વાંક હંમેશાં પોતાનો નહીં સામેનાનો જ દેખાતો હોય છે
- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- સહજીવનના પ્રશ્નોમાં પતિની વાત સાંભળો ત્યારે એ સાચો લાગે, પત્નીની વાત સાંભળો ત્યારે એ સાચી લાગે, બે'ય સાવ સાચા અને બે'ય સાવ ખોટાડા! સરવાળે, પ્રશ્નો ઊભાને ઊભા
વા ત લગભગ અઢી હજાર વર્ષ પહેલા પ્રોટાગોરસ નામના ગુરૂ અને યુથલોસ નામના એના ચેલા વચ્ચે ઉભા થયેલા વિવાદની છે. બન્યું એવું કે કાયદાના શિક્ષક એવા પ્રોટાગોરસ પાસે યુથલોસ નામનો એક વિદ્યાર્થી આવ્યો, તેને કાયદાશાસ્ત્ર શીખવું હતું પણ તેની પાસે ફી ચૂકવવાના પૈસા ન હતા. તેણે ગુરૂ સમક્ષ પ્રસ્તાવ મુક્યો કે તે જે દિવસે કોર્ટમાં તેનો પહેલો કેસ જીતશે એ દિવસે તેની ફી ચૂકવી દેશે. ગુરૂએ તેની વાત સ્વીકારી અને તેને કાયદાનો સ્નાતક બનાવી દીધો. ત્યારબાદ, ગુરૂએ પોતાની ફી ની ઉઘરાણી કાઢી. યુથલોસ તેમની વચ્ચે થયેલા કરાર મુજબ પહેલો કેસ જીતે ત્યારે જ ચુકવણી કરવાની હતી તે વાત આગળ ધરીને સમય નીકાળતો રહ્યો. સરવાળે ગુરૂએ કંટાળીને પોતાના મહેનતાણાની રકમ મેળવવા કોર્ટમાં કેસ દાખલ કર્યો. કોર્ટમાં બંને પોતપોતાનો કેસ જાતે જ લડી રહ્યા હતા. કોર્ટ સમક્ષ ગુરુએ ચતુરાઈપૂર્વક પોતાની દલીલ રજુ કરી 'જો આ કેસ હું જીતી જાઉં તો ન્યાયની દ્રષ્ટીએ યુથલોસે મને મારા લેણાંના પૈસા ચૂકવવાના થાય છે કારણ કે કેસ મારા પૈસાની ચુકવણીનો છે. જો હું હારી જાઉં તો એણે પહેલો કેસ જીત્યો કહેવાશે અને તે સંજોગોમાં કરાર મુજબ એણે મને મારા પૈસા ચૂકવવાના થાય. સરવાળે, હું જીતું કે હારું પૈસા તો એણે જ ચુકવવાના છે.' યુથલોસ સરવાળે તો પ્રોટાગોરસનો જ ચેલો હતો, તેણે સામી ચતુરાઈ બતાવતા દલીલ કરી 'જો આ કેસ હું જીતી જાઉં તો ન્યાયની દ્રષ્ટીએ મારે કોઈ પૈસા ચુકવવાના થતા નથી કારણ કે કેસ મારે કરવાની ચુકવણી અંગેનો છે, જો હું હારી જાઉં તો મેં મારો પહેલો કેસ જીત્યો નથી અને તે સંજોગોમાં કરાર મુજબ મારે કંઈ ચુકવવાનું થતું નથી. સરવાળે, હું જીતું કે હારું મારે કોઈ પૈસા ચુકવવાના થતા નથી.'
હવે આ લેખ બાજુ ઉપર મુકી, બે બદામ ખાધા પછી, વિચારીને કહો કે કોની દલીલ સાચી ?! કોણ જીત્યું ?!
***
ચાલો તમારી ખેંચાઈ ગયેલી નસ હળવી થાય એટલે એક રમુજ કહું. એક પ્રેમી યુગલે એકસાથે જીવનનો અંત લાવવાનું નક્કી કર્યું. બંનેએ આત્મહત્યા કરવા 'એક, બે અને ત્રણ' બોલીને એકસાથે બિલ્ડીંગની છત ઉપરથી કુદી પડવાનું હતું. બે'ય પહોંચી ગયા છતા ઉપર, પાળી ઉપરથી એકસાથે કુદવા માટે એક, બે અને ત્રણ... છોકરો કુદી ગયો પણ છોકરી ન કુદી. લે છોકરો ડફોળ કહેવાય ને ?! હાથ પકડીને ના કુદાય ?!! એવો વિચાર આવતો હોય તો - પિકચર અભી બાકી હૈ મેરે દોસ્ત. છોકરો હવામાં જમીનથી લગભગ પંદર ફૂટ ઉંચે હશે ત્યાં એણે પેરેશુટ ખોલ્યું. હવે ખબર પડી કે એણે પેલીનો હાથ કેમ ન હતો પકડયો, છોકરો સ્માર્ટ ના કહેવાય ?!
ફરી પાછી બે બદામ ખાવા અને વિચારીને કહો કે કોણે કોને છેતરી ગયું ?!!
***
એક ઈતિહાસના પાને લખાયેલી વાત અને બીજી ફોરવર્ડમાં ફરતી રહે એવી જોક, બંનેમાં એક સામ્ય છે, જો સમજાય તો. ઘણીવાર સંજોગો, ઘટનાઓ કે પરિસ્થિતિઓ એવી જટીલ હોય છે કે જેમાં એક તટસ્થ તારણ ઉપર આવવું માત્ર અઘરું જ નહીં, અશક્ય હોય છે. મોટાભાગે આવા પ્રશ્નો આપણા સંબંધોમાં જ ઉભા થતા હોય છે અને તેમાં'ય ખાસ કરીને સહજીવનમાં. બંનેનું પોતપોતાનું એક વર્ઝન હોય છે, પતિની વાત સાંભળો ત્યારે એ સાચો લાગે, પત્નીની વાત સાંભળો ત્યારે એ સાચી લાગે, બે'ય સાવ સાચ્ચા અને બે'ય સાવ ખોટાડા ! સરવાળે, પ્રશ્નો ઉભા ને ઉભા, સમસ્યાઓ રોજે રોજની અને કાયમના લોહી ઉકાળા !! મારી લાંબી કારકિર્દીમાં અનેક યુગલોને સાંભળ્યા પછીનું મારું ડહાપણ એમ કહે છે કે સહજીવનના કે લગ્નજીવનના પ્રશ્નોમાં કોણ, ક્યાં, કેવી રીતે, કેમ, ક્યારે અને કેટલું સાચું એ નક્કી કરવું અઘરું-અશક્ય તો છોડો, ઘણીવાર તો સાવ નકામું હોય છે ! અઘરું અને અશક્ય એટલે કે દરેક દલીલની સામે બીજી દલીલ છે, બીજી આક્ષેપબાજીમાંથી ટપકતી નકારાત્મક્તા -એકમેક પરત્વેનો આક્રોશ બેસુમાર છે. નકામું એટલા માટે કે બધી જ ચર્ચાઓના અંતે ઘાંચીના
બળદની જેમ ગોળ ગોળ ફરવાનું, આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં પીલાવાનું, સંબંધનું તેલ કાઢી નાખવાનું અને સરવાળે, હતા તેના કરતા પણ વધુ સંબંધના કુચ્ચા કાઢી નાખવાના ! બાકી હોય તેમ આ કુચ્ચો કોહવાઈને દુર્ગંધ બીજા સુધી ના પહોંચી જાય ત્યાં સુધી પોતપોતાની ટણીમાં જ રહેવાનું !!
તો કરવાનું શું ?! સામેવાળાને તેનો વાંક ના બતાવીએ તો એ સમજે કે સુધરે કેવી રીતે ?! સૌથી પહેલા તો એ સમજવાનું કે 'વાંક'નું ચહેરા જેવું છે, જેમ આપણને હંમેશા પોતાનો નહીં પણ સામેનાનો જ ચહેરો દેખાય છે તેમ વાંક પણ પોતાનો નહીં સામેનાનો જ દેખાતો હોય છે. આપણો ચહેરો જોવા અરીસામાં પોતાની જાતને જોવી પડે છે એમ આપણો વાંક સમજવા અંતરના અરીસામાં પોતાના વ્યવહારો તપાસવા પડે છે. આ અઘરું, અસહ્ય અને ક્યારેક ગીલ્ટ કરાવનારું પણ છે પરિણામે મોટાભાગના કિસ્સાઓમાં એકબીજા ઉપર જ દોષો ઠાલવવામાં અને આક્ષેપો કરવામાં વધુ સરળતા અનુભવાતી હોય છે. ઉપરની બંને વાતના સાચા મર્મ સમજ્યા હોવ તો સમજજો કે સહજીવનના કે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની સમસ્યાઓમાં કોણ સાચું-કોણ ખોટું કે કોણ જીત્યું-કોણ હાર્યું તે નક્કી કરવા કરતા જ્યાં પહોંચ્યા છીએ કે જે કંઈ સામે છે ત્યાંથી એકમેકના સથવારે કેવી રીતે આગળ વધી શકાય એમ છે તે દિશામાં વિચારવું વધુ ડહાપણભર્યું અને પ્રેક્ટીકલ છે. એકબીજાને જવાબદાર ઠેરવી અને જવાબદારીનું ભાન કરાવવાનો શ્રમ નિરર્થક છે, તેના કરતા સહજીવન સુખમય બનાવવાના એકમાત્ર હેતુથી સહિયારો પ્રયત્ન કરતા કરતા બંનેને પોતાની જવાબદારીઓનું ભાન થાય તે ઈચ્છનીય જ નહીં, સંબંધને મજબૂતાઈ આપનારું પણ છે.
પૂર્ણ વિરામ
સંબંધોના પ્રશ્નોમાં કારણ અને તારણ કરતાં તેના મારણ વિષે વિચારવું અનેકગણું અઘરું પણ સૌથી અગત્યનું છે !