Get The App

ધ્યાન સાધવા માટે મનને ક્રિયાઓ, વિચારો કે લાગણીઓમાં બાંધવું પડતું હોય છે

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
ધ્યાન સાધવા માટે મનને ક્રિયાઓ, વિચારો કે લાગણીઓમાં બાંધવું પડતું હોય છે 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- આપણું મન અનેક માન્યતાઓથી બંધાયેલું રહેતું હોય છે અને તેને કારણે આપણે જીવનની સંપૂર્ણ સંભાવનાઓને પ્રગટ - મેનિફેસ્ટ નથી કરી શકતા. 

ખ ળખળ વહેતી નદીના કિનારે એક કુંભાર તેના ગધેડા સાથે ઉભો હતો. તેની બોડી-લેંગ્વેજથી એવું લાગતું હતું કે તે કશી અસમંજસમાં હતો. થોડીવાર ચારેકોર જોતા રહ્યા પછી તેણે થોડે દૂર, નદી કિનારે બેઠેલા એક વૃદ્ધ તરફ ચાલવા માંડયું. 'વડીલ તમે કેટલો સમય અહીં બેઠો છો ?!' તેણે વૃદ્ધને પૂછ્યું.

'તમારે મારું કંઈ કામ હતું ?' વડીલ સીધા મુદ્દા પર જ આવ્યા, આમ પણ તેની કંઈક અવઢવ એ દૂરથી જોતા જ હતા.

'મારે નદીના સામે કિનારે કામ છે પરંતુ મારા આ ગધેડાને લઈને હું નદી પાર કરી શકું એમ નથી.' કુંભારે પણ સીધી જ રજુઆત કરી.

વૃધ્ધે નદી પસાર કરી રહેલા અન્ય કેટલાક લોકો સામે ઈશારો કરતા કહ્યું 'નદી તો સાવ છીછરી છે અને વહેણ પણ એટલું ભારે નથી, આસાનીથી પસાર થઈ જવાશે.'

'મારા ગધેડાને પાણીમાં બેસી જવાની આદત છે, એકવાર બેસી જાય તો તેને ઉઠાડવું એ ભારે પરિશ્રમનું કામ છે. હું વિચારતો હતો કે તમે જો તેનું ધ્યાન રાખતાં હોવ તો હું ઝટપટ કામ પતાવીને પાછો આવી જાઉં.'

'કંઈ વાંધો નહીં, તું એને ત્યાં બાંધીને જા, હું ધ્યાન રાખતો રહીશ' કાંઠે રહેલા એક વૃક્ષ તરફ ઈશારો કરતા વૃધ્ધે કહ્યું.

'ગુરુજી મારી પાસે બાંધવા માટેની દોરી હોત તો ક્યારનું ય એને બાંધી દીધું હોત, પરંતુ આજે એ દોરી હું રોજ એને જ્યાં બાંધુ છું તે વંડીમાં જ રહી ગઈ છે.' કુંભારે વૃદ્ધની સલાહ પ્રત્યે અણગમો છતો ના થઈ જાય તેનું ધ્યાન રાખતાં કહ્યું.

'કંઈ વાંધો નહીં, તું એને ત્યાં લઈ જા અને વાસ્તવમાં દોરીથી બાંધતો હોય તેવો અભિનય કરીને એને ઝાડ સાથે બાંધી દે' વૃદ્ધે સહજતાથી કહ્યું.

બીજો કોઈ અન્ય ઉપાય નહતો અને આ બહાને પણ વૃદ્ધ દૂરથી ગધેડાનું ધ્યાન રાખશે એવું વિચારીને એણે સંશયપૂર્વક ગધેડાને ઝાડ સાથે બાંધવાનો અભિનય કર્યો. થોડીવાર ગધેડાને સ્થિરતાથી ઊભેલું જોઈને, કુંભાર પોતાના કામે નીકળી ગયો. શક્ય તેટલી ઝડપથી એ પોતાનું કામ પતાવીને પાછો આવ્યો ત્યારે તેણે આશ્ચર્યપૂર્વક જોયું કે ગધેડું તો જાણે બંધાઈને ત્યાં જ ઉભું હતું. એણે ગધેડાને લઈને ચાલવા માટે એના ગળામાં પહેરાવેલી પથ્થર પરોવેલી કંઠી ખેંચી પણ ગધેડું તો હલ્યું પણ નહીં, બે-ચાર હળવી થપાટો મારી, ગળાની કંઠી જોરપૂર્વક ખેંચી પણ ગધેડું તો જડતાપૂર્વક ઉભું જ રહ્યું.

'એને તેં છોડયું ખરું ?!' દૂરથી વૃદ્ધનો અવાજ આવ્યો, એ હજી ત્યાં જ હતા અને આ આખો ખેલ જોઈ રહ્યા હતા. 'પણ, મેં ક્યાં એને ખરેખર બાંધ્યું છે ?!' કુંભારે સામે બૂમ પાડી. 'એ વાત તને અને મને ખબર છે, એને નહીં. એની ધારણા પ્રમાણે તેં એને બાંધ્યું છે એટલે હવે છોડવાનો અભિનય કર તો એનું મન બંધનમાંથી મુક્ત થશે અને એ ચાલવા માંડશે.' વૃદ્ધની વાતમાં ફરી સંશય હોવા છતાં તેણે ગધેડાને છોડવાનો અભિનય કર્યો. ગધેડાએ તરત જ તેની સાથે ચાલવા માંડયું !! વાર્તા ભલે કાલ્પનિક છે પરંતુ એનો મર્મ બહુ મહત્વનો છે. આપણું મન, આ રીતે જ, અનેક માન્યતાઓથી બંધાયેલું રહે છે અને તેને કારણે આપણે જીવનની સંપૂર્ણ સંભાવનાઓને પ્રગટ-મેનિફેસ્ટ નથી કરી શકતા. મનોવિજ્ઞાાન આ ધારણાઓને પ્રિકોગ્નિટિવ કમિટમેન્ટ્સ કહે છે. વ્યક્તિઓ તેમનામાં રહેલી સંભાવનાઓ અને શક્તિ પ્રમાણે જીવનમાં પ્રગતિ કે પ્રાપ્તિ નથી કરી શકતા તેની પાછળ સૌથી મહત્વનું કારણ તેના પ્રિકોગ્નિટિવ કમિટમેન્ટ્સ હોય છે, એમાંના કેટલાક સર્વસામાન્ય હોય છે અને કેટલાક અંગત. મનમાં બદલાવ લાવવો હોય તો આ પ્રિકોગ્નિટિવ કમિટમેન્ટ્સને પડકાર ફેંકવો પડે, જરૂર પડે તોડવા પણ પડે અને આ બદલાવ જાગૃતિ કેળવીને કરાયેલા ધ્યાન દ્વારા જ શક્ય છે. અને માટે જ આ લેખમાળાના પહેલા લેખમાં જ કહ્યું હતું કે સંસ્કૃતિના ઉદયથી પ્રબુદ્ધો મનને વશમાં રાખવા, વિકસિત કરવા કે બદલવા માટે ધ્યાન-મેડિટેશનને એક માત્ર ઉપાય તરીકે ગણાવતા આવ્યા છે.

આપણે છેલ્લા કેટલાક સપ્તાહોમાં મનની ઘણી લાક્ષણિકતાઓ જોઈ અને જો એ બધાના સંદર્ભમાં આજની વાર્તાનો મર્મ મૂલવીએ તો મનને ધ્યાનની અવસ્થામાં લાવવા માટે બાંધવું પડે છે. અલબત્ત ઘણા ધ્યાનીઓ મનને બાંધ્યા વગર સીધેસીધાં ધ્યાનસ્થ થઈ શકતા હોય છે પરંતુ એ માટે આવડત નહીં મહાવરો વધુ કામ આવે છે. ધ્યાનનો નિયમિત-શિસ્તપૂર્વકનો મહાવરો ધરાવતા આ અનુભવીઓને બાજુ પર રાખીને વાત કરીએ તો મોટાભાગની વ્યક્તિઓને ધ્યાન સાધવા માટે મનને બાંધવું જરૂરી હોય છે. મનને જુદી જુદી રીતે બાંધી શકાય છે, ક્રિયાઓમાં, વિચારોમાં કે લાગણીઓમાં. ક્રિયાઓ વડે મનને બાંધવા ઈચ્છતા લોકો જુદી જુદી પ્રવૃત્તિઓ, વિધિઓ, માળા, મંત્રોચાર, યોગાસનો વગેરેમાં મનને બાંધે છે. વિચારોથી મનને બાંધનારા મનમાં ધારણાઓ, જાગૃતિ, સાક્ષીભાવ, માઈન્ડફુલનેસ વગેરે ઉભી કરીને મન બાંધે છે. ભક્તિ, ગ્રેટિટયુડ, કરુણા, પ્રેમ વગેરે ભાવ સાથે ધ્યાનમાં ઉતરી જનારા લાગણીઓથી મનને બાંધે છે. જેમ જેમ ધ્યાનનો અભ્યાસ પાકો થતો જાય તેમ તેમ મનને બાંધવું નથી પડતું, આપમેળે જ સ્થિર થઈ જાય છે, જ્યારે જોઈએ ત્યારે અને જ્યાં જોઈએ ત્યાં !

મનને કાબૂમાં કરવાના સંદર્ભમાં આઠમી લાક્ષણિકતા - પરિણામવાદી, વિચલનશીલ મનની ચંચળતાને વશમાં રાખવા મનને બાંધવું પડે છે. મનને બાંધવાથી ધ્યાનમાં પ્રવેશ સહેલો બની જાય છે અને તેથી જ કદાચ પતંજલિ અષ્ટાંગ યોગમાં ધ્યાન પહેલાનું પગથિયું ધારણા છે. ધારણા મનને બાંધવાનું કામ કરે છે. મનમાં ઈચ્છિત બદલાવ લાવવા યોગ્ય ધારણા કરવી અનિવાર્ય થઈ પડે છે.

પૂર્ણવિરામ : 

ધારણા એ સ્પોટલાઈટ છે, ધ્યાન તેની ચમકમાં નહાતું સ્ટેજ છે.


Google NewsGoogle News