Get The App

અન્યની સફળતાઓની કહાની તમારી આવતીકાલના બદલી શકે

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
અન્યની સફળતાઓની કહાની તમારી આવતીકાલના બદલી શકે 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- તમારૂં ભવિષ્ય બદલવા માટે પ્રેરણાત્મક વાતોનું મનન-ચિંતન કરવું પડે અને તેને તમારા જીવનના સંદર્ભમાં કેવી રીતે ઉપયોગમાં લઇ શકાય તે સમજવું પડે.

ટ્રે ડમિલ પર ચાલતો માણસ અને ઘાણી પર ચાલતો બળદ એક બાબતમાં સામ્ય ધરાવે છે, બંને અનેક કિલોમીટર ચાલે છે પરંતુ પહોંચતા ક્યાંય નથી ! મુસાફરી લાંબી અને મંઝિલ ત્યાંની ત્યાં, એક અનોખી યાત્રા !! મોટિવેશનલ વિડિયોઝ જોતા રહેતા કે વકતવ્યો સાંભળતા રહેતા મોટાભાગના લોકો પણ આ જ પ્રકારની યાત્રા કરતા હોય છે. પ્રેરણા દુનિયાભરની, પ્રોત્સાહન દેશભરનું, શ્રમ શહેરભરનો એ પરિણામ ગામભરનું ! મહામારીએ પ્રેરણાનો નિયમિત ડોઝ લેતા રહેતા લોકોની સંખ્યામાં ખાસ્સો વધારો કરી મુક્યો છે. કેટલાકને તો જાણે રીતસરનું વ્યસન થઇ ગયું છે, જ્યાં સુધી રાત્રે મોટિવેશનલ વિડીયો ના જુએ કે વકતવ્ય ના સાંભળે ત્યાં સુધી ઊંધ જ ના આવે ! ઘણા તો પાછા આવીને એની ફરિયાદ પણ કરે કે નિયમિત મોટિવેશનલ વિડીયો જોઉં છું, વકતવ્યો સાંભળું છું તેમ છતાં કંઇ કરવાનું મન જ નથી થતું! એમની આ ફરિયાદ મારા મનમાં પાંચ પ્રકારના અશ્વો (ઘોડા)ની વાત તાજી કરાવે. અશ્વ પાંચ પ્રકારના હોઈ શકે છે. નઠારાં અને નકામા અશ્વ, જેમને ચલાવવા ચાબુક ફટકારતા રહેવું પડે અને ચાબુક ખાધા પછી પણ તે ક્યારેય અપેક્ષા કે ક્ષમતા મુજબ ના ચાલે. બીજા અડીયલ અશ્વ, ચાબુક ફટકારો એટલે હરકતમાં આવે, ધીમે મારો તો ચાલે, જોરથી મારો તો દોડે, ચાબુક શરીરને અડાડતા રહો ત્યાં સુધી ચાલતા રહે. ત્રીજા ઉપયોગી અશ્વ, હવામાં ચાબુક વીંઝો અને ચાલવા માંડે. ઉમદા કહેવાય એ ચોથા પ્રકારના અશ્વ, જે ચાબુકની છાયા માત્ર જોઈને દોડવા માંડે. સૌથી ઉત્કૃષ્ટ પાંચમા પ્રકારના અશ્વ, ચાબુકની જરૂર જ નહીં, આંતરસૂઝ પ્રમાણે ચાલતા અને દોડતા રહે. અસ્વારની બેસવાની સ્ટાઈલથી સમજી જાય કે ચાલવાનું છે કે દોડવાનું! પ્રેરણા કે મોટીવેશનનું પણ આવું જ છે. કેટલાક માત્ર પ્રેરણા(મોટિવેશન)ની ચ્યુઇંગમ ચાવતા રહે છે, ન્યુટ્રીશન ઝીરો પણ ચાવતા-ચગળતા રહેવાનું! રાતે ઉજાગરા કરીને પ્રેરણા મેળવવાની અને દિવસે ઝોકા ખાવાના!! કેટલાક પ્રેરિત થાય ખરા પણ થોડા થોડા સમયે તેમનું પ્રેરણાનું ઝરણું સુકાઈ જાય, વહેતા રહેવા નિયમિત પ્રેરણા મેળવતા રહેવું પડે. કેટલાક માટે મોટીવેશનનો ડોઝ એક્સ્ટ્રા બુસ્ટ જેવો હોય છે. એ પોતાની ગતિમાં તો હોય છે પરંતુ એમાં તેમને મોટીવેશનનો વધારાનો ધક્કો મળે છે. પણ, જૂજ વ્યક્તિઓ એવા છે કે જે સ્વ-પ્રેરિત એટલે કે સેલ્ફ-મોટીવેટેડ હોય છે, પોતાની અંદર જ પ્રેરણાની ગંગોત્રી લઈને ફરતા હોય છે. એમનું રૂટિન, એમનું કામ કે એમની ઉપલબ્ધીઓ બીજા માટે પ્રેરણા બની શકે છે પરંતુ એમને એમાં રસ નથી કે પોતાને જોઈને કોઈ મોટીવેટ થાય છે કે નહીં, એ તો પોતાને આગળ ધપાવતા જ રહે છે.

પ્રેરણાત્મક (મોટિવેશનલ) પુસ્તકો, વિડીયો કે વક્તવ્યો વ્યક્તિઓમાં એક જુસ્સો પેદા કરે છે તેની ના નહીં પરંતુ તેમના જીવનમાં જરૂરી બદલાવ લાવવામાં સફળ થાય છે?! મોટાભાગના કિસ્સાઓમાં મોટીવેશનના ડોઝથી આવતા જુસ્સાની એક એક્સપાયરી ડેટ હોય છે જે બે-ચાર કલાકથી માંડીને બે-ચાર દિવસની હોઈ શકે છે. પ્રેરણાત્મક પ્રવચનો કે વિડીયો પછી તમારા જીવનમાં બદલાવ આવશે કે નહીં તેનો સૌથી મોટો આધાર મળેલી પ્રેરણા કે પ્રોત્સાહન પર નહીં પરંતુ તમારા સામર્થ્ય કે પરિણામ લાવવાની આવડત ઉપર આધારિત હોય છે. મોટાભાગની વ્યક્તિઓ એ સમજવામાં નિષ્ફળ જતી હોય છે કે પ્રોત્સાહન અને પરિશ્રમ એ બંને અલગ બાબતો છે. માત્ર પ્રોત્સાહિત થવામાં ગાડી ગિયરમાં નાખ્યા વગર એક્સિલેટર આપવાની વાત છે, સરવાળે જતા ક્યાંય નથી પણ ઘોંઘાટ ચાલુ! મોટિવેશનલ વિડીયો હોય, વક્તવ્ય હોય કે વાંચન, જો એ પૂરું થયા પછી તમે એ બાબતનું ચિંતન ના કરી શકવાના હોવ તો વ્યર્થ છે. તમને એટલી સમજણ પડવી જ જોઈએ કે આ ઉદ્દીપન છે, પૂર્ણ રાસાયણિક પ્રક્રિયા નથી અને પરિણામ પૂર્ણ રાસાયણિક પ્રક્રિયાનું હોય છે, ઉદ્દીપન તો એક ધક્કો છે. જે વ્યક્તિઓ પ્રોત્સાહનને જ પૂર્ણ પ્રક્રિયા સમજતા હોય છે તે માત્ર એને જ વળગી રહેતા હોય છે, જ્યાં મળે અને જ્યાંથી મળે ત્યાંથી પ્રેરણાઓ ભેગી કરવાની પરંતુ પરિશ્રમના નામે કઈ નહીં કરવાનું! આવી વ્યક્તિઓ માટે મોટિવેશનલ વિડીયો કે વક્તવ્યો મનોરંજનથી વિશેષ બીજું કઈ નથી. મોટિવેશન, પ્રેરણા, પ્રોત્સાહન, જે કહો તે, ત્યારે જ સફળ થાય જયારે તમે માનતા હોવ કે તમારામાં ક્ષમતા છે પરંતુ તમારે એક ધક્કાની જરૂર છે. અહીં તમારી પોતાની માન્યતા બહુ જરૂરી છે, આગળ વધવા માટે બીજાની તમારા માટેની માન્યતાઓ કામ નથી લાગતી.

સમજાય તો વાત્ત સ્પષ્ટ છે કે અન્યની સફળતાઓની કહાની તમારી આવતીકાલ ના બદલી શકે. તમારું ભવિષ્ય બદલવા માટે પ્રેરણાત્મક વાતોનું મનન-ચિંતન કરવું પડે અને તેને તમારા જીવનના સંદર્ભમાં કેવી રીતે ઉપયોગમાં લઇ શકાય તે સમજવું પડે. આ બધું જ ઉદ્દીપન છે, જાતમાં જુસ્સો જગાવવાના કીમિયા છે પરંતુ સરવાળે તો જાતે જ જાતને પ્રોત્સાહિત કરવાની છે. અંદર કઈં કરવાની ધગશ હશે તો આ બધું કામનું છે, બાકી એના વગર ખાલી એક્સિલેટર આપવાની વાત છે, ખાલી ગતિ વગરનો ઘોંઘાટ! વ્યક્તિઓની ઉપલબ્ધીઓ આપણને આસાનીથી દેખાય છે પરંતુ તેને મેળવવા માટે કરેલો પરિશ્રમ તો એ બાબતનું ચિંતન કર્યા પછી જ સમજાય છે. ઉપલબ્ધીઓ પાછળનો પરિશ્રમ સમજ્યા વગર પ્રોત્સાહિત થઇ જતા લોકોનો જુસ્સો ખાલી દેખાવ પૂરતો હોય છે. તેનાથી જીવનમાં બદલાવ લાવવો શક્ય નથી હોતો. જીવનમાં સાચા અર્થમાં પ્રોત્સાહિત થવા માટે આ એક પાયાની સમજ છે, બાકી બધું મનોરંજન છે.

પૂર્ણવિરામ

સવારે પાંચ વાગે ઉઠવાના ફાયદા વાંચવામાં એવો ઉજાગરો કર્યો કે સાંજે પાંચ વાગે આંખમાંથી ઊંઘ ઉડી!


Google NewsGoogle News