Get The App

હું મારી જાતને પ્રેમ કરું છું એટલે પોતાની સાથે લગ્ન કરું છું...

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
હું મારી જાતને પ્રેમ કરું છું એટલે પોતાની સાથે લગ્ન કરું છું... 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- અન્યને સહેલાઈથી માફ કરી શકતી વ્યક્તિઓ પણ પોતાની જાતને સહજતાથી માફ નથી કરી શકતી. માટે જ, અન્યના સંગ કરતા પોતાની જાતનો સંગ કરવો વધુ મુશ્કેલ હોય છે.

ક્યા રેક વાસ્તવિકતા ફિક્શન(કાલ્પનિક) કરતા વધુ રોમાંચક સાબિત થતી હોય છે, હમણાં આવા એક રસપ્રદ સમાચાર વાંચવામાં આવ્યા. પોતાની જાત સાથે લગ્ન(સોલોગેમી) કરીને છાપાઓમાં હેડલાઈન્સ બનાવનારી બ્રાઝિલિયન ઇન્ફ્લુએન્સર અને મોડેલ સુલેન કેરી એક વર્ષના લગ્નજીવન બાદ ફરી સમાચારોમાં ચમકી છે. તેણે પોતાનાથી છૂટછેડા લેવા અરજી દાખલ કરી છે! 'ગાંડાના કંઈ ગામ ના વસે' મારા દાદીમા અત્યારે જીવિત હોત તો આ સમાચાર વાંચીને ચોક્કસ આ કહેવત બબડયા હોત! લગભગ એકાદ વર્ષ પહેલા, પોતાની જાત સાથેનું આ યુવતીનું લગ્ન લોકોએ સ્વ-પ્રેમ અને સ્વતંત્રતાનું પ્રતિક ગણાવતા બિરદાવ્યું હતું. પરંતુ એક જ વર્ષમાં જાણે સ્વ-પ્રેમ હવા થઈ ગયો અને સ્વતંત્રતાનો ઓળો ઓઢીને બેઠેલી એકલતા પીડવા માંડી. એના કહેવા પ્રમાણે, જાત સાથે લગ્ન કરવાનો તેનો નિર્ણય ખોટો હતો અને તે એનાથી ખુશ નહતી. પોતાની પાસે તેને ખુબ અપેક્ષાઓ હતી પરંતુ તે એને પુરી ના કરી શકી. પોતાની જાત સાથે સંઘર્ષ કરતા તે થાકી ગઈ છે અને એકલતા તેને પીડી રહી છે. આ સંજોગોમાં તેણે પોતાની જાત સાથેના આ બંધનથી મુક્ત થવાનો નિર્ણય લીધો. સાથે સાથે આ બેનને એવું જ્ઞાાન પણ લાધ્યું કે જીવનમાં કોઈપણ નિરર્થક ચક્કરને સમાપ્ત કરવાનો નિર્ણય લેતા આવડવું જોઈએ, ખાસ કરીને સહજીવનમાં. અહેવાલો અનુસાર, પોતાની જાત સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લેતા પહેલા, સુલેન તેની સોલોગેમીમાં જે પડકારોનો સામનો કરી રહી હતી તે સમજવા માટે તેણે દસ થેરાપી સેશનમાં હાજરી આપી હતી. તેણે પોતાની લાગણીઓને સમજવાનો પ્રયાસ કર્યો અને સમસ્યાઓ હલ કરવા માટે કામ પણ કર્યું. પરંતુ તેને આખરે સમજાયું કે તેણે આ લગ્ન સમાપ્ત કરવાની જરૂર છે, પોતાને સાજા કરવામાં અને જીવનમાં આગળ વધવામાં આ નિર્ણય જ મદદ કરશે. સુલેન માટે જાત સાથેનું આ સહજીવન મુશ્કેલ રહ્યું હોવા છતાં, તેનો આ સોલોગેમીનો અનુભવ પોતાના માટે અત્યંત મહત્વપૂર્ણ માને છે કારણ કે પોતાને સાજા કરવામાં અને વધુ સારી રીતે સમજવામાં એ ખુબ મદદરૂપ રહ્યો. હવે, તે તેના જીવનમાં નવા પ્રેમ સંબંધને આવકારવા અને સ્વીકારવા તૈયાર છે.

ના તો જાત સાથે લગ્ન કરવાની આ ઘટના પહેલી હતી કે ના છુટા પડવાની આ ઘટના પહેલી છે. અનેક લોકોએ વિવિધ કારણોસર પોતાની જાત સાથે લગ્ન કરીને સોલોગેમીનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોેથી ઉભો કર્યો છે. લોકો જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરે છે, હું મારી જાતને પ્રેમ કરું છું એટલે પોતાની સાથે લગ્ન કરું છું - જેવા સ્ટેટમેન્ટ સાથે પોતાની જાત સાથે લગ્ન કરનાર સોફી મૌર નામની યુવતી તો ચોવીસ જ કલાકમાં પોતાની જાતથી કંટાળીને ડિવાર્સ લેવાનાં નિર્ણય પર આવી ગઈ હતી. ફંફોસવા બેસીએ તો આવા અનેક કિસ્સાઓ જડી આવશે પરંતુ તેમાંથી તારવવાનું સત્ય એક જ છે કે જેમ આપણને અન્ય સાથે વાંધા હોય છે તેમ જાત સાથે પણ વાંધા હોય છે. મારી દ્રષ્ટિએ તો અન્ય કરતા જાતનો સંગ વધુ પરિપક્વતા માંગી લે છે કારણ કે અન્યને સહેલાઈથી માફ કરી શકતી વ્યક્તિઓ પણ પોતાની જાતને સહજતાથી માફ નથી કરી શકતી. માટે જ, અન્યના સંગ કરતા પોતાની જાતનો સંગ કરવો વધુ મુશ્કેલ હોય છે. જેમ સંબંધોમાં સમયની સાથે પ્રેમ લુપ્ત થતો જાય છે તેમ જાત પ્રત્યેનો પ્રેમ પણ મોળો પડી શકે છે. આ સંજોગોમાં ભીતર ખાલીપો ઘેરી વળે એમ પણ બને અને વ્યક્તિ જો આ ખાલીપાનો રચનાત્મક ઉપાય ના શોધી શકે તો તેને એકલતામાં ફેરવાતા વાર ના લાગે. જો પ્રામાણિકતાથી સ્વીકારીએ તો અન્ય કરતા જાત સાથે સ્વસ્થ સંબંધો જાળવવા અઘરા છે. 'હું જેવો છું, તેવો છું' તેવું કહેતા ફરતા લોકોને પણ અંદરખાને જાત સામે ઘણા વાંધા હોય છે અને તે સંજોગોમાં જાત સાથેનો એકાંત એકલતા બનીને પીડવા માંડે તો નવાઈ નહીં. આવા લોકોની એકલતાના તે પોતે એકમાત્ર સાક્ષી હોય છે.

મૂળમાં આખી વાત તો સ્વીકૃતિની છે, ક્યાંક તમને કોઈ જીવનસાથી તરીકે સ્વીકારી નથી શકતું અથવા તમે કોઈને જીવનસાથી તરીકે સ્વીકારી નથી શકતા અને કદાચ બંને સંજોગોમાં ઉત્પન થતા ઉચાટથી બચવા મનની આ એક બચાવવૃત્તિ હોય એવું કહીએ તો ખોટું નથી. સમજાય તો આવા કિસ્સાઓ ટાંકવાનો ઉદ્દેશ માત્ર એટલો જ છે સંબંધ અન્ય સાથેનો હોય કે પોતાની જાત સાથેનો હોય, એને ટકાવવા અને વિસ્તૃત કરવા ઘણા સમાધાન કરવા પડે છે. સાથીને સ્વીકારવો પડે છે તેમ જાતને પણ સ્વીકારવી પડે છે. એક સોલોગેમિસ્ટે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'હું મારી જાતને જેટલી ખુશ રાખી શકીશ એટલી અન્ય કોઈ નહીં રાખી શકે એટલા માટે મેં જીવનસાથી તરીકે મારી જાતને પસંદ કરી છે. આમ પણ હું એકાંતપ્રિય વ્યક્તિ છું' મને ખબર નથી આ બેનનું પછી શું થયું, હજુ તેમનું લગ્ન હયાતીમાં છે કે છૂટાછેડા થઈ ગયા પરંતુ પોતાની જાતને જીવનસાથી તરીકે પસંદ કરવા પાછળનો તેમનો તર્ક મેલોડ્રામેટિક હતો.

વાસ્તવિકતા તો એ છે કે કોઈપણ સંબંધમાં જાતને ખુશ રાખવાની જવાબદારી તો પોતાની જ હોય છે. જ્યારે તમે આ જવાબદારી અન્યના શિરે સોંપો છો ત્યારે તમારા મનમાં અપેક્ષાઓનો ઢગલો ઊભો થવા માંડે છે અને આ ઢગલા ઉપર તો દુ:ખ આસન જમાવીને બેસી જાય છે! અને, એકાંત માણવા માટે શરીર અને મન સ્વસ્થ હોવું જરૂરી છે, બાકી એકાંતને એકલતામાં બદલાઈ જતા વાર નથી લાગતી.

પૂર્ણવિરામ : 

મોનોગેમી એટલે એક જ વ્યક્તિના થઈને રહેવું, પોલીગેમી એટલે એકથી વધારેની વચ્ચે વહેંચાઈ જવું અને સોલોગેમી એટલે માત્ર પોતાના થઈને રહેવું!


Google NewsGoogle News