પૈસાની લાલચમાં ભુલાઈ ગયા. લાલચમાં લપટાયેલું મન પછી ખરાખોટાનું વિચારવાનું જ ભૂલી જાય છે. તેનો અંતરાત્મા ડંખતો રહ્યો. પણ બાહ્ય મન લાલચમાં આવી ગયું અને તેણે સંધ્યા સાથે લગ્ન કરી લીધા.
ગીતા અને ભગવાનદાસ રાહ જોતાં રહ્યાં, અને આશિષે લગ્ન કરી લીધાનાં સમાચાર સાંભળી ભગવાનદાસ શોકમાં ડૂબી ગયા, અને હાર્ટ એટેકથી અવસાન પામ્યા. ગીતાએ વચન મુજબ છેક સુધી લગ્ન ના જ કર્યાં. આશિષ અને સંધ્યા એક જ વખત ગામડે આવ્યા. તેમની જોડી જોઇને ગીતા અંદર જઈ રડી પડી, આશિષ પણ પસ્તાઈને ઝંખવાઈ ગયો. પણ શું થાય? એક મ્યાનમાં બે તલવાર રાખવી કઈ રીતે ? સમયનું પંખી ઉડતું રહ્યું. ડૉ. આશિષના પત્નીનું પણ વરસ પહેલા હાર્ટએટેકથી અવસાન થયું. તેનો એકનો એક દિકરો વરૂણ પણ તેના લગ્ન પછી વ્યસ્ત થઇ ગયો.
હવે એકલા પડેલા ડૉ. આશિષને પસ્તાવો કોરી ખાતો હતો, મારે ગીતા માટે કાંઇકતો કરવું જ પડશે, વિચારતાં ડ્રાઈવર સાથે ગામડે ગીતાને શોધવા નીકળી પડયો. તેને જાણવા મળ્યું હતું કે ગીતાએ તેની યાદમાં લગ્ન કર્યાં જ નથી. રસ્તામાં રાહદારી ને પૂછતા તેને યાદ આવ્યું કે, 'ગામને છેડે ઝુપડીમાં ગીતા ડોશી રહે છે, તેને જ શોધો છો ને.'
'હા, હા, ડ્રાઈવર તેને ઘેર ગાડી લઈ લો.' હરિભાઈ વિચારે ચડયા, સાહેબ, આ ડોશીને કેમ શોધે છે ? જીર્ણ શરીર, ફાટેલા કપડાં અને ડાબલાંવાળા ચશ્માં છતાં ગીતા ઓળખાઈ ગઈ.
'ગીતા, હું ડૉ. આશિષ ઓળખાણ પડી ?'
'હા, હું તો તરત ઓળખી ગઈ, પણ હવે અહીં કેમ આવ્યો છે ?' ગીતાને નવાઈ લાગી.
'મને માફ કરી દે ગીતા, મારી પત્ની સંધ્યાનું મોત થયું છે, હું તારી સાથે લગ્ન કરવા આવ્યો છું.' આશિષે રડમસ અવાજે કહ્યું. ગીતા ને નવાઈ લાગી. હવે આ ઉમરે એકલો થયો, એટલે લગ્ન કરવા આવી ગયો? ના ના, કરતી રહી, પણ આશિષ તેને પરાણે ગાડીમાં બેસાડી, હિંમતનગર મેરેજ રજીસ્ટ્રારની ઓફિસે પહોચી લગ્ન રજીસ્ટ્રાર કરાવી દીધા. 'હું લગ્ન કરીને મારી ભૂલ સુધારી ઋણ ઉતારી રહ્યો છું.' કહીને આશિષે ગીતાનો હાથ પકડી લીધો. ગીતા વિચારે ચડી. આ ઉમરે હવે લગ્નસુખનો તો વિચાર પણ ક્યાંથી આવે ? હરિભાઈ ડ્રાઈવર પણ સાહેબના આ વર્તનથી ખિન્ન થઇ ગયા. ગીતાએ વિચાર્યું, એક કરતાં બે ભલા, કંપની તો મળશે. ઘરે પહોચતા બીજા જ દિવસે ડૉ. આશિષ ને હાંફ ચડયો. તેણે તત્કાલ પુત્રને મેસેજ કર્યો, અને બે કલાકમાં પ્રાણ ત્યજી દીધા. ગીતા અને હરિભાઈ સડક થઇ ગયા. તરત હરિભાઈએ તેના પુત્ર વરુણને મોબાઈલ જોડી વિગતે વાત કરી.
'શું વાત કરો છો, હરિભાઈ ! પપ્પાને તો છ મહિનાથી બ્લડ કેન્સર હતું. હવે છેલ્લા દિવસોમાં મેં તેમને બહાર જતાં બહુ રોક્યા, પણ તે માન્યા જ નહીં, કહે કે કરેલી ભૂલ સુધારવા જાઉં છું.' અમે રોકી ના શક્યા. ગીતા વિચારે ચડી, આમાં એક જ દિવસમાં વિધવા થવાથી મારું શું ભલું થયું એજ સમજાતું નથી. જીવનના છેલ્લા દિવસોમાં લગ્ન કેમ કર્યાં ? પંદર દિવસ પછી પેન્શન ઓફિસમાંથી માણસ ખરાઈ કરવા આવ્યો. 'ડૉ. આશિષનાં વિધવા ગીતાબેન તમે જ છો ?'
'હા કેમ ?' ગીતાબેનને નવાઈ લાગી. હવેથી તમને તેમનું અડધું પેન્શન સાઈઠ હજાર રૂપિયા દર મહીને તમે જીવો ત્યાં સુધી સરકાર તરફથી મળતું રહેશે. 'શું વાત છે ?' ગીતાબેન અને બધા પાડોશી નવાઈ પામ્યા. હવે ગીતાને ખ્યાલ આવ્યો કે આશિષ મરતાં પહેલા તેની ભૂલનું ઋણ ચુકવતો ગયો છે, મારી જિંદગીભરની ગરીબી અને કમાવાની ચિંતા દુર થઇ ગયા. સ્વર્ગમાંથી આશિષનો આત્મા આ જોઇને આનંદના આંસુ વહાવી રહ્યો હતો.
લાસ્ટ સ્ટ્રોક - મોત આવે તે પહેલા જીવનમાં કરેલ ભૂલો, કર્મો સુધારવાથી આત્માને શાંતિ મળી સુખદ મોતનો અહેસાસ થાય છે.