Get The App

શરીરમાં જ્યાં તમે ધ્યાન લઈ જાવ ત્યાં ઊર્જા વહેવા માંડે છે

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
શરીરમાં જ્યાં તમે ધ્યાન લઈ જાવ ત્યાં ઊર્જા વહેવા માંડે છે 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- ઊર્જાનું શરીરમાંથી કાયમી ચાલ્યા જવું તેનું નામ મૃત્યું. ખોરાક, પાણી કે સૂર્યપ્રકાશ વગર દિવસો કે મહિનાઓ નીકળી શકે પરંતુ આ ઊર્જા વગર એક ક્ષણ કાઢવી અશક્ય છે

જ્યા રે ગુગલ મેપ નવું નવું હતું ત્યારે અમે અંબાજી જતા એક અખતરો કર્યો હતો કે આજે ગુગલ કહે એ જ રસ્તે  જવું. એ સમયે સૌથી ઓછો ટ્રાફિકવાળો રસ્તો ગુગલ બતાવે ભલે પછી એ મેઈન રોડ ના હોય! એ દિવસે ગુગલે અમને ગામડાઓના કાચા રસ્તા મુસાફરી કરાવી, સમય વધારે ગયો અને ગાડીના જમ્પર્સની પરીક્ષા થઈ ગઈ. જ્યારે અમે પાછા આવવા નીકળ્યા ત્યારે મેં મજાકમાં જ પૂછયું 'આપણે આવ્યા એ જ રસ્તે પાછા જવું છે ને ?!'

'ના' બધા એકીસાથે બોલી ઉઠયા 'મેઈન હાઈવે જ લેજો, આવ્યા એ રસ્તે તો શરીર દુખી ગયું'

'મેં કહ્યું ગામડાં જોવા ના મળ્યા ?! આપણે આવા અંતરિયાળ રસ્તે ક્યારે આવત?!'

'ગામડા, કાચા રસ્તા બધું જોઈ લીધું, હવે હાઈવે જ પકડજો' મારા પુત્રએ મને કહ્યું.

ગુગલના જન્મ પહેલા અમે પૂછતા પૂછતા, સાઈનબોર્ડ જોતા કે અમુક નિશાનીઓ યાદ રાખીને અમારા નિર્ધારિત સ્થાને પહોંચી જતા અને ઘણીવાર તો એમ કરવામાં નવા રસ્તા, નવી ગલીગૂંચીઓ શોધાઈ જતી  અને એમાં મગજને અજાણતા જ ઘણી કસરત પણ થઈ જતી. પરંતુ આજનો ગુગલ મેપ તમને મુખ્ય રોડ પહેલા સૂચવે છે અને સાથે સાથે અન્ય રોડના વિકલ્પ પણ આપે છે. આપણે પણ મોટાભાગે પ્રચલીત કે વધુ પરિચિત રોડ જ પસંદ કરીએ છીએ ભલે પછી એ લાંબો કે થોડો વધુ સમય લે તેવો હોય.

સ્વાભાવિક છે પ્રચલિત રોડ સમયની સાથે વધુ વિકસિત થઈ જાય અને પછી વિકસિત હોવાના કારણે વધુ પ્રચલિત થતાં જાય. સરવાળે, મોટાભાગનો ટ્રાફિક આ  રોડ પરથી જ પસાર થવાનું પસંદ કરે અને પસાર પણ થતો હોય છે.

આ વાતનો સંદર્ભ ટાંકીને મારે મૂળ વાત તો શરીરમાં ચેતાઓની જાળ અને તેમાં ચોક્કસ માર્ગે વહન કરતી ચેતના કે જીવન ઊર્જાની કરવી છે. જેમ કોઈપણ સ્થળે પહોંચવા જુદા જુદા માર્ગ હોય છે અને તે પૈકી પ્રચલિત માર્ગ સૌથી વધુ વિકસિત હોય છે તેમ, શરીરમાં પણ ચેતાઓરૂપી માર્ગો હોય છે અને તેમાં ચેતનાની અવરજવર મુજબ ન્યૂરલ પાથવે'ઝ બનતા હોય છે. આપણા વિચારો, લાગણીઓ, વર્તન, સંવેદનાઓ વગેરે ઊર્જા સ્વરૂપે અમુક ચોક્કસ માર્ગે ગતિ કરતા હોય છે અને શરીરમાં ન્યૂરલ પાથવે'ઝ બનતા હોય છે. આ ન્યૂરલ પાથવે'ઝ વાસ્તવમાં આપણા પ્રચલિત માર્ગો જેવા હોય છે જેમાં ચેતના કે જીવન ઊર્જા વહન કરવાનું પસંદ કરતી હોય છે અને અમુક ચોક્કસ પ્રકારના વિચારો, લાગણીઓ, વર્તન, માન્યતાઓ વગેરે ઉત્પન્ન અથવા મજબૂત કરતી રહેતી હોય છે. જેમ જેમ આપણે હાઈવે છોડીને અન્ય રસ્તાઓની પસંદગી ભાગ્યે જ નવા માર્ગે વહન કરે છે, સરવાળે આપણા વિચારો, લાગણીઓ, વર્તન, સંવેદનાઓ વગેરેની એક પેટર્ન કે માળખું બની જાય છે. આ પેટર્ન આદત કે સ્વભાવને જન્મ આપે છે. આપણે અજાગ્રત રીતે ઊર્જાનો આ ટ્રાફિક અને તેને કારણે રોજે રોજ મજબૂત થઈ રહેલા ચેતામાર્ગ મુજબ જીવ્યે જઈએ છીએ. આધ્યાત્મિક દ્રષ્ટિકોણ મુજબ જીવન ઊર્જા અથવા પ્રાણનું વહન કરતી નાડીઓનું એક અલગ તંત્ર છે જે આ ન્યૂરલ પાથવે'ઝથી અલગ છે. બીજા એક મત પ્રમાણે પ્રાણ શ્વાસ સાથે જોડાઈને શરીરમાં ઓક્સિજન સાથે જ વહન થતાં રહે છે. આ સિવાય પણ બીજા ઘણા અભિપ્રાય જીવન ઊર્જાના વિષયમાં મળશે પરંતુ આપણે આ મતમતાંતરને બાજુ પર રાખીએ કારણ કે એની વિસ્તૃત ચર્ચા આ કોલમની શબ્દ મર્યાદાથી ઘણી વધુ લંબાઈ શકે એમ છે. ટૂંકસાર એટલો જ કે જેમ આપણે જાણીતા રસ્તાઓ ઉપર જ મુસાફરી કરવાનું પસંદ કરવાનું પસંદ કરીએ છીએ અને તેથી જ તે રસ્તાઓ વિકસિત થતાં જાય છે તેમ, આપણી ઊર્જા પણ વિચારો, લાગણીઓ, વર્તન, સંવેદનાઓ વગેરેથી જાણીતા અને વિકસિત થયેલા ન્યૂરલ પાથવે'ઝ  ઉપર ફરતી રહે છે અને આપણે આપણા સ્વભાવમાં સ્થિત રહીએ છીએ.

હવે મુદ્દાની વાત, આપણું જીવન વાસ્તવમાં ઊર્જાનો ખેલ છે, આ ઊર્જા એટલે પ્રાણ, ચેતના, કી, ચી., ક્વી, વગેરે અનેક નામધારી લાઈફ-એનર્જી. જ્યાં સુધી શરીરમાં આ ઊર્જાનું વહન છે ત્યાં સુધી જીવન છે, આ ઊર્જાનું શરીરમાંથી કાયમી ચાલ્યા જવું તેનું નામ મૃત્યુ. ખોરાક, પાણી કે સુર્યપ્રકાશ વગર દિવસો કે મહિનાઓ નીકળી શકે પરંતુ આ ઊર્જા વગર એક ક્ષણ કાઢવી અશક્ય છે. નવજાત શિશુના પહેલા રુદન સાથે લેવાતાં શ્વાસની જોડે જ આ ઊર્જા શરીરમાં પ્રજ્વલિત થાય છે અને મૃત્યુ સાથે મુકાતા શ્વાસ જોડે જ તે શરીરમાંથી બહાર નીકળી જાય છે. જીવન એ પ્રથમ શ્વાસ અને છેલ્લા ઉચ્છવાસ વચ્ચે ફરતી રહેતી ઊર્જા છે. આ ઊર્જા જ તમારા જીવનની સ્વસ્થતા અને ગુણવત્તાનો આધાર છે. આ જીવન ઊર્જા સાથે મનની એક લાક્ષણિકતા સંકળાયેલી છે, શરીરમાં જ્યાં તમે ધ્યાન લઈ જાવ ત્યાં આ ઊર્જા વહેવા માંડે છે અને એક જ રસ્તે એ ઊર્જાની અવરજવર વધે તો ન્યૂરલ પાથવે'ઝ બનવા માંડે છે. એનો અર્થ એ થયો કે શરીરમાં કોઈપણ બદલાવ લાવવો હોય, સંતુલન મજબૂત કરવું હોય કે રૂઝ લાવવી હોય તો એ બાબતોનો સંકલ્પ કરીને, એની પર ધ્યાન ધરીને, જીવન ઊર્જા દ્વારા એ કરી શકાય છે !

મનના સ્વભાવની દસમી લાક્ષણિકતા, મનને શરીરની ક્રિયાઓ સાથે જોડતા ચેતામાર્ગો બદલાતા રહે છે, બનતા-લુપ્ત થતાં રહે છે જેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહે છે. મગજમાંથી નીકળતા અને શરીરમાંથી મગજમા પહોંચતાં બધા જ ચેતામાર્ગો મનના ધ્યાન (એટેન્શન) દ્વારા નવનિર્મિત, વિકસિત અને પ્રજ્વલિત કરી શકાય છે. આ બાબતના નિયમિત મહાવરાથી તમે શરીરના અંગો, જીવ-રાસાયણિક ક્રિયાઓ વગેરે પર કાબૂ મેળવી શકો છો.

પૂર્ણવિરામ :

આપણા અસ્તિત્વના વણાટનો જીવન-ઊર્જા અદ્રશ્ય દોરો છે.


Google NewsGoogle News