Get The App

મન સુખના પાડ કરતા દુ:ખની ફરિયાદ વધુ જોરથી કરે છે

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
મન સુખના પાડ કરતા દુ:ખની ફરિયાદ વધુ જોરથી કરે છે 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- ભૂતકાળ કે ભવિષ્યકાળના ચિંતનમાં મન જેટલું અશાંત રહેતું હોય છે તેટલું વર્તમાનના ચિંતનમાં નથી રહેતું

'શું તકલીફ છે ?' મેં દર્દી તરીકે જેમનું નામ હતું એમને, રૂટિન ઓપનિંગ પ્રશ્ન પૂછ્યો. 'એમને ક્યાં કોઈ તકલીફ છે, તકલીફ તો અમને છે' એમની સાથે આવેલા સગાએ કહ્યું 'જૂનું-નવું કશું યાદ રહેતું નથી, મનમાં આવે તેમ ગમે તેવું વર્તન કર્યા કરે છે અને પૂછીએ કે આવું કેમ કરો છો તો કહે છે મેં ક્યાં કંઈ કર્યું છે ?!'

સગા પોતાની અકળામણ ઠાલવી રહ્યા હતા અને એમના ચહેરા પર જાણે બીજા કોઈની વાત થઈ રહી હોય તેવી શાંતિ છવાયેલી હતી. મેં એમની તરફ જોઈને ફરી પૂછ્યું 'શું તકલીફ છે?'

જવાબમાં એમણે મંદ હાસ્ય સાથે હાથ ઊંચો કરતાં કહ્યું 'મજા છે' અને પછી બેફિકરાઈથી બારીની બહાર જોવા માંડયા.

આધેડ વયના એ ભાઈ 'ડિમેન્શિયા'થી પીડાતા હતા. આ રોગના કારણે યાદ શક્તિ અને વિચારવાની ક્ષમતા ગુમાવી બેઠા હતા. સગાઓની પરેશાની કે અકળામણથી સાવ બેખબર જાણે પોતાની જ મસ્તીમાં હતા અને તે બાબત સગાઓને વધુ અકળાવી રહી હતી, એકાદ જણે તો પૂછી પણ લીધું કે જાણી જોઈને તો નથી કરતા?!!

મારું રોજીંદું કામ કર્યા પછી દિવસ દરમ્યાન જોયેલા કેટલાક જટિલ કિસ્સાઓ પર હું મનન કરતો હોઉં છું. આજે આ કિસ્સા પર મનન કરતા મને થયું કે એમની મસ્તી તો સ્વાભાવિક જ હતી, હવે યાદ શક્તિ જ ના રહી એટલે ભૂતકાળની તો કોઈ વાત યાદ આવે નહીં અને હમણાં વિચારેલું થોડા સમયમાં ભુલી જાય એટલે ભવિષ્યના વિચારો કે ચિંતા થાય નહીં ! ના વીતી ગયેલી ક્ષણોનો અફસોસ અને ના આવનારી પળોની ચિંતા, એકદમ રિલેક્સડ્, દુ:ખ, અફસોસ, અપરાધભાવ, ભય, ચિંતા વગેરે ભૂતકાળ કે ભવિષ્યકાળ સાથે જોડાયેલી રહેતી લાગણીઓ વગર મનને વર્તમાનમાં સ્થિર કરવું અને રાખવું સહેલું છે. આ સંદર્ભમાં એમને જવાબ 'મજા છે'એ સમજાય એવો હતો. જો તમે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં નથી તો તમે વર્તમાનમાં છો અને તમે વર્તમાન તો ભૂતકાળ કે ભવિષ્યકાળના સંદર્ભ વગર હળવાશથી ભરેલો જ હોય છે. તેમની મસ્તી-બેફિકરાઈ સમજી શકાય એવી છે. બીજા દ્રષ્ટિકોણથી મુલવીએ તો એ સંપૂર્ણ વર્તમાનમાં જીવે છે, જે ઘટી રહ્યું છે તે અનુભવાય છે, બાકી બધું જાણે તદ્દન અજાણ્યું-'માઈન્ડફુલ'!!! તમારે તત્કાલ હળવાશ અનુભવવી હોય તો વર્તમાનમાં સ્થિર રહેવું પડે જેને આપણે માઈન્ડફુલનેસ કહીએ છીએ, આ ભાઈ કુદરતી રીતે જ વર્તમાનમાં હતા. અલબત્ત, આને માઈન્ડફુલનેસ ના કહેવાય કારણ કે એ વર્તમાનમાં ભલે હોય પરંતુ હોશ કે જાગૃતિમાં નથી.

વાતનો મર્મ એટલો જ છે કે મનને વર્તમાન ગોઠતું નથી, એનું ખેંચાણ ભૂતકાળ કે ભવિષ્યકાળ તરફ જ હોય છે. વર્તમાનના ચિંતનમાં મન જેટલું શાંત રહી શકે છે તેટલું ભૂતકાળ કે ભવિષ્યકાળના ચિંતનમાં નથી રહી શકતું. ભય, અફસોસ, હતાશા, દુ:ખ, આક્રોશ, અણગમો, અપરાધ ભાવ વગેરે નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન કરવામાં તમારી યાદશક્તિ અને તેનાથી પણ વધુ સ્મરણશક્તિ મહત્વનો ભાગ ભજવે છે. તમને થશે કે યાદશક્તિ અને સ્મરણશક્તિ તો એક જ ના થઈ ?! ના, બંને વચ્ચે ફેર છે. એક જ વાત કે ઘટનાને વારંવાર એક લૂપમાં યાદ કર્યા કરવાની ક્રિયાને સ્મરણ કહેવાય. સ્મરણ એક ટેવ કે આદત છે, જે કોઈ બાબત અવારનવાર વિચારીને આપણે ઉભી કરી હોય છે. યાદ રાખેલું ભૂલાઈ જાય એમ બને પરંતુ સ્મરણમાં રાખેલું જલ્દી ભૂલાતું નથી અને માટે જ ધર્મગુરુઓ નામ-સ્મરણને મહત્વ આપતા આવ્યા છે. વાતને વાગોળ્યા કરીને આપણે ભૂતકાળની દુ:ખદ યાદો કે ભવિષ્યની ચિંતાઓને સ્મરણમાં ફેરવતાં હોઈએ છીએ, સરવાળે આ સ્મરણ બેકગ્રાઉન્ડ વિચારો બનીને મગજમાં ચાલ્યા કરતા હોય છે અને મગજને અશાંત, દુખી કે ચિંતિત રાખતાં હોય છે. તમને થશે કે માત્ર દુ:ખદ યાદો કે ભવિષ્યની ચિંતાઓ જ કેમ હોય સુખદ યાદો કે ભવિષ્યના આયોજન ના હોય ?! ચોક્કસ હોય પરંતુ મન એવું અવળચંડુ છે કે સુખને અવગણીને દુ:ખમાં વધુ રસ લે છે, સુખની કૃતજ્ઞાતા કરતા દુ:ખની ફરિયાદ અનેકગણી વધુ તીવ્રતાથી કરતું રહેતું હોય છે. એજ રીતે ભવિષ્યના આયોજનની સરખામણીએ ભવિષ્યની અનિશ્ચિતતા કે અસલામતી મનને વધુ મુંઝવે છે જેથી આયોજનની આવડત કરતા અસલામતીનો ડર મન પર વધુ પકડ જમાવીને બેસે છે. સ્વાભાવિક છે આ સંજોગોમાં સ્મરણ દુ:ખ અને ચિંતાનું જ વધારે થાય. સમય વીતે, તમારા મનને પણ આવા સ્મરણથી મનની નકારાત્મક અવસ્થાઓની આદત પડી જતી હોય છે અને તેના વગર મન ખાલીપો અનુભવતું હોય છે. સુખી થવાથી પણ ડર લાગે કે ચિંતા-રહિત રહેવાથી જાણે મનમાં સન્નાટો છવાઈ જાય ! પરિણામે, અગાઉના લેખોમાં ચર્ચા કરી એમ મન બદલાવથી અસલામતી અનુભવતુ હોય છે, તેનો વિરોધ કરતું હોય છે.

મનના સ્વભાવની નવમી લાક્ષણિકતા, મનને વર્તમાન ગોઠતું નથી. એનો રસ ભૂતકાળ કે ભવિષ્યકાળના વિચારોમાં હોય છે. ધ્યાનની પ્રક્રિયા વર્તમાનમાં રહેવાની પ્રક્રિયા છે. મન પોતાની લાક્ષણિકતા પ્રમાણે વીતેલા સમયમાં કે આવનાર સમયમાં ભટકતું રહે છે અને ધ્યાનીએ તેને વર્તમાનમાં સ્થિર કરવાનો મહાવરો કરતા રહેવું પડે છે.

પૂર્ણવિરામ 

ભૂતકાળ અનુભવોમાંથી શીખવા માટે, વર્તમાન સ્વસ્થતાથી જીવવા માટે અને ભવિષ્ય આશાવાદી બનવા માટે હોય છે.


Google NewsGoogle News