Get The App

નિવૃત્તિ એ વિસ્મૃતિમાં અદ્રશ્ય થઈ જવાની વાત નથી

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
નિવૃત્તિ એ વિસ્મૃતિમાં અદ્રશ્ય થઈ જવાની વાત નથી 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- જેમણે જીવનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે તેઓ જીવનનો અનુભવ અલગ રીતે કરે છે. તેમના માટે, પદ છોડવું એ નુકસાન નથી, તે એક સંતોષ છે, એક પ્રકારની મુક્તિ છે

સ વાર સવારમાં હું હીંચકે બેસીને ચાની ચૂસકી લેતો હતો. મારી પત્ની બાજુમાં બેસીને છાપાના પાના ફેરવતી હતી, ને અચાનક એ મોટેથી હસી પડી! મને થોડું આશ્ચર્ય થયું કે આજકાલના અખબારો, તેમની ગંભીર હેડલાઇન્સ સાથે, ભાગ્યે જ તમારા ચહેરા પર સ્મિત લાવે છે, એમાં વળી આવું હાસ્ય ક્યાંથી આવે?! કુતૂહલતાવશ મેં પૂછયું, 'આટલું હસવા જેવી શું વાત છે?!' જવાબમાં તેણે હસતા હસતા એક સમાચાર તરફ ધ્યાન દોર્યું, 'રામલીલામાં રાવણે મરવાની ના પાડીને રામ પાછળ તલવાર લઈને દોટ મૂકી!'

સ્વાભાવિક રીતે જ દશેરાના બીજા દિવસે ચમકેલા આ સમાચાર રસપ્રદ હતા, આપણે બધા જ જાણીએ છીએ કે રામલીલામાં અંતે રાવણે મરવાનું હોય છે. અભિનેતાઓ અને પ્રેક્ષકો, બંનેને આ પ્રકારના અંતની સમજ સ્પષ્ટ જ હોય છે. પરંતુ, આ રામલીલામાં તો રાવણની ભૂમિકા ભજવનાર અભિનેતા તેના અદભૂત અભિનય માટે પ્રેક્ષકોની પ્રશંસાથી એટલો વહી ગયો હતો કે તેણે મરવાની જ ના પાડી દીધી! સ્ક્રિપ્ટ મુજબ, રામના તીરોને દયાથી વશ થવાને બદલે, તેણે તલવાર સાથે સ્ટેજની આસપાસ રામનો પીછો કરવાનું શરૂ કર્યું. બઘવાયેલા નિર્માતાએ તેમને વારંવાર સ્ક્રિપ્ટને વળગી રહેવાની સૂચના આપી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. કદાચ રામલીલાના ઈતિહાસમાં પ્રથમ વખત, રામલીલા રાવણના વધ વગર અને રામની જીવ બચાવતી ભાગાદોડીમાં સમાપ્ત થઈ હશે!

આ રમુજી પ્રસંગ વાંચ્યા પછી મારા મનમાં વિચારોનો નવો જ ફણગો ફૂટયો. આ તો એક મામૂલી કલાકારના મોહની વાત હતી પરંતુ આ એક માનવ-સહજ મનોવૃત્તિ નથી?! સફળતા, સામર્થ્ય કે સત્તાના નશામાં સમય આવે પદ છોડવા કે બાજુ પર થવા તૈયાર ના હોય એવા અનેક લોકો આપણી આજુબાજુ નથી?! મગજ શક્તિ ગુમાવી બેઠેલા રાજકારણીઓ સત્તા છોડવા તૈયાર નથી. પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયા પછી પણ ખેલાડીઓ નિવૃત્ત થવા તૈયાર નથી, ઉંમરને ના શોભે એવા રોલ ભજવવા ગાંડપણની હદે પહોંચી ગયેલા અભિનેતાઓ અહીં નથી?! ઉદાહરણ તરીકે ભલે આપણે મોટા માણસની વાત કરીએ પરંતુ નાનામાં નાનો માણસ પણ જીવનના આ ખેલમાંથી એક્ઝિટ લેવા માંગતો નથી. સત્તા, પ્રશંસા, ઉપલબ્ધિઓ અનિશ્ચિત સમય માટે ચાલુ રહે એ માટે તલવાર વીંઝયે જાય છે. સમજાય તો એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે રામલીલાની જેમ દરેક જીવનની પણ પોતાની સ્ક્રિપ્ટ છે. જ્યારે તમે કોઈ ભૂમિકા માટે સાઇન અપ કરો છો - પછી ભલે તે તમારી કારકિર્દીમાં હોય, તમારા સંબંધોમાં હોય અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં હોય- ત્યારે તમે સમય આવે સ્પષ્ટપણે બાજુ પર જવા માટે પણ સંમત થાઓ છો. જ્યારે આપણે આ ભૂલીએ છીએ ત્યારે મુશ્કેલી શરૂ થાય છે. આપણા અધ્યાયના અંતને ઓળખવાને બદલે, આપણે તાળીઓના ગડગડાટમાં ડૂબી જઈએ છીએ અને ભૂલી જઈએ છીએ કે આકર્ષક રીતે બહાર નીકળવું, દમદાર એક્ઝિટ લેવી એ પણ એક ભવ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશવા જેવી ગૌરવપૂર્વક વાત છે. ઉપનિષદમાં નિર્દેેશિત વાનપ્રસ્થનો કન્સેપ્ટ ગૌરવપૂર્ણ નિવૃત્તિનો જ કન્સેપ્ટ નથી?! યાદ રહે આ નિવૃત્તિ એટલે વિસ્મૃતિમાં અદ્રશ્ય થઈ જવાની વાત નથી પરંતુ મુખ્ય પાત્ર બન્યા વિના વાર્તાના એક ભાગ બનીને રહેવાની વાત છે. યુવાનોને માર્ગદર્શન આપવું, બાજુમાંથી શાણપણ આપવું - તે પણ એક ભૂમિકા છે, અને નિર્ણાયક ભૂમિકા છે.

ગૌરવપૂર્ણ નિવૃત્તિની વાત કરતા હવે મારા મનમાં એક વધુ મોટું સત્ય ધ્યાનમાં આવે છે, અને તે એ છે કે ક્યારે પાછા ડગલાં ભરવાની કે કેન્દ્રથી બાજુ પર જવાની શરૂવાત કરવી એ જાણવું, આવનારી પેઢી માટે જગ્યા બનાવવાનો સમય ક્યારે આવી ગયો છે તે જાણવું. જીવનનું નગ્ન સત્ય એ છે કે સમાચારના રાવણની જેમ એક્ઝિટ લેવાની ના પાડીને અવિરત દોડતા રહેવું એ કોઈપણ મનુષ્યની નિયતિ નથી. ઘણા આકસ્મિક રીતે અજાણતા જ સ્ટેજ પરથી અદ્રશ્ય થાય છે તો ઘણા અનિચ્છાએ, પરંતુ કાયમી સ્ટેજ કોઈને'ય નસીબ નથી. હકીકત તો એ છે કે જે અન્ય લોકો માટે માર્ગ બનાવવાનો ઇનકાર કરે છે, તેઓ સૌથી વધુ પીડાય છે. રસપ્રદ લાગે એવી વાત એ છે કે, જેઓ અનિચ્છાએ સ્ટેજ છોડે છે કે જેને છોડવું પડે છે. તેમના મનમાં ક્યાંકને ક્યાંક પૂરતું ના કરી શક્યાનો અફસોસ રહે છે અથવા હંમેશા અતૃપ્ત રહેતી એક ઝંખના રહે છે, જેને લઈને તે અસંતોષની ભાવના સાથે જીવે છે. જેમણે જીવનમાં પોતાનું સર્વશ્રષ્ઠ આપ્યું છે, જેઓ સમયસર ગૌરવપૂર્ણ રીતે મુખ્ય ભૂમિકામાંથી બાજુ પર ખસતા જાય છે તેઓ જીવનનો અનુભવ અલગ રીતે કરે છે. તેમના માટે, પદ છોડવું એ નુકસાન નથી. તે એક સંતોષ છે, એક પ્રકારની મુક્તિ છે. તેઓ એક વારસો છોડીને જાય છે. વ્યર્થ ખાલીપણું નહિ.

રામલીલામાં રાવણનું મૃત્યુ અનિવાર્ય છે. તે સ્ક્રિપ્ટેડ, વારંવાર ભજવાયેલું અને અપેક્ષિત છે. અને જીવનમાં, પણ, આપણું બહાર નીકળવું- પછી ભલે તે ભૂમિકાઓ, સંબંધો અથવા જીવનમાંથી જ હોય-અનિવાર્ય છે. પરંતુ સૌથી મોટો ફરક આપણે કઈ રીતે એ છોડીએ છીએ તેનાથી પડે છે. જીવનમાં અર્થપૂર્ણ યોગદાન આપ્યા પછી ગૌરવ સાથે વિદાય લેવી એ સફળ જીવનની ઓળખ છે. આપણા અંગત કે વ્યવસાયિક ક્ષેત્રોમાં, ક્ષમતા મુજબનો દેખાવ કરીને, એક પ્રભાવ છોડી જઈને, નવી પેઢી માટે જગ્યા કરતા જવાનો આપણો ધ્યેય હોવો જોઈએ.

રાવણનો સ્ટેજ પરથી નીકળવાનો ઇનકાર તે બાબત પ્રેક્ષકોને રમૂજ કરાવી શકે છે, પરંતુ સાથે સાથે આપણને એક કરુણ રીમાઇન્ડર પણ આપે છે : અર્થપૂર્ણ જીવનની કળા એ જાણવામાં છે કે ક્યારે સ્ટેજ છોડવું. તમે તલવાર લઈને ભૂમિકા ભજવતા રામની પાછળ દોડી શકો છો, કાળની પાછળ નહીં. સ્વીકારી શકો તો સત્ય એ છે કે વાર્તા લખાઈ ચૂકી છે!

પૂર્ણવિરામ :

જીવનમાં સાચી સફળતા માત્ર આપણે જે પ્રાપ્ત કરીએ છીએ તેમાં નથી, પરંતુ સાથે સાથે કોઈપણ અફસોસ વિના, શાનદાર રીતે મુખ્ય પ્રવાહમાંથી દૂર થતા જઈએ છીએ તેમાં પણ છે.


Google NewsGoogle News