Get The App

જીવનમાં દરેક બાબત માટે પ્રયત્ન જરૂરી નથી, કેટલીક આપમેળે ઘટે છે

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
જીવનમાં દરેક બાબત માટે પ્રયત્ન જરૂરી નથી, કેટલીક આપમેળે ઘટે છે 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- જ્યાં સુધી સાધનાના ભાવથી મહાવરો ચાલુ રહે ત્યાં સુધી સર્જન ઉત્તમ થતું રહે છે પરંતુ જે દિવસથી એમણે આ બધું પ્રયત્નપૂર્વક કરવું પડે તે દિવસથી સર્જનાત્મકતામાં ઓટ આવવા માંડે છે.

ઓ શોએ કહેલી એક ઝેન ગુરુની વાત યાદ આવે છે. ગુરુ પાસે સત્યની શોધમાં અનેક વ્યક્તિઓ આવતા રહેતા. આવનાર વ્યક્તિની યોગ્યતા ચકાસવાનો તેમની પાસે એક આગવો રસ્તો હતો, તેમણે એક સવાલ બનાવી રાખ્યો હતો. તે કહેતા કે સત્યની શોધ પછી કરજે પહેલા હું એક સમસ્યામાં છું એને ઉકેલવામાં મને મદદ કર, એમ કહીને ગુરુ એમને અવળે ધંધે લગાવી દેતા. આમ પણ વ્યક્તિઓને સલાહ આપવાની ખુજલી રહેતી હોય છે અને એમાંય તમે જ્યારે કહો કે મારે તારી સલાહની જરૂર છે ત્યારે તો એ પોતાની બધી જ સમસ્યા અને યોગ્યતા ભૂલીને એકદમ સક્રિય થઈ જાય છે. 'આ બાબતમાં સલાહ આપવા હું યોગ્ય નથી' એવું કહેવા કે સ્વીકારવામાં તો ઘણી યોગ્યતાની જરૂર પડે ! અને એમાંય, શિષ્ય બનવા આવ્યા હતા ને ગુરુ બનવાની તક મળી, થોડી જવા દેવાય ?! સ્વાભાવિક છે, મોટાભાગના ગુરુની જાળમાં ફસાઈને અવળે ધંધે લાગી જતા. 'આપની શું સમસ્યા છે ?' આવનાર વ્યક્તિના ટોનમાં જ ગુરુ-શિષ્યના સ્થાનની અદલાબદલી સ્પષ્ટ દેખાવા માંડતી. 'મેં એક બરણીમાં મરધીનું ઈંડુ રાખ્યું હતું. બન્યું એવું કે ઈંડુ ફૂટયું અને બરણીમાં મરઘી પેદા થઈ, હું એને બહારથી દાણા નાખતો રહ્યો અને મરઘી અંદર મોટી થતી ગઈ. હવે મરઘી એટલી મોટી થઈ ગઈ કે એ બરણીના સાંકડા મોઢામાંથી કોઈપણ સંજોગોમાં બહાર નીકળી શકે એમ નથી. મારે એને બહાર કાઢવી છે પણ બરણીને તોડયા વગર ! કોઈ રસ્તો બતાવ. જો મરઘીને નહીં કાઢી શકે તો મરી જશે એટલે ઝડપથી વિચારીને ઉપાય કહે' ગુરુ એમની સમસ્યા પેલાને કહેતા. પેલો વિચારમાં પડે એટલે ગુરુ એક ઓરડાના દરવાજા આંગળી કરીને કહેતા 'જા પેલા રૂમમાં જઈને ધ્યાન કર, બરણી તોડવાની નથી ને મરઘીને બહાર કાઢવાની છે.'

એકા'દ કલાક પછી ગુરુ દરવાજો ખોલતા તો ખબર પડતી કે સત્યની શોધમાં આવેલો રૂમના બીજા દરવાજેથી ભાગી ગયો અને ગુરુ સ્વગત કહેતા 'મરઘી બરણીની બહાર નીકળી ગઈ.'

સાધક આવ્યો'તો સત્યની શોધમાં અને ઉખાણું લઈને ચાલતો થઈ ગયો ! જીવનમાં આવું અવારનવાર બનતું હોય છે, નીકળ્યા હોઈએ ક્યાં જવા માટે અને પહોંચીએ ક્યાં ?! જો સમજાઈ ગયું હોત તો વાત સરળ હતી, ઉકેલ શક્ય નહતો. મહેનત એ દિશામાં કરવાની જ નહતી, એ તો માત્ર ઈશારો હતો ધ્યાન દ્વારા સહજતા  કેળવવાનો ! એ કેળવી શકાત તો મન સત્યની શોધમાં આગળ વધત. જીવનમાં દરેક બાબત માટે પ્રયત્ન જરૂરી નથી હોતો, કેટલીક બાબતો સહજતા કેળવવાથી આપમેળે ઘટતી હોય છે. ધ્યાન, સાક્ષીભાવ, માઈન્ડફુલનેસ, જતું કરવાની વૃત્તિ, જે જેવું છે તેવું સ્વીકારવાની વૃત્તિ વગેરે આ પ્રકારની બાબતો છે. આવી બાબતો પ્રયત્નપૂર્વક કરવા જાવ તો તમે અવળે રસ્તે ચઢી જાવ. નીકળો સત્યની શોધમાં અને બરણીમાંથી મરઘી કાઢવાના ધંધે લાગી જાવ !

આ સંદર્ભમાં ઈસપની એક વાર્તા બહુ માર્મિક છે. બન્યું એવું કે, જંગલમાં એક સસલાએ પહેલી જ વાર કાનખજુરાને જોયો. આટલા બધા પગવાળું નાનકડું જાનવર જોઈને એને ખુબ આશ્ચર્ય થયું. એનું તાર્કિક મન મૂંઝવણમાં પડયું, મનમાં અનેક પ્રશ્નો થવા માંડયા. આટલું નાનકડું પ્રાણી આટલા બધા પગને મેનેજ કેવી રીતે કરતુ હશે ?! પહેલા કયો પગ ઉઠાવતું હશે ?! કયા પગ પછી કયો પગ ઉઠવો જોઈએ ? કયા પગ ઉઠયા છે અને કયા ઉઠવાના ઉઠવાના બાકી છે તેનો હિસાબ કેવી રીતે રાખતું હશે ? વગેરે. સસલું તો પહોંચી ગયું કાનખજૂરા પાસે અને બધા પ્રશ્નો એકીશ્વાસે પૂછી નાખ્યા. કાનખજૂરો વિચારમાં પડી ગયો, એણે કદી આ વિષે વિચાર્યું નહતું. પોતે આ દિશામાં વિચારીને કહેશે એમ કહીને પગની બાબતમાં વિચારતા વિચારતા એ આગળ વધ્યું. કયા પગ પહેલા ઉઠે છે, કેવી રીતે ઉઠે છે વગેરે વિચારોમાં કાનખજૂરો જિંદગીમાં પહેલીવાર અડબડીયા ખાઈ ગયો. જેમ ચાલતો ગયો તેમ ગોથા ખાતો ગયો, જીવનમાં પહેલીવાર ચાલવું એ એની સમસ્યા બની ગઈ. તરત એ સસલા પાસે પહોંચી ગયો અને કહ્યું 'ભાઈ મને માફ કરો, હું તમારા પ્રશ્નોનો જવાબ નહીં આપી શકું. મારુ ચાલવું કે મારી લય પાછળ કોઈ તર્ક-લોજીક નથી, મારી એ ક્રિયા સહજતાથી થતી જ રહે છે. તે નકામો તર્ક ઉભો કરીને મારી સહજતામાં અડચણ પેદા કરી દીધી. અહીંથી ભવિષ્યમાં પણ બીજા કાનખજૂરા પસાર થશે, મહેરબાની કરીને એમને આવા પ્રશ્નો પૂછીને વિચલિત ના કરી મુકતો.'

આ તો કાનખજૂરાની વાત હતી પરંતુ આ જ વાત તમારી કુદરતી શક્તિઓને લાગુ પડે છે. ખેલાડી, સંગીતકાર, ચિત્રકાર, કવિ, લેખક વગેરેની સર્જનાત્મકતાના કોઈ લોજીક નથી હોતા, એમના દ્વારા સહજતાથી બધું આપમેળે થતું રહેતું હોય છે. જ્યાં સુધી સાધનાના ભાવથી એમનો મહાવરો ચાલુ રહે ત્યાં સુધી તેમનું સર્જન ઉત્તમ થતું રહે છે. પરંતુ જે દિવસથી એમણે આ બધું પ્રયત્નપૂર્વક કરવું પડે, નામ-ધન-પદની લાલસાથી કરવું પડે તે દિવસથી તેમની સર્જનાત્મકતામાં ઓટ આવવા માંડે છે. જરૂરી નથી કે સસલાની જેમ દર વખતે બહારની વ્યક્તિ જ લોજીક દોડાવીને તમારી નૈસર્ગીક બાબતોમાં ટાંગ અડાવે, ધણીવાર તમારું પોતાનું મન પણ અનેક તર્ક-વિતર્ક કરીને તમને ધંધે લગાડે અને તમને મનથી અસ્વસ્થ કરી મૂકે. નકાર કે નકારાત્મક બાબતોને પકડી રાખવાની મનની અવળચંડાઈ દૂર કરવા સહજતા કેળવવાનો મહાવરો કરવો જરૂરી છે. જે બાબતોમાં નૈસર્ગીક સહજતા છે તેમાં કોઈપણ રીતે અવરોધો ના પેદા કરવા અને જે બાબતોમાં સહજતા કેળવવી પડે એમ છે તેમાં ધ્યાન, સાક્ષીભાવ વગેરેથી બદલાવ લાવવા સતત પ્રયત્નશીલ રહેવું.


Google NewsGoogle News