Get The App

સમય જ્યાં, જ્યારે, જેટલો જોઈએ એટલો મળે તો ધનવાન થઈ જવાય

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
સમય જ્યાં, જ્યારે, જેટલો જોઈએ એટલો મળે તો ધનવાન થઈ જવાય 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- સમયની ગતિ સાપેક્ષ હોય છે, મઝામાં હોઈએ ત્યારે સમયને પાંખો લાગે છે અને દુ:ખી હોઈએ ત્યારે એના પગે બેડીઓ બંધાઈ જાય છે. સરવાળે બને છે એવું કે મઝાની યાદ ધૂંધળી રહી જાય છે અને દુ:ખ પાક્કી છાપ છોડી જાય છે. માટે જ કદાચ સુખની ઝલક અને દુ:ખના દા'ડા હોય છે

થો ડા સમય પહેલા એક હાસ્ય કવિને એવું કહેતા સાંભળ્યા હતા કે પાકિસ્તાનની હેસિયત શું છે ?! એની જેટલી વસ્તી છે એટલા તો અમારા દેશમાં ફ્રી વાઈફાઈના ચક્કરમાં રખડતા રહે છે ! આ બે તરફી વ્યંગ છે, બંને દેશો ઉપર કટાક્ષ છે. આજની હેડલાઈન્સમાં વાંચ્યું 'મોબાઈલ ઈન્ટરનેટના વપરાશમાં ભારતીયો મોખરે', ત્યારે આ વ્યંગમાં છુપાયેલી વાસ્તવિકતા આંખ સામે આવીને ઉભી રહી ગઈ. એરિક્સન મોબિલિટી રિપોર્ટના આંકડા મુજબ ભારતીયો સરેરાશ રોજના અઢી કલાકથી વધુ સમય મોબાઈલ પર ગાળે છે, માસિક ઓછામાં ઓછો અઢાર જીબી જેટલો મોબાઈલ ડેટા વાપરે છે ! આ તો નિમ્નત્તમ અંદાજ છે પણ આ આંકડાઓ અને વપરાશની કડાકૂટમાં પડયા વગર મને એક જ પ્રશ્ન સતાવે છે કે લોકો પાસે આટલો ફાજલ સમય કેવી રીતે હોય છે ?! અને, જો ફાજલ સમય નથી તો લોકો મલ્ટી-ટાસ્કીંગ કરે છે. મોબાઈલ સાથે મલ્ટી-ટાસ્કીંગ એટલે બીજા કામોમાં વેઠ, માનસિક થાક, તણાવ અને ઉશ્કેરાટ ! સરવાળે, સમયની મારામારી, કામની બાબતો માટે સમય નહીં અને બીજી બાજુ, ભરપૂર ટાઈમપાસ !

સમયનું પણ જબરું હોય છે, જ્યાં, જ્યારે, જેટલો જોઈએ એટલો મળે તો જુદી જ રીતે ધનવાન થઈ જવાય. સમય પસાર કરવો, સમય વિતાવવો, સમય માણવો કે સમયનું રોકાણ કરવું એ અલગ અલગ બાબતો છે પરંતુ મોટાભાગની વ્યક્તિઓને તેની વચ્ચે રહેલા ભેદની સાથે ખાસ લેવાદેવા નથી. નવરા વ્યક્તિઓ ટાઈમપાસ કરે છે જ્યારે વ્યસ્ત વ્યક્તિઓ ટાઈમ ઈન્વેસ્ટ કરે છે, પૈસા આપીને બીજાનો સમય ખરીદી લે છે ! સમય ખરીદવો એટલે શું ?! ધારો કે કોઈ એક વકીલ ખુબ વ્યસ્ત રહે છે અને પોતાની ગાડી ચલાવવા એક ડ્રાઈવર રાખે છે. હવે જે સમયે પોતે ગાડી ચલાવતા હતા તે સમયે પાછળ બેસીને જરૂરી ચુકાદાઓ કે પોતાના કેસ અંગેનું વાંચન કરે છે. એનો અર્થ એ થયો કે એમણે પૈસા આપીને ડ્રાઈવરનો સમય ખરીદી લીધો જે સમયમાં ડ્રાઈવર ગાડી ચલાવે છે અને પોતે વાંચન કરે છે. જો આ વાત સમજાતી હોય તો સમજી શકાશે કે પૈસા થકી થતી આ સમયની જ લે વેચ છે. હું મારો દિવસ અડતાલીસ કલાકનો ના કરી શકું એ થિયોરેટિકલી સાચું છે પરંતુ બીજા ત્રણ માણસોના આઠ કલાક ખરીદીને હું પ્રેક્ટિકલી મારા દિવસમાં ચોવીસ કલાક જોડી શકું. અલબત્ત હું આ રીતે કલાકોને વધારીશ કે નહીં અને વધારીશ તો કેટલા વધારીશ તે મારી ઉત્પાદકતા અને ઈચ્છા ઉપર  નિર્ભર છે. જે બાબતોમાં ભૌતિક વસ્તુઓ, સુખ-સગવડો કે સાધનોની આપ-લે નથી થતી ત્યાં સમયનો વિનિમય હોય છે, ભલે પછી તે પૈસા દ્વારા કે પૈસાના રૂપમાં હોય.

તમે 'લાઈન સીટર્સ' કે 'ક્યુ સ્ટેન્ડર્સ' જેવા વ્યવસાયો વિષે સાંભળ્યું છે ? સમયના રોકાણનો આ ધંધો છે. વ્યસ્ત કે સમય નહિ ફાળવી શકતા લોકો તેમના ગ્રાહકો છે. જેમ કે, નવો આઈફોન લેવા એક દિવસ પહેલાથી લાઈન લાગતી હોય ત્યાં 'ક્યુ સ્ટેન્ડર્સ' કલાકો ઉભા રહી જાય અને જ્યારે પોતાનો વારો આવવાનો થાય ત્યારે પોતાનું સ્થાન બીજાને વેચી દે ! જે લોકો પાસે લાઈનમાં ઉભા રહેવાનો સમય નથી, રાહ જોવાની ધીરજ કે વૃત્તિ નથી અને 'રહી ના જવાય' તેવી માનસિકતા (ફોમો-ફિઅર ઓફ મિસિંગ આઉટ)થી પીડાય છે તે લોકો આવા 'ક્યુ સ્ટેન્ડર્સ'ને પૈસા ચૂકવે છે. તાજેતરમાં, લાઈનમાં ઉભા રહીને રોજના સોળ હજાર કમાનાર 'પ્રોફેશનલ ક્યૂઅર' (આટલી ધીકતી કમાણી કરનારને 'ક્યુ સ્ટેન્ડર' થોડા કહેવાય ?!) ફ્રેડરીક બેકેટનો કિસ્સો વાઈરલ થઈ ગયો. લંડનના આ મહાશય અમીરો, સીનીઅર સિટીઝન્સ વગેરે તરફથી જુદી જુદી લાઈનમાં ઉભા રહીને પૈસા કમાય છે. લાઈનમાં ઉભા રહેવા દરમ્યાન એ ઓનલાઈન વિડીઓ કે સોશિયલ મીડિયામાં સમય બરબાદ કરવાને બદલે લેખન કરે છે કારણ કે વ્યવસાયે આ ભાઈ લેખક છે, લાઈનમાં ઉભા રહેવાનો તો સાઈડ બિઝનેસ છે !! આ પ્રોફેશનલ ક્યૂઅરનું આયોજન પણ જબ્બર હોય છે. કઈ વસ્તુ માટે, ક્યાં અને ક્યારે લાઈનમાં ઉભા રહેવું એની પાક્કી સમજ ધરાવવી એ તેમની વ્યવસાયિક કુનેહ છે. બાકી, મોટાભાગનાને તો મગજમાં પણ ના આવે કે આ રીતે પણ પૈસા કમાઈ શકાય.

આપણે ત્યાં આવો વ્યવસાય વિકસી શકે ?! ના, કોઈના સમય માટે કિંમત ચુકવવાની આપણી માનસિકતા નથી. આપણે ત્યાં કોઈ પોતાના સમય માટે પૈસા માંગે તો એ વાત મોટાભાગના લોકોને પચતી નથી પરંતુ આ લોકો એ સમજવામાં નિષ્ફળ જાય છે કે સરવાળે તો એ સમયના જ પૈસા ચુકવતા હોય છે.

 આપણે ત્યાં પ્રોફેશનાલિઝ્મ કે મોરલ્સ થોડા જુદા છે એટલે લાઈનમાં સ્થાનને બદલે સીધેસીધી પ્રોડક્ટના જ કાળા બજાર થવા માંડે છે અને એમાં માત્ર સમય જ નહીં, લાલચ અને બેઈમાની પણ સંકળાયેલી હોય છે. કમનસીબે સમય અંગેની આપણી માનસિકતા ઘણી અસ્વસ્થ છે ! શહેરના પીક ટ્રાફિકના સમયના પણ આપણે દસ કીમી દૂર બેઠેલા વ્યક્તિને દસ જ મિનિટમાં પહોંચવાનું વચન આપતા હોઈએ છીએ અને એટલું જ નહીં, દસ મિનિટમાં પહોંચી જઈશું એવું માનતા પણ હોઈએ છીએ ! પરિણામ એ આવે છે કે વાહન હંકારતી વખતે આપણે હંમેશા રઘવાટમાં જ હોઈએ છીએ અને જ્યાં જે સમયે પહોંચવાનું હોય તેના કરતા મોડા જ પહોંચીએ છીએ. ડ્રાઈવિંગ પ્લેઝર આપણે માટે મોટાભાગે કાલ્પનિક છે, કોઈ વાસ્તવિકતામાં એનો આનંદ લેવા પણ જાય તો બીજો કોક રઘવાટમાં એની મઝા બગાડી નાખે ! સમયની ગતિ સાપેક્ષ હોય છે, મઝામાં હોઈએ ત્યારે સમયને પાંખો લાગે છે અને દુ:ખી હોઈએ ત્યારે એના પગે બેડીઓ બંધાઈ જાય છે. સરવાળે બને છે એવું કે મઝાની યાદ ધૂંધળી રહી જાય છે અને દુ:ખ પાક્કી છાપ છોડી જાય છે. માટે જ કદાચ સુખની ઝલક અને દુ:ખના દાડા હોય છે.

પૂર્ણવિરામ

ઘડિયાળના કાંટાની ઝડપ તમારા મનની સ્થિતિ પ્રમાણે બદલાતી હોય છે !


Google NewsGoogle News