Get The App

સતર્ક ના રહ્યા તો ઘડપણ ત્રીસીમાં કે ચાલીસીમાં પણ ત્રાટકી શકે

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
સતર્ક ના રહ્યા તો ઘડપણ ત્રીસીમાં કે ચાલીસીમાં પણ ત્રાટકી શકે 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- એક સાથે જરૂર કરતા વધુ માહિતીનો મારો, મલ્ટી - ટાસ્કિંગ, ધ્યાનનું સતત વિચલિત થતા રહેવું વગેરે મગજને થકવી નાખે છે. અધૂરામાં પૂરું, છેક સૂતા સુધી મગજ મોબાઇલમાં એક્ટિવ અને ઉઠતાની સાથે પણ મોબાઇલ, વચમાં જો ઉઠી જવાય તો પણ મોબાઇલ! મગજને સાચા અર્થમાં આરામ ક્યારે મળે ?!

એ ક જમાનામાં મોતિયો, આર્થરાઇટિસ, હાર્ટ-એટેક્સ, યાદશક્તિની તકલીફો, બહેરાશ વગેરે સમસ્યાઓ વૃદ્ધાવસ્થા પૂરતી સીમિત હતી અથવા એમ કહોને કે ઘડપણની સમસ્યાઓ તરીકે વર્ગીકૃત થતી. આજે આ સમસ્યાઓને અને ઉંમરને કંઈ લેવા-દેવા રહી નથી. ચાલીસ વર્ષે પણ મોતિયો આવી શકે અને પાંત્રીસ વર્ષે ઘૂંટણ કે થાપાના સાંધાઓ પણ બદલવા પડે! હાર્ટ-એટેક તો હવે ગમે તે ઉંમરે ત્રાટકી શકે અને યાદશક્તિના પ્રશ્નો તો હવે રોજિંદા બનતા જાય છે! પુખ્તવયે દેખા દેતું ડિપ્રેશન હવે છ-સાત વર્ષના બાળકોમાં પણ જોવા મળે છે!! નિયમિત વાંચન અને સમાચારો સાથે જોડાયેલી વ્યક્તિઓએ આ બદલાવ નોંધમાં લીધો હશે પરંતુ બહુ જૂજ એવા હશે કે જેમણે એના વિશે ચિંતન પણ કર્યું હશે. મારે અહીં, અકાળે પેદા થતી આ સમસ્યાઓના કારણોમાં નથી પડવું કારણ કે ચર્ચા કરવા જઈએ તો જીવનશૈલી, આધુનિક ટેકનોલોજી, સોશિયલ મીડિયાથી લઈને ક્લાઇમેટ ચેન્જની પાર પણ અનેક બાબતોને તપાસવી પડે! પરંતુ એક વાત સ્વીકારવી રહી કે સતર્ક ના રહ્યા, જીવનશૈલી પર ધ્યાન ના આપ્યું તો ઘડપણ ગમે ત્યારે ત્રાટકી શકે, ભલે પછી તમે ત્રીસીમાં હોવ કે ચાલીસીમાં !

બે સપ્તાહ પહેલા આપણે અહીં 'બ્રેઈન ફોગ' વિશે વાત કરી હતી ત્યારે અંતમાં મેં એવું કહ્યું હતું કે આજે જે 'બ્રેઈન ફોગ' છે તે આવતીકાલે કદાચ 'ડિજિટલ ડિમેન્શિયા'નું સ્વરૂપ લે તો નવાઈ નહીં. સરળ શબ્દોમાં સમજાઉં તો આ ડિમેન્શિયા એટલે મગજના ચેતાકોષોનો ઘસારો, જે સામાન્ય રીતે સિત્તેરના દાયકા પછી દેખા દે. પરંતુ આજે આ વાત જૂની થઈ ગઈ, ઘડપણની બીજી સમસ્યાઓની જેમ આજે ડિમેન્શિયા પચાસના દસકામાં પણ જોવા મળે છે અને ક્યારેક તો ચાલીસીમાં પણ!! ડિજિટલ ગેજેટ્સના સ્ક્રીન ઉપર કલાકો લટકેલા રહેવાથી મગજમાં લોહીના પરિભ્રમણની ગરબડો સર્જાય છે, મગજનો ડાબો ભાગ વધુ શ્રમ કરે છે અને સરખામણીએ જમણો ભાગ નવરો રહે છે. એક સાથે જરૂર કરતા વધુ માહિતીનો મારો, મલ્ટી-ટાસ્કિંગ, ધ્યાનનું સતત વિચલિત થતા રહેવું વગેરે મગજને થકવી નાખે છે. અધૂરામાં પૂરું. છેક સૂતા સુધી મંગજ મોબાઈલમાં એક્ટિવ અને ઉઠતાની સાથે પણ મોબાઇલ, વચમાં જો ઉઠી જવાય તો પણ મોબાઈલ! મગજને સાચા અર્ર્થમાં આરામ ક્યારે મળે?! મગજના આ અતિશ્રમને પરિણામે, યાદશક્તિમાં ઘટાડો, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીઓ, કોઈપણ કાર્યમાં એકાગ્ર રહેવામાં ગરબડ અને ધીમી પડી જતી અન્ય માનસિક ક્રિયાઓની સમસ્યાઓ રોજીંદી બની જાય છે. ડિજિટલ ધુમ્મસમાં જાણે મગજની ક્રિયાઓ ધૂંધળી થાઈ જાય અને લાંબે ગાળે મગજની ક્ષમતા કાયમી સ્તરે ઘટી જાય. કસમયે અને કાચી વયે મગજ હાંકવા માંડે ત્યારે ડિજિટલ ડિમેન્શિયા ડોકિયાં કરવા માંડે. એક અંદાજ પ્રમાણે ભારતીયો સરેરાશ રોજના પાંચ-છ કલાક મોબાઇલ પર રહે છે. મોબાઈલ, ટેબ્લેટ કે લેપટોપ પર કરવાના અને ના કરવાના કામોમાં સતત વળગેલો વર્ગ આ ડિજિટલ ડિમેન્શિયાના જોખમમાં છે.

આટલું વાંચીને ઘણી વ્યક્તિઓને થશે કે આ આપણી વાત નથી. આપણે તો ડિજિટલી એટલા વ્યસ્ત ક્યાં રહીએ છીએ? મારી દ્રષ્ટિએ કોઈપણ સબ સલામતની વાત કરતા પહેલા આ પ્રશ્નો પર વિચાર કરવો. તમે કેટલી વાર ભૂલી જાઓ છો કે તમે તમારો ફોન અથવા કોઈ ચોક્કસ એપ્લિકેશન શા માટે ખોલી? તમે કેટલી વાર રૂમમાં જાઓ છો અને ભૂલી જાઓ છો કે તમે ત્યાં શા માટે ગયા છો? તમે હાથમાં રહેલા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેટલી વાર સંઘર્ષ કરો છો? શું તમને કંઈક વાંચતી વખતે કે જોતી વખતે એકાગ્રતામાં રહેવું પડકારજનક લાગે છે? તમે અઠવાડિયામાં કેટલી વાર એપોઇન્ટમેન્ટ અથવા મહત્વની તારીખો ભૂલી જાઓ છો? વાતચીતમાં તમે કેટલી વાર નામ અથવા મહત્વની વિગતો ભૂલી જાઓ છો? શું તમને નાના નાના નિર્ણયો લેવાનું પણ ક્યારેક મુશ્કેલ લાગે છે? તમે કેટલી વાર થોટ-બ્લોક્સ અનુભવો છો જ્યાં તમે કંઈપણ વિચારી શકતા નથી? શું તમે વારંવાર વાતચીત અથવા કાર્યની વચ્ચે તમારા વિચારોની શૃંખલા અટકી કે તૂટી જતી અનુભવો છો? નોંધપાત્ર માનસિક પ્રયત્નો કર્યા વિના તમે અવારનવાર માનસિક રીતે થાક અનુભવો છો? શું તમને પ્રવૃતિઓ દરમિયાન તમારું મન સરળતાથી ભટકતું કે ઝોન આઉટ થતું જણાય છે? માનસિક સ્પષ્ટતાના અભાવને કારણે તમને સમયસર કાર્યો પૂર્ણ કરવામાં કેટલી વાર મુશ્કેલી પડે છે ? શું તમે ચર્ચા દરમિયાન તમારા વિચારો સ્પષ્ટ પણે વ્યક્ત કરવામાં સંઘર્ષ કરો છો ? સ્પષ્ટ રીતે વિચારવામાં તમારી અસમર્થતાને કારણે તમે કેટલી વાર હતાશા અથવા બેચેની અનુભવો છો ? શું તમને માનસિક સ્પષ્ટતાના અભાવે કાર્યક્ષમતાથી કાર્ય પૂર્ણ કરવું પડકારજનક લાગે છે ? તમે રાત્રે ગાઢી ઊંઘ લઇ શકો છો ? આમ તો આ લિસ્ટ હજુ લાંબુ થઇ શકે પરંતુ ટૂંકમાં કહું તો આ 

બધા સવાલો 'બ્રેઇન ફોગ'ને લગતા છે અને જો યોગ્ય પગલાં ના લેવાય તો લાંબે ગાળે ડિજિટલ ડિમેન્શિયાની શક્યતા બતાવનારા છે.

સ્ક્રીનના વધુ પડતા ઉપયોગથી આંખોના શ્રમ અને થાકને આરામ આપવા દર વીસ મિનિટે, વીસ ફૂટ દૂર, વીસ સેકન્ડ માટે નજર માંડવી જરૂરી હોય છે. (૨૦-૨૦-૨૦ રૂલ) તેમ, મગજને થાકી જતું અટકાવવા કે ડિફોગ કરવા અમુક કસરતો કરતા રહેવી જરૂરી છે. આ કસરતો પાછળનો હેતુ વિચારો - લાગણીઓના નિયંત્રણ, ધ્યાન - એકાગ્રતા, યાદ શક્તિ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ભાષા, સર્જનાત્મકતા વગેરેને કેન્દ્ર સ્થાને રાખીને મગજની કોગ્નિટિવ એટલે કે જ્ઞાનાત્મક ક્ષમતાઓને વિકસિત કરવાનો હોય છે. આ ક્ષમતાઓ સ્થિર નથી. શરીરના સ્નાયુઓની જેમ સતત પ્રેક્ટિસ દ્વારા તેનો ઉછેર અને વિકાસ કરી શકાય છે. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ માટે પણ આ કસરતો એટલી જ જરૂરી છે અને જે વ્યક્તિઓ પોતાના મગજની ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરવા માંગે છે તેમના માટે તો વધુ જરૂરી છે.

પૂર્ણ વિરામ :

જીવનમાં શાંતિ, આનંદ, આરોગ્ય, વૃદ્ધિ અને સમૃદ્ધિ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર નિર્ભર છે. તેને કેળવશો, તેનું રક્ષણ કરશો તો તે તમને જીવનના તોફાનોમાંથી સુખરૂપ પસાર કરશે.


Google NewsGoogle News