નિષેધનો નિષેધ અને સર્વનો સમાસ
- તર-બ-તર-હરદ્વાર ગોસ્વામી
- મુશ્કેલીઓને સહન કરવાની શક્તિ હોવી જોઈએ અને આ સહનશક્તિ હોય તો અને તો જ અધ્યાત્મિક સફળતા પ્રાપ્ત થાય
તારું મારું આપણ સૌનું જીવતર હફરક હફરક.
પાછું પેન અને પાટીમાં ભણતર હફરક હફરક.
અખબારોના પાનાંમાંથી અંગત બાબત નીકળે,
અફવાઓના યુદ્ધ વચાળે બખ્તર હફરક હફરક.
આંખો સામે ધૂળ નાખવી, પીઠની પાછળ ખંજર,
આવું છે ભઈ આપણું ઘડતર હફરક હફરક.
મારા ઘરની સામે કોઈનો મંગલ મંડપ રોપાય,
મારા દિલની સાથે હોમાય જવતલ હફરક હફરક.
- પ્રો. મનોજ જોશી (રાજકોટી)
કૌ શામ્બીની મહારાણીને બુદ્ધ માટે ખૂબ અણગમો હતો. એનું એક માત્ર કારણ હતું કે બુદ્ધની ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી હતી. બુદ્ધને નીચા પડવાના ઈરાદાથી મહારાણીએ બુદ્ધને કૌશામ્બી પધારવાનું આમંત્રણ આપ્યું. મહારાણીનો ઈરાદો જાણતા હોવા છતાં બુદ્ધે નિમંત્રણનો સ્વીકાર કર્યો. ખરો યોદ્ધા એ છે કે જે દુશ્મનના પટમાં જઈ એને લલકારે. હનુમાનજીને ખબર જ હતી કે લંકામાં જવું પડકાર રૂપ છે. જગતની આ પ્રથમ એર સ્ટ્રાઈક હતી. જો કે બુદ્ધ તો કોઈને દુશ્મન માનતા જ નહોતા.
તથાગત શિષ્યો સાથે કૌશામ્બી પહોંચ્યા. મહારાણીએ કેટલાક અનિષ્ટ તત્વોને મોકલ્યા. એમણે બુદ્ધને અયોગ્ય શબ્દો કહ્યા. બુદ્ધ સ્વસ્થ રહ્યા અને જરા પણ ચલિત થયા નહીં. આ અનિષ્ટ તત્વો જ્યાં જ્યાં બુદ્ધના સંભાષણો હતા ત્યાં જઈને વચ્ચે વચ્ચે ઘોંઘાટ કરવા લાગ્યા. તો પણ તથાગત શાંતિથી પોતાનું પ્રવચન કરતા રહ્યા. આમ રોજે રોજ કોઈને કોઈક રીતે બુદ્ધને હેરાન કરવાના યત્નો કરતા રહ્યા. આથી અકળાયેલા એક શિષ્યે કહ્યું કે 'ભગવાન અહીંથી જતા રહીએ.'
બુદ્ધે કહ્યું 'બીજી જગ્યાએ પણ આવી હેરાનગતિ થાય તો ?'
શિષ્યએ કહ્યું 'તો ત્રીજી જગ્યાએ જઈશું !'
'ત્યાં પણ આવી ઘટનાનું પુનરાવર્તન થાય તો ?'
'તો ચોથા સ્થળે જઈશું !'
તથાગતે કહ્યું ઃ 'મુશ્કેલીને પૂર્ણવિરામ ન હોય. સાચો રસ્તો તો એ છે કે બધી મુશ્કેલીઓને સહન કરવાની શક્તિ હોવી જોઈએ અને આ સહનશક્તિ હોય તો અને તો જ અધ્યાત્મિક સફળતા પ્રાપ્ત થાય. ગુફામાં બેસી તપ કરવું સહેલું છે પણ સંસારમાં રહીને સાધના કરવી અઘરી છે.' દુઃખને દૂર કરવા કરતા એનું મૂળ શોધવાની જરુર છે. આપણે મોટાભાગે સમય નામની પેઈન કિલર લઈને દુઃખને ઢાંકોઢૂબો કરીને તાત્કાલિક સમાધાન શોધી લેતા હોઈએ છીએ.
એ પછી બુદ્ધ અનેક વિપદાઓ વચ્ચે પણ સુખરૂપ કૌશામ્બીમાં રહ્યા હતા. જેનું ચિત્ત સ્વસ્થ છે એ પારાવાર પરેશાનીમાં પણ હસી શકે છે. મહાપુરુષોની પાછળ એક ઓજસ્વી આભામંડળ હોય છે. યોગી બનવું સહેલું છે પણ ઉપયોગી બનવું અઘરું છે.
એ પોતાનું રક્ષણ કરે છે અને એની આસપાસ રહેલા વ્યક્તિઓ પણ સુરક્ષા અનુભવે છે. આવા મહાપુરુષો ૧૦૮ જેવા હોય છે. એમના નામનું ૧૦૮ વાર સ્મરણ કરવાથી અકસ્માતમાંથી ઉગરી જઈએ છીએ. અંગુલિમાલ જેવા ભયંકર વ્યક્તિ સામે પણ સ્વસ્થતાથી વાત કરી શકો તો તમે બુદ્ધ બની શકો. મહાપુરુષો અભય હોય છે. એને કોઈનો ડર હોતો નથી. ગબ્બરબાબા કહી ગયા છે તેમ 'જો ડર ગયા, વો મર ગયા'. રવિશંકર મહારાજ બહારવટિયાઓ સામે પણ ટટ્ટાર ઊભા રહી શકતા હતા. બહારવટિયા સામે આંખમાં આંખ મિલાવી મહારાજે વાત કરી હતી. આ રીતે વાત કરનાર કોઈ પહેલી વ્યક્તિ હતી. ગાંધીજી અંગ્રેજોની અનેક બંદૂકો વચ્ચે પણ અન્યાયને ઉજાગર કરતા હતા. સત્યની આ તાકાત છે. અણીશુદ્ધ અસ્તિત્વની અસર અદભુત હોય છે. ત્યારે જ બુદ્ધથી શુદ્ધ તરફ ગતિ કરી શકાય છે. વકતૃત્વ પહેલા કર્તત્વ તરફ જવું પડે છે. ઠાલી વાતોથી કોઈ અસર થતી નથી. ભાષણ અને સંભાષણ વચ્ચે બહુ મોટો તફાવત છે. મહેફિલમાં ગીત રજૂ થાય ત્યારે મુખ્યત્વે રાગ જોવાતો હોય છે અને ઈશ્વર પાસે ગીત રજૂ થાય ત્યારે અનુરાગ જોવાતો હોય છે.
કલાકાર ચિત્ર દોરતા દોરતા એકાગ્ર થઇ જાય એ ઘટના પણ 'પાર્વતી શિવને જોઈ ભાન ભૂલી ગયા' જેવી છે. જ્યારે કોઈ પણ ધર્મને સીમિત ડાયરામાં બાંધશો ત્યારે એ ધર્મમાં માત્ર આતંકવાદી જ પેદા થશે. સૌને સ્વીકારે એ જ સાચો અને સારો ધર્મ. એકાગ્રતાની ચરમસીમા બુદ્ધ છે. કાનમાં શૂળ ભોંકાય તો પણ એની એ જ તન્મયતા રહે. રાસલીલા નિહાળતા નરસિંહ મહેતાનો હાથ પણ બળી જાય છતાં એને ભાન ન રહે, આ અવસ્થાની ઊર્ધ્વતાને વારંવાર વંદન. આત્મા અને પરમાત્માના મિલનની આ પળ છે. નરસિંહ મહેતા કહે છે કે 'જ્યાં લગી આત્મ તત્ત્વ ચીંત્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી'. આત્મજ્ઞાાન લાધે નહીં ત્યાં સુધી સર્વ સિદ્ધિ-પ્રસિદ્ધિ જૂઠી છે. વેદવ્યાસ કહે છે કે 'શરીરથી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે, મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠ આત્મા છે.' આત્માના અવાજને જે કાન સાંભળી નથી શકતા એ પરમાત્માના અવાજને કદી સાંભળી નથી શકતા. કબીર કહે છે કીડીના પગમાં ઝાંઝર બાંધો તો એ પણ માલિક સાંભળે છે. સેવા તો મૌન રહીને જ કરવાની હોય તો જ એનું ફળ મળે. લોકપ્રિયતાનું લાઉડ સ્પીકર થોડીવાર સારું લાગે પણ સરવાળે શૂન્ય.. વિશ્વની વિશાળતા માણવી હોય તો મકાનની મમત છોડવી પડે. બુદ્ધને કોઈ સીમિત વ્યાખ્યામાં ન બાંધો. પરમતત્વ પાસે પહોંચી ગયેલી દરેક વ્યક્તિ બુદ્ધ છે. રાજેન્દ્ર શુક્લ કહે છે તેવી અવસ્થા પર ઊભા રહો તો બુદ્ધ બની શકો.
વિદાય કોઈને નહીં, નિષેધ કોઈનો નહીં,
હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું.
સાચો સંત તો નિષેધનો નિષેધ કરે અને સર્વનો સમાસ બને. અંતે જેમણે આધ્યાત્મિક ખેતી કરી હતી એ બુદ્ધના શબ્દો સાથે વિરામ લઈએ. 'શ્રદ્ધા એ મારા માટે બીજ છે, તપસ્યા વૃષ્ટિ, પ્રજ્ઞાા ધૂંસરી અને હળ. નમ્રતા એ હળનો લાંબો હાથો, ચિત્ત લગામ છે, જાગૃતિ એ ફળું અને ચાબુક છે. હું વાચા અને કર્મણાથી સુરક્ષિત છું, આહારમાં સંયમી અને સત્ય મારી ખરપડી છે.'
આવજો...
જ્યાં બોલવાની જરૂર ન હોય ત્યાં બોલવું એ મૂર્ખતા છે અને જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં ચૂપ રહેવું એ અતિમૂર્ખતા છે.
-થોરો