કોઈ સાથ જીવનમાં ના હોય તેમની માનસિક સ્વસ્થતા સંદેહજનક
- તારી અને મારી વાત-હંસલ ભચેચ
- આપણે બધા વાતચીત- કોમ્યુનિકેશનમાં તો ખૂબ કુશળ થઈ ગયા પરંતુ એકબીજા સાથે કનેક્ટ થવામાં - ભાવનાત્મક રીતે જોડાવામાં અત્યંત નબળા થઈ ગયા
હ મણાં એક સમાચાર વાંચવામાં આવ્યા - સત્તર ટકા અમેરિકનોને કોઈ મિત્ર નથી કે પડોશીઓ સાથે કોઈ વ્યવહાર નથી ! આ આંકડો ૧૯૯૦માં માત્ર એક ટકા હતો. આ સમાચાર વાંચીને મને તો આ વ્યક્તિઓની માનસિક સ્વસ્થતા અને સુખાકારીના વિષયમાં વિચારો આવવા લાગ્યા. ખુશીમાં હાઈ-ફાઈવ આપનારો કે દુ:ખમાં ખભા પર મુકાનારો કોઈ હાથ જ નહીં ?! આ વ્યક્તિઓ માનસિક રીતે બીમાર હશે તેમ નહીં કહું પણ તે ખરેખર માનસિક સ્વસ્થતા કે સુખાકારી અનુભવતા હશે કે નહીં તે બાબત સંદેહજનક છે ! મનની પ્રસન્નતા વહેંચવાના કે ખિન્નતા દૂર કરવાના આપણી પાસે અનેક નુસ્ખાઓ હોઈ શકે પરંતુ સંબંધોની સ્વસ્થતા વગર તે બધા જ નકામા છે તે સંજોગોમાં અર્થપૂર્ણ સંબંધો વગર વ્યક્તિની મેન્ટલ હેલ્થ કેટલી મજબૂત હશે તે ચિંતાનો વિષય છે.
એક મનોચિકિત્સક તરીકે એક વાત હું ભારપૂર્વક કહી શકું છું કે કોઈપણ વ્યક્તિની માનસિક સ્વસ્થતા અને સુખાકારી માટે તેના સંબંધોની સ્વસ્થતા પાયાની છે. સંબંધો કોઈપણ હોય, પોતાની જાત, પતિ-પત્ની, માબાપ-સંતાન, ભાઈ-ભાંડુઓ, મિત્રો, સહકાર્યકર્તાઓ, પાડોશી કે સમાજ, વ્યક્તિના સુખ-દુ:ખનો ઘણો મોટો આધાર આ સંબંધોની તંદુરસ્તી ઉપર છે. તંદુરસ્ત સંબંધો કદ-આકાર બદલાતા કાચ જેવા હોય છે, જે આપણા સુખ-દુ:ખના કદ અને આકાર બદલી શકે છે, સુખને મૅગ્નિફાય અને દુ:ખને મિનિમાઈઝ કરી શકે છે. મિલકતના ઢગલા ઉપર કે સફળતાની ટોચે બેઠેલી વ્યક્તિને પણ જીવનની સાર્થક્તા અનુભવવા અર્થપૂર્ણ સંબંધોની જરૂરિયાત રહે છે. દરેક સંબંધ એક વ્યક્તિ તરીકે તમને સ્વીકૃત કરતી મહોર સમાન છે અને દરેકને પોતાને મળતી આ સ્વીકૃતિમાં જીવનની સાર્થકતાનો નાનો-મોટો અહેસાસ થતો રહે છે. હકીકતમાં તો હવા, પાણી, ખોરાક અને જાતીયતાની જેમ જ વ્યક્તિનું પોતાની જાત અને અન્ય વ્યક્તિઓ સાથેનું હેલ્ધી કનેક્શન માણસની મૂળભૂત જરૂરિયાતોની યાદીમાં મુકવું પડે એમ છે. લોકડાઉનના વર્ષમાં આ વાત આપણે બધાએ અનુભવી જ છે ને ?! લોકડાઉન દરમ્યાન અને તે પછી આપણે એકબીજાને મળવા કેટલા અધીરા હતા ?! વર્ચ્યુઅલ સંબંધોથી આપણે ટકી ગયા ખરા પરંતુ તે એક્ચ્યુઅલ સંબંધોનું સ્થાન લેવામાં ઘણા ટૂંકા પડયા એ વાત મહામારીએ આપણને હળવેકથી સમજાવી દીધી, બધાને આ સમજાયું હશે કે નહીં એ અલગ વાત છે. તમામ સગવડો અને સમૃદ્ધિ હોવા છતાં એકલતા અને સંબંધોની નિર્થકતા વ્યક્તિઓને જીવનભર પીડે છે એ બાબત આપણે ભૂલવી ના જોઈએ એવો પાઠ આપણને એ વર્ષો તાજો કરાવી ગયા !
માનસિક સ્વસ્થતા માટે સંબંધો જરૂરી છે પરંતુ સંબંધોની સ્વસ્થતા માટે શું જરૂરી છે ?! મારો જવાબ એકદમ ટૂંકો છે, સ્વભાવ અને સમજણ, કોઈપણ સંબંધ બાંધવા, વિકસવા, ટકવા કે પરિપકવ થવા પાછળ વ્યક્તિઓનો સ્વભાવ અને સમજણ પાયાનું કામ કરે છે. આ બે બાબતમાં અપેક્ષાઓ, સહનશક્તિ, વફાદારી, વિશ્વસનીયતા વગેરે જેવી બીજી બધી જ નાની-મોટી બાબતો સમાઈ જાય છે. સ્વભાવ રાશી હોય અને સમજદારીને ચરબી ચઢી હોય ત્યારે સંબંધ સડવા માંડે છે. સડતા સંબંધોમાં કો'ક સહન કરીને રિબાય છે, કો'ક જેવા સાથે તેવા થઈને ઘર્ષણમાં રહે છે, કો'ક પીઠ પાછળ બળવાખોરી ઉપર ઉતરી આવે છે, કો'ક જડતાપૂર્વક અસહકાર કરે છે, કો'ક વ્યસન જેવા રસ્તા અપનાવીને વાસ્તવિકતાથી ભાગતા ફરે છે, કો'ક વિખુટા પડી જાય છે ! આમાંનું કે આ સિવાયનું કોઈપણ વલણ અપનાવો, લાગણીઓની પીડા (ઈમોશનલ પેઈન) અનિવાર્ય છે. ટૂંકમાં, સંબંધોની નિષ્ફળતા હંમેશા પીડે છે. ભલે એકસરખી રીતે નહીં તો જુદી જુદી રીતે પરંતુ વ્યક્તિઓ વ્યથિત તો રહે જ છે.
આ ઉપરાંત ટેકનોલોજીએ સંપર્કની સગવડ કરી આપી પરંતુ તેની ઉપયોગીતાએ કમનસીબે ઉલટી દિશા પકડી. વ્યક્તિઓ સામે બેઠેલાને અવગણીને જોજનો દૂર જોડાવા માંડયા, સ્વકેન્દ્રી થવા માંડયા, વફાદારી અને વિશ્વાસના મુદ્દે ક્યારેય ન હતા એવા પ્રશ્નો થવા માંડયા અને સંબંધમાં જરૂરી એવા સમય-રૂબરૂ સંપર્કની સાવ વાટ લાગી ગઈ ! કમનસીબી તો એવી છે કે આપણે બધા વાતચીત- કોમ્યુનિકેશનમાં તો ખૂબ કુશળ થઈ ગયા પરંતુ એકબીજા સાથે કનેક્ટ થવામાં - ભાવનાત્મક રીતે જોડાવામાં અત્યંત નબળા થઈ ગયા. મોબાઈલે તો એવો ભરડો લીધો છે કે મગજ જાણે બંધ જ થઈ ગયા છે અને સમજદારી પર પડદો પડી ગયો છે. સ્વાભાવિક છે આ બદલાવનું સૌથી મોટું નુકસાન સંબંધોએ વેઠવાનું આવ્યું. આ બદલાવ કદાચ ધીમો હશે પરંતુ નિશ્ચિત રૂપે થઈ રહ્યો છે અને માટે જ સંબંધોના પાઠ ફરી ફરી ભણતા રહેવું પડે એમ છે, સમજદારી કેળવતા રહેવું પડે એમ છે.
રોજે રોજ સંબંધોના સમીકરણો બદલાતા જઈ રહ્યા છે અને મારી પેન એ દિશામાં ચાલતી રહી છે, સંબંધોને મજબૂત બનાવતી મારા પુસ્તકોની શ્રેણી એનું ફળ છે.
સંબંધો અને તેની જાળવણી જટિલ બનતી જાય છે તેનો એવો અર્થ ના કાઢતા કે આપણા સંબંધો સમસ્યા બનતા જઈ રહ્યા છે. પરંતુ, સંબંધના દરેક તબક્કે સમજદારીની આજે વધુ જરૂર છે. વર્ષો પહેલા સંબંધોમાં ઘણું બધું 'ટેકન ફોર ગ્રાન્ટેડ' લઈ લેવું શક્ય હતું, આજે એ અભિગમ ચાલે એમ નથી. સંબંધોને ધબકતા રાખવા અંગત સ્તરે જોડાતા રહેવું પડે એમ છે, નહીંતર તમારો સંબંધ યંત્રવત બનીને રહી જશે. સંપર્ક મજબૂત જણાશે પરંતુ એમાંથી ઉષ્મા ગાયબ થઈ જશે. અંગત સ્તરે જોડાવા વ્યક્તિઓને રૂબરૂ મળવાનો આગ્રહ રાખો, ચેટ-મેસેજને બદલે ફોન કરીને વાત કરો. લાગણીઓથી બહેરા-મૂંગા ના હોવ તો માત્ર ઈમોજીથી કામ ના ચલાવો, હા ઈમોજીથી કોઈ બાબતને ઍકનૉલેજ કરવી હોય તો અલગ વાત છે.
ઘાસ, ઝાંખરા, છોડ કે વૃક્ષ- ઉગતું તો બધું જ હોય છે પરંતુ દરેકની ગુણવત્તા અને ઉપયોગીતા અલગ હોય છે. ઘાસ-ઝાંખરા આપમેળે ઉગી નીકળે, જ્યારે છોડ-વૃક્ષને માવજતની જરૂર પડે. એ જ રીતે, કેટલાક સંબંધો આપમેળે કે વગર વિચાર્યે ઉગી નીકળે છે પરંતુ જીવનમાં સાર્થકતા અને પૂર્ણતાનો અનુભવ કરાવતા સંબંધો તો માવજતથી જ ઉછેરવા પડે છે.
પૂર્ણવિરામ :
જ્યારે સંબંધમાં તારી સમજ અને મારી સમજ એકબીજામાં સમાઈને આપણી સમજ બની જાય છે ત્યારે સંબંધને તેનો સાવ સાચો અર્થ મળી જાય છે.