Get The App

વૉચ સ્માર્ટ હોય તેટલું પુરતું નથી, એનો સ્માર્ટ ઉપયોગ પણ આવડવો જોઈએ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
વૉચ સ્માર્ટ હોય તેટલું પુરતું નથી, એનો સ્માર્ટ ઉપયોગ પણ આવડવો જોઈએ 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- તંદુરસ્ત વ્યક્તિમાં શરીરની ક્રિયાઓનું સતત મોનીટરિંગ જરૂરી નથી સિવાય કે તમે કોઈ ટ્રેનિંગ કરતા હોવ કે કોઈ સતત મોનિટર કરવી પડે એવી બીમારીથી પીડાતા હોવ

'મા રી ઊંઘ બહુ ડિસ્ટર્બ રહે છે, ડીપ સ્લીપ તો માત્ર બે થી ત્રણ કલાક જ આવે છે' એક યુવાને મારી સામે બેસતા કહ્યું. આજકાલ જે લોકો પોતાની ઊંઘના કલ્લાકો વિશે ચોક્કસ માહિતી આપતા હોય છે એમના કાંડા ઉપર મારી નજર અચૂક જાય છે અને મોટાભાગના કિસ્સાઓમાં એમના હાથ ઉપર સ્માર્ટ વૉચ બાંધેલી જ હોય છે.

'રોજ સવારે ઊઠીને મોબાઈલના એપમાં પોતાની ઊંઘના કલાક જોઈને કાચી ઊંઘ આવે છે એવું કહ્યા કરે છે, બાકી મઝાના ઊંઘતા હોય છે' હું કંઈ પૂછું એ પહેલા જ એમની પત્નીએ પોતાનું અવલોકન ઉમેર્યું.

'ક્યારેક ઘડિયાળ ના પહેરીને સૂતા હોવ ત્યારે ઊંઘ ડિસ્ટર્બ હોય એવું લગે ?!' મેં પત્નીની વાતના સમર્થનમાં થોડો ઘુમાઈને પ્રશ્ન પૂછ્યો.

યુવાન થોડો અચકાયો, 'એ તો ક્યાંથી ખબર પડે?! વૉચ પહેરી હોય તો જ ખ્યાલ આવે ને ?!' એણે સામો પ્રશ્ન કર્યો.

'તો તમારી પત્ની કહે છે એ બરાબર છે' વળતો ઉત્તર આપતા મેં કહ્યું 'તમારી ઊંઘ ડિસ્ટર્બ હોય એવું તમને પણ અનુભવાતું નથી પરંતુ તમારી ફિટનેસ વૉચ ડીપ સ્લીપના કલ્લાકો ઓછા બતાવે છે એટલે તમે એવું માનો છો ! તમને તમારા જાત અનુભવ કરતા સાધનમાં વધુ વિશ્વાસ છે.'

આ તો આજની વાતનું નાનકડું ઓપનિંગ હતું, બાકી અમને પોતાની સ્માર્ટ વૉચમાં સ્લીપ ટ્રેકિંગ બતાવનારા રોજિંદા છે. માત્ર ઊંઘ જ નહીં શારીરિક પ્રવૃતિઓ, રોજના પગલાઓ, કેલેરીનો વપરાશ, હૃદયના ધબકારા અને તેની નિયમિતતા, બ્લડપ્રેશર, શરીરનું તાપમાન, લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વગેરે દ્વારા પોતાની ફિટનેસ ટ્રેક કરતો એક બહોળો વર્ગ છે. યુવાઓમાં તો ફિટનેસ વૉચ કે ટ્રેકર્સ સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે. આમ તો કાંડા ઉપરની સ્માર્ટ વૉચના ફિટનેસ ટ્રેક કરવા સિવાય બીજા ઘણા ઉપયોગો છે પરંતુ આપણી વાતનો મુખ્ય મુદ્દો ફિટનેસ ટ્રેકિંગ પૂરતો સીમિત છે. કોવિડ પછી આ વેરેબલ ફિટનેસ ગેજેટ્સના વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ઘણા જાગૃત બન્યા છે અને ફિટનેસ ટ્રેક કરવાનો એક નવો શોખ પાળતા થયા છે. શોખ શબ્દ એટલા માટે વાપરું છું કે વેરેબલ ગેજેટ્સથી તમારી ફિટનેસ ચકાસ્યા કરવી એ કંઈ સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ નથી. સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ તો ઘણી વિસ્તૃત બાબત છે, રોજ ધુમ્રપાન કરતા રહો અને ફિટનેસ વૉચમાં ઓક્સિજનનું લેવલ તપાસતા રહો એનો શું ફાયદો ?! આ સવાલ મેં એક ચેઈન-સ્મોકરને પૂછયો હતો અને એણે જવાબ આપ્યો'તો 'સર, ધ્યાન તો રહે કે ફેફસા બરાબર કામ કરે છે કે નહીં ?! બ્રીથિંગ કેપેસિટી ઘટશે તો ધુમ્રપાન કંટ્રોલ કરવું જ પડશે ને ?!' બોલો, આને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ કહેવાય ?! એનું ઓક્સિજન લેવલ ઊણું રહેશે ને તો'ય એના ફેફસા ધુમાડો પીતા રહેવાના ! મેં તો એવા અનેક લોકો જોયા છે કે જેમને પોતાના સ્વાસ્થ્ય કરતા ગેજેટ્સના વિવિધ આંકડાઓ જાણવામાં કે મેનેજ કરવામાં વધુ રસ હોય છે. કેટલું ઊંઘ્યા ? કેટલા પગલાં ચાલ્યા ? કેટલી કેલેરી ખરચી ? વગેરે પર ધ્યાન આપતા લોકોમાંથી મોટાભાગના લોકોનું ધ્યાન કેટલા વાગે ઊંઘ્યા ? એક સાથે કેટલું લાંબુ, કેટલી ઝડપે ચાલ્યા ? કેટલી બિનજરૂરી કેલરી શરીરમાંથી નાખી એના પર નથી હોતું ! સ્વાસ્થ્યની જાગૃતિ માટે તો આ બધું મહત્વનું નથી ?! જ્ઞાાન અને ડહાપણ, નોલેજ અને વિઝડમમાં આ જ તો ફેર છે, જાણવું એક વાત છે અને જીવનમાં ઉતારવું બીજી વાત છે. આ સંદર્ભમાં મારી એક માન્યતા છે કે ઉપયોગ વિનાનું જ્ઞાાન શાપરૂપ છે. કોઈપણ જ્ઞાાન તમારી સમજને યોગ્ય દિશા ના આપી શકે તો એ તણાવ ઉત્પન્ન કરવા લાગે છે. તમારી જાણકારી તમારા જ કામ ના આવે તો ઉચાટ થવો સામાન્ય નથી?!

હું હંમેશા કહેતો આવ્યો છું કોઈપણ ટેકનોલોજી સારી કે ખરાબ નથી હોતી પરંતુ એને વાપરનાર વ્યક્તિની માનસિક્તા એના લાભ-ગેરલાભ નક્કી કરે છે. અત્યાધુનિક ફાયર-આર્મ્સ સારા કે ખરાબ, લાભદાયી કે નુકસાનકર્તા, એનો જવાબ તેને વાપરનારની માનસિક્તા પર આધારિત છે, સૈનિક પાસે છે તો લાભદાયી અને ત્રાસવાદી પાસે છે તો નુકસાનકર્તા. હથિયાર એક જ છે પરંતુ એનો ઉપયોગ કરનારની માનસિક્તા અલગ અલગ છે. મોબાઈલ ફોનનું પણ એવું નથી ?! હોશપુર્વક વાપરો તો અત્યંત ઉપયોગી સાધન અને બેહોશીમાં વાપરો તો નુકસાનકર્તા પણ નીવડે ! લગભગ બધી જ ટેકનોલોજીમાં લાભાલાભની ચર્ચા કરી શકાય એવું હોય છે અને તેની પાછળ ટેકનોલોજી નહીં પણ તેનો ઉપયોગ કે દુરુપયોગ કરનારું મન જવાબદાર હોય છે. વેરેબલ ટેકનોલોજી અને ગેજેટ્સ પણ આ બાબતમાંથી બાકાત નથી. આ ગેજેટ્સ ઘણી ઉપયોગી માહિતી આપતા હોય છે તેની ના નહીં પરંતુ તંદુરસ્ત અને ખાસ કરીને યુવાવર્ગે રોજે રોજ એ માહિતી મેળવવી જરૂરી છે ?! આ ઉપરાંત હૃદયની ગતિ અને તેની અનિયમિતતાના નિદાન સિવાયના બીજા ફીડબેક્સની અગત્યતા અંગે જુદા જુદા મત પ્રવર્તે છે. વધુમાં, એક પ્રશ્ન ગેજેટ્સની ચોકસાઈનો પણ છે, તેણે બતાવેલા આંકડાની ચોકસાઈનો આધાર તેમાં વપરાયેલા સેન્સર્સની ગુણવત્તા પર નિર્ભર હોય છે. આ સંજોગોમાં કયું સાધન અને તેનું રીડિંગ ચોક્કસ છે એ મોટો પ્રશ્ન છે.

આપણા માટે મહત્વની વાત આ ગેજેટ્સના સમ્યક ઉપયોગની છે. સ્માર્ટ વૉચના ઘણા બધા ઉપયોગકર્તાઓ ફિટનેસ ઉપર ચેક રાખવાના ચક્કરમાં વૉચ અને તેના રીડિંગ્સ ઉપર આધારિત ઉચાટમાં રહેવા માંડે છે. દિવસમાં દસ હજાર ડગલા ના ચાલ્યા હોય તો જાણે કોઈ ગુનો કર્યો હોય તેવી લાગણીઓ અનુભવવા માંડે છે. 

હૃદયના ધબકારા જરા પણ આઘા પાછા થયા તો એટેક આવી જશે એ ડરમાં હોસ્પિટલના ચક્કર કાપવા માંડે છે. આટલું ઓછું હોય એમ વૉચ પણ કાંડા ઉપર ટકોરા મારીને તમારા ટાર્ગેટ્સ પુરા કરવા તમને દોડાવે છે અને જો તમે વ્યસ્તતાને કારણે ના કરી શકો તો તમે દબાણમાં રહેવા માંડો છો. આ બાબતમાં સમ્યક અને પરિપકવ સમજ એટલી જ છે કે તંદુરસ્ત વ્યક્તિમાં શરીરની ક્રિયાઓનું સતત મોનીટરિંગ જરૂરી નથી સિવાય કે તમે કોઈ ટ્રેનિંગ કરતા હોવ કે કોઈ સતત મોનિટર કરવી પડે એવી બીમારીથી પીડાતા હોવ. આ ઉપરાંત કસરત સમયે તમે ફિડબેક મેળવો એ ઉપયોગી છે પરંતુ બાકીના સમયમાં તમે એને કારણે ઉચાટમાં રહો તો તે કેટલું યોગ્ય કહેવાય એ તમારે વિચારવું જોઈએ.

પૂર્ણવિરામ :

શારીરિક ક્રિયાઓની બિનજરૂરી જાણકારી તમારી સહજતાનો નાશ કરે છે અને તમને ઉચાટમાં રાખે છે !


Google NewsGoogle News