Get The App

કોઈપણ સારી બાબતને શેર કરવાની તમને તાલાવેલી થાય છે?

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
કોઈપણ સારી બાબતને શેર કરવાની તમને તાલાવેલી થાય છે? 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સારા સમાચાર તરત જ ઓનલાઈન પોસ્ટ કરે છે, ત્યારે તેના જીવનમાં તે બાબતનો ઉત્સાહ ઝડપથી ઓછો થવા માંડે છે.

દિ વાળીની રજાઓમાં જર્નલ ઑફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલોજીમાં પ્રકાશિત થયેલુ એક રસપ્રદ સંશોધન વાંચવામાં આવ્યું. કોલંબિયા યુનિવર્સિટીના આ સંશોધનનું તારણ છે કે સારા સમાચાર ગુપ્ત રાખવાથી આપણે ખુશ અને જીવંત અનુભવી શકીએ છીએ. સારા સમાચારને થોડો સમય સીમિત રાખવાથી આપણે વધુ ઉત્સાહી અને ખુશ થઈ શકીએ છીએ. એક મનોચિકિત્સક તરીકે મેં હેંમેશા જોયું છે કે લોકો તેમના નેગેટિવ સિક્રેટ્સ (ખરાબ રહસ્યો) ને કારણે શરમ, ગિલ્ટ કે ડર અનુભવતા હોય છે અને તેને શેર કરતા પણ અચકાતા હોય છે, પરંતુ આ દ્રષ્ટિકોણથી મેં ક્યારે'ય વિચાર્યું નહતું. હવે આ નવા દ્રષ્ટિકોણથી વિચારતા એમ લાગે છે કે વાતમાં દમ છે, પોઝિટિવ સિક્રેટ્સ (સકારાત્મક રહસ્યો) તમને ઉત્સાહિત અને આનંદિત કરી, નિયંત્રણ અને સશક્તિકરણની  અનુભૂતિ કરાવે છે. અમુક હકારાત્મક બાબતોને થોડા સમય માટે ગુપ્ત રાખવી એ ઊર્જા વધારનારી છે, જ્યારે નેગેટિવ સિક્રેટ્સને ગુપ્ત રાખવા ઊર્જાનો નાશ કરી મનોભાર વધારનારી છે. અર્થાત્, નેગેટિવ સિક્રેટ્સને યોગ્ય વ્યક્તિ સાથે ઝડપથી શેર કરી દો અને પોઝિટિવ સિક્રેટ્સને થોડો સમય પોતાના સુધી રાખી, સમય આવ્યે શેર કરો.

હવે આ સંશોધનના તારણોને ઘડીભર બાજુમાં રાખીને વિચારીએ કે આજના સમયમાં મોટાભાગના લોકો શું કરે છે ?! આજના સોશિયલ મીડિયા-સંચાલિત જમાનામાં, સારા સમાચાર તરત જ શેર કરવાનો જાણે રિવાજ બની ગયો છે, કંઈ હેપનિંગ બન્યું નથી કે સોશિયલ મીડિયા ઉપ પોસ્ટ કર્યું નથી! છેલ્લા અઠવાડિયાની જ તમારા સોશિયલ મીડિયાની ફીડ જોઈ લો, ખબર પડી જશે કે લાગતા-વળગતાઓએ દિવાળીમાં શું કર્યું. બધાની દિવાળી ફુલ ઓફ હેપનિંગ! એક બાજુ ક્ષણે-ક્ષણ શેર કરવાની તાલાવેલી અને બીજી બાજુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનું તમારા જીવનની દરેક વિગતો શેર કરવાનું પ્રોત્સાહન-દબાણ, પછી ભલે તે નવી નોકરી હોય, વેકેશન હોય અથવા સ્વાદિષ્ટ ભોજન હોય, બીજાને જાણ તો થવી જ જોઈએ! જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સારા સમાચાર તરત જ ઓનલાઈન પોસ્ટ કરે છે, ત્યારે તેના જીવનમાં તે બાબતનો ઉત્સાહ ઝડપથી ઓછો થવા માંડે છે. શરૂઆતમાં લાઈક્સ અને કોમેન્ટ્સનો તાત્કાલિક ધસારો મળે ત્યારે ઉન્માદ ચોક્કસ થાય, પરંતુ નોટિફિકેશન બંધ થતાંની સાથે જ ઉત્તેજનાની લાગણીઓ ઓછી થવા માંડે. તમને મળેલો ત્વરિત પ્રતિભાવ ક્ષણ પૂરતો સંતોષ આપે, પરંતુ સરવાળે તે અલ્પજીવી સાબિત થાય. ગમે તેટલા સારા સમાચાર હોય પણ એની મજા, ખુશી કે ઉત્સાહ, સ્ટોરી કે સ્ટેટસની આવરદા પૂર થતા વાસી લાગવા માંડે. હવે વિચારી જુઓ કે એ જ સમાચાર કે ઉપલબ્ધિને સિક્રેટ રાખીને ચાલો તો મગજમાં એને રજૂ કરવાનો ઉત્સાહ અને ઉત્તેજના લાંબી ના ચાલે ?! સારા સમાચારને તરત જ શેર કરવાને બદલે થોડા સમય માટે આપણી જાત કે અંગત સર્કલ સુધી રાખવાથી આપણને તેની ઉત્તેજનાનો સ્વાદ માણવાનો અને પુર્વાનુભવનો પૂરતો મોકો મળે છે. તેની સાર્વત્રિક રજૂઆત નથી થઈ ત્યાં સુધી મનમાં એક જુદા જ પ્રકારની ઉત્તેજના અને ઊર્જા અનુભવાતી રહે છે. યોગ્ય સમય અને આયોજનથી તેની રજૂઆત વધુ આનંદ આપનારી છે તેવા આ સંશોધનના તારણમાં તથ્ય જણાય છે.

આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર, બધું બને કે તરત જ શેર કરવાનું દબાણ ઊંડાણપૂર્વકના અનુભવથી તમને વંચિત રાખી શકે છે. આપણે ક્ષણ, સ્થળ, પ્રસંગ વગેરેનો સંપૂર્ણ આનંદ માણવાને બદલે બાહ્ય માન્યતા મેળવવા કે અન્યના વેલિડેશન-અપ્રુવલ માટે તેના વિશે પોસ્ટ કરવા દોડી જઈએ છીએ. પરંતુ જ્યારે આપણે આ અંગત અનુભવોને એક હકારાત્મક રહસ્યો તરીકે રાખીએ છીએ, ત્યારે આપણો આનંદ વધુ વ્યક્તિગત અને આંતરિક બનતો હોય છે. અન્ય લોકો સાથે શેર કરતા પહેલા આપણે પોતાના આ રોમાંચનો આનંદ  પૂર્ણ રીતે માણવો જોઈએ. સારા સમાચારના દરેક ભાગને તરત જ શેર કરવાથી એક ડગલું પાછું લો તો તમને તે ક્ષણોનો વધુ આનંદ માણવાની તક મળી શકે છે. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ માટે તમે આશ્ચર્યજનક આયોજન કરો છો અને તેને અઠવાડિયા સુધી ગુપ્ત રાખો છો. હવે જ્યારે પણ તમે તમારા આયોજન વિશે વિચારો છો, ત્યારે તમે એક ઉત્તેજના અનુભવશો, ઉત્સાહિત થશો અને આખરે તેને જાહેર કરવાનો સમય આપે, ત્યારે આનંદ ઘણો વધારે અનુભવાય છે કારણ કે તેના આયોજન અને તેને જાહેર કરવા વચ્ચે તમે મનમાં એ આનંદ સતત ઉછેર્યો છે, માણ્યો છે. આજના ઓવરશેરિંગ યુગમાં સારા સમાચાર કે પોઝિટિવ સિક્રેટ્સને થોડા સમય પૂરતા પણ 

અંગત રાખવાનો મહાવરો વાસ્તવમાં તમારી સ્વ-સંભાળનું એક પગલું બની શકે. કારણ કે, આમ કરવાથી તમે તમારી જાતને એક મૂલ્યવાન અનુભવ આપી શકો છો, આનંદને ઊંડાણપૂર્વક અનુભવવાનો અને વધુ અંગત બનાવવાનો મોકો આપી શકો છો. લાંબાગાળે આ બાબતો તમારા વ્યક્તિત્વને ખીલવે છે અને તમારી લાગણીઓને એક હકારાત્મક ઊર્જા આપે છે. આ વાતનો અર્થ એવો ના કાઢતા કે શેરિંગ ખરાબ છે, વાત માત્ર શેરિંગ કરતા પહેલા પોતે અંગત રીતે માણવાની છે, અનુભવવાની છે, જે તે ક્ષણની લાગણીઓને પ્રાધાન્ય આપવાની છે. નવા વર્ષના પહેલા લેખમાં આ રસપ્રદ સંશોધનની ચર્ચા પાછળનો આશય એટલો જ છે કે સોશિયલ મીડિયા આપણને આપણા જીવનનું જીવંત પ્રસારણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, દરેક બાબત ગામને જણાવવા માટે સળીઓ કર્યા કરે છે ત્યારે આપણે પોઝિટિવ સિક્રેટ્સ-સકારાત્મક રહસ્યોની ઊર્જાને ઓળખીએ અને સંકલ્પ કરીએ કે કોઈપણ બાબતને શેર કરતા પહેલા તેને પૂરેપૂરી અનુભવીએ, માણીએ અને પોતાને તેનાથી તૃપ્ત કરીએ. અને સૌથી મહત્વનું, જે બાબતની ઊર્જા ખુદને ના અનુભવાય એવી એક પણ બાબતને ફોરવર્ડ ના કરીએ.

પૂર્ણવિરામ: 

લોકો જે કહે છે તેના કરતા જે છુપાવે છે તે વધુ ઉત્તેજના જગાવે છે.


Google NewsGoogle News