Get The App

હવેના સમયમાં અધીરાઈ જ માનસિક આરોગ્યમાં રૂકાવટ બનશે

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
હવેના સમયમાં અધીરાઈ જ માનસિક આરોગ્યમાં રૂકાવટ બનશે 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- સમયની બદલાયેલી ઝડપે, ઉપલબ્ધ ટેકનોલોજીએ અને આપણી આસપાસના ધંધાકીય માહોલે રાહ જોવાની વૃત્તિ અને રાહ જોવાની ક્ષમતા બંનેનું નિકંદન કાઢી નાખ્યું છે

'અ મારા જમાનામાં તો રસોઈયાઓ આખી રાત રસોઈ કરતા, સીધું સામાન પણ અમે લાવી આપતા. કુટુંબના દરેક પ્રસંગોમાં રસોડાની જવાબદારી અમુક સભ્યોના શિરે જ હોય, જે આ સંચાલન માટે કોઠાસૂઝ ધરાવતા હોય' એક બાજુ વડીલ આ વાત કરતા હતા અને બીજી બાજુ, સંગીત સંધ્યામાં કરવાના પરફોર્મન્સની પ્રેક્ટિસમાંથી બ્રેક લઈને નવી અને વચલી પેઢી નાસ્તો કરી રહી હતી. કૌટુંબિક પ્રસંગો કે મેળાવડાઓમાં વૃદ્ધો પાસે પોતાનો વીતેલો સમય વાગોળવા સિવાય કોઈ વાતો ના હોય તે સમજી શકાય એવી બાબત છે, પરંતુ ઇવેન્ટ મેનેજમેન્ટવાળી પેઢીને એમની આ વાતોમાં કેટલો રસ પડે એ રામ જાણે ! પણ એક વાત નક્કી છે, એ પેઢી પાસે વાગોળવા જેવો જેટલો ભૂતકાળ છે એટલો કદાચ આજની પેઢી પાસે નહીં ઉભો થાય ! આ વાતના સમર્થનમાં આપી શકાય એવા અનેક કારણો છે પરંતુ સૌથી મોટું કારણ સમયની સાપેક્ષ ગતિમાં આવેલો બદલાવ છે. એક કાળમાં ગોકળગાયની ગતિએ ચાલતો સમય આજે અનેકગણી ઝડપ પકડી ચુક્યો છે. પદંર-વીસ દિવસે વિદેશ પહોંચતો કાગળ આજે આંખના પલકારામાં પહોંચી જાય છે. મઝાની વાત એ છે કે સમયનું માપ એ જ રહ્યું હોવા છતાં એની ઝડપ બદલાઈ ગઈ છે, એ પેઢી માટે ધીમે વીતતો સમય, આજની પેઢી માટે અનેકગણી ઝડપે વીતી રહ્યો છે. એ સમયે ચોવીસ કલાકમાં વીતેલી ઘટનાઓ કરતા આજના સમયે ચોવીસ કલાકમાં ઘણી વધારે ઘટનાઓ વીતી જતી હોય એવું લાગે છે, થેન્કસ ટુ ઇન્ફર્મેશન ઓવરલોડ, મલ્ટીટાસ્કીંગ એન્ડ નેટવર્કિંગ ! સ્વાભાવિક છે એક બાબત, ઘટના કે પ્રસંગ યાદગીરીમાં પ્રસ્થાપિત થાય એ પહેલા જ મગજ પર બીજી અનેક એક્ચ્યુઅલ કે વર્ચ્યુઅલ બાબતોનો મારો ચાલે કે ભવિષ્યમાં વાગોળી શકાય કે વાગોળીને માણી શકાય એવું કંઈ મનમાં સંગ્રહિત જ ના થાય ! અનેક રસોઈયા રસોઈ બગાડે એમ અનેક બાબતો, એક બાબતને દ્રઢ ના થવા દે.

સમયની આ બદલાયેલી ગતિએ સૌથી વધુ નુકશાન આપણી ધીરજને કર્યું છે. એક જમાનામાં લેન્ડલાઈન ફોનના જવાબ માટે દિવસો રાહ જોતો માણસ આજે મોબાઈલ ના ઉપડે તો ઉપરાઉપરી ફોન ઠોકતો થઈ ગયો છે. એની અધીરાઈએ એટલી પણ કોમનસેન્સ ગુમાવી દીધી છે કે સામેવાળી વ્યક્તિ વોશરૂમ પણ ગઈ હોય, વોશરૂમ જઈને આવો ત્યાં ત્રણ મિસકોલ ઠોકી દીધા હોય !! મેસેજ કરે અને તરત જવાબ ના આપો તો પ્રશ્નાર્થ ચિહ્ન ચોંટાડી દે. તમારે ફોન ઉપાડવા કે તરત જવાબ આપવા સિવાય બીજા પણ કામ હોય એવી સાદી સમજ પણ ઘણા લોકોએ આ અધીરાઈને કારણે ગુમાવી દીધી છે. આ તો રોજિંદા ઉદાહરણ છે પરંતુ આપણી અધીરાઈ તો દરેક બાબતમાં વત્તે-ઓછે અંશે જોવા મળે છે.

હમણાં જ દિવાળી ગઇ એટલે મને યાદ આવ્યું કે એક જમાનો હતો કે લોકો પોતાની અનેક ઇચ્છાઓ પુરી કરવા દિવાળીની રાહ જોતા. દિવાળીમાં ફ્રીઝ લેવાનો મનસૂબો ફેબુ્રઆરીમાં ઘડાતો, બચતનું આયોજન થતું અને દિવાળીએ સપનું સાકાર થાય. ફ્રીઝ ઘરમાં આવે અને દર કલાકે બરફ જામ્યો કે નહીં એ જોવા ફ્રીઝ ખોલ-બંધ કરવાની તાલાવેલી આજે સમજાવી શકાય ?! આજે આવું શક્ય છે ?! કોઈ વસ્તુની રાહ જોવાની છે આટલી ધીરજ ?! આજે તો ચા પીતા પીતા વિચાર આવે કે ફ્રીઝ લેવું છે, તો ચા પુરી કરીને સીધા દુકાનમાં અને કલાકમાં ફ્રીઝ ઘરે ! ના આયોજનની માથાકૂટ કે ના પૈસાની ચિંતા, સરળ હપ્તા ઝિંદાબાદ ! એમને તો તમને પધરાવવું જ છે. તમને પૈસાની પણ ચિંતા કરવા દેવી નથી. તમતમારે કશી'ય ચિંતા કર્યા વગર અત્યારે લઈ જાવ, પછી ભલે હપ્તા ભરતી વખતે રાતની ઊંઘ હરામ થતી ! સમયની ઝડપે તમને અધીરા બનાવ્યા અને એમાં લોનની સવલતોએ બળતામાં ઘી હોમ્યું, હવે રાહ જુએ એ બીજા. અને હવે તો રાહ જોવી એને પણ લોકો મુર્ખામી ગણે એવો માહોલ થઈ ગયો છે, કોઈને તમે કહો કે આવતી દિવાળીએ તમારે કાર લેવી છે તો એ તમારા માનસિક સંતુલન પર સંદેહ કરવા માંડે. એમાં હવે તો નવું આવ્યું છે, બીએનપીએલ ! બાય નાઉ, પે લેટર !! આજે લઈ જાવ,પૈસા ક્યાં જવાના છે, એ તો અમે વ્યાજ સાથે પણ લઈ લેશું ! લોન, ક્રેડિટ કાર્ડ કે બીએનપીએલ જેવી સવલતોએ મોટાભાગના લોકોની માનસિકતાને જબરદસ્ત નુકસાન પહોંચાડયું છે. એક સમય હતો કે કોઈપણ મોટી ખરીદી માટે આગોતરું આયોજન કરવું પડતું.

 આ આયોજન તમને બચત કરતા, ધીરજ રાખતા અને એ દરમ્યાન સપના જોતા શીખવતું. જેમ કે, તમારે સ્કૂટર લેવું હોય તો તેના માટે પૈસા બચાવવા પડે, પૂરતી મૂડી ઉભી થાય ત્યાં સુધી ધીરજ રાખવી પડે અને એ ગાળામાં સ્કૂટર આવ્યા પછીના જીવનના સપના આંખોમાં રોજ આવીને પડે ! આજે આમાનું કંઈપણ કરવાનું નથી, માત્ર વિચાર આવે એટલે અમલ જ કરવાનો છે, બચત કરવાની કે ધીરજ રાખવાની જરૂર જ ક્યાં છે ?! સરવાળે, ના જોઈતા ખર્ચાઓ, ગજા બહારની ખરીદીઓ, હપ્તાઓ- વ્યાજ ચૂકવવા માટે દોડાદોડ અને ના જોઈતો સ્ટ્રેસ-તણાવ.

આ તો એક નાનકડું ઉદાહરણ હતું પરંતુ એમાંથી તારવવા જેવી મોટામાં મોટી વાત એ છે કે સમયની બદલાયેલી ઝડપે, ઉપલબ્ધ ટેકનોલોજીએ અને આપણી આસપાસનાં ધંધાકીય માહોલે રાહ જોવાની વૃત્તિ અને રાહ જોવાની ક્ષમતા બંનેનું નિકંદન કાઢી નાખ્યું છે. જીવન જીવી લેવા, પ્રત્યેક ગમતી વસ્તુને મેળવી લેવા અને દરેક મઝાને માણી લેવા રઘવાયા બનેલા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. બધાને બધું જ જોઈએ છે અને તે પણ હમણાં જ અત્યારે જ ! નાની નાની બાબતોમાં અધીરા બની જતા આ લોકોમાં, રઘવાટ અને તેમાંથી ઉભો થતો અજંપો, એન્ગઝાઈટી રોગનું રૂપ લઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં એન્ગઝાઈટી ડિસઓર્ડર્સના રોગીઓ વધી રહ્યા છે તેની પાછળ લોકોની રાહ જોવાની વૃત્તિ અને ક્ષમતામાં થયેલ આ ઘટાડો છે. ઉપરાંત, અધીરાઈને કારણે લોકો નાસીપાસ પણ ઝડપથી થાય અને તેથી જ યુવાનોમાં હતાશાનું પ્રમાણ વધી રહ્યું છે. આ વાત સમજાય તો ખબર પડશે કે હવેના સમયમાં આપણી અધીરાઈ જ આપણા માનસિક આરોગ્યમાં સૌથી મોટી ગરબડ ઉભી કરશે. જો જીવનમાં માનસિક સમૃદ્ધિ (સાયકોલોજીકલ રીચનેસ) પ્રાપ્ત કરવી હશે તો અધીરાઈ ઉપર કાબુ મેળવીને ધીરજના પાઠ નવેસરથી ભણવા પડશે અને તે માટે સમય સાથે તમારા મનનું સંતુલન નવેસરથી સાધવું પડશે.

પૂર્ણવિરામ :

ધીરજ એટલે એક મિનિટમાં પુરી એક મિનિટ જીવવાનો અનુભવ અને અધીરાઈ એટલે એક મિનિટમાં ચાર મિનિટ જીવવાનો રઘવાટ !


Google NewsGoogle News