Get The App

માણસને બધું પોતાના કાબૂમાં રાખવું છે એટલે એનું જીવન સંઘર્ષમય છે

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
માણસને બધું પોતાના કાબૂમાં રાખવું છે એટલે એનું જીવન સંઘર્ષમય છે 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- જીવનમાં અતિશય નિયંત્રણની ઘેલછા છોડી કુદરત ઉપર વિશ્વાસ કેળવવાથી, બદલાવ કે ચોક્કસ પરિણામ મેળવવા માટે આક્રમક બનવાને બદલે પોતાના પ્રયત્નો અને પ્રકૃતિના તાલમેલથી જે પરિણામ મળે તેને પ્રસાદ માનીને સ્વીકારવાથી પ્રકૃતિ સાથે સુસંગત, સ્વયંસ્ફુરિત અને દબાણ વિના કામ કરવાની જીવનશૈલી (આર્ટ ઓફ ડુઈંગ વિથ આઉટ ઓવરડુઈંગ) અપનાવી શકાય છે.

कालो न याता, वयमेत याता

तृष्णा न जीर्णा, वयमेव जीर्णा ।।

ભર્તુહરિના વૈરાગ્ય શતકની, મને ગમતી આ પંક્તિ છે. સમય ક્યાંય નથી જતો, આપણે જઈ રહ્યા છીએ. યાત્રા સમયની નથી આપણી છે. અપેક્ષાઓ વૃદ્ધ નથી થતી પરંતુ આપણે વૃદ્ધ થતા જઈએ છીએ. દર વખતે દિવાળી આવે અને આ પંક્તિઓનું વિશેષ સ્મરણ થાય છે, વધુ એક દિવાળી આવતા, એક બીજું વર્ષ પસાર થયાનો ભાસ થાય છે પરંતુ આ પંક્તિઓના સ્મરણને કારણે વ્યક્તિ તરીકે વધ્યા, વૃદ્ધિ પામ્યા કે નહીં તેનું ઓડિટ પણ મનમાં થાય છે. આ ઓડિટમાંથી જ નવા વર્ષે વાચકોને નવો વિચાર આપવાનો મારો શિરસ્તો રહ્યો છે. પરમ દિવસે નવું વર્ષ, ચાલો એક નવો વિચાર આપું - 'વુ વેઈ' !

'તાઓ તે કિંગ' ('તાઓ તે ચિંગ' અથવા 'દાઓદેજિંગ' મેં આ વર્ષમાં વાંચેલા પુસ્તકોમાંનું એક અદભૂત કહી શકાય એવું પુસ્તક છે. લગભગ અઢી-ત્રણ હજાર વર્ષ પૂર્વે લખાયેલા લાઓત્ઝુના વિચારો આજે એ સમય કરતા પણ વધુ પ્રસ્તુત લાગે છે. પ્રાચીન ગ્રંથો કે એના કાલાતીત ઉપદેશો વાંચતા એક પ્રશ્ન મને હંમેશા રહ્યો છે કે આવા જબરદસ્ત વિચારો મહર્ષિઓ, બુદ્ધ, મહાવીર, લાઓત્ઝુ વગેરેના મનમાં કેવી રીતે આવ્યા હશે કે જે આજે પણ નકારી શકાય એમ નથી. મારું દ્રઢપણે માનવું છે કે જેમ ગૂગલના સેન્ટ્રલ સર્વર સાથે જોડાઈને આપણા મોબાઈલ-લેપટોપમાં માહિતી ડાઉનલોડ થાય છે એમ, બ્રહ્માંડ સાથે તાદાત્મ્ય સધાતા કે એકરૂપ થતા તેમનામાં ઉતરી આવેલા આ વિચારો છે અને માટે જ આ વિચારો શાશ્વત છે. 'વુ વેઈ' એ તાઓ ધર્મનો આવો જ એક કેન્દ્રવર્તી વિચાર છે. એનો અર્થ છે 'પ્રયાસ વિનાની ક્રિયા' (Effortless Action) અથવા 'કશું'ય નહીં કરવાની કળા' ! અલબત્ત ના સમજાય તો આખે-આખું કોળું શાકમાં જાય એવો આ કૉન્સેપ્ટ છે. 'વુ વેઈ'નો અર્થ એવો નથી કે કશું'ય ના કરવું કે આળસુ બનીને પેસિવિટીમાં જીવ્યે જવું. આ નિષ્ક્રિયતા કે આળસની વાત નથી, આ તો વાસ્તવમાં, બિનજરૂરી બળ અથવા સંઘર્ષ વિના, જીવનના પ્રવાહ સાથે સંપૂર્ણ સુમેળ સાધીને પોતાના કર્મ કરવાની વાત છે. સમગ્ર પ્રકૃતિ બ્રહ્માંડના આ નિયમને અનુસરીને ચાલે છે, નદી કુદરતી વહેણને અનુસરીને સાગર સુધી પહોંચે છે, ઋતુ ચક્ર તેના ક્રમ પ્રમાણે ચાલે જાય છે, બીજમાંથી વૃક્ષની યાત્રા પણ પ્રયાસ વિનાની છે, સમગ્ર જીવસૃષ્ટિ આપમેળે ચાલે જાય છે. કોઈ કંઈ પ્રયત્ન નથી કરતું સહજ કુદરતી રીતે બધું ચાલ્યા કરે છે. પ્રકૃતિના ક્રમથી વિરુદ્ધ માણસ જ એક એવું અસ્તિત્વ છે કે જે અવળચંડાઈ કરવામાં રસ ધરાવે છે. માણસને બધું પોતાના કાબૂમાં રાખવાનું વળગણ છે અને આ કાબૂ ધરાવવાની વૃત્તિને કારણે જ એનું જીવન સંઘર્ષમય બને છે. જ્યારે લાઓત્ઝુ કહે છે અસ્તિત્વ સાથે સંઘર્ષ નહીં સહયોગ કરો, કુદરતના પ્રવાહની સાથે તાલમેલ સાધીને કર્મ કરતા જાવ. જ્યારે આપણે જીવનના પ્રવાહો સામે સંઘર્ષ કરવાનું બંધ કરીને કુદરતી પ્રવાહ પર વિશ્વાસ કરીએ, ત્યારે આપણે 'વુ વેઈ'ને જીવનમાં અપનાવ્યું કહેવાય. બ્રહ્માંડના આ સહજ વહેણના ક્રમને પશ્ચિમીઓએ રૂપકડા સૂત્રનું રૂપ આપ્યું - 'ગો વિથ ફ્લૉ' અને લાઓત્ઝુની પ્રયાસ વિનાની ક્રિયાને ના સમજી શકેલા લોકો પણ આજે આ સૂત્રથી પ્રભાવિત થયેલા જોવા મળે છે. 'ફ્લૉ' એક એવી માનસિક સ્થિતિનું વર્ણન કરે છે જેમાં વ્યક્તિ પ્રવૃત્તિમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે, સહેલાઈથી ધ્યાન કેન્દ્રિત કરે છે અને સમયને ભૂલી જાય છે, તેની ક્રિયાઓ સ્વયંસ્ફુરિત અને કુદરતી લાગે છે. વાસ્તવમાં આ 'ફ્લૉ'નો કન્સેપ્ટ 'વુ વેઈ'ના તાઓવાદી સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે, જ્યાં પ્રયત્નો અને સરળતાનો સુમેળ સહઅસ્તિત્વ ધરાવે છે.

ફરી કહું છું, વાત હાથ જોડીને બેસી રહેવાની, નસીબમાં જે હશે તે મળશે, જે થાય તે જોયા કરો, કશું આપણા હાથમાં નથી વગેરેની બિલકુલ નથી. વાત પ્રકૃતિ સાથે સુસંગત, સ્વયંસ્ફુરિત અને દબાણ વિના કામ કરવાની જીવનશૈલી (આર્ટ ઓફ ડુઈંગ વિથઆઉટ ઓવરડુઈંગ) અપનાવવાની છે. આપણા પ્રયત્નો અને આસપાસની પ્રકૃતિ સાથે એક લય પ્રસ્થાપિત કરવાની છે. મનની આ એક એવી સ્થિતિ છે જ્યાં ક્રિયાઓ તણાવ, ચિંતા અથવા અતિશય આયોજન વિના કુદરતી રીતે થાય છે. અધીરાઈ, ફળની આશા, કાબૂ ધરાવાની વૃત્તિ, કુદરત પર અવિશ્વાસ, દુનિયા મુઠ્ઠીમાં કરવાનું વળગણ વગેરે આપણને આ 'ઝોન'માં કે 'પ્રવાહ'માં આવતા રોકે છે.

વાત ઉપરથી જાય એ પહેલા રોજિંદા જીવનમાં તેને કેવી રીતે ઉતારી શકાય તે પણ કહી દઉં. સૌથી પહેલી વાત તો જીવનમાં અતિશય નિયંત્રણની ઘેલછા છોડી કુદરત ઉપર વિશ્વાસ કેળવવાની છે, પૂરતા પ્રયત્નો પછી શ્રદ્ધાપૂર્વક જે પરિણામ મળે તેને સ્વીકારવાની વાત છે. બદલાવ કે ચોક્કસ પરિણામ મેળવવા માટે આક્રમક બનવાને બદલે પોતાના પૂરતા પ્રયત્નો અને પ્રકૃતિના તાલમેલથી જે પરિણામ મળે તે સ્વીકારવાની વાત છે.

 વ્યવહારમાં આ પ્રકારનો અભિગમ 'વુ-વેઈ'ને જીવનમાં પ્રસ્થાપિત કરે છે. સંબંધોમાં અન્ય વ્યક્તિને - તેમના પ્રતિભાવોને નિયંત્રિત કરવા કે તેની ઉપર કાબૂ ધરાવવાને બદલે અથવા આપણી અપેક્ષાઓનું દબાણ ઉત્પન્ન કરવાને બદલે સંબંધ સહજ કુદરતી રીતે વિકસે તે પ્રકારનો વ્યવહાર કેળવતા જઈએ અને સંબંધને પરિપકવ થવાનો સમય આપીએ તો સંબંધ આપમેળે વિકસિત થતો જાય છે. આ તબક્કે મને એમ ના પૂછતા કે આ વ્યવહાર એટલે કેવા પ્રકારનો વ્યવહાર, કારણ કે તે દરેકને ખબર જ હોય છે પરંતુ લોકો વિવિધ કારણોસર તેને અવગણતા હોય છે અને સંબંધોમાં ના જોઈતા પ્રશ્નો ઊભા કરતા હોય છે. મારી-મચડીને ઊભા કરેલા સંબંધો બંને સાથીઓના પોતપોતાના મતલબના ટેકે ઊભા હોય છે જ્યારે સહજ કુદરતી વિકસેલા સંબંધો, બહાર દેખાય કે ના દેખાય, અસ્તિત્વને પોષણ આપનારા હોય છે. આ ઉપરાંત જીવનમાં સર્જનાત્મકતા વિકસાવવી હોય, પ્રોબ્લેમ-સોલ્વિંગ અસરકારક બનાવવું હોય અને તણાવ ઓછો કરવો હોય તો માઈક્રોમેનેજિંગ અથવા વધુ પડતા નિયંત્રણને બદલે પરિસ્થિતિઓને કુદરતી રીતે વિકસિત થવા દો.

નવું વર્ષ આવી રહ્યું છે, તમારા મનમાં 'વુ-વેઈ'નો એક નવા વિચાર તરીકે ચિંતન કરજો. પ્રયાસ વિના સહજતાથી, સંઘર્ષ છોડીને સહયોગથી, નિયંત્રણ છોડીને સુમેળથી, જડતા છોડીને અનુકૂલનથી અને બળને બદલે વિશ્વાસથી જીવવાની કળા તમારા જીવનમાં વિકસે તેવી પ્રભુ-પ્રાર્થના... નૂતનવર્ષાભિનંદન...


Google NewsGoogle News